Get The App

ઓપનહાઇમર અને ગીતા : કામોઅસ્મિથી કાલોઅસ્મિ...!

Updated: Jul 30th, 2023

GS TEAM

Google News
Google News
ઓપનહાઇમર અને ગીતા : કામોઅસ્મિથી કાલોઅસ્મિ...! 1 - image

- ભારતીય સંસ્કૃતિમાં સહજ સેક્સની આભડછેટ હતી નહિ, એ આપણે ઉધાર લીધેલી વિકૃતિ છે ખાતરી ન હોય તો ગીતા સાચી સમજો!

- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા

- એ કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં જોડાયો, ત્યારે એને ત્યાં સંસ્કૃત ભણાવતા વિદ્વાન પ્રોફેસર આર્થર રાઈડરનો પરિચય થયો. રાઈડરની બુદ્ધિમત્તાથી પ્રભાવિત ઓપનહાઇમરે સંસ્કૃત શીખી લીધું.

ધર્માવિરૂદ્ધો ભૂતેષુ કામોઅસ્મિ (ભગવદ્ ગીતા, અધ્યાય- ૭, શ્લોક- ૧૧)

પ્રજનાશ્ચસ્મિ કંદર્પ : (ભવવદ્ ગીતા, અધ્યાય- ૧૦, શ્લોક- ૨૮)

એ ક નહિ બબ્બે વાર ગીતામાં શ્રીકૃષ્ણને પોતે બિલકુલ ક્ષોભ, સંકોચ શરમ વિના કામ હોવાની વાત કરે છે. કામ યાને વર્ક નહિ. સેક્સ. પૂર્ણ પુરૂષોત્તમ આજના મઠ કે દીક્ષાના અર્થમાં બાળબ્રહ્મચારી કે સંસારત્યાગી નહિ, પણ શ્રેષ્ઠ ગૃહસ્થ હતા. એટલું તો ભારતમાં કોઈને યાદ દેવડાવવાનું ન હોય. ભારતે તો ધર્મ, અર્થ અને મોક્ષની સાથે કામને પુરૂષાર્થ ગણ્યો છે. સહજ લિંગપૂજા અને મંદિરોમાં નયનરમ્ય શૃંગારિક શિલ્પાકૃતિઓના શણગારનો આપણો પ્રાચીન વારસો રહ્યો છે. એટલે પરમ સંત કોટિના શંકરાચાર્ય સૌંદર્યલહરી લખે માની સ્તુતિમાં કે સાક્ષાત્ કૃષ્ણકૃપાર્થી નરસિંહ મહેતા રાસવર્ણન લખે ઉન્માદક એ અહીં સ્વીકૃત હતું. આવું ઉદ્દાત શિખર ન ધરાવતા વિક્ટોરિયન ખ્રિસ્તીઓ અને જેહાદી મુસ્લિમોની જડતા આપણે ત્યાં એટલી હદે ફેલાઈ ગઈ કે આજે કશું વાંચ્યા વિનાના અભણ ને જડ હિન્દુઓ માટે લાગણી દૂભાવવાનું એ ટેમ્પલેટ છે. કોપીકેટ ઓફ ક્રિશ્ચયન ઇસ્લામી બ્લાસફેમી. સેક્સના નામમાત્રથી એલર્જીક રોગીની જેમ ભડકી જવાનું !

બેક ટુ ગીતા. બંને શ્લોકના અનુવાદો દાયકાઓથી ખોટા કરીને ગૂંચવી નાખવામાં આવ્યા છે. કારણ મર્યાદાના નામે કમ્ફર્ટ ઝોનને વળગી રહેતું અને આનંદનો તિરસ્કાર કરતું વિદ્વાનોનું જડ માનસ. વસતિ વધારામાં નંબર વન થઈને પણ સેક્સને હડે હડે જાહેરમાં કર્યા કરવાનો દંભ. આપણા પૂર્વજો બહાદુર હતા, નિખાલસ હતા, જીવનના સ્વીકારક પ્રેમી અને વિસ્મયવાદી સંશોધક હતા. દસ વાર વાંચો. સંસ્કૃતિના ઘણા રખોપિયાઓને સંસ્કૃત તો સમજાતું નથી, પણ આ એટલું અઘરું નથી. 'સર્વ પ્રાણીઓમાં ધર્મથી અવિરૂદ્ધ એવો કામ હું છું.' એવો સ્પષ્ટ અર્થ છે. ઘણા પોથીપંડિતો 'ધર્મથી અવિરૂદ્ધ' શબ્દ પકડીને એમના સંકુચિત અર્થઘટનો ઠાલવવા લાગે છે પણ આખા મહાભારતનો તટસ્થભાવે અભ્યાસ કરો તો એમાં ધર્મ શબ્દ ટીલાટપકાં, પૂજાપાઠ કે ઇવન કોઈ ધાર્મિક નિષેધ આજ્ઞા (ડોન્ટસ, આમ કરો તો પાપ લાગે વગેરે)ના અર્થમાં નથી. પણ સમાજમાં સદ્ભાવ અને સુખ-શાંતિ રહે એ માટેના ઉચ્ચ આદર્શો જાળવતા ન્યાય, નીતિ અને નિયમના અર્થમાં ધારયતે ઇતિ ધર્મ છે. ત્યારે બીજા ધર્મો હતા જ નહિ ભારતમાં કે ટિપિકલ રિલિજીયસ એક્ટ/ પંથ- સંપ્રદાય જેવું એક ગુરૂ, એક ગ્રંથ એવું બંધારણ આવે.

સાદો ને સરળ છતાં સ્પષ્ટ અર્થ એવો છે કે, ધર્મથી અવિરૂદ્ધ એવો કામ હું છું - યાને સેક્સ ઇઝ બ્યુટીફૂલ, બટ રેપ/ મોલેસ્ટેશન ઇઝ ડર્ટી. પરસ્પરની સહમતિ હોય ને કોઈ છૂપા ષડયંત્ર (બ્લેક મેઇલિંગ), સ્વાર્થ કે ગણત્રી ન હોય, એકબીજા માટે કુદરતી આકર્ષણ કે પ્રેમ હોય પણ પરાણે કોઈની મરજી વિના ધરાર ગંદી વિકૃત હરકતો કરી, છેડતી માટે પાછળ પડી જવાનું વળગણ કે હેરેસમેન્ટ ન હોય - એવો કામ એટલે ધર્મથી અવિરૂદ્ધ, યાને ધર્મમય કામ. બળાત્કાર કે વિનયભંગ કરનાર રાવણ કે દુ:શાસન તરીકે ખતરનાક ખલનાયક બને. પણ સહજ આકર્ષણ, સહમતી અને સામી વ્યક્તિની મરજી પછી અન્ય કોઈ ગુન્હાહિત ઈરાદાને બદલે કેવળ પરમ આનંદની ક્ષણો માટે સંબંધ બાંધનાર અને નિભાવનાર અર્જુન ગીતા સાંભળવાનો અધિકારી નાયક બને. બાકી અર્જુને દ્રૌપદી ઉપરાંત ચિત્રાંગદા, ઉલૂપી અને સ્વયં કૃષ્ણના બહેન સુભદ્રા સાથે આ રીતે જ જીવનોત્સવ મનાવેલો. પણ સ્ત્રીની મરજી વિના, પોતે ગુરૂ/ પિતાના સ્વરૂપે હોય ત્યારે વિરાટ રાજા પરણાવવાનો આગ્રહ કરે તો પણ લગ્ન ન કરે ! સિમ્પલ, એ જ રીતે ખુદને આકર્ષણ ન હોય તો ઉર્વશીનો પ્રસ્તાવ પણ શાપ મળવા છતાં પાછો વાળી દે. સિમ્પલ.

વળી રોકડું લખાયું છે, 'ભૂતેષુ' આ વધુ એક પુરાવો છે કે ગીતાકાર શું કહેવા માંગે છે. એમણે મનુષ્યો એવો ઉલ્લેખ નથી કર્યો. ધર્મગ્રંથો, એના સજ્જડ બંધનો, આગ્રહો- નિયમો, એની મર્યાદાઓ કે પાપને સંસ્કૃતિની ભય પેદા કરતી વ્યાખ્યાઓ તો માણસોના વિશ્વમાં છે. ભૂતાનિ- યાને સમગ્ર જીવસૃષ્ટિમાં તો ધર્મ કે ધર્મગુરૂ કે ધર્મગ્રંથ જેવું કશું નથી. પણ આકર્ષણ, કામવાસના, પ્રજોત્પત્તિ યાને સેક્સ એનિમલ કિંગ્ડમમાં પણ છે જ. કૃષ્ણ તો સંસારના તમામ સ્વરૂપની દાર્શનિક વાત કરે છે. પ્રાણીઓમાં છેતરપિંડી, બળાત્કાર, વિકૃત મોલેસ્ટેશન, પઝેસિવ બંધન જેવું કશું નથી. સહજ આકર્ષણ અને આવેગ હોય ત્યારે કામભોગ છે. અને નરે- માદાને રિઝવવી પડે છે. અર્થાત્ આકર્ષણ અને સહમતી છે. એટલે ધર્મ અવિરૂદ્ધના નામે બીજી બધી સંકુચિત વાતો કરવી હોય તો ભૂતેષુ શબ્દ હોય જ નહિ ને ?

પ્રજનાશ્ચમિ કંદર્પ: વાળી વાતને તો સેક્સ બાબતે ગૂંચવાયેલા રહેલા મહાત્મા ગાંધીએ ગૂંચવી નાખી ને કંઈક સમર્થ સારસ્વતોને 'પ્રજોત્પત્તિ' યાને સંતતિ પેદા કરવા માટે જ સેક્સ કરવો બાકી પતિ- પત્નીએ પણ એકબીજાથી દૂર રહેવું એવી ઇરાની તાલિબાની મુલ્લાશાહી સેન્સરશિપ જેવું અર્થઘટન ચગાવવામાં આવ્યું. ફેરવી ફેરવીને વાંચો. મૂળ શ્લોકમાં આવું કશું નથી અનુવાદકોએ મનમર્જીયા મુજબ ઘુસાડેલું છે. ગીતાના વિભૂતિયોગમાં પરમાત્મા એક જગ્યાએ નહિ, એક વ્યક્તિમાં નહિ, એક અનુભવમાં નહિ પણ કણકણમાં અત્રતત્રસર્વત્ર બધે જ છે, એનો મહિમા છે. એ જ તો વિરાટ સ્વરૂપ છે. જે નવી આંખે પૂરું સમાય નહિ, નર્યા તર્કથી પુરું સમજાય નહિ. એમાં કાવ્યમય ભાખામાં પોતે શું શું છે એની વાતમાં આયુધમાં વજ્ર, ગાયોમાં કામધેનુ, સર્પોમાં વાસ્તુકિ એમ કામ યાને કંદર્પ યાને ઈરોસ યાને ક્યુપીડ અને સેક્સ હોવાની વાત યુદ્ધભૂમિ અને મોક્ષના સાંખ્ય તત્વદર્શનની વચ્ચે પણ યાદ રાખીને કહેવાઈ છે.

ક્યાંય માત્ર સંતાનો પેદા કરવા પૂરતો જ કામ હું છું એવું માઈક્રોસ્કોપ લઈ વાંચશો, તો પણ જડશે નહિ. સેક્સ ઈઝ ફ્રોર રિપ્રોડકશન એવું તો સાયન્સ જ કહે છે. એની વ્યાખ્યા જ એ છે. તો કામ એટલે કેવો, જેના થકી પ્રજનન થાય એ કામ. તો સેકસ્યુઅલ એક્ટમાં એ શક્યતા છે, એટલે તો પ્રકૃતિએ ફુલોમાં રંગ-સુગંધ મૂક્યા છે. પ્રાણીઓમાં મેટિંગ સીઝન મૂકી છે. શુક્રકોષ ને અંડકોષ મૂક્યા છે. આજકાલ ફૂટી નીકળેલા ટ્રાન્સજેન્ડરને મિસ વર્લ્ડ બનાવી દેવાય એવા ચાંપલા ચોંચલા નહિ, પણ જે નોર્મલ-નેચરલ સેક્સ યાને કામ છે - એ હું છું. દેહરચના અને આકર્ષણ એ રીતે જ ઘડાયા છે કે પ્રજાતંતુ - નવી પેઢીમાં જીન્સની ઉત્ક્રાંતિ આગળ જાય. પણ એનો અર્થ એવો નહિ કે બાળકો પેદા કરવાનો હોય ત્યારે જ સંબંધ બાંધવો. એવું તો કૃષ્ણચરિત્રમાં નહિ મળે, રાસલીલા કે ગીતગોવિંદમાં નહિ મળે. એમાં જ આપણા વડવાઓ આઠ-દશ સંતાનો પેદા કરતા અને દેશની વસતિ વધતી જાય છે. જસ્ટ કે કામમાં પ્રજનનની પરમ શક્તિ છે, એનું ચાલકબળ હું છું, ઈશ્વર છે.

જે સંસ્કૃતિએ જેન્ડર ઈક્વાલિટીની એકવીસમી સદીના હજારો વર્ષો પહેલા મેલ સુપિરિયર ગણાતી 'મિશનરી પોઝિશન' (પુરૂષ સ્ત્રીની ઉપર રહે)ને બદલે સહશયનમાં બંનેના આનંદને ધ્યાનમાં રાખી ''સમ-ભોગ'' જેટલો ક્રાંતિકારી અને અદ્ભુત શબ્દ આપ્યો, ત્યાં જેહાદી જડતાની નકલ કરતા કરતા થઈ ગયેલી સેક્સની એવી આભડછેટ કે પ્રેમલગ્નનાં મુદ્દે નારાજ પિતા સામે અગ્નિસ્નાન કરતા સતીના મૃતદેહને લઈ તાંડવ કરી શક્તિપીઠ રચનાર શિવમંદિર સામે હોંશથી પ્રપોઝ કરનાર યુગલને જોઈને પણ ધર્મરક્ષકો ભડકી ઉઠે, ત્યાં છાંદોગ્ય ઉપનિષદ જેવા મૈથુન સંવાદ ક્યાંથી થાય હવે ? સાચું કહેતી સુગરીને પીંખી નાખતા મર્કંટોની હૂપાહૂપ વધી ગઈ છે !

;;;

રોબર્ટ જે. ઓપનહાઈમર અચાનક ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મને કારણે વિશ્વવ્યાપી ચર્ચામાં છે. એવોર્ડ મેળવવાના તમામ રાઇટ બટન દબાવવાની અને પોતાનામાં રહેલા ઈન્ટેલેકચ્યુઅલિઝમના સૂક્ષ્મ અહંને વિરાટ કરતા જવાની લાહ્યમાં નોલાને ડોક્યુમેન્ટ્રી જેવી ફિલ્મ કંટાળાના કોગળા જેવી બનાવી દીધી છે, તે જરૂર વગરના નોન-સિનિયર સ્ટોરી ટેલિંગને લીધે પેરેલલ ટાઈમલાઇના ડબલ ડબલ ફલેશબેકમાં ચાલીને નસકોરાંની કસોટી કરતી ફિલ્મ જેન્યુઇન પ્રેક્ષક માટે હાથીછાપ હથોડો લાગે, એ અલગ વાત થઈ. પણ નોલાન કોઈ ગલગલિયા કરાવીને કે કોઈ આસ્થા કે પ્રાચીન સાહિત્યના અપમાન કરીને કળા સર્જતો ઢગલે ધીંગાણા વાળો સર્જક નથી. જીનિયસ એન્ડ સીરિયસ ફિલ્મમેકર છે.

પણ જેને ફિલ્મો કે ગીતા બેઉમાં સમજ ના પડતી હોય એવા લોકો પણ અભિપ્રાયો આપવા લાગે એવો યુગ છે. હમણા સુપ્રીમ કોર્ટે પણ નકામી વાતોમાં લાગણી દૂભવ્યા કરવા કરતા ઘણી મોટી સમસ્યાઓ ચર્ચવા કે ફરિયાદ કરવા જેવી છે, 

એવી ટકોર કરેલી. એટલે ઓપનહાઈમરનું ફિઝિક્સ કે કેપિટાલિઝમ વર્સીસ કોમ્યુનિઝમનું મેકઆર્થીઝમનું પોલિટિક્સ પલ્લે ન પડતું હોય, એ બધા ન્યુક્લીયર વેપન્સની અને એને લીધે થતા ભયંકર નરસંહારની કથાથી વ્યથિત થવાને બદલે સેક્સ સીનમાં ભગવદ્ગીતા ક્યાંથી આવી, એવા મુદ્દે ક્રોધિત થઈ રહ્યા છે.

સદ્નસીબે સેન્સર બોર્ડનું કામ ફિલ્મોને કલાસીફાય કરવાનું છે, કાપી નાખવાનું નહિ એવું પૂર્વ માહિતી પ્રસારણ મંત્રી અરૂણ જેટલીએ નીમેલી સુધારક કમિટીના સત્તાવાર સૂચનનું પાલન કરી આ સીન રાખ્યો છે. પણ ઘણા અભ્યાસુ મિત્રો ને મંત્રીઓને માફક નથી આવ્યું. ફિલ્મમાં એ સીન યુવા ઓપનહાઈમરની ટાઈમલાઇનમાં છે. જ્યાં પચ્ચીસેક વર્ષનો મેધાવી વિજ્ઞાની કોમ્યુનિસ્ટ એવી લલના જીનને 'પટાવવા'ની વેતરણમાં છે. અંતે બંને સહશયન કરે છે. ઓર્ગેઝિમ્ક બ્લાસ્ટની વિસ્ફોટક ક્ષણ... અને પછી ગર્લફ્રેન્ડ જીન એની બૂકશેલ્ફમાં પડેલી ગીતા કૂતુહલથી હાથમાં લઈ પૂછે છે, એના વિશે. ઓપનહાઈમર સંસ્કૃતમાં પોતાને કેવો રસ છે, અને એ આવડે છે એવી વાતો કરે છે. પ્રેયસી ઈન્સ્ટંટ ચેલેન્જ આપે છે કે કોઈ એકાદ લાઈનનું સંસ્કૃતમાંથી અંગ્રેજી રૂપાંતર કરી બતાવ ! અને તેજસ્વી તિલસ્મી યુવક કહે છે : આઈ એમ ડેથ, ડિસ્ટ્રોયર ઓફ ધ વર્લ્ડસ ! ગીતાના અગિયારમાં અધ્યાયનો ૩૨મો શ્લોક : કાલોસ્મિ લોકક્ષયકૃત !

મૂળ તો કાળ એટલે સમય, પણ ઓપનહાઈમ સ્પેસટાઈમના પરિમાણને આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદ મુજબ સમજતો હતો, એટલે કહ્યું હશે મૃત્યું.

આ વાક્ય મૃત્યુના બે વર્ષ પહેલા ઓન કેમેરા ઓપનહાઈમરે ન્યુક્લીયર બોમ્બના સંદર્ભે રેકોર્ડડ ઈન્ટરવ્યુમાં કહેલું ને ગુજરાતી સાહિત્યમાં પણ એની સુપેરે ચર્ચા થઈ ચૂકી છે. જ્યારે ટ્રિનિટી ટેસ્ટનું પેલું મશરૂમ કલાઉડ ન્યુ મેકસિકોમાં જોર્નાડા ડેલ મુરેતોના રણમાં વહેલી સવારે જોયું, એ પરમાણુ બોમ્બ પરીક્ષણની ક્ષણને પણ પાછળથી ગીતાના વિશ્વરૂપ દર્શનને ટાંકીને એણે 'રેડિયન્સ ઓફ થાઉઝન્ડ સન્સ' યાને એક હજાર સૂરજની જ્યોતિ કહી વર્ણવી હતી. જે બાયોગ્રાફી અમેરિકન પ્રોમેસ્થ્યુસ પરથી નોલાને આ ફિલ્મ બનાવી, એમાં પણ ઓપનહાઈમરના સાહિત્ય, ભાષા અને વિશેષ તો સંસ્કૃતિપ્રેમની વાતો છે. ટ્રિનિટી શબ્દ પણ બોંબના ટેસ્ટ માટે જોન ડનની કવિતામાંથી એણે લીધેલો !

અરે, બોંબ પરીક્ષણ પહેલાનો ઉચાટ (એંગ્ઝાસ્ટી) વર્ણવવા એણે સંસ્કૃતનું અંગ્રેજી કરી એક્સપ્રેશન કરેલું. એકચ્યુઅલી ૨૫ વર્ષે એ બર્કલી ખાતે કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં જોડાયો, ત્યારે એને ત્યાં સંસ્કૃત ભણાવતા વિદ્વાન પ્રોફેસર આર્થર રાઈડરનો પરિચય થયો. રાઈડરની બુદ્ધિમત્તા અને સાધુતાથી પ્રભાવિત ઓપનહાઇમરે એમની પાસેથી સંસ્કૃત શીખી લીધું. એને ફ્રેન્ચ ને ડચ ભાષા પણ આવડતી હતી. આર્કિટેક્ચરથી પોએટ્રી, પેઈન્ટિંગથી મ્યુઝિક એના રસના વિષયો હતા. નોવાનની ફિલ્મમાં એને ગંભીર ને મેથડ મુજબ ચાલતા સાયટીન્સ્ટ જેવો બતાવાયો છે, પણ એની જિંદગી મેડ બળવાખોર જેવી હતી.

ગીતા તો એને એટલી ગમી કે ભાઈ ફ્રેન્કને પત્રમાં એણે લખ્યું કે 'સંસ્કૃત શીખવાનો બહુ રોમાંચ છે અને ભગવદ્ગીતા તો વિશ્વની કોઈ પણ ભાષામાં કહેવાયેલું સર્વોત્તમ ફિલોસોફિકલ પુસ્તક છે !' એણે ગીતાની નકલો મિત્રોને યુવાન ઉંમરે ભેટ આપેલી. કાલિદાસનું 'મેઘદૂત' ગીતા પછી એને વાંચવું બહુ ગમતું. એના પિતાએ એને કાર ભેટ આપી, એનું નામ એણે 'ગરૂડા' (વિષ્ણુનું વાહન) રાખેલું ! એ પોતાની જાતને કન્ફયુઝડ સ્ટુડન્ટ અર્જુન માનવાને બદલે વધુ અનુસંધાન કોન્ફિડન્ટ ગુરૂ કૃષ્ણ સાથે કેળવી એમ માનતો કે વિનાશ તો બધાનો થયેલો જ છે, કાળના પ્રવાહમાં હું નિમિત્તમાત્ર છું. કદાચ શરૂઆતમાં ઘાતક પરમાણુ બોમ્બ બનાવવાના પ્રોજેક્ટને લીડ કરવા પાછળ એનું આ જ સેલ્ફ જસ્ટીફિકેશન હતું કે યુદ્ધમાં મૃત્યુ અનિવાર્ય છે !

'કર્મ' અને 'નીયતિ'ના ગીતાજ્ઞાને સ્થિતપ્રજ્ઞાતા કેળવવા મથતા ઓપનહાઈમર અગાઉ થોરો, હિમલર, યીટ્સ, ઇલિયટ વગેરે ગીતાના ચાહક બની ચૂકેલા. પણ નોલાતે કાલ્પનિક ચીનમાં સેક્સ બાદ ગીતાનું અંગ્રેજીમાં ક્વૉટ આઈ બિકમ ડેથ, ડિસ્ટ્રોયર ઓફ વર્લ્ડસ કેમ બોલાવડાવ્યું ?

;;;

જો વેસ્ટર્ન પીપલની ઘણી વાર ભારતની સંસ્કૃતિ પૂરી સમજ્યા વગર દરેક વાનગી 'કરી' કહી દેવાની અને દરેક સંસ્કૃત ટેક્સ્ટ 'કામસૂત્ર' માની લેવાની ને દરેક લગ્ન 'મહારાજા વેડિંગ' સમજી લેવાની જેમ નોલાને આવું કર્યું હોય તો એના ને આપણા ફૂટેલા કરમ !

પણ એવું ના હોય તો શું કારણ હશે ? ટ્રોલિયાઓની ટાંચણીના ટોપકા જેવડા મગજને લીધે એ વિચારવાની કેપેસિટી નથી. પણ સ્વયં ગીતાપાઠી બહુશ્રુત શાસ્ત્રી એવા - કૃષ્ણના રોલમાં અમર બનેલા નીતિશ ભારદ્વાજે સરસ તર્ક આપ્યો છે કે આ ટોકેટિવ ફિલ્મનો કેરેકટર સ્ટડી જુઓ તો વિજ્ઞાની સતત ચોવીસે કલાક ખાતાસૂતા બધી જ અવસ્થામાં મનોમન એના કાલ્પનિક સર્જનવિશ્વમાં હોય છે. એનો આ શ્લોક ઇશારો છે. સેક્સમાં ય એનું ચિત્ત પૂરું ઇન્વોલ્ડ નથી. મનમાં અણુ-પરમાણુ ને તત્વજ્ઞાન ઘૂમરાય છે, એટલે બધામાંથી આ વિખંડન પછીના વિનાશતાંડવનો શ્લોક યુવાનીમાં બોલે છે.

પર્સનલી એવું લાગે છે કે પાછળથી આપણને આજે સેક્સ માટે થઈ ગઈ છે, એથી ક્યાંય વધુ ચીડ ને એલર્જી કોમ્યુનિઝમ તરફ ધરાવતા અને એ માટે ક્યુબા-વિએતનામ જેવા યુદ્ધો ને કોલ્ડ વોર નોતરવા જઈ રહેલા અમેરિકાને લીધે જ ભેદી રીતે આપઘાત કરાવાયેલું એ પ્રેમિકા જીનનું મોત થયેલું. એ અગમના એંધાણ આ શ્લોકમાં છે ! મિલનની ચરમસીમાએ અદા માટે વિખૂટા પડવાની ભીતિ !

અને સાથોસાથ જે પિંડે - તે બ્રહ્માંડે એનું કોસ્મિક એક્સપ્લોઝન અણુ અણુ ભીતરના 'ફિંઝન' (વિખંડન) જેવી ઉર્જા અનુભવે એવી દૈહિક અનુભૂતિ સેક્સ સમયે થતું નર-માદાનું 'ફ્યુઝન' (સંલયન) છે! એમાં પણ અદ્રશ્ય વિસ્ફોટ છે. ઓર્ગેઝમની એ ક્ષણને ભારતીય તંત્રશાસ્ત્રમાં સમાધિસ્વરૂપ એટલે કહેવાઈ છે કે એમાં પોતાના અને આસપાસના જગતનું વિસ્મરણ છે ! એક ક્ષણ માટે પ્યોર બ્લિસ જેવી પરમ સુખાનુભૂતિમાં બધું જ ભૂલાઈ જાય છે. સેક્સ ઈઝ સ્લો લિટલ ડેથ ! જ્યાં જન્મ છે, ત્યાં મૃત્યુ છે. જ્યાં સ્મૃતિનાશ છે, ત્યાં સર્જન છે. પ્રોટોન એન્ડ ઇલેકટ્રોન. દિવસ અને રાત. સ્ત્રી અને પુરૂષ. યિન અને યાંગ. અલગ લાગે પણ ભેગા રહી એક જ ઊર્જા સાચવે છે ને રિલીઝ કરે છે - મુક્ત કરે છે, જે ક્ષણ મહા આનંદની છે. ફ્રેન્ચમાં બેડરૂમ ક્લાઈમેક્સને 'વા પિત્તે મોર્ત' કહેવાય છે - યાને નાનકડું મૃત્યુ ! લાઈફ ઇઝ ચેઇન રિએકશન બિટવિન ક્રિએશન એન્ડ ડિસ્ટ્રકશન : સેક્સ એન્ડ ડેથ !

ઓપનહાઈમર વિશે વધુ આવતા બુધવારે શતદલમાં અનાવૃત કરીશું.

ફાસ્ટ ફોરવર્ડ :

In battle, in forest, at the precipice of the mountains

On the dark great sea, in the midst of javelins and arrows,

In sleep, in confusion, in the depths of shame,

The good deeds a man has done before defend him

'યુદ્ધમાં, વનમાં, અકળ પહાડોમાં, ગાઢ ગહેરા સમંદરમાં, ભાલા-તીરોના પ્રહાર વચ્ચે, નિદ્રામાં, મૂંઝવણમાં, હતાશા ને શરમની ખીણમાં... અગાઉના કરેલા સત્કર્મો જ મનુષ્યનું રક્ષણ કરે છે !'

(ઓપનહાઇમેર ટેસ્ટ પહેલા અનુવાદ કરેલ ગીતાજ્ઞાન)