- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા
- ફિલ્મ તરીકે અફલાતૂન એવા ધુરંધરના બેઉ ભાગ ફેક્ટ તરીકે કેવા છે? આદિત્ય ધરની લેન્ડમાર્ક એચિવમેન્ટ કઈ?
'ધુ રંધર'નું સૌથી પહેલું ટ્રેલર આવેલું (પાર્ટ વન) ત્યારે જ જે પંજાબી મ્યુઝિકમાં ફાડુ એન્ટ્રી હતી, એ જોઈને એ સુપરહિટ નીવડવાની ખાત્રી હતી. ફિલ્મ અપેક્ષાઓથી પણ જોરદાર થઈને એવી બ્લોકબસ્ટર થઈ કે બાહુબલિ, કેજીએફ, પુષ્પાની જેમ એનો બીજો ભાગ તો રેકોર્ડ બ્રેકિંગ થવાનો જ હતો! થયો. ફૂલ ક્રેડિટ ટુ રાઇટર ડાયરેક્ટર આદિત્ય ધર. ઢાંસૂ એન્ટરટેઇનર છે. આજના જમાનાના સ્ટાઇલિંગ ને એક્શન સાથે પુરાના જમાનાની ગેંગવોરથી ગીતો સુધીના એલિમેન્ટસનું હાર્ડ હિટિંગ મસાલા મિક્સ. ઉપરથી ફિક્શન રિયલ હોવાનો છમકારા મારતો વઘાર.
ફિલ્મ તો હવે રિવ્યૂપ્રુફ છે. તો ઓનેસ્ટલી બેઉ ભાગ દોડીદોડીને સિનેમાના પડદે જોઈને શું ફીલ થયું? આ રહી યાદી. આટલી પોપ્યુલર ફિલ્મનો ધંધો જોતા રસિયાઓએ જોઈ જ લીધી હશે, છતાં જ્યાં વાર્તાના કોઈ અગત્યના વળાંકની વાત હશે, એ પોઇન્ટ પર પહેલા સ્પોઇલર એલર્ટ લખ્યું હશે.
(૧) ક્રિકેટમાં સ્ટુઅર્ટ બિન્ની નામનો ફ્લૉપ ક્રિકેટર ન હોત, તો આપણને યાને બોલીવૂડને ધુરંધર ન મળી હોત! જી હા, મૂળ પંડિત આદિત્ય ધરનો પરિવાર તો પેલા ૧૯૯૦માં જેહાદી ત્રાસવાદીઓની પંડિતોને પરાણે હિંસાહોળીથી કાશ્મીર છોડાવ્યું, એ પહેલા દિલ્હી આવી ગયેલો (ધરનો જન્મ દિલ્હીમાં છે.) એ આશાસ્પદ યુવા ઓલરાઉન્ડર હતો પણ અન્ડર ૧૯ના ત્યારના વર્લ્ડ કપની ટીમમાં સિલેક્શન બોર્ડ ચેરમેન સુધી પહોંચેલા પૂર્વ ક્રિકેટર રોજર બિન્નીના દીકરા સ્ટુઅર્ટ બિન્નીનું થયું! એમાં ધરે ક્રિકેટ છોડયું, સ્ટુઅર્ટને મયંતી મળી ક્રિકેટમાં, ધરને યામી ગૌતમ મળી ફિલ્મોમાં. કહેવાય છે કે ભારતીય જાસૂસ રવિન્દ્ર કૌશિક પરથી પ્રેરિત સામાન્ય થ્રીલર બનાવવાનો આઇડિયા પ્રિયર્દ્શનના આસિસ્ટન્ટ રહી ચૂકેલા આદિત્યને હતો. પણ ફિલ્મ યશરાજ ફિલ્મ્સમાં કબીરખાને પૂરા હોલીવૂડ મોડમાં બનાવી, 'એક થા ટાઇગર'
(૨) 'ઉરી', 'આર્ટિકલ ૩૭૦'. 'બારામુલ્લા', 'ધુરંધર' બધામાં આદિત્ય ધરનો વર્તમાન ભાજપ તરફી ઝુકાવ ચોખ્ખો દેખાય જ છે. એણે છુપાવ્યો નથી પરંતુ પ્રોપેગેન્ડામાં ક્રિએટીવિટી વિના લાઉડ ફિલ્મો બનાવવાવાળાઓનો રાફડો ફાટયો છે, એનાથી આદિત્ય ધરની કક્ષા ઘણી જુદી અને ઉંચી છે. એને વાત મજા પડે એવી રીતે કહેતા આવડે છે. એની ફિલ્મોમાં ડોક્યુમેન્ટ્રી નહિ, ડ્રામા હોય છે. ખૂબસુરત ક્રિએટીવ ટચીઝ હોય છે. ડાયરેક્ટર ન હોય તો પણ એના પ્રોડક્શનમાં આ ખૂબીઓ દેખાશે. એવરેજ ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીની કાશ્મીર ફાઇલ્સ સિરિયસ ને ઘણે અંશે સાચી હોવા છતાં ભાષણબાજી કે સિંગલ કલરને લીધે જે અસર ન કરે, એ આદિત્ય ધર નિર્મિત 'બારામુલ્લા' એના લાજવાબ પ્લોટ સેટિંગ ને સ્ટોરી ટેલિંગને લીધે કરે. ધર ઇઝ માસ્ટર સ્ટોરીટેલર, એના સિક્રેટ કોન્ટેક્ટસ પણ હશે ક્લાસિફાઇડ ઇન્ફર્મેશન જાણવાના. આર્ટિકલ ૩૭૦ સામાન્ય પ્રેક્ષક માટે સબ્જેક્ટ ફિલ્મ ન લાગે, પણ એણે એમાં ય મજબૂત ને રસપ્રદ ફિલ્મ ઉભી કરેલી.
(૩) આદિત્ય ધરનું એક ઓર જમા પાસુ છે. એ ભલે પોતાને ગમતી વિચારધારા કે પાત્રોની લીટી મોટી કરે. માત્ર એના ખાતર બીજા પાત્રાલેખન જાણી જઈને દબાવી દેતો નથી. એની ફિલ્મોમાં દેશભક્તિનું મનોજકુમાર જેવું નેરેટિવ હોય, હિન્દુવાદી સરકારનું સમર્થન હોય પણ નફરતી મુસ્લિમ વિરોધ નથી હોતો. જેમ પરાણે સારા મુસ્લિમોના પાત્રો ઘુસાડવા એ સારી કૃતિમાં ખટકે, એમ ધરાર મુસ્લિમ પાત્ર ખરાબ એવું ચીતરવું પણ સિંગલ અને ખોટો એંગલ છે. ધરમાં આવી નબળાઈ નથી. એની ફિલ્મોમાં ખલનાયકો સિવાયના મુસ્લિમો હોય છે, બધું કાળું એટલું અંધારું ટાઇપ નેરેટિવ નથી હોતો. એ નેગેટીવ કેરેક્ટર્સ પણ ઉપસાવે છે. સાવ કોમિક્સની જેમ નથી મુકતો. એનો દોરદમામ પણ દેખાય. રહેમાન ડકૈત કે અસલમ ચૌધરી કે મેજર ઇકબાલ કે જમીલ જમાલી હીરોની હારોહાર ફૂટેજ લઈ જાય!
(૪) આદિત્ય ધરની વધુ એક કમાલ છે, થિયેટરમાં જેન ઝીને વેબ સીરિઝ બિન્જ વૉચની ફીલિંગ. આમ તો દુનિયા આખીમાં લાંબી ફિલ્મો જ સૌથી મોટી બ્લોકબસ્ટર થતી હોય છે. એના ઉદાહરણોથી લેખ ભરાઈ જાય પણ છતાં ફેસ વેલ્યુ પર ઓલમોસ્ટર ચાર- ચાર કલાકની બે ફિલ્મોમાં પ્રેક્ષકોને સીટ સાથે જકડી રાખવા કે જેમાં પાછું સત્યા, મિર્ઝાપુર, વાસેપુર જેવું ડાર્ક અન્ડરવર્લ્ડ હોય, એ જેવી તેવી સિદ્ધિ નથી. ધુરંધર-૧ -૨માં કથન બધું જ ચેપ્ટરવાઇઝ છે. આ નવી શૈલી નથી પણ હિન્દીમાં આ લેવલે પહેલી વાર આવી. કન્ટેન્ટ પરનો જબ્બર કોન્ફિડન્સ હોય, એ જ આ કરી શકે.
(૫) હિન્દી ફિલ્મોએ પોતાનો બેજોડ એવો સંગીતનો કિલ્લો તો ગુમાવી દીધો છે. ધુરંધર-૨માં ધુરંધર-૧ જેટલું પ્રભાવી ને યાદગાર સંગીત નથી. પણ આખી ફિલ્મમાં વાર્તાને આગળ વધારતા કે બેકગ્રાઉન્ડ મ્યુઝિક બનતા ગીતોમાં જૂના બોલીવૂડ ને ઇન્ટરનેશનલ મ્યુઝિકનું બ્લેન્ડિંગ કમાલનું છે. આમિર ખાનની ફિલ્મથી સાહિર લુધિયાનવીની કવ્વાલી સુધીની રેન્જમાં પાકિસ્તાનના હસન જહાંગીર, બહેરીનના ફિલપરાચીનું ફાસલા કે અરબીના ખાલીદનું જગમશહૂર ડીડી વાપર્યું છે. એ 'દીદી'ની સિચ્યુએશન પહેલા ભાગ જેવી જ રાખી હોવા છતાં અક્ષય ખન્નાવાળું 'હૂક' એમાં નથી. પણ ધુરંધરને લીધે ભારતભરમાં આ ટયુન્સ ફરી જીવંત થઈ. ઇનફેક્ટ, હિન્દુઓ જ મુસ્લિમ રેપરના સૉંગ્સના તાલે ઝૂમવા લાગ્યા. આ પણ ભારત છે!
(૬) ધુરંધરનો સૌથી મોટો ફાયદો તો નેચરલી હીરોને થવાનો. રણવીરસિંહ પહેલેથી જ એનર્જેટિક અને વર્સેટાઇલ છે. બીજા ભાગમાં તો જબરી પક્કડ એના ભાગે આવી છે. રમૂજી વાત એ છે કે ઑનલાઇન કેસરિયા ભક્તગણો હમણા સુધી રણવીરસિંહને 'સેક્યુલર' ગણી એની ખેંચતા હતા. એ ભૂલી ગયા કે, પદ્માવત કે ગલી બોયનો અને યશરાજ ફિલ્મ્સે જ 'બેન્ડ બાજા બારાત'માં લૉન્ચ કરેલો, જેની પત્ની દીપિકા, શાહરૂખની ફિલ્મોની મેઇન લીડ હોય છે અને જેએનયુમાં ખાલી મૌન ઉભવા માટે 'દેશદ્રોહી' થયેલી, એ જ રણવીરસિંહને અચાનક હિન્દુ હિતના હીરો તરીકે ચોક્કસ વર્ગ માથે બેસાડી, દોડી દોડી ટિકિટો ખર્ચીને એને જુએ છે. કંઈક અંશે અર્જુન રામપાલ માટે પણ આવું કહી શકાય. પણ સંજય દત્ત તો ચોક્કસ 'ધુરંધર' પ્રેમીઓ માટે હમણાં સુધી રીયલ લાઈફમાં ખલનાયક હતો. રાજકુમાર હિરાણીની સંજૂ ફિલ્મને પણ સુનીલ દત્ત જેવો ઈમેજ એજેન્ડા કહેનારા હોંશે હોંશે ધુરંધરમાં સંજય દત્તને આદિત્ય ધરે આપેલા સીનસપાટા પર સીટીઓ મારે છે. આદિત્ય ધરે આ બધાની માર્કેટ પ્રાઇઝ વધારી દીધી!
(૭) ધુરંધર ધ રિવેન્જમાં તો સાઈડ એકટર્સ તરીકે પણ મુસ્લિમ અભિનેતાઓ ઘણા છે. કલાકારને જનરલી ધર્મ સાથે જોડવાનો હોય નહિ, પણ આજકાલ એવા ચડાઉ ધનેડા છે કે જે કલાકારને ધર્મથી જ જોડે છે, તો ખ્યાલ રહે કે આદિત્ય ધર એમના જેવો નફરતી ચિન્ટુ નથી. આ બીજા ભાગમાં દાનિશ ઈકબાલ (દાઉદ ઈબ્રાહીમ), મશહૂર અમરોહી (નવાઝ શરીફ), સલીમ સિદિક્રી (આતીફ અહેમદ), અને મુસ્તફા અહેમદ ઉર્ફે અફઘાન બુલ જે સતત છેક સુધી પડછાયાની જેમ હમઝાની સાથે રહેતા રિઝવાનની ભૂમિકા ભજવે છે, એ મુસ્લિમ અભિનેતાઓ છે. આદિત્ય ધરે તો હૂબહૂ એમને ગેટઅપ આપી, સાઈડ કેરકેટરમાં બરાબર નિખાર્યા પણ છે!
(૮) ઘણા બધા લોકો ધુરંધર જોઈને કહી રહ્યા છે કે આવી ફિલ્મો ખુલીને પાકિસ્તાનમાં ચાલતી ભારત વિરોધી પ્રવૃત્તિઓની વાત કરે ને ભલે કલ્પનામાં પણ ત્રાસવાદીઓનો કચ્ચરઘાણ કાઢે, ને વાસ્તવિક લાગે એવી જાસૂસી કથા કહે એવી તો પહેલી વાર બની. પહેલીવાર એમણે જોઈ હશે, બોલીવૂડમાં બની પહેલીવાર નથી. બોલીવૂડની સ્પાય ફિલ્મો મિથુનની સુરક્ષા કે વારદાત હોય કે ધર્મેન્દ્રની આંખે મુખ્યત્વે જેમ્સ બોન્ડથી પ્રભાવિત રહી છે. પઠાણ, ટાઇગર કે યશરાજ સ્પાય યુનિવર્સમાં જેનું નામ ભૂલાઈ જાય છે ઘણાંને એ રિતિકવાળી વોર વગેરે મૂળ જેમ્સ બોન્ડ, ટ્રિપલ એક્સ, જેક રાયન જોનર છે. હોલીવૂડમાં એથી અલાયદી જેસન બોર્ન ટાઈપ ફિલ્મો બને, ધુરંધર એ ઘરાનાની છે. પણ ધુરંધર અગાઉ પાકિસ્તાને જેનો કાયમ ઈનકાર કર્યો એવા યુદ્ધકેદીઓની વાત કહેતી અમિતાભ અભિનિત 'દીવાર' (મિલન લૂથરિયાવાળી) આવેલી. ધુરંધરમાં આઈસી ૮૧૪ હાઈજેકની વાત ને મુંબઈ ૨૬/૧૧ એટેકના પ્લોટ પોઈન્ટ છે. પણ હાફિઝ સઈદ, મસૂદ અઝહર બાબતે ખાસ નથી. જ્યારે અક્ષયકુમારવાળી 'બેબી' (નીરજ પાંડે)ને નિખિલ અડવાણીની 'ડી-ડે' (જેમાં રિશિ કપૂરવાળા દાઉદને પકડવા માટે સેના જાસૂસોની વાત હતી!) બોલીવૂડમાં બની જ છે.
(૯) ધુરંધર વધુ એક પુરાવો છે કે ભારતીય પ્રજા ટ્રેડિશનલી વાયોલન્સને એડલ્ટ કન્ટેન્ટ નથી ગણતી, માત્ર સેક્સને જ ગણે છે. એમ તો આપણા પ્રાચીન કથાનકોમાં કાળજું કંપાવે એવી ભયાનક હિંસા વર્ણવાઈ છે. ગ્રાફિક ડિટેઈલ્સ સાથે. આપણે માટે તો એ પણ એક રસ છે. પણ એ બધામાં એટલું જ ઈરોટિકા પણ જોડે હતું ઉન્માદક શૃંગારવર્ણનોનું. રહેતા રહેતા સેક્સને આપણે પશ્ચિમી માની લીધું, પણ વાયોલન્સના તો સમાચારના ફૂટેજમાં આપણને થડકો નથી થતો! અંગ્રેજીમાં 'ગોરી' કહેવાય એવી લોહીના ફુવારા ઉડે, માથા નાળિયેરની જેમ ફૂટે વગેરે હિંસાનો અતિરેક પણ વાયોલન્ટ પોર્ન છે. જે રણબીર કપૂરની એનિમલમાં પણ હતો. આ પણ નવું ભારત છે, જેને એનો છોછ નથી. આવી ફિલ્મો સાઉથની ચાલવા લાગી છે વધુ. રફટફ હીરો ને ઢિશૂમ ઢિશૂમ નહિ - આંખો - આંતરડા ખેંચવા સુધીના દ્રશ્યો. હજુ વધુ આવશે. પણ વેબ સીરિઝમાં 'બિનજરૂરી' ગાળો માટે એકતા કપૂર બ્રાન્ડ મેકરોને દિવસરાત ભાંડનાર વર્ગ ત્યાં સેન્સરશિપની માંગ કરશે, પણ ધુરંધર ટુનાં ગાલિપ્રદાનને સ્વીકાર્ય ગણશે, કારણ કે એના પર એણે પોતે જ સ્વદેશી સંસ્કૃતિની મહોર મારી છે!
(૧૦) ધુરંધરની સફળતાનું એક મોટું કારણ છે એના અમુક દ્રશ્યોનાં હિંસા ઉપરાંત થયેલું કાતિલ બિલ્ડ અપ. આદિત્ય ધરને એના માટે ફુલ માર્કસ દેવા પડે. વિગતો નહિ ખોલીએ, પણ બીજા ભાગમાં જસકિરતસિંહનો જે ફલેશબેક ટ્રેક આરંભે આવે છે, એ કલાસ સિનેમા છે. રણવીરના હાવભાવમાં રહેલી ખિન્નતા ને આક્રોશનું મૌન મિશ્રણ ને લાંબી અંધારી એકશન સીકવન્સ રૃંવાટા ઉભા કરી દે તેવી છે. ધુરંધરનો મિજાજ આવી અનેક સીકવન્સમાં છે. જે સ્ટાઇલિશ શોટ અમુક એન્ટ્રીના છે એ ડોક્યુડ્રામા સ્પાય મૂવીના નથી. ફૂલફલેજડ બોલીવૂડ મસાલા એન્ટરટેઈનરના છે, પણ જામે છે! એમાં દેશ માટે બધું કુરબાન કરનારા જાસૂસની પીડા, દર્દ, પેઈન, ખાલીપો, રિક્તતા એ બધું પણ ગૂંથી લેવાયું છે આબાદ. આ એની જબ્બર સ્ટ્રેન્થ છે.
(૧૧) ધુરંધર પ્રોપેગેન્ડા ફિલ્મ કહેવાય તો મોટા ભાગની ફિલ્મો એ બનાવનારના દિમાગનો પ્રોપેગેન્ડા જ હોય. એ કોઈ પાપ નથી. એમાં કશું ખોટું નથી. દરેકને ક્રિએટીવ સ્પેસમાં એની વાત મુકવાનો હક છે. પર્સનલ થયા વિના મુદ્દાસર કારણો બતાવી એની ટીકા કે વખાણ કરવાનો પણ બીજાને હક છે. ધુરંધરે કેટલીક વાસ્તવિક ઘટનાઓને કેટલીક કાલ્પનિક ઘટનાઓ સાથે જોડીને કહાનીનું કોકટેલ જે તૈયાર કર્યું, એ ભારતીય દર્શક માટે નવીન ને ચોટદાર છે. પણ અગાઉ થયેલું છે. પ્રોબ્લેમ તો કશો નથી એમાં. પણ બહુ સ્માર્ટલી ધુરંધર કલ્પનાને વાસ્તવ વચ્ચેની ભેદરેખા બ્લર કરી દે છે. મોટેભાગે આવું કરવામાં રિયાલિસ્ટક સ્પાય થ્રીલર અસલી નામો ટાળે કે પછી એના પૂરતી સાચી ટાઈમલાઇનને વળગી રહે. પણ જાસૂસ હીરો કે હીરોઈન પોતાના દેશનું મહિમામંડન જરૂર કરે. પોલિટિકલ સ્ટેન્ડ લઈને પક્ષનું ન કરે. આ કોઈ લેખિત કાયદો નથી. બહુ બહુ તો સ્વવિવેક છે. ધુરંધરમાં એને સિફતપૂર્વક અભેરાઈએ ચડાવી દેવાયો છે.
(૧૨) જે ટિકિટ ખર્ચીને ફિલ્મો જોનારું ઓડિયન્સ છે, એમાંના મોટા ભાગના મનોરંજન માટે ફિલ્મો જુએ છે. પાકિસ્તાનના આપણે ત્યાં બહારવટિયાની કથા કહેવાતી એ કાદુ મકરાણી રહેવા ગયેલો એ કરાંચીનું લ્યારી ને એનું અન્ડરવર્લ્ડ પહેલી વાર જોવાનો રોમાંચ એ સજ્જડ ફીલ કરે છે. એકચ્યુઅલી, આપણે નથી કરતા એવા ધૂમધડાકેદાર સફાયો કરતા ઓપરેશન્સ પડદા પર જોઈને કિક અનુભવે છે. આ એક ઓર્ગેઝમીક એક્સપિરિયન્સ છે. અમિતાભનો વિજય જે સીસ્ટમ સામે વિદ્રોહ કરતો (ડિટ્ટો સનીનો ઘાયલ) એ પોતે કર્યો હોવાનો સંતોષ મળે, ઈમાનદાર પોલિસ અફસર જંઝીરનો હોય, અર્ધસત્યનો કે સિંઘમનો એ ફેન્ટેસી જોવી ગમે. કારણ કે, વાસ્તવમાં એવું નથી.
રેગ્યુલર દર્શક આ ભેદ સમજે છે. એન્જોય કરી કામે લાગી જાય છે. પણ સિનેમાને સ્ટેટમેન્ટ તરીકે લઈને એની આસપાસ નેરેટીવ ઘડનાર વર્ગને બીજા જ પ્રકારનો નશો આવે છે આવી સફળતા થકી. એનો જંગ તે વળી પાકિસ્તાન કે ચીન સામે પણ નથી હોતો. એના પોલિટિકલ સ્ટેન્ડના વિરોધીઓ સામે હોય છે, ને ફિલ્મોની ટીકા કે વખાણ એનું હથિયાર હોય છે
એ માટેનું. ધુરંધર વાત પાકિસ્તાનની કરે, પણ એમને ગુનેગાર નહિ બધા જ ભારતીય મુસ્લિમો પાકિસ્તાની દેખાવા લાગે. પેલો ટિકિટ ખર્ચી ફિલ્મ જોતો દર્શક ન હોય એટલો સિરિયસ એ ફિલ્મને ઈતિહાસનું પરમ સત્ય સમજીને થઈ જાય! સત્ય ઈતિહાસ પુસ્તકો-સમાચારોના દસ્તાવેજોનાં મળે, ચાર ચાર કલાકની બે કે ઈવન ચાર ફિલ્મોમાં પણ નહિ.
(૧૩) ધુરંધરનું સ્ટોરીટેલિંગ આલાતરીન છે, પણ સચ્ચાઈમાં ઝોલઝાલ છે. સ્પોઈલર એલર્ટ. ફિલ્મમાં ૬૦,૦૦૦ કરોડની ફેક કરન્સી ભારતમાં ઘુસાડવાની વાત છે. ૧૨૦૦થી ૧૪૦૦ મેટ્રિક ટન વજન થાય એનું. ૭૦-૮૦ કાર્ગો કન્ટેનર જોઈએ. એ લોજીસ્ટિકસ રિયાલિટીમાં બેસે નહિ. ફિલ્મોમાં મોગેમ્બો છાપ પ્લાન તરીકે ચાલે. વળી, પહેલેથી આખી ચેઈન સહિત એના નેટવર્કની વિગત જાસૂસે આપી છે, તો એ તોડવાને બદલે કે એને એક્સપોઝ કરીને અપરાધીઓ ઝબ્બે કરવાને બદલે નોટબંધી ક્યાં કરવાની આવે? એ હેતુ નોટબંધીનો હોય ફિલ્મ મુજબ તો નોટબંધીમાં તો આરબીઆઈમાં ૯૮% થી વધુ કરન્સી જમા થઈ ગઈ. મતલબ ઇન્ટેલ રિપોર્ટમાં ગરબડ હતી. ને પછી પુલવામાથી પહેલગામ કે દિલ્હી સુધી આતંકવાદી હુમલા તો ચાલુ જ રહ્યા. બંગાળ મુર્શિદાબાદથી મણિપુર સુધીની હિંસા કે રમખાણ તોફાનો પણ. નિષ્ણાતો કહે છે કે નવી નોટોના ૨૨માંથી ૧૭ સિક્યોરિટી ફીચર તોડી હજુ થોડી નકલી નોટો પાકિસ્તાન ઘુસાડે જ છે વાયા બાંગ્લાદેશ, નેપાળ. અહીં પણ પેલા પ્રદીપ ગુરૂ જેવા પ્રિન્ટર પર નકલી નોટ છાપતા ઝડપાય છે. પબ્લિક લાંબુ ન વિચારે પણ આ તો સિમ્પલ ફેક્ટસ છે. ધુરંધર ડાયરેક્ટ ન્યુઝફુટેજ પ્રધાનમંત્રીનું બતાવી વાત કરે છે, એટલે લોજિક લાગુ પડે, બાકી ફિલ્મોમેં સબ ચલતા હૈ.
(૧૪) આ સબ ચલતા હૈમાં પણ અગેઇન સ્પોઇલર એલર્ટ. ફિલ્મમાં જે મુખ્ય ભારતવિરોધી દુશ્મનોને હમઝા ઠેકાણે પાડે છે એ રહેમાન ડકૈત, ચૌધરી અસલમ અને આઇએસઆઈનો ઈલિયાસ કાશ્મીરી તો ૨૦૧૪ પહેલા જ ખતમ થયા છે. ફિલ્મી અજીત સાન્યાલ (માધવન) જે સરકારની રાહ જુએ છે, એની પહેલાની સરકારના કાર્યકાળમાં જ આ હકીકતે બનેલી વાત છે. સિનેમાના પડદે નહિ. રામેશ્વરનાથ કાઓને આગળ કરનાર ઈન્દિરા ગાંધીએ જ ૧૯૬૮માં રો બનાવેલું. ફિલ્મના બહુ ઓવર ધ ટોપ, બિનજરૂરી ને આખા પાત્રાલેખનની પાળ પીટી નાખતા લાસ્ટ ટ્વીસ્ટમાં તો બીજો ભાગ પહેલા ભાગ જેટલો વાસ્તવવાદી નહિ પણ ફેંકમફેંક છે, એવું વધુ લાગે. જમીલ જમાલીનો ટ્વીસ્ટ સસ્તી ફૂટપાથિયા કથામાં આવે એવો અવાસ્તિવક લાગે ને એમાં હમઝાની જ શું જરૂર હતી માહિતી માટે એ સવાલ થાય. એમાં કહેવાયા મુજબ તો એ પણ ઇન્દિરા સરકાર વખતે પ્લાન્ટ થયો હતો. હમઝા પણ મનમોહન સરકાર વખતે થયો હોય. રિયલ લાઇફના અજીત ડોભાલ તો ૨૦૦૫માં રિટાયર્ડ થયેલા. પછી ૨૦૧૪થી એનએસએ તરીકે આવ્યા. યુપીની ચૂંટણી પાકિસ્તાનથી કંટ્રોલ થાય તો કલ્યાણસિંહ કે રાજનાથસિંહ પણ સીએમ ન બની શકે. અતીકના મરવાની ટાઈમલાઈન તો ૨૦૨૩માં છે. દાઉદ ઈબ્રાહિમ આઇએસઆઈની મહેરબાની પર જીવે છે (કે જીવતો) એટલે તો ગુપચુપ પડી રહે છે. એને વળી સુપરબોસ પાકિસ્તાન ઇન્ટેલીજન્સનો બતાવવો એ પણ ઇન્ટેલીજન્ટ બાબત નથી. હમઝાના હોવા છતાં એમ તો અતીકના મોત પહેલા પુલવામા જેવા હુમલા થયેલા છે. આવું ઝીણું કાંતવાની ફિલ્મ જલસો કરાવે ત્યારે જરૂર જ ન હોય. પણ આ તો ફિલ્મ પોતે ને એના નામે ઉછળી પડતા ફોલ્ડરો એક જ સાઇડના રંગે રંગાઈ જાય ત્યારે આવેલા વિચાર છે. શું કરીએ, સત્યશોધનનું વાચન સનાતનના વારસે પડેલી આદત છે!
(૧૫) છતાં પણ, ધુરંધર ૧-૨ એક ઐતિહાસિક મેજિક છે, એમાં કોઈ શંકા નથી. બોલિવૂડ ધારે તો સાઉથ થઈ શકે આરામથી. - સાઉથનું હીરોઇઝમ ને પ્લોટ '૭૦ના દાયકાના બોલીવૂડની જ કોપી છે, એમ તો! - એનો પુરાવો છે ધુરંધર. ડાયરેક્ટર રિયલ લાઇફની થપાટોથી ઘડાયેલો હોવો જોઈએ. સાઉથ બોમ્બેના સુંવાળા બાબુડિયાઓની ધુરંધરનું વિશ્વ રચવાની ત્રેવડ નથી. અનુરાગ કશ્યપની રો રસ્ટિક ફીલ સાથે આરજીવીનું અન્ડરવર્લ્ડ ને સલીમજાવેદના જમાનાની ડાયલોગબાજી ને રોહિત શેટ્ટીનો એકસન સ્કેલ પ્લસ રાજામૌલીની વિશાળતા બધું છે આદિત્ય ધરના ધુરંધરમાં. એ એક માઈલસ્ટોન જરૂર છે. પણ કમાણીનો. યાદગાર કેટલી રહેશે એ સમય કહેશે. લોકો તો સય્યારાથી કાશ્મીર ફાઇલ્સ સુધી, ગદ્રથી જવાન સુધી ઘેલા થઈ જાય છે. એક સમયે તિરંગા, ક્રાંતિવીરની આવી જ અસર હતી. પણ કાળચક્રમાં જેટલી અમિતાભની અગ્નિપથ કે દિલ ચાહતા હૈ છાપ છોડી ગઈ એટલી અમર ન બની. આજના ઘોંઘાટિયા ઝડપી સમયમાં બધું ફટાફટ ઓવરલેપ થાય છે. એટલે એનિમલ કરતાં રાંઝણ વધુ યાદ રહે છે! પઠાણ કરતા બાઝીગરની વાતો વધુ થાય છે. લોકોને ગેંગસ્ટરનું જગત જોવાનું ફેસિનેશન જગત આખામાં છે. પણ છેલ્લે ખેંચાયેલા બીજા ભાગમાં ભારતની બહુમતી પ્રજાને બીવડાવતી વાતો અસર કરે ત્યાં સુધી રિયાલિટીમાં નહિ તો ફેન્ટેસીમાં આપણે ફિલ્મો થકી ત્રાસવાદના ને પાકિસ્તાનના છોતરાં ફાડીશું. હા, ચીનને ઝાઝી સળી નહિ કરીએ. લશ્કરી લડાઇ ફિલ્મો સિવાય. ને માની લઈશું કે ઓપરેશન સિંદૂરથી પણ ધુરંધર મોટું ઓપરેશન છે જાણે! પાછા પાકિસ્તાની પાત્રોને ગ્લોરિફાય થતા પણ જોઈએ! યુ નો, ક્રિકેટ ને સિનેમા આપણું ઓલ્ટરનેટ યુનિવર્સ છે ને રમાધીરસિંહ ફરમાવી ગયેલા કિ જબ તક 'સનિમા' હૈ, લોગ...
ફાસ્ટ ફોરવર્ડ
વિદેશી સોશ્યલ નેટવર્ક પર મફતમાં રાષ્ટ્રવાદનો ઝંડો કાયમ લહેરાવતા ઘણા ભેજાંગેપો ધુરંધર જેવી ફિલ્મોની સફળતા ઇક્કીસ જેવી પરમવીરચક્રની વાત કહેતી (પણ નબળી બનેલી) 'અમનછાપ' ફિલ્મોની નિષ્ફળતા સામેની જીત ગણે છે. પણ જેમ હિન્દી બાહુબલીમાંથી કમાયો તો વિતરક કરણ જોહર હતો એમ 'ધુરંધર' કે 'ઇક્કીસ' બેઉ ફિલ્મો 'જિયો સ્ટુડિયો'ની જ છે, ને આ વર્ગને ન ગમતા ત્રણે ખાન ઈત્યાદિના ઘર જેવા સંબંધ કોની સાથે છે, એ તો કોઈનાથી છૂપું નથી! બોલો, છે ને સ્પાય થ્રીલરને પણ ટક્કર મારે એવા હકીકતના ખેલ!


