- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ
- મહાવીર જન્મકલ્યાણક સમયે કલ્યાણકારી વિચારધારા વિશ્વને આપીશું ખરા?
- 'આધ્યાત્મિક સમૃદ્ધિ'નો અહેસાસ કરાવ્યો છે. મને લાગે છે મારા આત્માની ઊર્જા જીવંત બની છે અને મારો આત્મા જાગ્રત બની ગયો છે.'
'સ ર, હું પ્રભુ મહાવીરનું સંતાન છું, આથી જે ઓઇલને કારણે જગતભરમાં આતંકવાદ જાગતો હોય કે સંહારક યુદ્ધો થતા હોય, એવા 'ઓઇલ'નો હું વપરાશ કરતી નથી.'
થોડા વર્ષો પૂર્વે બેલ્જિયમ શહે૨ના એન્ટવર્પમાં પર્યુષણ પર્વ દરમિયાન ગેબ્રિયલ હેલ્મરે કહેલા એ શબ્દો આજે કેટલાં બધાં સત્ય પૂરવાર થાય છે. ઓઇલને માટે દેશના રાષ્ટ્રપ્રમુખ ને એની પત્નીનું અપહરણ થાય છે. વિનાશક મિસાઈલોથી માનવતા નેવે મૂકી ઘોર સંહાર થાય છે. ઓઇલથી આખા વિશ્વને બાનમાં લેવાય છે ને માનવસુખાકારી પર મર્માઘાત થાય છે. આ સમયે વાત તો એવી બની હતી કે ગેબ્રિયલ હેલ્મરનાં જર્મનીમાં વસતા પિતાને વિશ્વયુદ્ધ દરમિયાન લશ્કરમાં ફરજિયાત ભરતી થવું પડે તેમ હતું. પરંતુ ટૂંકા હાથને લીધે એમને લશ્કરમાં સામેલ ન કર્યાં, પણ એના પિતાને આ શાસકો કહે એ જ રીતે પાક ઉગાડવો પડે, આકરી મહેનત કરવી પડતી અને માગે તે ધરી દેવું પડે. નાની ગેબ્રિયલે પિતા ૫૨ દમનનો કોરડો વીંઝાતો જોયો હતો. જ્યારે ગેબ્રિયલની માતાને તો લશ્કરના હુકમ અનુસાર કોઈ ને કોઈ જગાએ જવું પડતું અને કહે તે કામ કે મજૂરી કરવી પડતી.
નાની ગેબ્રિયલ હેલ્મ૨ને બાળપણમાં ક્યારેય કશું મેળવવાની ઇચ્છા થતી નહોતી. બીજાં બાળકો ચોકલેટ, કેડબરી કે રમકડાં મેળવવા માટે થનગનતાં હોય ત્યારે ગેબ્રિયલ માત્ર શાંત બેસી રહેતી. ચાર વર્ષની વય પછી તો ઘણાં વર્ષો સુધી એણે મૌનની મજા માણી, પરંતુ યુદ્ધને કારણે ચોતરફ થતી હિંસા, યાતના અને હત્યા એને સતત અકળાવતા હતા અને તેથી એણે શોધ કરી કે જગતમાં કોઈ એવી વિચારધારા છે કે જે યુદ્ધનો વિરોધ કરતી હોય, અહિંસાનું પૂર્ણ પાલન કરતી હોય અને શોધ કરતાં કરતાં એને જૈન ધર્મની વિચારધારા મળી અને પછી તો એમાં એ એટલી બધી રમમાણ થઈ ગઈ કે યુનિવર્સિટી ઓફ સ્વિટ્ઝર્લેન્ડમાં અનુસ્નાતકની પદવી મેળવ્યા પછી જૈન ધર્મનો વિષય લઈને ડોક્ટરેટનો અભ્યાસ શરૂ કર્યો.
એ કહેતી કે મારા જીવનનાં પ્રશ્નોનો જવાબ મને મારા મૌન, ધ્યાન અને ઉપવાસમાંથી મળી જાય છે. એણે ટ્રેઇન અને બસમાં જવાનું એ માટે બંધ કર્યું કે એમાં ઘણું ઓઇલ વપરાતું હતું. મોટર લઈ શકે તેમ હતી તેમ છતાં એ લેવાનો વિચાર કર્યો નહીં, એના કારણમાં ગેબ્રિયલ હેલમરે એ સમયે કહ્યું હતું કે, 'આ જગત પર આતંકવાદ અને યુદ્ધનું મૂળ કારણ ઓઇલ છે આથી એ ટ્રેઇન કે બસમાં જવાને બદલે સાઇકલ પર જવાનું મુનાસિબ માનતી.'
એન્ટવર્પમાં વહેલી સવારે એ દેરાસરમાં પૂજા, પ્રાર્થના અને ધ્યાન કરતી. કારમી ઠંડી અને આછા-પાતળા વરસાદમાં રોજ સવારે સાઇકલ પર બેસીને દેરાસરમાં આવે. તલ્લીન બનીને પ્રભુ-પૂજા કરે, પછી ધ્યાનમુદ્રામાં ઊભી રહે. ત્યારબાદ પ્રવચન સમયે વક્તાની સામે ગોઠણભેર આગવી યોગમુદ્રામાં ગેબ્રિયલ ધ્યાનસ્થ બનીને સાંભળતી હોય. ગુજરાતીમાં અપાતું પ્રવચન એ એકચિત્તે સાંભળે. થોડું સમજે અને પ્રવચન બાદ અંગ્રેજીમાં પોતાની જિજ્ઞાસા પ્રગટ કરે. ગેબ્રિયલે બે વર્ષીતપ કર્યાં અને એક માસક્ષમણ (૩૦ દિવસના ઉપવાસ) કર્યાં છે. એના ૩૦ દિવસના ઉપવાસ પૂર્ણ થાય તે પૂર્વે તેણે સંસ્થાના અગ્રણીઓને જણાવ્યું પણ ખરું કે એના માસક્ષમણ નિમિત્તે કોઈ સમારંભ કરવો નહીં, એની કોઈ જાહે૨ાત ક૨વી નહીં. એ એકાંતમાં પારણું ક૨શે. એ કશુંય સ્વીકારશે નહીં.
ગેબ્રિયલ આજે રોજ સવારે ચાર વાગે ઊઠે. બે કલાક યોગ અને પ્રાણાયામ કરે પછી દેરાસ૨માં જઈ પૂજા અને ધ્યાન કરે. રોજ ચારેક કલાક પોતાના મહાનિબંધ અંગે અભ્યાસ કરે છે. વળી સાંજે યોગ કરે. એ પોતાની જાતને યુરોપમાં જન્મેલા ભગવાન મહાવીરના એક સંતાન તરીકે ઓળખાવે છે. વાતો, વિચારો કે પ્રવચનોથી નહીં, પરંતુ જીવન જીવીને એ મહાવીરનો સંદેશ ફેલાવવા ચાહે છે : જેને રસ પડે, તે મારી જેમ જીવે - એ જ એની વાત.
આવા સંદેશ માટે એણે પોતાનું જીવન સાધ્વી જેવું કરી દીધું છે. એણે સાંસારિક સંબંધોનો સર્વથા ત્યાગ કર્યો. કુટુંબનો ત્યાગ કર્યો. આજે મૌન અને તપશ્ચર્યામાં રહીને પરમાત્મા મહાવીરના સંદેશાની સમીપ જઈ રહી છે, પરંતુ આજે મહાવીર જન્મકલ્યાણકના સમયે 'ઓઇલ એ આ જગતમાં આતંક અને યુદ્ધનું કારણ છે' એવો એનો વિચાર અને એ માટેનો એનો આચાર સવિશેષ યાદ આવે છે.
આવું બીજું સ્મરણ થાય છે ૧૮૯૩માં વિશ્વધર્મપરિષદમાં ગયેલા વીરચંદ રાઘવજી ગાંધીને ઇંગ્લેન્ડમાં થયેલા મિસિસ હાવર્ડના મેળાપ અંગે. વીરચંદ ગાંધીનાં જૈન ધર્મનાં પ્રવચનો સાંભળીને મિસિસ હાવર્ડ જૈન ધર્મનાં જુદા જુદા વ્રતોનું પાલન કરતી હતી. ભારતીય વસ્ત્રોમાં કટાસણા પર મુહપત્તિ હાથમાં રાખી સામયિક કરતી શ્રીમતી હાવર્ડની છબી જોવા મળે છે અને એવી પણ નોંધ મળે છે કે એ સમયે એમને આચાર્ય શ્રી વિજયાનંદસૂરીશ્વરજીની વિશેષ સૂચનાઓ પ્રમાણે એક મહિના સુધી નમસ્કાર મહામંત્રનો જાપ કર્યો હતો અને ત્યારબાદ શ્રીમતી હાવર્ડને જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયું હતું. એમણે ભારતમાં પોતાના પૂર્વજન્મોની ઘણી વાતો જણાવી હતી. એ પણ નોંધવું જોઈએ કે વીરચંદ રાઘવજી ગાંધીના અવસાન પછી એમની સ્મૃતિમાં ફંડ એકત્રિત કરવા માટે શ્રીમતી હાવર્ડે પ્રયત્ન કર્યો હતો.
આવી જ રીતે ગ્વાલિયર પાસે શિવપુરીમાં આવેલી વીરતત્ત્વ પ્રકાશક મંડળની સંસ્થામાં જર્મનીથી અભ્યાસ કરવા માટે શેર્લોટ ક્રાઉઝે આ સંસ્થામાં આવ્યાં હતાં. એ જમાનો હતો કે જ્યારે જર્મન વિદ્વાનો અને વિદુષીઓ જૈન ધર્મ અને એનાં ગ્રંથોના અભ્યાસ માટે આખું જીવન ખર્ચી નાખતા હતા અને અનુકૂળતા પ્રાપ્ત થયે ભારતના પ્રવાસે પણ આવતા હતા. વિખ્યાત જર્મન કવિ હેન્રીચ હેને તો કહ્યું હતું કે, 'પોર્ચ્યુગિઝ, ડચ અને અંગ્રેજો તો ભૌતિક સમૃદ્ધિ લૂંટવા માટે ભારતમાં આવ્યા હતા, જ્યારે અમે જર્મનો ભારતની આધ્યાત્મિક અને બૌદ્ધિક સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે ભારત આવીએ છીએ.' અને એ સમયે મેક્સમૂલર, વેબર, હર્મન જેકોબી, લોમાન, વોલ્ટર શુમ્બિંગ, જેહાનિસ હર્ટલ, ગ્લાસનેપ, એલ્સડ્રોફ, રોથ, બ્રૂન જેવા એક એકથી ચડિયાતા જર્મન વિદ્વાનો જૈન ધર્મગ્રંથોનો અભ્યાસ કરતા હતા. એમાં આ શેર્લોટ ક્રાઉઝેનું નામ વિશેષ છે.
૧૮૯૫ની ૧૮મી મેએ એમને જર્મનીની લિપઝિક યુનિવર્સિટીએ તેમને પીએચ.ડી.ની પદવી આપી. એમણે 'જૈન પંચતંત્ર' પર અત્યંત વિદ્વત્તાપૂર્ણ લેખ લખ્યો અને લિપઝિક યુનિવર્સિટીમાં ઇન્સ્ટિટયૂટ ઓફ જૈનોલોજી દ્વારા જૈન સ્ટડીઝનું સેન્ટર સ્થાપ્યું. આ જર્મન વિદુષી શ્રીમતી શેર્લોટ ક્રાઉઝે ભારત આવ્યા હતા અને જૈન વિદ્યાનો અભ્યાસ કરવા માટે એમણે અનેક સ્થળોએ જરૂરી ગ્રંથ મેળવવા પ્રવાસ કર્યો હતો. આને માટે માઈલોનાં માઈલો જવું પડે તો પણ એમને સહેજે કંટાળો આવતો નહોતો.
શેર્લોટ ક્રાઉઝેએ 'સુભદ્રાદેવી' નામ ધારણ કર્યું. તેઓ ચુસ્ત શાકાહારી હતા અને એક વાર એમને ખ્યાલ આવ્યો કે રેશમ બનાવવા માટે ક્રૂર જીવની હિંસા થાય છે, એ દિવસથી એમણે રેશમ વાપરવાનું બંધ કરી દીધું. એટલું જ નહીં, પણ બે મોટી બેગો ભરાય એટલાં રેશમી વસ્ત્રો હતાં, તેનો કદી પણ ઉપયોગ નહીં કરવાનો નિશ્ચય કર્યો. આ સુભદ્રા દેવીએ અનેક લેખો લખ્યાં અને એમનાં લેખોનો એક મોટો ગ્રંથ પાર્શ્વનાથ વિદ્યાશ્રમ નામની સંસ્થા તરફથી પ્રકાશિત કરવામાં આવ્યો છે.
હવે જરા વાત કરીએ નોર્વેની મેટે નોર્ગાર્ડની. જૈન ધર્મની વિચારધારાથી પરિવર્તન પામેલી મેટે નોર્ગાર્ડે પોતાનું નામ 'મધુમુક્તા' રાખ્યું છે અને એ કહે છે કે, 'હું નિયમિત ધ્યાન, સામાયિક અને યોગ અભ્યાસ કરું છું. આનાથી મારો અહિંસા પ્રત્યેનો સંકલ્પ દ્રઢ બનતો જાય છે. આ કોઈ ભાવાવેશ નથી, આ તો મને પોતાના અંતરાત્માનો અવાજ લાગે છે. હવે મને સ્પષ્ટ સમજાયું છે કે મારા જીવનના ઉદ્દેશોમાં કઈ રીતે બીજાને 'જીવો અને જીવવા દો'નો પાઠ શીખવવો. અહિંસા મારા જીવનમાં અંતરંગ વણાઈ ગઈ છે અને અહિંસાનો વ્યવહાર મને વધુ સ્ફૂર્તિવાન અને ઊર્જાસંપન્ન બનાવે છે.'
તો સુશ્રી ચે૨ીલ ગુરુદેવશ્રી ચિત્રભાનુજી દ્વારા જૈન ધર્મના સંપર્કમાં આવી અને એ કહે છે કે, 'જૈનદર્શને મારી આધ્યાત્મિક
વિકાસની તરસ બુઝાવી છે. યોગ, ધ્યાન, વ્રત અને સંયમે મને 'આધ્યાત્મિક સમૃદ્ધિ'નો અહેસાસ કરાવ્યો છે. મને લાગે છે મારા આત્માની ઊર્જા જીવંત બની છે અને મારો આત્મા જાગ્રત બની ગયો છે.' આ તો કેટલીક વિદેશી મહિલાઓની વાત થઈ. આવી જ રીતે કેટલાંય પુરુષોનાં જીવનમાં જૈન ધર્મની વિચારધારાએ પરિવર્તન આણ્યું છે.
હવે જ્યારે ૩૧મી માર્ચે મહાવીર જન્મકલ્યાણકનો અતિ પાવન દિવસ આવી રહ્યો છે, ત્યારે એટલી જ આશા રાખીએ કે જૈન ધર્મના ઉપાસકો કૂપમંડૂકતામાંથી એટલે કે કૂવામાનાં દેડકાંની પરિસ્થિતિમાંથી બહાર આવીને તેમજ ગચ્છ સંપ્રદાય અને વિધિવિધાનનાં ભેદો અંગેની સાઠમારી છોડીને હિંસાથી ઘેરાયેલા, પરિગ્રહથી પીડાતા, મતાંધતામાં મ્હાલતા એવા આ યુદ્ધખોર વિશ્વને જૈન ધર્મની અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતની વિચારધારા બતાવશે ખરા ?
મનઝરૂખો
૧૯૫૨થી ૧૯૬૦ સુધી એટલે કે બે સત્ર સુધી અમેરિકાના પ્રમુખ રહી ચૂકેલા ડૂવાઇટ ડેવિડ આઇઝનહોવરે (જ. ઈ. ૧૮૯૦, અ. ઈ. ૧૯૬૯) બાહોશ સેનાપતિ, કુશળ રાજકારણી અને નાગરિક અધિકારોનો પ્રથમ કાયદો પસાર કરનાર તરીકે આગવી પ્રતિભા દાખવી. એમને અનેક રાજપુરુષો સાથે સંઘર્ષમાં આવવાનું બનતું હતું એટલું જ નહીં પણ અમેરિકાના એક ભાગ જેવા દક્ષિણનાં રાજ્યો સામે ઝઝૂમવું પડતું હતું.
આઇઝનહોવરના પુત્ર જ્હોનને કોઈએ એમ પૂછયું, ''તમારા પિતા ઉચ્ચ લશ્કરી અધિકારી હતા અને તેથી એમણે ક્યારેય એમના વિરોધીઓ તરફ બળાપો કાઢયો હતો ખરો ?'' જનરલ આઇઝન હોવરના પુત્રએ કહ્યું, ''મારા પિતાને મેં ક્યારેય શત્રુ દેશો કે એ દેશોના અગ્રણીઓ પ્રત્યે કે અન્ય સૈનિક વડાઓ અંગે કોઈ વિરોધી વાતો કરતા સાંભળ્યા નથી.''
વળી પ્રશ્ન કર્યો, ''પરંતુ એમણે રાજકારણમાં ઝુકાવ્યું અને ઘણાં પરિબળોનો એમને સામનો કરવાનો આવ્યો, ત્યારે એમની નીતિઓનો વિરોધ કરનાર પ્રત્યે એમણે ક્યારેય નારાજગી વ્યક્ત કરી છે ખરી ?''
જ્હોન આઇઝનહોવરે કહ્યું, ''મેં મારા પિતાને ક્યારેય કોઈની ઈર્ષ્યા કરતા જોયા નથી. કોઈ નેતા અંગે વિરોધી વાતચીત કે ઉચ્ચારણો કરતા સાંભળ્યા નથી અને કોઈનાય પ્રત્યે એમણે નારાજગી વ્યક્ત કરી નથી.''
''આનું કારણ શું ?''
જ્હોને ઉત્તર આપ્યો, ''આનું કારણ એ કે એમણે એક પણ મિનિટ એવા લોકો વિશે વિચારવામાં બગાડી નથી કે જેમને એ પસંદ કરતા ન હોય કે જે એમની નજ૨માંથી ઊતરી ગયા હોય. જેમની સાથે એમને સંઘર્ષ હોય એવી વ્યક્તિ પર પણ એમણે ક્યારેય ગુસ્સો કરીને સમય બરબાદ કર્યો હોય, તેવું મને યાદ નથી.''


