Get The App

રાયન વિલિયમ્સ : ઓસ્ટ્રેલિયામાં જન્મેલા ભારતીય મૂળના ફૂટબોલરની વતન વાપસી

Updated: Mar 29th, 2026

GS TEAM

Google News
Google News
રાયન વિલિયમ્સ : ઓસ્ટ્રેલિયામાં જન્મેલા ભારતીય મૂળના ફૂટબોલરની વતન વાપસી 1 - image

- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત

- રાયનના નાના લિન્કી ગ્રોસ્ટેટ મુંબઈમાં ફૂટબોલ રમી ચૂક્યા છે અને હવે તેમનો દોહિત્ર ભારતની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમમાં સામેલ : પારિવારિક વૈવિધ્યને કારણે રાયનની પાસે ચાર દેશ તરફથી રમવાનો વિકલ્પ હતો

સ મયની ગતિ પર નજર માંડવા માટે જ્યારે સાતમા આકાશની સફર ખેડતા વિહંગોની દ્રષ્ટીનો સહારો લેવામાં આવે તો તે મહ્દ અંશે વર્તુળાકાર જ હોવાનો અહેસાસ થાય છે. આ જ કારણે સમયને ચક્રની ઉપમા આપવામાં આવી છે અને તે જ બાબત પુનરાવર્તનની સૂચક પણ છે. ઘડિયાળનો આકાર ગમે તેવો હોય, પણ તેમાં ફરતા કાંટાની ગતિ તો સ્વાભાવિક રીતે વર્તુળાકાર જ રહેતી હોય છે. તેનો અહેસાસ દરેકને જીવનકાળ દરમિયાન સમયાંતરે થતો જ રહે છે. આવો જ અહેસાસ ભારતીય ફૂટબોલ ટીમમાં સ્થાન ધરાવતો ઓસ્ટ્રેલિયામાં જન્મેલો રાયન વિલિયમ્સ કરી રહ્યો છે. 

એક જમાનામાં રાયનના નાના (માતાના પિતા) લિન્કી ગ્રોસ્ટેટે, જે ભૂમિ પર તેમના ફૂટબોલના કૌશલ્ય થકી આગવી ઓળખ ઉભી કરી હતી, તે જ દેશની રાષ્ટ્રીય ટીમ તરફથી રમવા માટે તેમનો દોહિત્ર તૈયારી કરી રહ્યો છે. ભારતીય ફૂટબોલ જગતમાં રાયન વિલિયમ્સનુ નામ નવું નથી. છેલ્લા ચાર વર્ષથી ભારતના ઘરઆંગણાના ફૂટબોલમાં આક્રમણ પંક્તિનો આ ખેલાડી પોતાની કમાલ દેખાડતો રહ્યો છે. રાયનના નાના લિન્કી ગ્રોસ્ટેટની ખુબ જ ઈચ્છા હતી કે, તેમનો દોહિત્ર ભારતમાં ફૂટબોલ રમે. આર્યને તેમની ઈચ્છા તો પૂૂર્ણ કરી જ છે, પણ તેનાથી આગળ વધીને તે હવે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. 

ભારતીય ફૂટબોલના ઈતિહાસમાં વિદેશમાં જન્મેલા ખેલાડીઓ બ્લુ ટાઈગર્સ ટીમ માં સામેલ થયા હોય તેવી આ માત્ર બીજી ઘટના સર્જાઈ છે. અગાઉ જાપાનમાં જન્મેલો એરાતા ઈઝુમી પણ ૨૦૧૩-૧૪માં ભારત તરફથી નવ આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે. ગુજરાતી પિતા નરેન્દ્ર ખંભોળજા અને જાપાનીસ માતા એકીકો ઈઝુમીના સંતાન એરાતા વર્ષ ૨૦૦૬ થી ભારતીય ફૂટબોલ કલબોની સાથેે જોડાયેલો રહ્યો છે. જોકે, તે તેની પાછળ માતાનું નામ લખાવે છે. એરાતા પછી ભારતનું પ્રતિનિધિત્વ કરનારા  વિદેશમાં જન્મેલા બીજા ખેલાડી તરીકેનો રેકોર્ડ રાયનેે નોંધાવી દીધો છે.

૩૧ વર્ષનો આર્યન ઓસ્ટ્રેલિયાની સોકારુસ તરીકે ઓળખાતી જુનિયર તેમજ સિનિયર ટીમ તરફથી ૧૬ મુકાબલા ખેલી ચૂૂક્યો છે. જોકે, હવે તેણે ઓસ્ટ્રેલિયાનો પાસપાર્ટ છોડી દીધો છે અને ભારતની નાગરિકતા અપાવવાની સાથે રાષ્ટ્રીય ટીમનું પ્રતિનિધિત્વ કરવાની તમામ શરતો પણ પૂર્ણ કરી દીધી છે અને ગત વર્ષે તેણે ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતુ.  રાયનની રમતથી ભારતીય ફૂટબોલ ટીમના હેડ કોચ જામીલ સારી રીતે પરિચિત છે. હાલમાં ભારતીય ફૂટબોલ ટીમ સુનિલ છેત્રી જેવા ધુરંધરની વિદાય બાદ સંઘર્ષ કરી રહી છે, ત્યારે રાયનનું આગમન નવું જોશ જગાવનારું બની રહી શકે છે. 

રાયન વિલિયમ્સ ભારતીય ફૂટબોલની સાથે ૨૦૨૩થી જોડાયેલો છે. તેનો ભાઈ આર્યન અગાઉ ૨૦૧૮માં આઈ-લીગમાં સામેલ ઉત્તર-પૂર્વની નેરોકા એફસીમાં ટ્રેડ હેઠળ જોડાયો હતો અને ત્યારથી તે ભારતીય ફૂટબોલના પરિચયમાં રહ્યો છે. ભારતની કોઈ પણ રમતની ઘરઆંગણાની ટુર્નામેન્ટમાં વિદેશી ખેલાડીની ઉપસ્થિતિ જવલ્લે જ જોવા મળતી ઘટના છે અને તેમાં ફૂટબોલ પણ અપવાદ નથી. પેઢીઓથી ફૂટબોલને સમર્પિત રહેલા પરિવારમાં જન્મેલા રાયન એંગ્લો-ઈન્ડિયન પરિવારનો હિસ્સો છે. ફૂટબોલના સંસ્કાર તેના લોહીમાં ધબકી રહ્યા છે.

ઓસ્ટ્રેલિયામાં જન્મેલા રાયનનો ભારત સાથેનો નાતો ઘણો જૂનો છે. તેના દાદા લિન્કી ગ્રોસ્ટેટ ૧૯૫૦ના દશકમાં મુંબઈમાં રહેતા અને તેઓ રાજ્યની ફૂટબોલ ટીમની સાથે સાથે સેન્ટ્રલ રેલવે સ્પોર્ટ્સ કલબ અને ટાટા સ્પોર્ટ્સ કલબ તરફથી રમ્યા હતા. બોમ્બેની ટીમ સેમિ ફાઈનલમાં બંગાળની હોટફેવરિટ ટીમને સેમિ ફાઈનલમાં હરાવીને સંતોષ ટ્રોફીની ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો, ત્યારે તે ટીમમાં પણ લિન્કીનો સમાવેશ થયો હતો. આખરે બોમ્બેની ટીમ રનરઅપ બની હતી. મુંબઈના પારલામાં વસતા લિન્કીના લગ્ન ફિલોમેના જોએના સાથે થયા હતા. તેમની પુત્રી ઓડ્રેયનો જન્મ પણ મુંબઈમાં જ થયો હતો. 

થોડા સમય બાદ લિન્કીએ પરિવાર સાથે ઈંગ્લેન્ડની રાહ પકડી અને ત્યાં મિડલસેક્સમાં સ્થાયી થયા. ઓડ્રેયાને ચાર ભાઈ-બહેન હતા. જેમાંથી ત્રણનો જન્મ ઈંગ્લેન્ડમાં થયો હતો. ઓડ્રેયા અને તેના બે ભાઈઓએ ઈંગ્લેન્ડમાં ફૂટબોલ રમવાનું શરુ કર્યું. આ દરમિયાનમાં લિન્કીએ કેનેડા અને ઓસ્ટ્રેલિયાના વિઝા માટે અરજી કરી અને તેમને ઓસ્ટ્રેલિયા તરફથી હકારાત્મક પ્રતિસાદ મળ્યો. આ પછી ઓડ્રેયાની ફૂટબોલર તરીકેની કારકિર્દી ઓસ્ટ્રેલિયામાં આગળ વધી અને કેન્ટમાં જન્મેલા તેના પતિ પણ ફૂટબોલની સાથે જ સંકળાયેલા હતા.આર્યનનો જન્મ પર્થમાં થયો.

રાયન અને તેના ભાઈઓ આર્યન અને રિસ તેની બહેન માટે ફૂટબોલના મેદાનની રાહ આસાન હતી. એડ્રીયાની પ્રેક્ટિસ અને મેચીસ વખતે તેના સંતાનો તેની સાથે જ હોય. આ કારણેે રાયન અને તેના ભાઈઓ આપોઆપ જ ફૂટબોલના મેદાન તરફ વળ્યા.  રાયનને ફૂટબોલની પાયાની તાલીમ ઓસ્ટ્રેલિયામાં મળી અને તેણે ૧૫ વર્ષની ઊંમરથી ઈંગ્લેન્ડમાં કલબ ફૂટબોલ રમવાનું શરુ કર્યું. તેના પિતાના વડવા વેલ્સ સાથે સંંકળાયેલા હતા. આ કારણે રાયનની સામે ઓસ્ટ્રેલિયાની સાથે ભારત, ઈંગ્લેન્ડ અને વેલ્સ તરફથી રમવાની તક હતી. રાયનને ફૂટબોલ રમતો જોઈને તેના નાના લિન્કી ખુબ જ ખુશ થતા અને તેઓએ જ તેને ભારતમાં ફૂટબોલ રમવા માટે પ્રોત્સાહિત કરતા. 

ઈંગ્લેન્ડમાં કલબ ફૂટબોલ રમ્યા બાદ રાયન ઓસ્ટ્રેલિયાની પર્થ ગ્લોરી ટીમ તરફથી પણ એક સિઝન રમી ચૂક્યો છે. આ દરમિયાન જ તેને ભારતમાં રમવાની તક મળી. તેને ૨૦૨૩માં ઈંન્ડિયન સુપર લીગમાં બેંગલુરુની ટીમે કરારબદ્ધ કર્યો. આ સમયે તેની મુલાકાત ભારતના દિગ્ગજ ફૂટબોલર અને તેના સાથી ખેલાડી એવા સુનિલ છેત્રી સાથે થઈ. સુનિલના પ્રયાસોને પગલે રાયને ઓસ્ટ્રેલિયાને અલવિદા કહીને ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરવાની તૈયારી દર્શાવી હતી. હવે રાયનનું જ નહીં, પણ તેના નાનાએ વરસો પહેલા જોયેલું સ્વપ્ન સાકાર થયું છે.  

ગત વર્ષે નવેમ્બરમાં રાયનેે ઓસ્ટ્રેલિયા સાથે છેડો ફાડી નાંખ્યો હતો. તેને ઓસ્ટ્રેલિયાના ફૂટબોલ સંઘે ના-વાંધા પ્રમાણપત્ર આપ્યું હતુ અને ફૂટબોલની સર્વોચ્ચ સંસ્થા ફિફાએ પણ તેની રજુઆત સ્વીકારી લીધી હતી. તેના પગલે તેને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું હતુ અને ભૂતાન સામેની ભારતની જીતમાં તેણે ગોલ પણ નોંધાવ્યો હતો. હવે આ સિલસિલાને તે આગળ ધપાવવા માટે કટિબદ્ધ છે. રાયનની ભારતીય ફૂટબોલમાં એન્ટ્રી એ નવીન શરુઆતના ઉદ્ઘોષ સમાન છે અને તેની સફળતા વિદેશમાં જન્મેલા ભારતીય મૂળના ખેલાડીઓ માટે નવી રાહ ખોલી શકે છે.