Get The App

બોરસદના ગૃહકંકાસને કારણે ઝવેરબાને અઢી વર્ષ પિયર રહેવું પડયું હતું

Updated: Mar 28th, 2026

GS TEAM

Google News
Google News
બોરસદના ગૃહકંકાસને કારણે ઝવેરબાને અઢી વર્ષ પિયર રહેવું પડયું હતું 1 - image

- સરદાર @150-હસિત મહેતા

- વલ્લભભાઈના પત્ની ઝવેરબાની હેરાનગતિનું કારણ એ હતું કે દિવાળીબાના આકરાં, કડવા અને ઝઘડાળું સ્વભાવને કારણે તેમની જોડે રહેવું બહું અઘરું હતું. 

થા મસ કૂક એન્ડ સન્સમાંથી વલ્લભભાઈને નામે બૅરિસ્ટર થવા માટે ઈંગ્લેન્ડ જવાના કાગળોનું ટપાલકવર આવેલું. તે જોઈને વિઠ્ઠલભાઈને બૅરિસ્ટર થવા ઈંગ્લેન્ડ જવાનું મન જાગ્યું, જે વલ્લભભાઈએ માન્ય તો રાખ્યું. પણ જ્યારે વિઠ્ઠલભાઈએ વલ્લભભાઈને કહ્યું કે તારા બદલે મને ઈંગ્લેન્ડ જવા દે, ત્યારે તેમણે મોટાભાઈને પંદર દિવસની મહેતલ આપીને પોતાના ઈરાદા ઉપર પાકો વિચાર કરવા જણાવ્યું હતું.

આમ તો વલ્લભભાઈ પોતાનો હક્ક છોડવા તત્પર હતા. પોતાના પાસપોર્ટ ઉપર, પોતાના પૈસે, પોતાના હક્કે વિઠ્ઠલભાઈ ઈંગ્લેન્ડ જાય તેમાં તેમને કાંઈ વાંધાસરીખું નહોતું. છતાં કેમ તેમણે પંદર દિવસ સુધી પાકો વિચાર કરવાની શરત વિઠ્ઠલભાઈ આગળ મુકી હશે, એ વિશે રાજમોહન ગાંધીએ સ્પષ્ટતા કરતાં લખ્યું છે કે.... 'વલ્લભભાઈ ઉદાર થવા તૈયાર હતા. પણ વિઠ્ઠલભાઈના ટીખળનો ભોગ બનવાની અથવા તેમની અવઢવને કારણે પોતાની મુરાદ રદ કરવાની તેમને તૈયારી ન હતી. મોટાભાઈએ મહેતલ પાળી ન હોત તો મુસાફરી કરવાનો હક્ક વલ્લભભાઈને મળ્યો હોત.' (પાન-૨૦)

અર્થાત્ વિઠ્ઠલભાઈનો ટીખળી સ્વભાવ વલ્લભભાઈ પૂરેપૂરો જાણતાં હતા. એટલે પોતાને બદલે એમને ઈંગ્લેન્ડ જવાની ઈચ્છા કોઈ ટીખળનો ભાગ તો નથી ને? તેની ખરાઈ કરવા અને અવઢવની પ્રકૃતિવાળા વિઠ્ઠલભાઈ ઈંગ્લેન્ડ જવા પૂરતાં મક્કમ છે કે નહીં તે જાણવા વલ્લભભાઈએ ૧૫ દિવસ સુધી પોતાના નિર્ણયને અકબંધ રાખીને વિઠ્ઠલભાઈને વિચારતાં કરી મૂક્યા હતા.

પરંતુ આખરે એમ જ બન્યું, અને વિઠ્ઠલભાઈએ ઈંગ્લેન્ડ જવાની તૈયારી કરી દીધી. એ સમય હતો ઈ.સ.૧૯૦૬ના આરંભના મહિનાઓનો. પોતાની ઈંગ્લેન્ડ જવાની વાત વિઠ્ઠલભાઈએ ઘરમાં કોઈને કહી જ નહીં. પત્ની દિવાળીબા સુધ્ધાંને પણ નહીં. તેમણે વલ્લભભાઈને પણ ફરમાન કર્યું કે કોઈને કંઈ કહેવાનું નથી. એના કારણો જે હોય તે, પણ આખી વાત અત્યંત ખાનગી રાખીને વિઠ્ઠલભાઈ ઈંગ્લેન્ડ જવા ઉપડી ગયા. વલ્લભભાઈ તેમને મુંબઈ મુકવા ગયા, જ્યાં વિઠ્ઠલભાઈ સ્ટિમરમાં બેઠાં અને વલ્લભભાઈ પાછા વળવાની ટ્રેઈનમાં. તેઓ બોરસદ પાછા આવ્યા ત્યાં સુધી કોઈને અણસાર સરખોયે આવેલો નહીં કે વિઠ્ઠલભાઈ ઈંગ્લેન્ડ રવાના થઈ ચૂક્યા છે. પોતાની પત્ની જો આ વાત જાણશે તો જવા નહીં દે, વધારે પડતી નારાજ થશે, એવા ડરને કારણે વિઠ્ઠલભાઈ ઈંગ્લેન્ડ જવા નીકળ્યાં, ત્યારે પત્ની દિવાળીબાને એટલું જ કહેલું કે વકીલાતના અગત્યના કામે મુંબઈ જાઉં છું. વળી 'એક અસીલે આપ્યાં છે' તેમ કહી તેમના હાથમાં મોટી રકમ મૂકી, આવજો કહીને નીકળી ગયા હતા. 

હવે જ્યારે તેમને ઈંગ્લેન્ડ વળાવીને વલ્લભભાઈ પાછા ફર્યા ત્યારે દિવાળીબાને તેની જાણ કરી. સ્વાભાવિક રીતે જ તેઓ આ સાંભળીને ઘણાં ક્ષુબ્ધ અને નારાજ થઈ ગયાં. એમણે તો રાડારોળ કરી મૂકી. વલ્લભભાઈને આકરાં વેણ સંભળાવ્યા.પણ વલ્લભભાઈએ તે મોટું મન રાખીને સાંભળી લીધાં.

બોરસદમાં અત્યાર સુધી આ બંને ભાઈઓ ભાડાના ઘર રાખીને જુદાં-જુદાં મકાનોમાં રહેતા હતા. પરંતુ વિઠ્ઠલભાઈના ગયા પછી તેમની આબરું અને દિવાળીબાનું માન જાળવવા માટે વલ્લભભાઈએ દિવાળીબાને પોતાને ઘેર રહેવા બોલાવી દીધાં. તેથી હવે ઝવેરબાને ખૂબ તકલીફ પડવા માંડી. તેઓ ખૂબ નારાજ થયા.

વલ્લભભાઈના પત્ની ઝવેરબાની હેરાનગતિનું કારણ એ હતું કે દિવાળીબાના આકરાં, કડવા અને ઝઘડાળું સ્વભાવને કારણે તેમની જોડે રહેવું બહું અઘરું હતું. શ્રી રાજમોહન ગાંધી પોતાના 'સરદાર' પુસ્તકમાં નોંધે છે કે 'ગોરધનભાઈના (જી.આઈ.પટેલ, વિઠ્ઠલભાઈના ચરિત્રકાર) મત મુજબ દિવાળીબા જોહુકમીવાળા, સ્વાર્થી અને કુનેહ વગરનાં હતા. તેમને વહેવારનું જ્ઞાન ન હતું. વળી તે અભણ, અસંસ્કારી હતા અને ભાઈઓ વચ્ચેના સારા સંબંધો સાંખી શક્તાં નહીં.ટૂંકમાં દિવાળીબા સમસ્યાનું મૂળ હતા અને આવા સંજોગોમાં સંસાર સારો બનાવી શકાય તે બધુ વિઠ્ઠલભાઈએ કરવું પડતું. આ વર્ણન એકતરફી છે અને અન્યાયી છે..... ચરિત્રલેખક ગોરધનભાઈ પટેલ આ બાબતમાં પોતાના નાયકનો (વિઠ્ઠલભાઈનો) વાંક જોવા તૈયાર નથી...... (તેમણે) દિવાળીબાનું જે વર્ણન કર્યું છે તે તટસ્થ હોવાનું આપણે સ્વીકારી શકીએ તેમ નથી.' (પાન-૨૦)

જો કે વલ્લભભાઈના અનેક ચરિત્રોમાં લખાયા મુજબ દિવાળીબાનો સ્વભાવ વિચિત્ર હતો, તેમાં શંકા નથી. પોતાનો ધણી (વિઠ્ઠલભાઈ) ક્ષેમકુશળ અને જલ્દી પાછો આવે તે માટે દિવાળીબા બ્રાહ્મણો જમાડતાં અને બીજાં ઘણાં વ્રતો પણ રાખતાં. બાધા આખડી કરતાં, તેથી ઘરનું ખર્ચ વધી ગયું. વળી વિઠ્ઠલભાઈને ઈંગ્લેન્ડ દર મહીને ખર્ચના પૈસા પણ મોકલવાના હતા. વળી ઝવેરબા અને દિવાળીબા (દેરાણી-જેઠાણી) વચ્ચે ગૃહકંકાશ પણ ઘણો વધ્યો હતો. વળી એ ઝઘડામાં ઝવેરબા હલકા ગોળના ગામેથી આવ્યાં હોવાના કટુ વચનો સાંભળવા પડતા. આ રીતે બોરસદમાં વલ્લભભાઈના ઘરની શાંતિ વણસતી જતી હતી, અને વિઠ્ઠલભાઈની ગેરહાજરીમાં દિવાળીબાને પિયર મોકલી શકાય તેમ ન હતું. બીજી તરફ આ બંને સ્ત્રીઓ એક ઘરમાં શાંતિથી રહી શકે તે પણ અશક્ય હતું. એટલે ન-છૂટકે વલ્લભભાઈએ પોતાના પત્ની ઝવેરબાને પિયર મોકલી દેવાનો નિર્ણય કર્યો. જો કે એ બાબતે ઝવેરબાએ વિરોધ કર્યો હશે કે નહીં, તે આપણે જાણતાં નથી. પરંતુ વલ્લભભાઈના કહેવાથી ઝવેરબા બે વરસની દિકરી મણિબેન અને છ મહિનાના પુત્ર ડાહ્યાભાઈને લઈને પોતાના પિયર ગાના ગામે ઉપડી ગયાં, એ વાત નક્કી છે.