Get The App

આંગણાનો એક છોડ પણ સમગ્ર પૃથ્વીના રણ સામેનો વિદ્રોહ છે

Updated: Mar 28th, 2026

GS TEAM

Google News
Google News
આંગણાનો એક છોડ પણ સમગ્ર પૃથ્વીના રણ સામેનો વિદ્રોહ છે 1 - image

- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ

- ભલેને આખી પૃથ્વી પરના અંધકાર સામે આપણે ન લડી શકીએ પણ આપણાં આંગણામાં એક દીવો ટમટમતો રાખી શકીએ

યે ઔર બાત કિ  આંધી 

હમારે બસ મેં નહીં

મગર ચરાગ જલાના તો 

ઈખ્તિયાર મેં હૈ

- અજહર ઈનાયતી

આં ગણામાં એક નાનકડો છોડ એ સમગ્ર પૃથ્વીના રણ સામેનો આપણો વિદ્રોહ છે. આપણાં ભાગે આવતી જવાબદારી આપણાં વાડાની જ છે પણ તે વિશ્વના વનનો જ વિસ્તાર છે. ભલે ને આખી પૃથ્વી પરના અંધકાર સામે આપણાં ન લડી શકીએ પણ આપણાં આંગણામાં એક દિવો ટમટમતો રાખી શકીએ. ઉત્તર પેસિફિકના રીમ વિસ્તારમાં લોકો એક અ-લૌકિક કથા કહે છે. એક વખત જંગલમાં આગ લાગી અને જોતજોતામાં ફેલાઈ ગઈ. સૌને લાગ્યું કે આગ નિરંકુશ બની રહી છે. બધા પ્રાણીઓ ભયભીત બની જાન બચાવવા ભાગવા લાગ્યા પણ એક નાનકડું હમીંગબર્ડ જાત બચાવવા ભાગ્યું નહીં. તે ઉતાવળે ઊડીને નજીકના એક તળાવ પાસે ગયું  અને પોતાની નાનકડી એવી ચાંચમાં એક ટીપું જળ ભરીને પાછું આવ્યું અને સળગતાં વૃક્ષ પર છાંટવા લાગ્યું જે-તેનો માળો છે, વસાહત છે, વિશ્વ છે. તેની તળાવ અને વૃક્ષ વચ્ચેની ઉતાવળી   ઉડાનો જોઈને મારગમાં જ ચિબરી, રીંછ, સર્પ  જેવા અનેક જીવોએ એક જ સવાલ પૂછયા કર્યો 'પંખી, તું આ શું કરે છે?' ત્યારે હમીંગબર્ડ દરેકને એક જ જવાબ આપે છે, 'મારાથી થઈ શકે તે બધું હું કરું છું.'

એકાદ ટીપાંથી  ભડભડ બળતી પૃથ્વી અને પળ-પળ  દાજતી માનવજાત બચી શકે કે નહીં તે ખબર નથી પણ એકાદ નિસબતવાળા પ્રયાસ થકી આપણું આત્મવાનપણું ચોક્કસ બચી જતું હોય છે. હા, તે દરેક ટીપું કે કૃત્ય આભાર અને અહોભાવ, નિષ્ઠા અને મૈત્રી, પ્રેમ અને કરુણા, કલ્યાણ અને માંગલ્યથી છલકાતું  હોવું જોઈએ. કારણ કે જીવનનુ ઐક્ય કે અખંડતા કોઈ સિદ્ધાંત નથી પણ તરબતર કરી દેતો અનુભવ છે.

આપણી પ્રકૃતિ એટલે ૩.૮ બિલિયન વરસોથી નિરંતર ચાલતો જીવન-યજ્ઞા  અને આપણી આખી પૃથ્વી તેની યજ્ઞાશાળા કે પાઠશાળા છે. આપણે સૌ આ પૃથ્વીના શાશ્વત નિવાસી છીએ, આ પૃથ્વી જ આપણું સ્વર્ગ છે- સ્વર્ગ ત્યાં પણે-દૂર અવકાશમાં નથી અહીં આપણી સામે છે. પણ હા, આપણે આ પૃથ્વી પર;

પ્રવાસી મટીને નિવાસી થવાનું છે,

નિરીક્ષક નહીં ભાગીદાર થવાનું છે, 

સાક્ષી નહીં સાથીદાર થવાનું છે. 

જાજરમાન વિચારક માર્શલ મેકલુહાન કહે છે, પૃથ્વી નામના જહાજ પર આપણે કોઈ ટુરિસ્ટ નથી. અહીં આપણે બધા જ ખલાસી-નાવિક છીએ. અર્થાત, પૃથ્વી નામક જહાજની ગતિ, દિશા અને દશા માટે આપણે સૌ જવાબદાર છે. અહીંનું દરેક ચૈતન્ય મૂલ્યવાન છે.

પ્રકૃતિ પ્રેમ એટલે એ.સી. હોમ થિયેટરમાં બેસી પેપ્સી-પોપકોર્ન માણતા નેશનલ જીયોગ્રાફીના એપિસોડ જોવા તે નથી. પણ શેરીની સો વરસની તોતિંગ આંબલી બચાવવામાં છે. વરસાદ પર વ્યાખ્યાન શ્રેણી આયોજવા અને સાંભળવા થકી વરસાદ નથી આવતો પણ વૃક્ષ વાવવાથી આવે છે. જાણવું અને અનુભવું એ ચૈતન્યની અલગ અવસ્થાઓ છે કોઈપણ આમુલ બદલાહટ માટે જીવંત અને સક્રિય નિસબત અનિવાર્ય છે શંકા હોય તો પૂછો હમિંગબર્ડને.... બાય ધ વે, હમિંગબર્ડ વિશ્વનું સૌથી નાનું પંખી છે. તેથી તેની આ નાનકડી લડાઈ- મહાયુદ્ધ છે, મહાકાવ્ય છે.