Get The App

મસૂરીની મંત્રમુગ્ધતાને ડહોળતી લંબી દેહર !

Updated: Mar 28th, 2026

GS TEAM

Google News
Google News
મસૂરીની મંત્રમુગ્ધતાને ડહોળતી લંબી દેહર ! 1 - image

- સનાતન તંત્ર -બ્રહ્મચારી પરખ ઓમ

- રાતના અંધારામાં ચારેકોર સન્નાટો વ્યાપ્ત હતો. નિરવ શાંતિ! શ્વાસોચ્છવાસ અને હૃદયના ધબકારા સાંભળી શકાય એટલી ભેંકાર શાંતિ! 

મૃ ત્યુ પછીની યાત્રાનું સનાતન સત્ય જાણવાની ખેવના ધરાવતા પેરાનોર્મલ એક્સપર્ટ ગૌરવ તિવારીની જાણી-અજાણી વાતો પરની આ લેખમાળાનો આ ત્રીજો અંક છે, જ્યાં મસૂરીના એક એવા કેસ વિશે વાત કરવાની ઈચ્છા છે, જે મનુષ્યને પોતાના તાર્કિક મગજ પર સવાલ ઉઠાવવા માટે મજબૂર કરી દે!

મસૂરીના અંતરિયાળ વિસ્તારોમાં પથરાયેલી 'લંબી દેહર'ની ખાણોમાં એક સમયે સુરક્ષાના કોઈ નીતિ-નિયમોનું પાલન ન થતું હોવાને લીધે, અમુક જ વર્ષોમાં ત્યાં કામ કરનારા લગભગ ૫૦,૦૦૦ મજૂરોનું અકાળે અવસાન થયું હોવાની ઘટના ઈતિહાસમાં નોંધાઈ છે. ચૂનો એમના માટે એટલો ઘાતક નીવડતો કે ફેફસાં સડી જતાં અને દર્દીને લોહીની ઉલ્ટીઓ થવા લાગતી. લોકજાગૃતિ આવ્યા બાદ લંબી દેહરની ખાણોને બંધ કરી દેવામાં આવી. આજે એ અવાવરું જગ્યા અને તેની આસપાસ જંગલી છોડ ઊગી નીકળ્યા છે. મસૂરી ફરવા ગયા હો અને ભૂલથી પણ આ સ્થળની આજુબાજુ જવાનું થાય તો અગમ્ય-અગોચર કૃત્રિમ ઠંડકની અનુભૂતિ થઈ શકે! ત્યાંના સ્થાનિકોનું માનવું છે કે વર્ષો પહેલાં આ જગ્યા એક પીડિત સ્ત્રીની વેદનાથી શાપગ્રસ્ત થઈ હતી, જેને તે સમયના સમાજ દ્વારા બહુ દુ:ખ પહોંચાડવામાં આવ્યું હતું.

ભારતમાં સૌથી પહેલી 'ઇન્ડિયન પેરાનાર્મલ સોસાયટી' -IPS  - ની સ્થાપના કરનારા ઇન્વેસ્ટિગેટર ગૌરવ તિવારી ન્યૂઝ ચેનલની ટીમ સાથે 'લંબી દેહર'માં ગયા હતાં. રાતે ૧૦ વાગ્યાને ૪૩મી મિનિટે IPS અને ન્યૂઝની સંયુક્ત ટીમના સભ્યોએ લંબી દેહરની સૌથી ભૂતિયા ખાણમાં પગ મૂક્યો. તેઓ કેમકૉર્ડર, EMF  મીટર, કેમેરા, IR  થર્મોમીટર, લેસર ગ્રિડ સાથેના વૈજ્ઞાનિક ઉપકરણો સાથે જાંચ-તપાસ આગળ વધારવા માંગતા હતાં.

ગૌરવ તિવારીની સાથે રજત અને રાજ નામના તેના બે સહકર્મચારી પણ જોડાયા હતાં, જેઓ ઉપકરણોની મદદથી પુરાવા મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા હતાં. ભાણગઢ, કુલધારા, ખાબા કિલ્લો, કિરાડુ મંદિર, મુકેશ મિલ્સ સહિતની અનેક પેરાનૉર્મલ-સાઇટ્સ ઉપર રીસર્ચ કરી ચૂકેલી IPS ટીમ પહેલી જ વખત પ્રોફેશનલી લંબી દેહરની ખાણમાં ઉતરીને પુરાવા એકઠા કરી રહી હતી.

રાતના અંધારામાં ચારેકોર સન્નાટો વ્યાપ્ત હતો. નિરવ શાંતિ! શ્વાસોચ્છવાસ અને હૃદયના ધબકારા સાંભળી શકાય એટલી ભેંકાર શાંતિ! ટાંકણી પડે તો પણ અવાજ સંભળાય, એવા ભયાનક વાતાવરણમાં બંને ટીમો મધ્યમ ગતિએ ખાણના અંદરના ભાગમાં આગળ ધપી રહી હતી.

...એટલામાં એમને કોઈકના પદચાપ સંભળાયા! ટીમ-મેમ્બર્સ જે દિશામાં આગળ ધપી રહ્યા હતાં, ત્યાં સામેથી જ કોઈ અદ્રશ્ય આત્મા એમની તરફ ભારે પગલે ધપી રહ્યો હોય, એવું લાગતું હતું. ન્યૂઝ ચેનલના રિપૉર્ટરે કેમેરામેનને અવાજની દિશામાં રેકૉર્ડ કરવાની સૂચના આપી.

'કોણ છે?' ગૌરવના અવાજમાં સહેજ પણ ભય ન હતો. જ્ઞાન ભયને દૂર કરે છે (નૉલેજ કેન્સલ્સ ફીયર-Knowledge cancels fear), એ તેનું સૂત્ર હતું; જેનો ઉપયોગ ગૌરવ તિવારીના જીવન પર આધારિત ઑટીટી વેબસીરિઝ 'ભય'માં પણ વારંવાર થયો છે. પેરાનૉર્મલ-ફિલ્ડમાં તેણે જ્યારથી પા-પા પગલી ભરવાનું શરૂ કર્યુ હતું, એ વખતથી જ આત્માઓ માટેનો તેનો ભય દૂર થઈ ગયો હતો. તે સમજતો હતો કે મોટાભાગની મૃતાત્માઓ ક્યારેય મનુષ્યને નુકશાન નથી પહોંચાડવા માંગતી હોતી!

સામેથી ચાલીને આવતાં ફૂટ-સ્ટેપ્સ અચાનક અટકી ગયા. ગૌરવ સહિત આખી ટીમને સ્પષ્ટ રીતે અહેસાસ થયો કે કોઈક અજાણી શક્તિ તેમને દૂર ઊભા રહીને નિહાળી રહી છે!

'કોણ?' ગૌરવે આજ વખતે જરા જોરથી સાદ પાડયો.

...બીજી જ ઘડીએ, અદ્રશ્ય ઊર્જા - પ્રેત - ના ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનને માપી શકતાં ઈ.એમ.એફ. મીટરમાં તીવ્રતા સાથે બીપ-બીપનો અવાજ સંભળાવા લાગ્યો. બંને ટીમના સભ્યો પાસે રહેલાં બેટરીથી ચાલતાં તમામ ઉપકરણો - કેમેરા અને વીડિયો રેકૉર્ડર - સ્વિચ-ઑફ્ફ થઈ ગયા. એમની બેટરી ઘડીના છઠ્ઠા ભાગમાં ઉતરી ગઈ.

પેરાનૉર્મલ સંશોધકો ગરમી અને ઊર્જાના આદાનપ્રદાનની થિયરીમાં વિશ્વાસ ધરાવે છે. તેમના મત મુજબ આત્માઓ પાસે આજુબાજુના વાતાવરણનું તાપમાન અને ઊર્જામાં બદલાવ કરી શકવાની અભૂતપૂર્વ ક્ષમતા હોય છે. મૂળત્વે, આત્માઓને પોતાની હાજરીનો અનુભવ કરાવવો હોય તો ઊર્જાની જરૂર પડે છે, જે તેમને બેટરી અથવા ઊર્જાના એવા જ કોઈક સ્ત્રોતમાંથી મળી શકે છે.

ફક્ત ઈલેક્ટ્રોનિક ઉપકરણો જ નહીં, પરંતુ ગૌરવની ટોર્ચ પણ ગુલ થઈ! સર્વત્ર કાળુડિબાંગ અંધારું છવાઈ ગયું. ત્યારબાદ જે ઘટના બની, એના કારણે તમામ સભ્યોના હૃદયના પાટિયાં બેસી ગયા! વધુ વાત આવતાં અંકે.