- અગોચર વિશ્વ-દેવેશ મહેતા
- અલૌકિક શક્તિઓ રૂપ સિદ્ધિઓ પાંચ પ્રકારે પ્રાપ્ત થાય છે - જન્મથી, ઔષધિ (જડીબુટ્ટી)થી, મંત્રથી તપ (કઠોર સાધના)થી અને સમાધિથી
તપસ્વિભ્યોડધિકો યોગી, જ્ઞાનિભ્યોડપિમતોડધિક : ।
કર્મિભ્યશ્ચાધિકો યોગી, તસ્માદ્ યોગી ભવાર્જુન ।।
યોગી તપસ્વીઓથી અધિક, શાસ્ત્રજ્ઞાનીઓથી પણ અધિક અને (અગ્નિહોત્રાદિ) કર્મ કરનારાઓથી પણ અધિક મનાયો છે માટે હે અર્જુન ! તું યોગી થા.
- શ્રીમદ્ ભગવદ્ ગીતા, અધ્યાય-૬, શ્લોક-૪૬
- જન્મૌષધિ મંત્ર તપ : સમાધિજા : સિદ્ધય : ।
અલૌકિક શક્તિઓ રૂપ સિદ્ધિઓ પાંચ પ્રકારે પ્રાપ્ત થાય છે - જન્મથી, ઔષધિ (જડીબુટ્ટી)થી, મંત્રથી તપ (કઠોર સાધના)થી અને સમાધિથી.
- પાતંજલ યોગ દર્શન, વિભૂતિપાદ (૪-૧)
પ્રવૃત્યાલોકન્યાસાત્ સૂક્ષ્મવ્યવહિતવિપ્રકૃષ્ટજ્ઞાનમ્ । ચેતનાના પ્રકાશથી દૂર રહેલી, સૂક્ષ્મ અને છુપાયેલી વસ્તુઓ દેખાવા લાગે છે.
- પાતંજલ યોગદર્શન,
વિભૂતિ પાદ (૩.૨૫)
બંગાળના યોગી વરદાચરણ ધ્યાન યોગ, મંત્ર સાધના અને તાંત્રિક ઉપાસનામાં પારંગત હતા. આત્મ-અનુભૂતિ અને દિવ્ય શક્તિનો સાક્ષાત્કાર એમની સાધનાનું કેન્દ્ર સ્થાન હતું. યોગી વરદાચરણે ગહન સાધનાના માધ્યમથી અનેક યોગસિદ્ધિઓ પ્રાપ્ત કરી લીધી હતી. તે લોકોના મનની વાતો જાણી લેતા, સૂક્ષ્મ જગત સાથે સંપર્ક સાધી શકતા, પારલૌકિક જગત સાથે સંબંધ પ્રસ્થાપિત કરી મૃતાત્માઓને પ્રેત રૂપે ધરતી પર લાવી શકતા, સૂક્ષ્મ શરીર પ્રેક્ષપણ કરી એક જ સમયે અલગ અલગ સ્થળોએ હાજર રહી શકતા હતા. વરદાચરણે યોગિરાજ શ્યામાચરણ લાહિડીના શિષ્ય પંડિત પંચાનન ભટ્ટાચાર્ય પાસેથી યોગદીક્ષા ગ્રહણ કરી હતી. એવું પણ કહેવાય છે કે તે બાલ્યાવસ્થામાં હતા ત્યારે તેમને ભગવાન શંકરે જ દીક્ષા આપી હતી. તે ક્રિયાયોગ અને કર્મયોગના સાધક અને પુરસ્કર્તા હતા. શ્રીમદ્ ભગવદ્ ગીતાના ત્રીજા અઘ્યાયના સાતમાં શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે યસ્ત્વિન્દ્રિયાણિ મનસા નિયમ્યારભતેડર્જુન ? કર્મૈન્દ્રિયૈ : કર્મયોગમસકત : સ વિશિષ્યતે ।। હે અર્જુન ! જે મનુષ્ય મન વડે ઈન્દ્રિયોને વશમાં કરી અનાસકત થઈને બધી ઈન્દ્રિયો દ્વારા કર્મયોગનું આચરણ કરે છે તે યોગી શ્રેષ્ઠ છે.
બાંગલા દેશના ક્રાંતિકારી કવિ, લેખક, સંગીતકાર કાજી નજરુલ ઈસ્લામના પ્રથમ પુત્ર બુલબુલને શીતળાનો રોગ થયો તેમાં તેનું મરણ થઈ ગયું. નજરુલ અને તેમની પત્ની પ્રમિલા દેવી ભારે આઘાત અને દુ:ખમાં સરી પડયા. આ અસહ્ય દુ:ખની સ્થિતિમાં તે તેમના ગુરુ વરદાચરણજીને મળવા લાલગોલા આવ્યાં. વરદાચરણજીએ એમને મરણની નિશ્ચિતતા અને જીવનની અનિશ્ચિતતાનું જ્ઞાન આપ્યું. અચાનક આવી પડેલા આ અસહ્ય દુ:ખને સહન કરવા પ્રભુ શક્તિ આપે એવી પ્રાર્થના કરી. નજરુલ ઈસ્લામે વરદાચરણને કહ્યું - ગુરુદેવ! મેં કદી તમારી પાસે કંઈ માંગ્યું નથી, કોઈ ઈચ્છા વ્યક્ત કરી નથી. પણ આજે મારી એક તીવ્ર ઈચ્છા છે. માત્ર એકવાર હું મારા બુલબુલને મળવા માંગું છું. વરદાચરણે કહ્યું - 'એ યોગ્ય નથી. એનાથી મૃતાત્માને કષ્ટ પડે. એના કરતાં એના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરો.' ગુરુની અનિચ્છા જોઈ નજરુલને દુરાગ્રહ કરવાનું યોગ્ય ન લાગ્યું. પણ નજરુલના શોક, વિષાદ અને ગમગીની જોઈ ગુરુનું હ્ય્દય કરુણાદ્ર થઈ ગયું. તેમણે કહ્યું - હું એકવાર તેને જીવતો અને હરતો-ફરતો બતાવીશ. પણ તારે તેને સ્પર્શ કરવાનો નથી. એ શરત મંજૂર હોય તો યોગબળથી હું તારી ઈચ્છા પૂરી કરીશ.
નજરુલે યોગી વરદાચરણને સંમતિ આપી. વરદાચરણજીએ એમને એક મંત્ર આપ્યો અને કહ્યું - રાત્રે આઠ વાગ્યા પછી એ ઓરડામાં આસન બિછાવી આ મંત્રનું ઉચ્ચારણ કરજે જેમાં તારા પુત્ર બુલબુલની વસ્તુઓ પડી હોય. એ ઓરડાનો દરવાજો બંધ રાખજે, પણ એની સાંકળ વાસીશ નહીં. એક વાતનું ખાસ ધ્યાન રાખજે કે એની સાથે વાત ના કરીશ અને એને સ્પર્શ ના કરીશ. આ રીતે એક દિવસ નજરુલ ઈસ્લામ એમના પુત્રના ઓરડામાં બેસીને ગુરુએ આપેલા મંત્રનું રટણ કરતા હતા ત્યારે ઓરડાનું ખાલી વાસી રાખેલું બારણું ખુલ્યું. નજરુલે જોયું તેમના વિસ્મયનો પાર ના રહ્યો કેમ કે બારણું ખોલીને અંદર આવનાર બીજું કોઈ નહીં પણ તેમનો ઘણા દિવસો પહેલાં મરણ પામેલો પુત્ર બુલબુલ હતો. એને જીવતો જોઈને અને એના રૂમમાં ચાલીને આવતો જોઈને કવિ નજરુલના આખા શરીરમાં આનંદની લહેરો દોડી ગઈ. તેમણે જે જોયું તે કોઈ દ્રષ્ટિભ્રમ ન હોતો. તે જ શરીર, તે જ ચહેરો, તે જ ચાલવાની રીત. તેમણે બધી રીતે ચકાસ્યું - તે બુલબુલ જ હતો. તે આગળ વધ્યો અને તેના કબાટ પાસે ગયો. પછી કબાટ ખોલીને તેની વસ્તુઓ અને રમકડાં બહાર કાઢવા લાગ્યો.
તેના પિતા નજરુલને ઊભા થઈ તેને ભેટવાની ઈચ્છા થઈ પણ તેમનું શરીર આસન સાથે ચોંટી ગયું હોય એમ ઊભું જ ના થઈ શક્યું. એમની જીભ જાણે તાળવા સાથે ચોંટી ગઈ હોય એમ મોંમાંથી એક શબ્દ પણ ના નીકળી શક્યો. તેમને થયું કે હું પ્રયત્ન કરી તેની સાથે વાત કરુ પણ તેમને ગુરુને આપેલું વચન યાદ આવ્યું. એટલે તેમણે ફરી પ્રયત્ન ના કર્યો. બુલબુલ કબાટ પાસેથી પાછો ફર્યો. તેણે તેના પિતા તરફ જોયું અને આદરપૂર્વક હાથ જોડયા. નજહુલે પણ તેને દુઆ આપતા હોય તેવી મુદ્રા ધારણ કરી. પછી બુલબુલે ઓરડાનું બારણું ખોલ્યું અને ઓરડાની બહાર નીકળી ગયો. તે પછી નજરુલ ઊભા થઈ બારણા તરફ દોડયા. બારણું ખોલીને બુલબુલને ઘરની બહાર જતો જોવાની તેમને ઈચ્છા થઈ. પણ ઘરમાં કે ઘરની બહાર ક્યાંય તેમને બુલબુલ દ્રશ્યમાન ના થયો. તેના ઓરડાની બહાર નીકળીને જાણે કે તે હવામાં ઓગળી ગયો હોય તેમ અદ્રશ્ય થઈ ગયો.
આ રીતે યોગી વરદાચરણજીએ એમની યોગ સિદ્ધિથી એમના શિષ્ય વિખ્યાત બંગાળી કવિ કાજી નજરુલ ઈસ્લામના મરણ પામેલા પુત્ર બુલબુલને પુન:એમના ઘેર બોલાવી એ જીવિત હોય તે રીતે એના ઓરડામાં હરતો-ફરતો બતાવ્યો હતો. આ જ પ્રકારે સિદ્ધયોગી ભોલાનંદ ગિરિએ બંગાળના પ્રસિદ્ધે ગણિતશાસ્ત્રી સોમેશચંદ્ર બસુની મૃત પત્નીને તે જીવિત હોય તેમ પ્રગટ કરીને તેને દીક્ષા આપી હતી. દીક્ષા બાદ તે બધાની નજર સામેથી અદ્રશ્ય થઈ પારલૌકિક જગતમાં ચાલી ગઈ હતી.


