- શોધ સંશોધન-વસંત મિસ્ત્રી
- ડ્રગ રેઝિસ્ટન્સ અને એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સમાં ફેર છે. ડ્રગ રેઝિસ્ટન્સમાં જીવાણુંઓ તમામ ઔષધોનો પ્રતિકાર કરે છે
૧૯ ૨૦માં એલેકઝાંડર ફલેમિંગે પેનિસિલિન 'એન્ટિબાયોટિક્'ની અકસ્માત શોધ કરી. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન તેના ઉપયોગથી અનેક લોકોના જીવ બચ્યા. ૧૯૪૩માં ટીબી પર અસરકારક સ્ટ્રેપ્યોમાઇસિન આવી અને ૧૯૪૮માં બેકટેરિયાના અનેક ચેપ પર અસરકારક એવી ટેટ્રાસાયકિલ આવી.
સમય જતાં જીવાણુંઓએ આ પદાર્થો સામે રેઝિસ્ટન્સ ઊભો કર્યો. આ જીવાણુંઓ 'સુપરબગ્સ' તરીકે ઓળખાયા, કાર્બાપેનેમ - રેઝિસ્ટન્ટ એન્ટેરોબેકટેરિએસી (CRE) અને એથિસિલિન રેઝિસ્ટન્ટ સ્ટેફિલોકોકસ ઓરિઅસ એના નોંધપાત્ર દ્રષ્ટાંત છે.
ડ્રગ રેઝિસ્ટન્સ એક એવી સ્થિતી છે જેમાં સૂક્ષ્મ જીવાણુંઓ (વિષાણુ, બેકટેરિઆ, પરોપજીવીઓ, ફૂગ) એવી રીતે બદલાવ લાવે છે જેનાથી - દવાની અસર ઓછી થાય છે અથવા થતી જ નથી એટલે કે એક સમયે જે દવા જીવાણુંને મારતી હતી તે નિષ્ક્રિય થઈ જાય છે.
અનેક કારણોસર જીવાણુંઓ એન્ટિબાયોટિક સામે પ્રતિકાર સર્જે છે. (૧) દવાનો વધુ પડતો ઉપયોગ (૨) દવાનો કોર્સ પૂરો ના કરવો (૩) જીવાણુઓ વિકૃતિ (મ્યુરેર) થવા વગેરે કારણોસર રેઝિસ્ટન્સ સર્જાય છે.
આનું પરિણામ શું આવે છે ? આનાથી (૧) સારવારની અસર ઓછી થાય છે. (૨) માંદગી લાંબી ચાલે છે (૩) વધુ તીવ્ર અથવા મોંઘા ઔષધોની જરૂર પડે છે (૪) ચેપ ફેલાવવાનું જોખમ વધે છે.
ડ્રગ રેઝિસ્ટન્સ અને એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સમાં ફેર છે. ડ્રગ રેઝિસ્ટન્સમાં જીવાણુંઓ તમામ ઔષધોનો પ્રતિકાર કરે છે. જ્યારે એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સમાં ફકત બેકટેરિઆ એન્ટિબાયોટિક સામે પ્રતિકાર ઊભો કરે છે. અહીં એ ધ્યાન રાખવું જરૂરી છે કે એન્ટિબાયોટિકસ એવી દવા છે જે ફક્ત બેકટેરિઆથી લાગેલા ચેપને જ સારા કરી શકે છે.
ક્યારેક ડોક્ટર દ્વારા તો ક્યારેક દર્દી દ્વારા એન્ટિબાયોટિકનો એટલો બેફામ ઉપયોગ થાય છે કે દર્દીને સર્જરી પછી કે આઈસીયુમાં હોય ત્યારે તે એન્ટિબાયોટિકની અસર થતી નથી. એક રિપોર્ટ પ્રમાણે ૮૨ ટકા બેકટેરિઆ એન્ટિબાયોટિકસને દાદ આપતા નથી... !
એક સર્વેક્ષણ પ્રમાણે આમાં એરીથ્રોમાઈસીન, પેનિસિલિન, એકપીસિલિન, મેથીસિલિન, ટ્રેટ્રાસાયકલીન, સ્ટ્રેપ્ટોમાઇસિન તેમજ વેન્કોમાયસિન જેવા એન્ટિબાયોટિકનો સમાવેશ થાય છે. જોકે સ્થળ, વાતાવરણ અને ચિકિત્સાના પ્રકાર પ્રમાણે આમાં ફેરફાર થતાં રહે છે.
૨૦૨૫માં વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ વિષયે રજુ કરેલ તારણો ચિંતાજનક છે. તાઇફોઈડ કરનારા સામોનેલા જીવાણુઓ સિપ્લેફલોકસાસિન સામે ૧૮ ટકા અને ડિસેન્ટ્રીના શીગેલા જીવાણુઓ ૨૯.૭ ટકા રેઝિસ્ટન્સ ધરાવે છે.
૨૦૨૩માં મૂત્રમાર્ગમાં ચેપ લગાડનારા કલેબસીએલા ન્યુમોની નામના જીવાણુંઓમાં ૪૫.૫ ટકાનો રેઝિસ્ટન્સ જણાયો હતો. આમાં અસરકારક એન્ટિબાયોટિકસ શોધવા માટે યુરિન કલ્ચર કરાવવો જરૂરી બને છે. બોટમલાઇન એજ છે કે યોગ, વ્યાયામ, પોષક આહાર, ૭-૯ કલાકની ઉંઘ અને તનાવમુક્ત જીવનશૈલી અપનાવો. તેમજ સામાન્ય રોગમાં ડોક્ટરની સલાહ વિના જાતે જ દવા લેવાનું ટાળો.


