Get The App

ડાર્વિનિયન પૅરાડૉક્સ : વાનરથી ડોલ્ફિન સુધી, એક જ સત્ય, એક હજાર ચહેરા

Updated: Mar 28th, 2026

GS TEAM

Google News
Google News
ડાર્વિનિયન પૅરાડૉક્સ : વાનરથી ડોલ્ફિન સુધી, એક જ સત્ય, એક હજાર ચહેરા 1 - image

- ફયુચર સાયન્સ-કે.આર.ચૌધરી

૧૮૫૯માં જ્યારે ચાર્લ્સ ડાર્વિને 'ઓન ધ ઓરિજિન ઑફ સ્પીસીસ' પ્રકાશિત કર્યું, ત્યારે તેમણે વિજ્ઞાનની દુનિયાને એક અદ્ભુત વિચાર આપ્યો : કુદરત સજીવના એવા ચોક્કસ લક્ષણોને આગળ વધારે છે, જે સજીવોને ટકી રહેવા અને પ્રજનન કરવામાં મદદ કરે છે. આફ્રિકાના જંગલોમાં વાનરો હોય, ઍન્ટાર્કટિકાના બરફમાં પેન્ગ્વિન હોય, પૅસિફિકના પાણીમાં ડોલ્ફિન હોય કે જમીનમાં ભમરા હોય, પ્રાણીઓની સેંકડો પ્રજાતિઓ પોતાની જ જાતિના સભ્યો સાથે જાતીય વર્તન કરતાં જોવા મળતાં હતાં. ડાર્વિનની થીયરી મુજબ તેમનું આ વર્તન ટકી રહેવા માટે જરૂરી ન હતું છતાં પણ, તેમનામાં આવું વર્તન શા માટે પેદા થયો? જેનો ઉત્તર વિજ્ઞાનીઓ ખુદ આપે છે.  

વિજ્ઞાનીઓ એ તેને 'ડાર્વિનિયન ૅપૅરાડૉક્સ' જેવું રૂપાળું નામ આપે છે. આ એક એવો જૈવિક વિરોધાભાસ કે જે જલ્દી સમજાતો નથી. સંશોધનનું આખરી તારણ પણ અતિ સ્પષ્ટ છે. સમલૈંગિક વર્તનએ કુદરતની કોઈ ભૂલ નથી, પરંતુ પર્યાવરણ અને સામાજિક પરિસ્થિતિઓ દ્વારા પ્રભાવિત એક સુગમ, પરિસ્થિતિ-આધારિત વ્યૂહરચના છે. જે પ્રાણીઓને કઠોર પરિસ્થિતિઓમાં ટકી રહેવામાં મદદ કરે છે. જે સવાલ કરે છે કે 'સમલૈંગિક વર્તન / હોમો-સેક્સ્યુઆલીટી કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું છે?

ડાર્વિનિયન પૅરાડૉક્સ 

ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના કેન્દ્રમાં 'યોગ્યતમની ચિરંજીવીતા'નો વિચાર છે. પરંતુ કેટલાક લોકો આને સામાજિક અથવા નૈતિક સંદર્ભોમાં મૂકીને વિરોધાભાસ ઊભો કરે છે. દા.ત. માનવ સમાજમાં નબળા અને અશક્ત લોકોની મદદ કરવી? એ 'કુદરતી પસંદગીમાં વિરોધાભાસ છે કે કેમ? ડાર્વિનને આપેલા સિદ્ધાંતોને  તોડતી ઘટના,  સિદ્ધાંતનો વિરોધ વગેરે બાબતોને  આપણે 'ડાર્વિનિયન પૅરાડૉક્સ' તરીકે ઓળખીએ છીએ. વિજ્ઞાનનો ઇતિહાસ આપણને યાદ અપાવે છેકે 'માનવીય પૂર્વગ્રહો કેવી રીતે સત્યને રોકાવાની કોશિશ કરે છેે'. સમલૈંગિક વર્તનનો અભ્યાસ, આ વાતનું સૌથી મોટું ઉદાહરણ છે. વીસમી સદીની શરૂઆતમાં જ્યારે વિજ્ઞાનીઓએ સમુદ્રી પક્ષીઓમાં સમાન-જાતિના જોડાણો જોયા, ત્યારે તેમણે આ અવલોકનો પ્રકાશિત કરવાનું ટાળ્યું હતું. સમુદ્રી પક્ષીઓનું આવું વર્તનને 'અસામાન્ય' અથવા 'ભૂલ' ગણીને અવગણવામાં આવ્યું. જે માત્ર એક અકસ્માત ન હતો, તે એક પેટર્ન હતી. જે દાયકાઓ સુધી ચાલુ રહી હતી. આ પૂર્વગ્રહની અસર આજે પણ દેખાય છે. તાજેતરના એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું કે '૭૭ ટકા  વિજ્ઞાનીઓ એ સસ્તન પ્રાણીઓમાં સમલૈંગિક વર્તન જોયું હતું, પરંતુ માત્ર ૪૮ ટકાએ તેના પર ડેટા એકત્રિત કર્યો હતો, અને માત્ર ૧૯ ટકાએ તેના પર પેપર પ્રકાશિત કર્યા હતા.' આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે 'પ્રાણી રાજ્યમાં સમલૈંગિક વર્તનનું વાસ્તવિક પ્રમાણ આજે આપણે જે જાણીએ છીએ તેના કરતાં ઘણું વધારે હોવું જોઈએ.' વિજ્ઞાનીઓના પોતાના જ પૂર્વગ્રહને કારણે તેનું સદીઓ સુધી દસ્તાવેજીકરણ થઈ શક્યું નથી. 'સમલૈંગિક વર્તન માત્ર થોડીક જ પ્રજાતિઓ જોવા મળે છે એવું નથી. વિજ્ઞાનીઓએ જોયું છે કે સમગ્ર સજીવ સૃષ્ટિમાં પ્રાણી અને મનુષ્યમાં પણ હોમો-સેક્સ્યુઆલીટી જોવા મળે છે. અત્યાર સુધીમાં ૧,૫૦૦થી વધુ પ્રાણીઓની પ્રજાતિઓમાં હોમો-સેક્સ્યુઆલીટીનું દસ્તાવેજીકરણ થયું છે. હવાઈ ઓર્બ વીવર સ્પાઈડરથી લઈને સામાન્ય સ્લિપર શેલ સુધી, હાઉસ ફ્લાયથી લઈને નેમાટોડ વોર્મ સુધી, હમ્બોલ્ટ સ્ક્વિડથી લઈને લાકડાના કાચબા સુધી, ગુઆનાન કોક-આફ-ધ-રોક પક્ષીઓથી લઈને ભૂરા રીંછ સુધીનો હોમો-સેક્સ્યુઆલીટીનો વ્યાપ જોવા મળ્યો છે.

પ્રાઈમેટ પ્રજાતિઓ જૂઠું નથી બોલતી! 

ઇમ્પિરિયલ કાલેજ લંડનનાં સંશોધકોએ માનવ સિવાયની પ્રાઈમેટ પ્રજાતિઓનો વિગતવાર અભ્યાસ કર્યો છે. જેમાં કુલ ૪૯૧ પ્રજાતિઓનો સમાવેશ થાય છે. આ પૈકી, ૫૯ પ્રજાતિઓમાં સમલૈંગિક વર્તન જોવા મળ્યું, જેમાં બોનોબો, ચિમ્પાન્ઝી અને મકાક વાંદરાઓનો સમાવેશ પણ થાય છે. ખાસ સંશોધનની ખાસ વાત એ છે કે '૨૩ પ્રજાતિઓમાં આ વર્તન વારંવાર જોવા મળ્યું, જે દર્શાવે છે કે તે માત્ર આકસ્મિક નથી. પરંતુ તેમના સામાજિક જીવનનો નિયમિત હિસ્સો છે. સંશોધકોએ સ્પષ્ટતા માટે માત્ર જાતીય પ્રકારની ક્રિયાઓને જ ગણતરીમાં લીધી. જેમકે એક બીજા પર ચડવું, જનનેન્દ્રિયોનો સ્પર્શ કરવો, મુખ મૈથુન કરવું, અને સંભોગ કરવો. તેમણે બિન-જાતીય સમાગમની શારીરિક અને સામાજિક ક્રિયાઓને અલગ રાખી છે. જેમ કે ચુંબન, શરીર સ્પર્શ અને ભેટવું.

સંશોધકોને આખરી પરિણામો પ્રાપ્ત થયા ત્યારે તે આશ્ચર્યજનક હતા. જે પ્રજાતિ કે ભૌગોલિક વિસ્તારમાં સમલૈંગિક વર્તન વધુ જોવા મળ્યું, ત્યાં અલગ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયેલું હતું (૧) શુષ્ક વાતાવરણ હતું, (૨) ખોરાકની અછત હતી, (૩) શિકારીનું દબાણ વધુ હતું, (૪) નર અને માદાના શરીરના કદમાં મોટો તફાવત હતો, (૫) આ પ્રજાતિનું આયુષ્ય લાંબુ હતું. અને (૬) તેમનું સામાજિક માળખું જટિલ હતું. જે વિવિધ સ્તરોમાં વહેંચાયેલું હતું. આ તારણો સમજાવવા માટે કેટલાક ઉદાહરણો જોઈએ. માઉન્ટેન ગોરિલ્લાના જૂથમાં સામાન્ય રીતે એક પ્રભાવશાળી નર, અનેક માદાઓ અને તેમના બચ્ચાં હોય છે. પ્રભાવશાળી નર બધી માદાઓ સાથે સંબંધ ધરાવે છે. જેને ગુજરાતીમાં આપણે બહુપત્નીત્વ કહીએ છીએ. ક્યારેક માદાઓને પોતાનું જૂથ છોડીને અન્ય માદાઓ સાથે ગાઢ સંબંધો વિકસાવે છે. પ્યુર્ટો રિકોમાં રીસસ મકાક વાંદરાઓના અભ્યાસમાં જાણવા મળ્યું કે નર એકબીજા સાથે જાતીય સંબંધો બાંધીને ગઠબંધન રચે છે, જે તેમને વધુ માદાઓ સુધી પહોંચવામાં મદદ કરે છે. આ તમામ તારણો એક જ દિશા તરફ ઈશારો કરે છે : સમલૈંગિક વર્તન એ એક સુગમ સામાજિક વ્યૂહરચના છે. પરંતુ આ સમજણ આપણને ભવિષ્યમાં ક્યાં લઈ જશે? 

પ્રજાતિની પોતાની રણનીતિ  

ભૂતકાળમાં નજર નાખીએ તો ડાર્વિનિયન પૅરાડૉક્સ ગાયબ જાય છે. આજે વિજ્ઞાનીઓ સ્વીકારી ચૂક્યા છે કે સમલૈંગિક વર્તન કોઈ વિરોધાભાસ નથી. સજીવો દ્વારા કરવામાં આવતી કોઈ ભૂલ નથી. નૈતિકતાનો પ્રશ્ન નથી. આ લાક્ષણિકતા તેમના સ્વભાવનો સતત અને કાયમી હિસ્સો છે. જે ઉત્ક્રાંતિની શરૂઆતથી જ અસ્તિત્વમાં છે.  જાન્યુઆરી ૨૦૨૬માં પ્રતિષ્ઠિત જર્નલ નેચર ઇકોલોજી એન્ડ ઇવોલ્યુશનમાં એક ક્રાંતિકારી અભ્યાસ પ્રકાશિત થયેલ છે. આ અભ્યાસ માનવ સિવાયની પ્રાઈમેટ (વાનર, ચિમ્પાન્ઝી, ગોરિલ્લા વગેરે)ની ૪૯૧ પ્રજાતિઓનું વિશ્લેષણ કરે છે. સરળ ભાષામાં સમજીએ તો : જ્યારે પ્રતિકૂળ સંજોગોમાં પ્રાણીઓનું જીવન મુશ્કેલ બને છે ત્યારે, જેમકે ખોરાકની અછત હોય, શિકારીનો ભય હોય, અને સામાજિક જૂથોમાં પ્રાણીઓ વચ્ચેના સંબંધ ગંભીર અને જટિલ બને છે, ત્યારે સમલૈંગિક વર્તન વધુ સામાન્ય બની જાય છે. આ વર્તન પ્રાણીઓને સામાજિક બંધનો મજબૂત કરવા, સંઘર્ષ ઘટાડવા અને સહકાર વધારવામાં મદદ કરે છે. પ્રાણીઓ અલગ અલગ જૂથમાં વસતા હોય છે ત્યારે, પોતાના જૂથનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે, એકબીજા વચ્ચેના સંબંધો ટકાવી રાખવા માટે આ બાબત નિર્ણાયક બની રહે છે. ઉદાહરણ તરીકે, માઉન્ટેન ગોરિલ્લાના જૂથમાં જ્યારે એક નર બધી માદાઓ સાથે સંબંધ ધરાવે છે, ત્યારે કેટલીક માદાઓ જૂથ છોડીને અન્ય માદાઓ સાથે ગાઢ સંબંધો વિકસાવે છે. જેથી તેમની વચ્ચેના સંબંધો તનાવપૂર્ણ ન બને. રીસસ મકાક વાંદરાઓમાં, નર એકબીજા સાથે જાતીય સંબંધો બાંધીને સામાજિક ગઠબંધન રચે છે. જે તેમને પછીથી વધુ માદાઓ સુધી પહોંચવામાં મદદ કરે છે. આ અભ્યાસ દર્શાવે છે કે કુદરતમાં જાતીય વર્તનનો હેતુ માત્ર પ્રજનન જ નથી. સમલૈંગિક સંબંધો એટલે કે હોમો સેક્સ્યુઆલીટી, નર કે માદામાં સામાજિક સંબંધો ઘડવાનું, તણાવ ઓછો કરવાનું અને જૂથને એકજૂથ રાખવાનું એક શક્તિશાળી સાધન પણ છે. પરંતુ વૈજ્ઞાનિકો આ નિષ્કર્ષ પર કેવી રીતે પહોંચ્યા? સમલૈંગિક વર્તન વિશે ઐતિહાસિક રીતે કેવી દ્રષ્ટિકોણ રહ્યો છે, અને આ નવો અભ્યાસ જૂની માન્યતાઓને કઈ રીતે તોડે છે?

હોમો-સેક્સ્યુઆલીટી 

ઇમ્પિરિયલ કૉલેજ લંડનના આ અભ્યાસનું મહત્વ માત્ર શૈક્ષણિક ચર્ચાઓ પૂરતું મર્યાદિત નથી. તેની અસર આપણા ભવિષ્યની સમજ, પ્રાણીઓના સંરક્ષણની વ્યૂહરચનાઓ અને ઉત્ક્રાંતિ વિશેની આપણી મૂળભૂત માન્યતાઓ સુધી વિસ્તરેલી છે. આ સંશોધન દર્શાવે છે કે જ્યારે પર્યાવરણીય પરિસ્થિતિઓ બદલાય છે, ખોરાકની અછત વધે છે, શિકારીનું દબાણ વધે છે, ત્યારે સામાજિક વર્તનમાં પણ પરિવર્તન આવે છે. આ સમજ આજે વધુ મહત્વપૂર્ણ બની જાય છે, કારણ કે આબોહવા પરિવર્તનને કારણે સમગ્ર વિશ્વમાં પર્યાવરણીય પરિસ્થિતિઓ ઝડપથી બદલાઈ રહી છે. લંડનના નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમના વિજ્ઞાન લેખક જોશ ડેવિસ ચેતવણી આપે છે : ''મનુષ્યો ખૂબ જ જટિલ સામાજિક પ્રાણી છે. તેના ઉપર પ્રાણી સંશોધનની અસરો ચકાસી શકાય નહીં.'' સેન્ટ એન્ડ્રુઝ યુનિવર્સિટીના ઉત્ક્રાંતિ જીવવિજ્ઞાની પ્રોફેસર નાથન બેઈલી પણ આ સાવચેતીને સમર્થન આપે છે : 'મને નથી લાગતું કે આ સંશોધન આપણને મનુષ્યોમાં શું ચાલી રહ્યું છે? તે વિશે વધારે માહિતી કે જ્ઞાન પીરસી શકે, 

આમ છતાં, આ સંશોધનનું એક ઊંડું દાર્શનિક મહત્વ છે. સદીઓ સુધી,  વિજ્ઞાનીઓ એ પ્રશ્ન પૂછયો : 'પ્રજનન મૂલ્ય વિનાનું સમલૈંગિક વર્તન / હોમો-સેક્સ્યુઆલીટી કેવી રીતે અસ્તિત્વમાં આવી છે?' ઇમ્પિરિયલ કૉલેજનું નવું સંશોધન આપણને વધુ સૂક્ષ્મ પ્રશ્ન પૂછવા આમંત્રણ આપે છે : જો તમારા કેન્દ્રસ્થાન ઉપર મનુષ્ય હોય તો, પ્રોફેસર સાવોલેઈને જે કહ્યું તે યાદ કરો : સમલૈંગિક વર્તન કોઈ વિચિત્ર, અસામાન્ય અથવા દુર્લભ વસ્તુ નથી. તે સામાજિક જીવનના ઉત્ક્રાંતિકારી તાણાવાણાનો એક અભિન્ન ભાગ છે. ઉપયોગી, મહત્વપૂર્ણ, અને સર્વવ્યાપક. ભલે પછી તમારી માનસિકતા તેને અનુરૂપ હોય કે નહીં? ભલે તમે તેને નૈતિકતાના ધોરણોથી ચકાસવાની તૈયારી રાખો. આ એક એવું વર્તન છે. જેને મનુષ્ય કે પ્રાણી જીવનમાંથી અલગ કરી શકાય તેમ નથી. શું આપણે હવે એ સ્વીકારવાનો સમય આવી ગયો છે કે 'કુદરતમાં વિવિધતાએ નિયમ છે, અપવાદ નહીં? સંશોધનમાં મળેલ નવું જ્ઞાન અને સમજ આપણને આપણી આસપાસના જીવનને વધુ ઊંડાણથી અને પૂર્વગ્રહમુક્ત થઈને જોવામાં મદદ કરી શકે ?