યુદ્ધનદી પાર કરાવે તેવા યોગેશ્વર કૃષ્ણ ક્યારે મળશે?
- પારિજાતનો પરિસંવાદ- ડૉ. કુમારપાળ દેસાઈ
- કૃષ્ણની મુરલીનું સંગીત એટલે ગીતા. ગીતા તેઓને જીવનમાં ધ્યેય આપશે, ધ્યેયનિષ્ઠ જીવન લોકોને તેજસ્વી અને તપસ્વી બનાવશે, પરાક્રમી અને પુરુષાર્થી બનાવશે...
શ્રી કૃષ્ણનું સ્વરૂપ દર્શાવવા માટે વ્યાસ મુનિએ એક સુંદર રૂપક પરંપરા રચી છે. એમણે યુદ્ધનદીનું અનોખું રૂપક આપ્યું છે. તેઓનો અભિપ્રેત અર્થ એટલો જ હતો કે, 'કુરુક્ષેત્રના રણક્ષેત્રમાં પાંડવોના એક માત્ર સહાયક શ્રીકૃષ્ણની મદદથી પાંડવો ભયાનક યુદ્ધરૂપી નદીને પાર ઉતરી ગયા. આ યુદ્ધનદી વિશે મહર્ષિ વેદ વ્યાસ કહે છે કે, 'આ નદીના બે કિનારા એટલે પિતામહ ભીષ્મ અને ગુરુ દ્રોણ. પાણી એટલે જયદ્રથ, કાળી શિલા એટલે શકુનિ, લીલી ઝૂડ એટલે શલ્યરાજા, પ્રવાહ એટલે કૃપાચાર્ય, પૂરથી વ્યાકુળ એવો કર્ણ, ભયાનક મગર એટલે અશ્વત્થામા અને વિકર્ણ, વમળ એટલે દુર્યોધન' અને કવિ કહે છે કે આવી નદીને પાર કરવા માટે કૃષ્ણ સિવાય બીજો સારો નાવિક કોણ મળે? જો કૃષ્ણ ન હોય તો પાંડવો માટે યુદ્ધમાં જીતવું લગભગ અશક્ય જ બને.'
સર્વપ્રથમ વ્યાસ મુનિ રચિત 'જય' પાછળથી 'ભારત' બન્યું અને સદીઓ વીતતા એ 'મહાભારત' બન્યું. આ ત્રણેય સંસ્કરણોમાં કૃષ્ણનું ભિન્ન ભિન્ન રૂપ જોવા મળે છે. છેલ્લાં દાયકાથી મહાભારતનો અભ્યાસ કરું છું. ૬૩૪ પાનાની આ વિષય પર 'અનાહતા' નવલકથા લખી છે, છતાં શ્રીકૃષ્ણનું રૂપ-સ્વરૂપ પામી શક્યો નથી. ઘણા છટકણાં લાગે છે શ્રીકૃષ્ણ. વાંસળીના મધુર નાદથી અને નિર્દોષ રમતથી ગોપીઓને ઘેલી કરનાર બાળકૃષ્ણની છબી જુઓ! કંસ અને કેશી કે જરાસંઘ અને શિશુપાલ જેવા અત્યાચારીઓના અત્યાચારમાંથી પ્રજાને મુક્ત કરનાર કૃષ્ણ દેખાય. કુરુક્ષેત્રના યુદ્ધમાં અધર્મ પર વિજય મેળવીને ધર્મસ્થાપના કાજે અર્જુનનું સારથિપદ સંભાળતા યોગેશ્વર શ્રીકૃષ્ણ નજરે ચડે! મોટી વયે અંગિરસ ઋષિ પાસે યોગ અને તત્ત્વજ્ઞાાનનો અભ્યાસ કરતાં કૃષ્ણ જોવા મળે! મોક્ષપીપળા નીચે જરા નામના પારધીએ મારેલા બાણથી મૃત્યુ પામતા શ્રીકૃષ્ણને જુઓ ! કંસના કારાગારની કાળી કોટડીમાં એમનો જન્મ થયો અને એમની વિદાય પણ દ્ધારકાના દરિયાને કાંઠે એકલવાયા ને એકલા કૃષ્ણ પર બાણ છોડતા પારધી દ્વારા થયો. પ્રાણ અને પ્રયાણના બંને દિવસો કેટલા બધા વેદનાજનક ! અને વચ્ચેનું આખુંય જીવન કેટલીક ઉલ્લાસભરી લીલાઓથી ભર્યું ભર્યું હતું. વેદનામય જીવનને આનંદભેર કઈ રીતે વ્યતીત કરવું એનો કેવો માર્મિક સંદેશ મળે છે શ્રીકૃષ્ણના જીવનમાંથી.
સાંસારિક દ્રષ્ટિએ એમની ઓળખ મેળવીએ તો દેવકી અને વાસુદેવના પુત્ર એવા શ્રીકૃષ્ણ, સામર્થ્યની દ્રષ્ટિએ એમની ઓળખ મેળવીએ તો કંસ અને ચાણુર જેવા દુષ્ટોનું દમન કરનાર અને વાસ્તવિક દ્રષ્ટિએ જોઈએ તો તત્ત્વજ્ઞાાનનાં દ્રષ્ટા, અધ્યાત્મના મહાન ઉદ્દગાતા, આનંદપૂર્વક જીવન સુવાસ ફેલાવનારા, મસ્તી સાથે નૃત્ય કરનારા શ્રીકૃષ્ણમાં પોઝિટીવ જીવનસંદેશ મળે છે. આમ જોઈએ તો એમનો જન્મ અને એમની વિદાય એ બંને આપત્તિઓથી ઘેરાયેલા છે, પણ એની વચ્ચેના સમયમાં એમનું જીવન એવી રીતે વ્યતીત થયું કે જેમાં સહુને આનંદથી વશ કર્યા. અજ્ઞાાનરૂપી અંધકારને કારણે આ જગત દ્રષ્ટિહીન છે, ત્યારે શ્રીકૃષ્ણે જ્ઞાાનરૂપી આંજણની શલાકાથી તેનાં નેત્રો ખોલવાનું કાર્ય કરે છે. જો શ્રીકૃષ્ણે સ્વયં યુદ્ધ કરવાનો અને કુરુક્ષેત્રમાં શસ્ત્રપ્રયોગ કરવાનો સંકલ્પ કર્યો હોત, તો કદાચ દુર્યોધન, શકુનિ, કર્ણ, દ્રોણ અને ભીષ્મ યુદ્ધ કરવાનો વિચાર માંડી વાળેત, કારણ કે કૃષ્ણના વીરત્વને સહુ જાણતા હતા.
તો સવાલ એ જાગે કે આ રીતે તેઓ યુદ્ધ નિવારી શક્યા હોત, પણ એવું કેમ ન કર્યું ? કારણ એટલું જ કે શ્રીકૃષ્ણ ધર્મનો જય અને અધર્મનો નાશ કરવા ઈચ્છતા હતા અને એ જ અધર્મના પક્ષે ભીષ્મ, દ્રોણ અને કર્ણ હતા અને એ જ અધર્મના પક્ષે દુર્યોધન પાંડવોને એમના હક્કનું અડધું રાજ્ય પણ આપવા તૈયાર નહોતો. એને પરિણામે કુરુક્ષેત્રનું યુદ્ધ થાય છે.
હકીકતમાં તો કુરુક્ષેત્રના યુદ્ધ દ્વારા ધર્મસ્થાપનનો આશય રાખવામાં આવ્યો છે. માણસના હ્ય્દયમાં આવું કુરુક્ષેત્ર ચાલતું હોય છે. એ અનિષ્ટ અને અત્યાચારનો સહારો લઈને પોતાનો સત્તાલોભ શાંત કરવા પ્રયત્ન કરતો હોય છે અને ત્યારે જો દુર્યોધન, શકુનિ, દુ:શાસન જેવા રાજનીતિજ્ઞાો હોય, જેમનું કાર્ય કરવાનું માધ્યમ માત્ર અનીતિ, અન્યાય અને અધર્મ હોય, ત્યારે ધર્મ, સત્ય, પ્રેમ અને નીતિનો વિજય એ કૃષ્ણકાર્ય છે. આ સંદર્ભમાં જોઈએ તો શ્રીકૃષ્ણના જીવન અને કાર્ય સાથે કેટલાંક પ્રશ્નો સંકળાયેલા છે.
પહેલી વાત તો એ કે એમણે બાણાવણી કર્ણને કવચકુંડળથી રહિત કરી નાખ્યો. જો કર્ણ પાસે આ કવચકુંડળ હોત તો કૌરવ પક્ષનો પરાજય શક્ય નહોતો. બીજો સવાલ એ જાગે કે પિતામહ ભીષ્મની બાબતમાં શ્રીકૃષ્ણે યુદ્ધમાં શસ્ત્ર નહીં લેવાની કરેલું વચન પાળ્યું નહીં. એમણે શસ્ત્ર ગ્રહણ કર્યા અને એ પછી શિખંડીને આગળ રાખીને પિતામહ ભીષ્મને પરાજિત કર્યા. ત્રીજો સવાલ એ ઊઠે કે કુરુક્ષેત્રના યુદ્ધમાં એમણે યુધિષ્ઠિર પાસે 'નરો વા કુંજરો વા' ઉક્તિ બોલાવી. દ્રોણાચાર્યએ આ ઉક્તિ સાંભળી અને સત્યનિષ્ઠ યુધિષ્ઠિરના મુખેથી બોલાય છે, તેથી એમને કોઈ સંદેહ રહ્યો નહીં. પોતાના પુત્ર અશ્વત્થામાને અત્યંત ચાહતા પિતા દ્રોણે શસ્ત્ર ત્યાગ કર્યો અને યુદ્ધમાં હણાયા. ચોથો સવાલ એ થાય કે અર્જુને લીધેલી પ્રતિજ્ઞાા પાર પાડવા માટે અકાળે સૂર્યાસ્ત સર્જીને જયદ્રથનો વધ કરાવ્યો.
કુરુક્ષેત્રના સમરાંગણ પછી ભીમ અને દુર્યોધન વચ્ચે ગદાયુદ્ધ થાય છે. આ સમયે ભીમને શ્રીકૃષ્ણે સંકેત કર્યો અને દુર્યોધન પરાજિત થયો. એ જ રીતે છેલ્લે પોતાના સ્વજનોની યાદવાસ્થળી અટકાવી શક્યા નહીં અને શ્રીકૃષ્ણનું એક પારધી દ્વારા અકલ્પ્ય મૃત્યુ થયું. આમ શ્રીકૃષ્ણ ધર્મ તરફ જવા માટે અસત્યનો આશરો લે છે એવું લાગે, પરંતુ એ અસત્યને અસત્ય માની ન શકાય અને તેથી એ દોષરૂપ નથી. એ તો સનાતન શાશ્વત પુરુષોત્તમ છે અને એમના વિના પાંડવો ક્યારેય વિજય મેળવી શક્યા ન હોત. અધર્મનો વિજય થયો હોત. ભીષ્મ, દ્રોણ અને કર્ણ જેવાને પરાજિત કરી શક્યા ન હોત. આમ કૃષ્ણમાં વિરુદ્ધ ધર્મનો આશ્રય જોવા મળે છે, પરંતુ એ સઘળું ધર્મ અને સત્યની સંસ્થાપના માટે છે.
મહાભારત કાળમાં ધર્મના સિદ્ધાંતો માત્ર ગ્રંથોમાં જ સમાયેલા હતા. વાસ્તવિકતા સાવ જુદી હતી. આવે સમયે સત્તા કે સંપત્તિ વગર શ્રીકૃષ્ણે ધર્મ સ્થાપનાનું કામ કર્યું. એમણે ગોકુળના લોકોની ઈન્દ્રપૂજાની વર્ષો જુની પરંપરા તોડી નાખી અને ગોવર્ધન પૂજા અપનાવી, પણ એથીયે વિશેષ તો કંસ જરાસંઘ જેવાના અત્યાચાર સામે અવાજ ઉઠાવ્યો અને સમજાવ્યું કે,
'તમારી પાસે સંપત્તિ ન હોય તો પણ સચ્ચાઈ અને સામર્થ્યથી જો અનિષ્ટોનો સામનો કરશો તો તમે જરૂર વિજેતા બનશો.'
એમણે અઘાસૂર અને બકાસૂરને માર્યા, કાલીય નાગને નાથ્યો. ગોકુળવાસીઓમાંથી ભય દૂર કર્યો અને એમને મલ્લકુસ્તીમાં નિપુણ બનાવ્યા. આમ ધર્મ અને નીતિનો આશરો લઈને તેઓ ચાલ્યા. આ સંદર્ભમાં પૂજ્ય પાંડુરંગશાસ્ત્રી આઠવલેજી માર્મિક રીતે કહે છે કે, 'જગતનો ઈતિહાસ હંમેશાં પ્રવૃત્તિ અને નિવૃત્તિમાં ડોલતો રહ્યો છે. આ બંનેનો સમન્વય ભગવાન શ્રીકૃષ્ણે કર્યો છે. ગીતામાં તુલનાત્મક વિચાર રજૂ કરી પ્રવૃત્તિ અને નિવૃત્તિનું માધ્યમ તેમણે આપ્યું છે. તેમણે જીવનનો કર્મયોગ સમજાવ્યો છે તેથી તે જગદ્દગુરુ છે.
ભક્તિ અને જ્ઞાાન જેણે ઉતાર્યા છે એવા નિષ્કામ કર્મયોગીની સમજણ શ્રીકૃષ્ણે ગીતામાં આપી છે. ગીતાના શ્લોકો સ્વયં ભગવાન વડે ગવાયા છે. એનું ગાન સૂતેલાને બેઠા કરે છે. એના વિચારો મરેલામાં ચૈતન્ય પૂરે છે. આજે સૌ જડવાદના જડબામાં ઝડપાઈ ગયા છે. કોઈનામાં નિર્ભયતા નથી, વિજયની તમન્ના નથી, કારણ કે નિર્ભય અને વિજયી શ્રીકૃષ્ણનું તત્ત્વજ્ઞાાન તેઓ સમજ્યા નથી. તેઓના જીવન-ગોકુળમાં શ્રીકૃષ્ણનો જન્મ થયો નથી. શ્રીકૃષ્ણની મુરલીના સૂર સંગીતમાં તેઓ કદી મસ્ત બન્યા નથી. એ સૌને આજે કૃષ્ણની મુરલી સંભળાવવાની જરૂર છે. કૃષ્ણની મુરલીનું સંગીત એટલે ગીતા. ગીતા તેઓને જીવનમાં ધ્યેય આપશે, ધ્યેયનિષ્ઠ જીવન લોકોને તેજસ્વી અને તપસ્વી બનાવશે, પરાક્રમી અને પુરુષાર્થી બનાવશે, તેઓને જીવનમાં કંઈક જીવવા જેવું લાગશે.'
આજે ખરી આરાધના કરવાની છે ભગવદ્દગીતાના શ્રીકૃષ્ણની. કુરુક્ષેત્રના યુદ્ધમાં પાંચજન્ય શંખનાદ કરનાર કર્મવીર કૃષ્ણની જરૂર છે જે પાંડવોને યુદ્ધનદી પાર કરાવે છે, એવા યોગેશ્વર કૃષ્ણ ક્યારે મળશે?
મનઝરૂખો
સૂફી ફકીર જૂનૈદને એના ગુરુએ એક શિખામણ ગાંઠે બંધાવી. ગુરુએ એને કહ્યું કે 'કોઈ વ્યક્તિ કશું બોલે, ત્યારે તત્કાળ પ્રતિક્રિયા આપવાનો પ્રયત્ન કરતો નહીં. કોઈ ગુસ્સે થઈને ગમે તેટલા અપશબ્દો કહે, તોપણ તરત એની સામે જવાબ આપવા જઈશ, તો તું તારો વિવેક અને મર્યાદા બંને ખોઈ બેસીશ. આથી ત્વરિત ઉત્તર આપવાને બદલે થોડા સમય પછી ઉત્તર આપજે, કારણ કે ઉત્તર આપવાને માટે આપણા મનને સારાસારનો વિચાર કરવાની પૂરતી તક આપવી જોઈએ.'
એમાં પણ ફકીર જુનૈદને કહ્યું કે 'કોઈ તારા પર અત્યંત કોપાયમાન થાય, ખૂબ ગુસ્સે થાય, એનાં ભવાં ચડી જાય, એની આંખો લાલઘૂમ થઈ જાય અને હાથની મુઠ્ઠીઓ વાળીને એ બોલે, ત્યારે પણ તું એના અપશબ્દો, આરોપો કે આક્ષેપોનો તરત ઉત્તર આપવાને બદલે ચોવીસ કલાક બાદ ઉત્તર આપજે.'
પોતાના ગુરુની સલાહ સ્વીકારીને જુનૈદે સાધના કરવા માંડી. એક વાર એના વિરોધીઓએ આવીને એના પર અપશબ્દોનો વરસાદ વરસાવ્યો. કેટલાય અણછાજતા આક્ષેપો કર્યા. એનો આશય એટલો હતો કે જુનૈદ ગુસ્સે થાય અને ઉશ્કેરાઈને ફકીરને ન છાજે એવું દુર્વર્તન કરે. આવે સમયે જુનૈદ મૌન રહેતા. ગુરુએ આપેલી શિખામણનું સ્મરણ કરતા અને ગુસ્સાથી ધૂંઆપૂંઆં થયેલા પેલા માણસને કહેતા, 'ભાઈ, હું તારી સઘળી વાતનો આવતીકાલે જવાબ આપીશ.'
બીજે દિવસે એ વ્યક્તિ ઉત્તર માટે ઉપસ્થિત થતી, ત્યારે જુનૈદ એને એટલું જ કહેતા કે 'હવે મારે કંઈ કહેવાનું રહેતું નથી.' આ જોઈને અપશબ્દો બોલનારી વ્યક્તિ એમને પૂછતી કે 'ગઈકાલે મેં તમારા પર ક્રોધ કરીને અપશબ્દોનો મારો વરસાવ્યો, છતાં તમે એના પ્રતિઉત્તર તરીકે કશું ન બોલ્યા. માત્ર મૌન રાખ્યું. તમને હું સમજી શખતો નથી.
જુનૈદે કહ્યું, 'મારા ગુરુએ મને સૂચવ્યું છે કે એવી વ્યક્તિ તારા પર ગુસ્સે થાય, તો ચોવીસ કલાક પછી ઉત્તર આપજે. એ દરમિયાન તારા ગુસ્સાના કારણમાં સચ્ચાઈ હોય તો તેને સ્વીકારું છું અને તેં ખોટા ઈરાદાથી ગુસ્સો કર્યો હોય, તો ચોવીસ કલાકમાં ગુસ્સો ઓગળી જતાં ક્ષમા આપું છું.'
ક્ષણનો સાક્ષાત્કાર
આ દુનિયા તમને કેવી લાગે છે? ખૂબ ચાહવા જેવી કે તદ્દન નફરત કરવા યોગ્ય? સજ્જન વ્યક્તિઓથી ભરેલી કે પછી દુર્જનોથી ખદબદતી? જીવવા લાયક કે પછી જીવવા કરતા મોત મીઠું લાગે તેવી ? કેવી છે આ દુનિયા ? તમારી જેવી દ્રષ્ટિ છે, તેવી જ દુનિયા છે. જો તમે પોઝિટીવ હશો તો નેગેટીવ બાબતમાંથી પણ કશુંક પોઝિટીવ શોધી કાઢશો. જો તમે નેગેટીવ હશો તો કોઈ પણ સારી બાબત વિશે નિંદા કર્યા વિના ચેન નહીં પડે.
માનવી જિંદગીમાં આપોઆપ સુખ-સમૃદ્ધિ મળે એની રાહ જોઈને બેઠો હોય છે. નેગેટીવ વિચાર કરનારો માનવી એવો છે કે જે કોઈ સારી રેસ્ટોરન્ટમાં 'મફત ભોજન'ની રાહ જોઈને બેઠો છે. એને મફત ભોજન મળશે પછી એ ફરિયાદ કરશે કે આ વાનગીઓ સ્વાદિષ્ટ નથી. જો વાનગીઓ સ્વાદિષ્ટ હશે તો એ જાહેર કરશે કે આ હોટલનું મેનેજમેન્ટ સાવ ખાડે ગયું છે. આવી વ્યક્તિને આખી દુનિયામાં દરેક બાબતમાં કોઈને કોઈ વાંધો દેખાતો હોય છે. એ રાજકારણની વાત કરે કે અર્થકારણની સમીક્ષા કરે, બધે એને ભય, જોખમ, અસલામતી અને સઘળું ટીકાને પાત્ર લાગે છે. આવી વ્યક્તિને પોતાનો સંસાર પણ સાવ અસાર લાગે છે અને એ પોતાના પ્રત્યેક કુટુંબીજનને અણઘડ, વિચિત્ર કે બેવકૂફ તરીકે જોતો હોય છે.
તમે કહેશો કે તારા કુટુંબીજનો આવા નથી, તો એ એમની ભૂલના ઉદાહરણોનો તમારી સામે ખડકલો કરી દેશે. આવી વ્યક્તિ પાસે જગતની સુંદરતાને જોનારી આંખ હોતી નથી અને તેથી જ જિંદગીની ખૂબસૂરતીથી એ અળગો રહે છે. પ્રકૃતિનું રમણીય સૌંદર્ય, ગ્રંથોનો અમૃત સમો અમી રસ, જ્ઞાાનની પરબ સમા પુસ્તકાલયો, સંગીત સમારંભો કે પ્રેરક પ્રવચનોથી પોતાની જાતને અલગ રાખે છે અને પોતાની જુદાઈને આગવી વિશિષ્ટતા તરીકે પ્રોજેક્ટ કરે છે.