- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ
- એ રાતે દાદી અને નાથીયો દારૂ પીતાતા અને રૂપલીને મારતાતા. હું બી ગઈ તી. એટલે માથું ફેરવી ઉંઘી ગઈ. સવારે જાગી તો રૂપલી નોતી. દાદી બોલી કે એ ભાગી ગઈ. રૂપલી ભાગે એવી નોતી
'રા જી ભાભી, આ છોડી તમારે ત્યાં કામ કરશે. મારી હંગાથ કામ કરશે. તમને કામ ફાવે તો અહીં રેવા દેજો. રાતે હું લઈ જઈશ.. આખો દિ તમારા કામ કરે રાખશે...' - કાંતાબાઈએ વિનંતીના સ્વરે કહ્યું.
'અરે, પણ કાંતાબાઈ આ કોને લઈ આવ્યા છો. અમારા ઘરે કામ કરવા આટલી નાની છોકરીને રખાતી હશે. સાહેબ મામલતદાર છે, કોઈને ખબર પડે કે મારા ઘરમાં જ બાળમજૂર રહે છે તો કેવો ડખો થાય.' - રાજવીએ કાંતાબાઈને
સમજાવતા કહ્યું.
'રાજીભાભી, આ મારી છોડી છે. મારા નારણીયા અને લખમીની છોડી. તમને ખબર તો છે કે, નારણીયો મૂઓ આખો દિવસ દારૂ પીને પડયો રહે છે અને આ છોડીનું ધ્યાન રાખનાર કોઈ નથી. એની મા લખમી પણ મુઈ કાળુ મોઢું કરાવીને ક્યાંક નાતરે ગઈ. હવે આ મારા પનારે છે.' - કાંતાબાઈએ ગળગળા અવાજે કહ્યું.
'ભલે... ભલે... સવારના પહોરમાં રોકકળ ના કરશો. તમે રૂપલીને અહીંયા મુકી જજો અને રાતે લઈ જજો. એ અહીંયા રહેશે, કામ કરશે, ખાશે-પીશે અને રમશે.' - રાજવીએ કહ્યું અને કાંતાબાઈ મલકાઈ ગઈ.
થોડીવારમાં કાંતાબાઈએ ઘરનું કામકાજ શરૂ કર્યું. કચરા, પોતા, ઘરનું રાચરચીલું ઝાપટવું, વાસણ ઘસવા અને બીજા નાના-મોટા કામ કરવાના હતા. તેમણે રૂપલીને હાથમાં કટકો આપ્યો અને ઘર ઝાપટી કાઢવાનું કહ્યું. રૂપલીએ તો કપડું લઈને એક પછી એક રૂમમાં ફરવા લાગી અને બધું ઝાપટવા લાગી.
બીજી બાજુ કાંતાબાઈએ પોતાની ઝડપ પ્રમાણે કામ કરીને બાકીનું કામ આટોપી લીધું. બીજા ઘરના કામ કરવા જતી રહી. રૂપલી હવે રાજીભાભીના ઘરમાં રોકાઈ હતી. તે ઘરની ઓસરીમાં આવીને ઉપરના માળે જવાની સીડી નીચે ગોઠવાઈ ગઈ. થોડીવારમાં તો ઉંઘી ગઈ. રાજીવી ભાભી તેને આખા ઘરમાં શોધતા હતા.
'અરે તું અહીંયા ઉંઘે છે? હું તને આખા ઘરમાં શોધી આવી. ખરી છોકરી છે તું પહેલાં દિવસે જ ઊંઘી ગઈ.' - રાજવી ભાભી બોલ્યા.
'રાજી ભાભી, માફ કરજો. ભુલ થઈ ગઈ. કાલે ઉજાગરો હતો તેમાં અત્યારે આંખ મીચાઈ ગઈ. હવે નહીં થાય. મારી દાદીને ના કેતા. હું તમારા પગ પકડું.' - એટલું બોલતા બોલતા તો રૂપલી દંડવત થઈ ગઈ અને રડવા લાગી.
'અરે પાગલ છોકરી. ઊભી થાય. હું કોઈને કશું કહેવાની નથી. ચાલ જમવાનો સમય થયો છે. પહેલાં ખાઈ લે પછી વાસણ ધોવામાં મને મદદ કરજે. પછી બપોરે નિરાંતે અહીંયા આરામ કરજે.' - રાજવી બોલી અને રૂપલીના આંસુ રોકાયા.
સમય આ રીતે પસાર થવા લાગ્યો. રૂપલી હવે અહીંયા ધીમે ધીમે કામ કરવા લાગી હતી. આ વાતને લગભગ એકાદ વર્ષ થવા આવ્યું. રૂપલી હવે ઘરના દરેક ખૂણાથી, દરેક કામથી અને ઘરના દરેક લોકોથી માહિતગાર હતી.
'રાજીભાભી હવે આ છોકરી અહીંયા કામ કરે છે તો હું નહીં આવું. તમને રૂપલી ફાવી ગઈ છે અને એને આ ઘર ગમે છે. તમે એને રાખો તો ક્યાંક બીજે કામ બાંધુ તો અમારું ગાડું ચાલે. હજી બે છોડીઓ છે જેમને ઉછેરવાની છે. હજી નાની છે પણ તેમનેય કામે લગાડવી પડશે. મારી મોટી છોડી રેખલીએ કુવામાં પડતું મેલ્યું અને એનો વર બીજી લઈ આયો. રેખલીની છોડીઓને મારા ઘેર મુકતો ગયો. મારે જતી જિંદગીએ આ બધા ઢસરડા જ કરવાના ને.' - કાંતાબાઈ રડી પડી.
'તમે પહેલા રડવાનું બંધ કરો. રૂપલી અહીંયા જ રહેશે. તમે કહેશો ત્યાં સુધી અહીંયા રહેશે, કામ કરશે. અમારા ઘરનાને પણ રૂપલી જોડે ફાવી ગયું છે. તમે તમારી રીતે નવા કામ શોધો અને કરતા રહો.' - રાજવીએ કહ્યું અને કાંતાબાઈને ધરપત થઈ.
રૂપલી હવે રાજવીના ઘરમાં કામ કરતી અને મજાથી રહેતી. રાત્રે માત્ર ઉંઘવા પૂરતી જ કાંતાબાઈ જોડે જતી. ઘણી વખત તો રાત્રે પણ રાજવીના ઘરે રોકાઈ જતી. ખાસ કરીને વીકેન્ડમાં પાર્ટી કે અન્ય કોઈ ફંક્શન હોય તો રૂપલી ત્યાં જ રોકાઈ જતી. તેને એક્સ્ટ્રા પૈસા પણ મળતા અને સારું સારું ખાવાનું પણ મળતું. રાત્રે ઉંઘવા સરસ મજાનું ગાદલું, ઓશીકું અને ઓઢવા ધાબળો મળતા જે કાંતાબાઈની ઝુંપડીમાં માત્ર કલ્પના હતા.
રૂપલી ઘણી વખત કામ કરતી વખતે રાજવીના રૂમમાં જઈને અરિસા પાસે ઊભી રહી જતી. અરિસામાં પોતાની જાતને નિહાળ્યા કરતી અને ત્યાં પડેલા મેકઅપના સામાનને જોઈ રહેતી. રાજવીને આ વાતની ખબર હતી. તેથી તે ઘણી વખત જૂની લિપસ્ટિક, નેઈલપોલિસ કે પછી મેકઅપની બીજી કોઈ વસ્તુ, કાંસકા, બક્કલ રૂપલીને આપી દેતી. ઘણી વખત બજારમાંથી નવી વસ્તુ લાવીને પણ તેને પકડાવતી અને રૂપલી ખુશ થઈ જતી.
રૂપલી હમે સમજદાર થવા લાગી હતી. તેને તમામ બાબતોમાં રસ પડવાની સાથે સાથે સમજ પડવા લાગી હતી. તે રાજવીભાભીના નાના દીકરા સોહમ સાથે હળીમળી ગઈ હતી. સોહમે તને લખતા વાંચતા અને સાદી ગણતરી કરતા પણ શીખવાડયું હતું. આ ગણતરીએ એક દિવસ બોમ્બ ફોડયો.
એક સાંજે રૂપલી અને રાજવીભાભી આંગણામાં બેસીને શાક સમારતા હતા ત્યાં કાંતાબાઈ આવ્યા.
'રાજીભાભી, મારે તમને એક વાત કેવી છે. આ મોંઘવારી મુઈ મારી નાખશે. આ છોકરા રાખવા પરવડતા નથી. મુંઆ મોટા થાય છે એમ ખાય છે વધારે. મને આ મહિનાથી પગાર વધારી આપો.' - કાંતાબાઈએ ફરી રડમસ અવાજે કહ્યું.
'કાંતાબાઈ તમારો મેલોડ્રામા રહેવા દો. રૂપલી અહીંયા રહે છે, ખાય છે, સેજલી સામેની લાઈનમાં જાય છે, ત્યાં રહે છે, ખાય છે, કપડાં પણ આ લોકોને અમે જ આપીએ છીએ. તમારા ભાગે ખાલી નાનકીની જવાબદારી છે. હાલ કોઈ પગાર વધારો નહીં મળે.' - રાજવીભાભીએ કહ્યું.
'રાજીભાભી મારે પણ એક વાત કેવી છે. આ મહિનાથી દાદીને જે પગાર જાય તેમાંથી ૧૦૦ રૂપિયા મને આપજો. આખો દિવસ કામ હું કરું તો મને પણ કંઈક મળવું જોઈએ.' - રૂપલી બોલી અને કાંતાબાઈના પગતળેથી જમીન સરકી ગઈ.
'એ છોડી તને ભાન છે, હું બોલે છે. તારે હેના રૂપિયા જોયે છે. મારા ઘરે રેવા દઉં છું એનો પાડ માન. તારી મા તને મરવા છોડીને જતી રઈ તી. તારો બાપ તને જોવાય આવતો નથી. મારી પાહે પૈસા માગે છે. ભાગ માગે છે.' - કાંતાબાઈ લાલચોળ થઈ ગઈ.
'જૂઓ દાદી, તારે ભાગ તો આપવો પડશે. નઈં તો હું પોલીસ ફાહે જઈશ. તું શોષણ કરે છે એવું કઈ દઈશ.. પકડી જશે તને.' - રૂપલીએ સામો જવાબ આપ્યો અને આ વખતે રાજીભાભી પણ અવાક રહી ગયા.
કાંતાબાઈ તેને હાથ ઝાલીને ઘરે લઈ ગઈ. ત્યારબાદ બે દિવસ રૂપલી કે કાંતાબાઈ કોઈ કામ ઉપર ન આવ્યું. રાજવીને ચિંતા થઈ પણ તે કાંતાબાઈની ચાલ સુધી જઈ શકે તેમ નહોતી. તેમાં ઘણી બાબતો આડે આવે તેમ હતી. અઠવાડિયું પસાર થઈ ગયું પણ કાંતાબાઈ કે રૂપલીના કોઈ સમાચાર મળ્યા નહીં. આગળની સોસાયટીમાં આવતી સેજલી પણ અઠવાડિયા સુધી આવી નહીં. આખરે એક દિવસ સેજલી રાજવી ભાભીના ઘર પાસેથી પસાર થતી દેખાઈ.
'એ સેજલી, ક્યાં છો તમે બધા? દસ દિવસ થવા આવ્યા. રૂપલી, કાંતાબાઈ કોઈના સમાચાર નથી.' - રાજવીએ ચિંતાતૂર થતા કહ્યું.
'અરે રાજીભાભી, રૂપલી ક્યાંક ભાગી ગઈ છે. દાદી તેને શોધવા ગામ ગઈ છે પણ હજી તેનો પત્તો નથી. ઘરે હું અને નાનકી બે જ છીએ. આજે પેલીવાર નાનકીને ઘરે રાખીને હું કામે આવી છું.' - સેજલીએ બેફિકરાઈથી જવાબ આપ્યો.
'નાનકીને આમ નોંધારી છોડીને આવી. તું ખરી છું છોકરી. પહેલાં જા અને લઈ આવ. મારા ઘરે રાખજે.' - રાજવીએ આદેશ કર્યો અને સેજલી ખુશ થતી થતી પોતાની ચાલ તરફ દોડી ગઈ.
થોડીવારમાં તે નાનકીને લઈને આવી અને ત્યાં મુકીને આગળ જતી રહી.
'બેટા, ચાલ અંદર થોડો નાસ્તો કર અને પછી કહેજે કે રૂપલી ક્યાં ગઈ?' - રાજવીએ કહ્યું.
'રૂપલી દીદી. દાદીએ રૂપલીને વેચી મારી. પેલા નાથીયાને... એ રાતે દાદી અને નાથીયો દારૂ પીતાતા અને રૂપલીને મારતાતા. હું બી ગઈ તી. એટલે માથું ફેરવી ઉંઘી ગઈ. સવારે જાગી તો રૂપલી નોતી. દાદી બોલી કે એ ભાગી ગઈ. રૂપલી ભાગે એવી નોતી. નાથીયો કાયમ ચાલમાંથી છોડીઓ લઈ જાય છે. નક્કી દાદીએ રૂપલીને આલી દીધી. હવે દાદીએ જડતી નથી.' - નાનકીએ કહ્યું અને રાજવી અવાક્ ચહેરે તેની સામે જોઈ રહી.


