- આજકાલ-પ્રીતિ શાહ
- 'મારા અકસ્માતને હું મોટો દુશ્મન બનાવી શકત, પરંતુ તેને મેં મારો મિત્ર બનાવ્યો છે. મારા જીવનમાં બનેલી એ ઘટના માટે કે વ્હીલચેર પર જીવાતા મારા જીવન વિશે મને કોઈ ફરિયાદ નથી
આ ઈ.ટી. એન્જિનિયર પ્રતીક ખંડેલવાલે ચાર વર્ષ સુધી ઇન્ફોસિસમાં નોકરી કરી. ૨૦૧૪માં નિર્માણાધીન એક ઈમારતમાં ગયેલા પ્રતીકનો પગ લપસ્યો અને કરોડરજ્જુ તથા ગોલ બ્લેડરને ગંભીર નુકસાન થયું. શરીરનો નીચેનો ભાગ લકવાગ્રસ્ત થઈ ગયો. ૨૮ વર્ષના સ્ફૂતલા પ્રતીકને 'સેનાની કરો પ્રયાણ, સારા આકાશ તુમ્હારા હૈ' એ પંક્તિ ખૂબ ગમતી અને વારંવાર ગણગણાવ્યા કરતો હતો. એનાથી પ્રોત્સાહિત પણ થતો, કિંતુ આવા ગંભીર અકસ્માતમાંથી આવા તરવરિયા યુવાનની બચવાની શક્યતા ઓછી હતી. એવા સમયે પણ પ્રતીકે ડાક્ટરને કહેલું કે, 'બે વર્ષ પછી હું તમને મળવા આવીશ. મારી જિંદગીનો આ અંત નથી.' આ ઘટના પછી મિત્રો ઉપેક્ષા કરવા લાગ્યા.
પ્રતીક ખંડેલવાલે રોજ આઠ-દસ કલાક કસરત શરૂ કરી. ફિઝિયોથેરપીસ્ટે એને નર્વસ સિસ્ટમ અને માંસપેશીઓને ચલાવવાની કલા શીખવી. ભોજન અને પ્રવાહી લે ત્યારે ગોલ બ્લેડર અને લીવર પર થતી અસર ઉપર ધ્યાન રાખવામાં આવતું. ૨૦૧૭માં વાકરની મદદથી નાનાં-મોટાં કામ જાતે કરવા લાગ્યાં. લગ્નપ્રસંગોમાં અને પાર્ટીઓમાં પણ જવા લાગ્યા. ૨૦૧૮માં એમણે પોતાના ફિઝિયોથેરપીસ્ટ સાથે ભારતનો પ્રથમ સ્પાઇનલ કોર્ડ ઇન્જરી હોમ રીકવરી સોલ્યુશન પ્રોગ્રામ શરૂ કર્યો. આ એક આનલાઇન કાર્યક્રમ હતો, જેમાં વીડિયો કોલ દ્વારા લોકો માટે કેટલીક કસરતનો કોર્સ તૈયાર કર્યો હતો, જેથી આવા લોકો ઘરે રહીને પોતાની જાતે કસરત શરૂ કરી શકે, કારણ કે પ્રતીકને ખ્યાલ હતો કે ઘણી વખત જો તેનો યોગ્ય ઈલાજ ન થાય તો વ્યક્તિ જીવનભર પથારીવશ રહે છે.
પ્રતીકનું જીવન ગોઠવાતું જતું હતું, પરંતુ તેની સામે એક નવી સમસ્યા ઊભી થઈ. તેણે જોયું કે તે પહેલાં જતો હતો તે જગ્યાએ કે એની પ્રિય રેસ્ટોરન્ટમાં જઈને ભોજનનો આનંદ માણી શકતો નથી. ત્યારે એને સમજાયું કે વ્હીલચર માટે રેમ્પ હોવો એ કેટલી બધી મહત્ત્વની બાબત છે. ફાઈવ સ્ટાર હાટલ કે અન્ય કેટલાંક સાર્વજનિક મકાનો સિવાય ક્યાંય રેમ્પ હોતા નથી. ૨૦૧૮માં એણે 'રેમ્પમાયસિટી'ની શરૂઆત કરી. તે કહે છે કે, 'આ પરિસ્થિતિમાં પણ મારા મન અને જુસ્સો બરાબર છે તો પછી શા માટે હું જીવવાનું બંધ કરી દઉં? હું મહત્ત્વાકાંક્ષી છું, મને ખાવાનો શોખ છે. મારા મિત્રોને મળવું મને ગમે છે, તો પછી શા માટે વ્હીલચરમાં બધે જઈ ન શકું?' પરિવારજનોએ શક્ય હતા ત્યાં તેને માટે રેમ્પ નખાવ્યા. તે રીતે જ્યાં રેમ્પ હતા તેવી રેસ્ટોરન્ટ અને થિયેટરમાં જવા લાગ્યા. તેની પાછળનો હેતુ કોઈ મોટો વ્યવસાય શરૂ કરવાનો નહોતો, પરંતુ અન્ય લોકોની જેમ જ આ લોકો પણ જીવનનો આનંદ માણી શકે તેવો હતો.
ભારતમાં અક્સેસેબિલિટી ઓછી છે, તે વાસ્તવિકતાનો પ્રતીકને ખ્યાલ આવ્યો. ઘણા સાર્વજનિક સ્થળો, બંક, રેસ્ટોરન્ટ, મેટ્રો સ્ટેશન, પોલીસ સ્ટેશનમાં આવી સગવડ નથી હોતી. એક અંદાજ પ્રમાણે ભારતમાં એકવીસ કરોડ લોકો દિવ્યાંગ છે. સરકારે ધ રાઇટ્સ આફ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ એક્ટ, ૨૦૧૬ પસાર કરીને આવા લોકો માટે બધી જગ્યાએ વૈશ્વિક ધોરણો પ્રમાણે એક્સેસ ફરજિયાત કર્યો છે, પરંતુ તેનો અમલ થયો નથી. આ અંતરને ઓછું કરવા જ તેણે રેમ્પમાયસિટી શરૂ કર્યું છે. રેમ્પમાયસિટીની ટીમે જ્યાં જ્યાં જરૂર હોય તેવાં સ્થળોની મુલાકાત લીધી અને શરૂઆત રેસ્ટોરન્ટથી કરી, જેથી વધુ લોકો સુધી આ વાત પહોંચે. જો તેનું મહત્ત્વ સમજાય તો તેને માટે ફંડ પણ મળે. રેમ્પ માટે સિમેન્ટ કે ઈંટોની જરૂર નથી, પરંતુ સ્ટીલ કે એલ્યુમિનિયમના રેમ્પ લગાડવાના હોય છે.
૨૦૧૮થી ૨૦૨૦માં ખાણીપીણીની સાઠ જગ્યાએ અને કોવિડ મહામારી સમયે લોકડાઉન પછી બંગાલુરુના સિત્તેર હેલ્થકેર સેન્ટર પર રેમ્પ લગાવવામાં આવ્યા. આજે બંગાલુરુમાં ચર્ચ સ્ટ્રીટથી શરૂ થયેલા આ કામમાં સો રેસ્ટોરન્ટ, પચાસ પોલીસ સ્ટેશન અને અન્ય અનેક જગ્યાએ રેમ્પ લગાવતા તે ભારતનું વ્હીલચર ફ્રેન્ડલી શહેર બની ગયું છે. તેમની ટીમ નાની છે અને સામે પક્ષે દરેક જગ્યાએ બધાની સંમતિ મેળવવી પણ મુશ્કેલ હોય છે. ધીમે ધીમે તેમના કામે સહુનું ધ્યાન ખેંચ્યું. સીએસઆર અંતર્ગત ફંડ મેળવ્યું. ૨૦૨૨માં સાંસદ તેજસ્વી સૂર્યાએ તેમને સરકારના દસ મહત્ત્વનાં મકાનોમાં રેમ્પ નાખવા માટે કહ્યું. આજે અનેક સંસ્થાઓ પણ રેમ્પ નાખવા માટે તેમનો સંપર્ક કરે છે. પ્રતીક કહે છે કે,'મારા અકસ્માતને હું મોટો દુશ્મન બનાવી શકત, પરંતુ તેને મેં મારો મિત્ર બનાવ્યો છે. મારા જીવનમાં બનેલી એ ઘટના માટે કે વ્હીલચર પર જીવાતા મારા જીવન વિશે મને કોઈ ફરિયાદ નથી, પરંતુ એના કારણે આ પ્રકારના કેટલા બધા લોકો કેવી રીતે સામાન્ય માનવીની જેમ જીવે છે, પ્રવાસ કરે છે, કામ કરે છે અને તેઓ સમાજનો જ ભાગ છે. એ જોવાની મને અુત તક મળી.' તેમનો મંત્ર છે - કિસ્મત કે ભરોસે મત બૈઠિયે, કિસ્મત ખુદ આપ કે ભરોસે બૈઠી હૈ.'
કાળી કીડીઓની પીઠ પર કોથળો
આભા ગુપ્તા કહે છે કે પુસ્તકવાંચન એને નવા વિચારો આપે છે, રસોઈથી તેની સર્જનાત્મકતા ખીલે છે અને ગાર્ડનિંગ તેને પર્યાવરણ સાથે જોડે છે
ઝા રખંડના બોકારો સ્ટીલ સિટી નામના નાના શહેરમાં આભાનો જન્મ થયો હતો. તેના પિતા વિશ્વનાથ પ્રસાદ સ્ટીલ ઓથોરિટી આફ ઇન્ડિયા લિમિટેડમાં નોકરી કરતા હતા અને માતા સુમિત્રા દેવી ગૃહિણી. આભાએ દાંતના ડાક્ટર બનવા માટેની પ્રવેશ પરીક્ષા પાસ કરી. આભા કહે છે કે તે સમયે તેમના આ નાના શહેરમાં દરેક વ્યક્તિ એન્જિનીયર કે ડાક્ટર બનવાનું સ્વપ્ન સેવતી હતી. આભાએ પણ ડેન્ટિસ્ટ બનવા માટેની પરીક્ષા તો પાસ કરી, પરંતુ થોડા સમયમાં તેણે રાંચીની સેન્ટ ઝેવિયર્સ કાલેજમાં બોટની વિષયમાં પ્રવેશ મેળવ્યો અને સ્નાતકની ડિગ્રી મેળવી. કાલેજના અધ્યાપકે તેને એમ.બી.એ. કરવા કહ્યું અને સ્નાતક થયા પછી બંગાલુરુની આઈ.બી.એસ.માં માનવ સંસાધનમાં એમ.બી.એ. કર્યું. કાલેજ કેમ્પસમાંથી જ ફોટસ હોસ્પિટલમાં મેનેજમેન્ટ તાલીમાર્થી તરીકે નિમણૂક મળી.
ફોટસ હોસ્પિટલમાં કામ કરતા કરતા તેમણે અનુભવ્યું કે માનવ સંસાધનનું ક્ષેત્ર માત્ર ભરતી કરવાનું અને પગાર આપવાના મેનેજમેન્ટ પૂરતું મર્યાદિત નથી. આભાએ પોતાની આગવી દૃષ્ટિથી કામ કર્યુ તેથી એને ફોટસ હેલ્થકેરમાં સિનિયર એક્ઝીક્યુટીવ તરીકે બઢતી આપવામાં આવી. એ પછી થોડો સમય ક્લાઉડ નાઇન હેલ્થકેર ફેસિલિટીમાં ડેપ્યુટી મેનેજર તરીકે અને ફોટસ હોસ્પિટલમાં એચ.આર. હેડ તરીકે પણ જવાબદારી સંભાળી. તેણે અનુભવ્યું કે આફિસની વસ્તુઓ મંગાવવામાં ભરોસાપાત્ર વ્યક્તિઓના અભાવે મુશ્કેલી પડતી હતી, તેને વિચાર આવ્યો કે એક એવું પ્લેટફોર્મ હોવું જોઈએ કે જે સરળ અને કાર્યક્ષમ હોય. હોસ્પિટલની નોકરી છોડીને દસ લાખ રૂપિયાની મૂડી સાથે ૨૦૧૮માં એન્ટ મેસ્કોટની શરૂઆત કરી. વ્યક્તિઓને જરૂરી બધી જ વસ્તુ આ એક જ આનલાઇન પ્લેટફોર્મ પરથી મળી રહે, જેથી તેનો સમય અને શક્તિ બચે. ગુણવત્તાવાળી વસ્તુ આપવી, નિષ્ઠાવંત ટીમવર્ક અને પરસ્પર સંવાદ જેવાં મૂલ્યો સાથે આભાએ એન્ટ મેસ્કોટ પ્લેટફોર્મ શરૂ કર્યું. તે કહે છે કે આ માત્ર ખરીદ-વેચાણ પૂરતું મર્યાદિત નથી, પરંતુ નાના ઉત્પાદકો અને મોટા ઓર્ગેનાઇઝેશન્સ વચ્ચે સેતુ બનવાનું કામ કરે છે. આફિસમાં વપરાતી વસ્તુઓ અને કોર્પોરેટ ગિફ્ટ તૈયાર કરીને મોટી કંપનીઓ સાથે નાના વેપારીઓને જોડાણ કરાવી આપે છે.
એન્ટ મેસ્કોટની શરૂઆત સમયે તેમના પતિ સેમસોનાઇટ ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે કામ કરતા હતા, પણ તેમણે અન્ય કંપનીમાં કામ કરવાને બદલે પોતાના વ્યવસાયમાં કામ કરવાનું પસંદ કર્યું અને તેઓ પણ એન્ટ મેસ્કાટ સાથે જોડાયા. શરૂઆતમાં તેમને ઘણા પડકારોનો સામનો કરવો પડયો. એક તો અસંગઠિત માળખાને વ્યવસ્થિત કરવાનું હતું. બીજું કરનું માળખું ગોઠવવાનું અને સૌથી મોટું તો જે વેપારીઓ પરંપરાગત રીતે પોતાનો વ્યવસાય કરતા હતા તેમને આનલાઇન પ્લેટફોર્મ પર લાવવાના હતા, પરંતુ આભા ગુપ્તાનો આટલા વર્ષનો અનુભવ કામ લાગ્યો. બિઝનેસ સરળતાથી કરવા માટે યૂઝર ફ્રેન્ડલી વેબસાઈટ બનાવી. ૨૦૨૦માં કોવિડ મહામારી સમયે અનેક મુશ્કેલીઓ આવી. જોકે તેઓ કહે છે કે આવા કપરા સમયમાં પણ કોઈ કર્મચારીને નોકરીમાંથી છૂટો નથી કર્યો કે ન તો પગારમાં કાપ મૂક્યો છે. અન્ટ અર્થાત્ કીડીઓ પોતાના સમૂહમાંથી કોઈ સભ્યને છોડતી નથી, એવી જ રીતે સહુ કપરા કોરોનાકાળમાં સાથે રહ્યા હતા.
તેમણે હસ્તકલા, મક ઇન ઇન્ડિયા અને વાકલ ફાર લોકલની નીતિ અપનાવી છે. આફિસ માટે સ્ટેશનરી, હાઉસકીપિંગ, રીટર્ન ગિફ્ટ, કોર્પોરેટ ગિફ્ટ ઉપરાંત કસ્ટમાઇઝ આઇટમ પણ આ પ્લેટફોર્મ પરથી મળે છે. વારંવાર ખરીદી કરનાર માટે ઓટોમેટિક ડિલીવરીની વ્યવસ્થા પણ છે. કોઈ વ્યક્તિ એમેઝોન અને ફ્લિપકાર્ટને બદલે અન્ટ મેસ્કોટ પરથી શા માટે ખરીદી કરે તેવા પ્રશ્ન જવાબમાં તેઓ જણાવે છે કે તેમનું ધ્યાન બિઝનેસ ટૂ કન્ઝયુમરને બદલે બિઝનેસ ટૂ બિઝનેસ પર છે. એ ઉપરાંત જીએસટીને લગતી તમામ જાણકારી તેઓ આપે છે. શરૂઆતમાં મૂડીરોકાણકારો અને ફંડિંગના વિકલ્પો વિશે જાણકારી નહોતી, પરંતુ કોવિડ પછી સીડ ફંડિંગ વિશે જાગરૂકતા વધી. અન્ટ મેસ્કોટમાં દસ લાખ ડાલરનું મૂડીરોકાણ કરવા માટેનો પ્રસ્તાવ મળેલો, પરંતુ તેમણે ૩૫થી ૪૦ ટકા ભાગીદારી માંગી તેથી સ્વીકાર્યો નહીં. આજે તેમના શોપિંગ પોર્ટલ પર સાડા ત્રણસો બ્રાંડની સૂચિ છે જેને તેઓ ટૂંક સમયમાં એક હજાર સુધી પહોંચાડવા માગે છે. કરોડોનું ટર્નઆવર ધરાવનાર અન્ટ મેસ્કોટ ટૂંક સમયમાં ભારતીય ઉત્પાદકોને વિશ્વબજારમાં જોડવાની ઇચ્છા રાખે છે અને ગ્લોબલ બ્રાંડ બનાવવા માગે છે. આભા ગુપ્તા કહે છે કે પુસ્તકવાંચન એને નવા વિચારો આપે છે, રસોઈથી તેની સર્જનાત્મકતા ખીલે છે અને ગાર્ડનિંગ તેને પર્યાવરણ સાથે જોડે છે. અન્ટ મેસ્કોટ નામ કેમ રાખ્યું તેમ પૂછતાં આભા ગુપ્તા હસીને કહે છે કે પરંપરાગત રીતે એમ માનવામાં આવે છે કે કાળી કીડીઓ સમૃદ્ધિ લાવે છે, તે મહેનતુ હોય છે અને પોતાના શરીર કરતાં પચાસ ગણું વજન ઊંચકી શકે છે, તેથી તેમણે કીડીની પીઠ પર એક કોથળો હોય તેવો લોગો રાખ્યો છે. જે મહેનતથી પ્રાપ્ત થતી સમૃદ્ધિનો સૂચક છે.


