Get The App

ઉન્માદ અંધારી આલમનો... .

Updated: Mar 28th, 2026

GS TEAM

Google News
Google News
ઉન્માદ અંધારી આલમનો...                              . 1 - image

- સિનેમા એક્સપ્રેસ-શિશિર રામાવત

- 'ધૂરંધર' પાર્ટ વન એન્ડ ટુની બમ્પર સફળતાને કારણે અન્ડરકવર એજન્ટ્સ, અંધારી આલમ અને ગેંગસ્ટર્સની કહાણીઓમાં ઓડિયન્સનો રસ એકદમ વધી ગયો છે. ગેંગસ્ટર્સ વિશેની ફિલ્મોની ચર્ચા હોલિવુડની 'ગુડફેલાઝ' વગર અધૂરી રહી જાય. અમુક ફિલ્મી પંડિતોના મતે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમનું આટલું પરફેક્ટ ડિટેલિંગ 'ધ ગોડફાધર'માં પણ થયું નથી.

'ધૂ રંધર'નો પહેલો ભાગ આવ્યો ત્યારથી ફિલ્મમેકર રામગોપાલ વર્મા જે રીતે તેની તરફેણમાં ધૂંઆધાર બેટિંગ કરી રહ્યા છે તે આપણે રસપૂર્વક જોઈ રહ્યા છીએ. રામુને 'ધૂરંધર' આટલી હદે સ્પર્શી ગઈ તેનું પહેલું મુખ્ય કારણ એ છે કે એક ફિલ્મમેકર તરીકે અન્ડરવર્લ્ડ અને ગેંગસ્ટર્સ એમનો સૌથી પ્રિય પ્રકાર છે, અને બીજું, રામુ એક ઉમળકાભર્યા, નિખાલસ આદમી છે જે પોતાના કરતાં ક્યાંય જુનિયર ફિલ્મમેકરના કામને આશ્ચર્ય થાય એટલી હદે વખાણી શકે છે.

રામુ 'સત્યા' બનાવવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે એક્ટર સૌરભ શુક્લે એમને કહેલું કે, 'રામુ, ગેંગસ્ટર જૉનરમાં સૌથી ઉત્કૃષ્ટ ગણાય એવી ફિલ્મો કોઈ હોય તો આ બે - 'ગોડફાધર' અને 'ગુડફેલાઝ'. મને 'ગોડફાધર'માં અન્ડરવર્લ્ડનું જે રીતે ચિત્રણ કરવામાં આવ્યું છે, જે રીતે પાત્રો ઊપસાવવામાં આવ્યા છે તે બહુ ગમ્યું. આપણને થાય કે બરાબર છે, આવા લોકો પણ દુનિયામાં હોય છે. આપણને આ પાત્રોથી ડર ન લાગે... પણ 'ગુડફેલાઝ'નું એવું નથી. આ ફિલ્મનાં પાત્રો તમને થથરાવી મૂકે છે, તમારા મન પર છવાઈ જાય છે.'   

આજે આપણે હોલિવુડના માસ્ટર ફિલ્મમેકર માટન સ્કોર્સેઝીની 'ગુડફેલાઝ' (૧૯૯૦) વિશે વાત કરવી છે. આ ફિલ્મમાં સ્કોર્સેઝીએ એક ગેંગસ્ટરના જીવનનાં ત્રીસ વર્ષોનો રોમાંચક ગ્રાફ દોર્યો છે. આ ફિલ્મ જોતી વખતે તમને 'સત્યા' અને 'કંપની' જેવી ફિલ્મો યાદ આવશે. 'ધુરંધર' સિરીઝ તો ખરી જ.  

'ગુડફેલાઝ'ની શરૂઆત જુઓ. અંધારી રાત છે. ત્રણ માણસો કારમાં હાઈવે પર કશેક જઈ રહ્યા છે. અચાનક કયાંકથી ઠક...ઠક...ઠક અવાજ આવે છે. કારને રસ્તાની એક બાજુ ઊભી રાખી સાવચેતીપૂર્વક ડિકી ખોલવામાં આવે છે. અંદર ભયાનક રીતે લોહીલુહાણ થઈ ગયેલો માણસ ઊંહકારા કરી રહ્યો છે. ઠક-ઠક અવાજ એ જ કરતો હતો. એને જોઈને ત્રણેય આદમીઓના ચહેરા તંગ થઈ જાય છે: આ હજુય મર્યો નથી, સાલો? એક માણસ આગળ આવીને પેલાનાં મુડદાલ શરીરમાં ખચ્ચ ખચ્ચ કરતા છરાના ઉપરાછાપરી ઘા કરે છે. આટલાથી જાણે સંતોષ થયો ન હોય એમ બીજો એના પર ચાર-પાંચ ગોળી છોડે છે ને માંડ માંડ અટકી રહેલો માણસનો જીવ ઝાટકા સાથે ઊડી જાય છે. ત્રણમાંથી સૌથી જુવાન દેખાતા આદમીનો ચહેરો સ્ક્રીન પર સ્થિર થાય છે અને બેકગ્રાઉન્ડમાં એનો અવાજ સંભળાય છે: 'મન યાદ છે ત્યાં સુધી મારે નાનપણથી ગેંગસ્ટર જ બનવું હતું.'

ફિલ્મનો આ પહેલો પ્રોપર ડાયલોગ. આ વાક્ય અને લોહિયાળ ઓપનિંગ સિકવન્સ આખા ફિલ્મનો મૂડ સેટ કરી નાખે છે. વાર્તા હવે ફ્લેશબેકમાં ખૂલે છે. પેલા જુવાન આદમીનું નામ હેનરી હિલ (રે લિઓટા) છે. ન્યુયોર્કમાં ઈટાલિયન લોકોની બહુમતીવાળા વિસ્તારમાં તે પોતાના પરિવાર સાથે રહે છે. નાનો હતો ત્યારથી એને પોતાના એરિયાના પૉલ સિસેરો (પૉલ સોરવિનો) નામના ગુંડાની વૈભવી લાઈફસ્ટાઈલ અને દબદબાનું ભારે આકર્ષણ. ૧૯૫૫ની આ વાત. પોકેટમની માટે જોબ કરવાના બહાને તે સિસેરોની ક્લબમાં નાનાંમોટાં કામ કરવા લાગે છે. હેનરીની ક્રિમિનલ તરીકેની જિંદગીની શરૂઆત આ રીતે થાય છે. ફિલ્મના પહેલા સીનમાં એના જે બે સાથીઓ દેખાયા હતા તે જિમી કોનવે (રોબર્ટ ડી નીરો) અને ટોમી ડિવીટો (જૉ પેશી) સાથે એનો ભેટો આ ક્લબમાં જ થાય છે. જિમીને કિમતી માલસામાન ભરેલાં વાહનો ચોરવામાં ભારે મોજ પડે છે, જ્યારે ટોમીની તાસીર એવી છે કે સાવ ધૂળ જેવી વાતમાં એ સામેના માણસ પર ગોળી ચલાવી દેતાં એક પળનો પણ વિચાર ન કરે. 

સમય વીતતાં હેનરી, જિમી અને ટોમી ત્રણેય વધુને વધુ ખૂંખાર બનતા જાય છે. ફિલ્મમાં પછી ખૂબ બધું બને છે. કથળેલા અંગત જીવન અને ખૂનખરાબાનો સિલસિલો સમાંતરે ચાલતો રહે છે. માફિયાઓના આંતરિક સંબંધોમાં ક્રમશ: બદલાવ આવવા માંડે છે. ૧૯૮૦માં ડ્રગ્ઝના એક ઓપરેશન દરમિયાન હેનરી 

બીજી વાર પકડાઈ જાય છે. એ ખુદ ડ્રગ એડિક્ટ બની ચૂક્યો છે. સિસેરો મોં ફેરવી લે છે. હેનરી નિર્ણય લે છે કે પોતાની અને ખુદના પરિવારની સલામતી માટે હું એફબીઆઈનો ખબરી બની જઈશ. એ અદાલતમાં જિમી અને અન્યો વિરુદ્ધ જુબાની આપે છે. ફિલ્મનો આ ક્લાઈમેક્સ છે. હેનરીનો હવે માફિયાગીરી સાથેનો નાતો સંપૂર્ણપણે કપાઈ ગયો છે. બસ, હવે જિંદગીના વધ્યાઘટયાં વર્ષો કોઈ મામૂલી માણસની જેમ બોરિંગ અને બીબાંઢાળ ઢબે જીવી નાખવાનાં છે. આ કેફિયત પર ફિલ્મ પૂરી થાય છે. 

'ધુરંધર' પાર્ટ વન એન્ડ ટુની જેમ 'ગુડફેલાઝ' પણ સાચુકલાં પાત્રો અને બનાવો પર આધારિત ફિલ્મ છે. નિકોલસ પિલેગી નામના ન્યુયોર્કના એક ક્રાઈમ રિપોર્ટરે 'વાઈઝ ગાય'નામનું નોન-ફિક્શન પુસ્તક લખ્યું હતું. તેમાં અસલી હેનરીએ ગેંગસ્ટર તરીકે જીવેલા જીવન વિશેનું ગજબનું ઝીણવટભર્યું લખાણ હતું. ડિરેક્ટર માટન સ્કોર્સેઝીએ પહેલાં આ પુસ્તકનો રિવ્યુ વાંચ્યો, પછી આખું પુસ્તક વાંચી ગયા. માફિયાઓ વિશેનું આટલું અધિકૃત લખાણ એમણે અગાઉ ક્યારેય નહોતું વાંચ્યું. પુસ્તક પરથી ફિલ્મ બનાવવાનો ત્વરિત નિર્ણય લઈ એમણે લેખક નિકોલસને ફોન જોડયો: 'મને એવું લાગે છે કે જાણે હું આખી લાઈફ આ જ પુસ્તકની રાહ જોઈ રહ્યો હતો.' નિકોલસે તરત સામો જવાબ આપ્યો: '...અને મને એવું લાગે છે કે આખી લાઈફ હું આ જ ફોનની રાહ જોઈ રહ્યો હતો!'

સૌથી પહેલું કાસ્ટિંગ રોબર્ટ ડી નીરોનું થયું. સ્કોર્સેઝી ખરેખર તો અલ પચીનોને જિમીના રોલમાં લેવા માગતા હતા, પણ પચીનોએ ના પાડી. આ ઈનકારનો અફસોસ પછી એમને જિંદગીભર રહ્યો. હેનરીના રોલમાં રે લિઓટા નામના પ્રમાણમાં ઓછા જાણીતા એક્ટરને લેવાની ભલામણ ખુદ રોબર્ટ ડી નીરોએ કરેલી. 

મૂળ પુસ્તકના લેખક નિકોલસ પિલેગીએ સ્ક્રિપ્ટના બાર ડ્રાફ્ટ્સ લખ્યા હતા. માટન સ્કોર્સેઝીએ એક્ટરોને દશ્યોને પોતપોતાની રીતે  ભજવવાની પૂરેપૂરી છૂટ આપી હતી. ખૂબ રિહર્સલ્સ થતાં, ઈમ્પ્રોવાઈઝેશન્સ થતાં. એક્ટરો નવી લાઈનો ઉમેરતા. આમાંથી જે કંઈ શ્રેષ્ઠ નીપજે તેને સ્કોર્સેઝી મૂળ સ્ક્રિપ્ટમાં સામેલ કરી દેતા. લિઓટા અને જૉ પેશીનો 'યુ થિન્ક આઈ એમ ફની?'વાળો એક સીન છે, જે સંભવત: ફિલ્મનું સૌથી યાદગાર દશ્ય છે. તે આ જ રીતે ઈમ્પ્રોવાઈઝ થયું હતું. સ્કોર્સેઝી આખી ફિલ્મને અઢી કલાકના ટ્રેલર જેવી ફાસ્ટ-પેસ્ડ બનાવવા માગતા હતા. તેમના હિસાબે તો જ માફિયાઓની લાઈફસ્ટાઈલ અને વરણાગીપણું વ્યવસ્થિતપણે ઝીલી શકાય. સ્કોર્સેઝી જાણે ઓડિયન્સનો હાથ પકડીને માફિયાઓના જીવનમાં, તેમનાં ઘરોમાં લઈ જાય છે. ફિલ્મમાં પાર્ટીઓ, ખાણીપીણી, જુગાર અને ફક્કડ લાઈફસ્ટાઈલનાં દશ્યોને ખૂનામરકી તથા હિંસાનાં દશ્યો જેટલું જ મહત્ત્વ મળ્યું છે.

'ટેક્સી ડ્રાઈવર'અને 'રેજિંગ બુલ' ફિલ્મો બનાવીને માટન સ્કોર્સેઝી ઓલરેડી હોલિવુડમાં પોતાની સજ્જડ છાપ ઊભી કરી ચુક્યા હતા. 'ગુડફેલાઝ'થી આ છાપ ઔર મજબૂત થઈ. ફિલ્મના ટ્રાયલ દરમિયાન આશ્ચર્ય થાય એટલા બધા ખરાબ પ્રતિભાવ મળ્યા હતા, પણ તે રિલીઝ થયા પછી ઓડિયન્સ અને સમીક્ષકો એના પ્રેમમાં પડી ગયા. ફિલ્મને પાંચ ઓસ્કર નોમિનેશન મળ્યાં, જેમાંથી જૉ પેશી બેસ્ટ એક્ટર ઈન સપોટગ રોલ માટેનો ઓસ્કર જીતી ગયા. આ ફિલ્મનું કોઈ એક પાત્ર જો સૌથી યાદ રહી જતું હોય તો તે જૉ પેશીનું વાતવાતમાં ભડકી ઉઠતા ટોમીનું જ છે. ફિલ્મમાં ગાળોની રમઝટ છે. 'એફ' પરથી શરૂ થતી અંગ્રજી ગાળ ૨૯૬ વખત બોલાય છે. મતલબ કે દર ૨.૦૪ મિનિટે એક વાર. આમાંથી અડધોઅડધ વખત એફ-વર્ડ જૉ પેશીનું કિરદાર બોલે છે!

જો તમને અન્ડરવર્લ્ડ અને ગેંગસ્ટર્સની ફિલ્મો ગમતી હોય તો 'ગુડફેલાઝ'માં તમને જલસો પડશે. અમેઝોન પ્રાઇમ વીડિયો કે યુટયુબ પર તમે આ ફિલ્મ રેન્ટ પર જોઈ શકશો. પેલો 'યુ થિન્ક આઈ એમ ફની?'વાળો સીન અને બીજી કેટલીય ક્લિપ્સ યુટયુબ પર અવેલેબલ છે. જોજો.  

શો-સ્ટોપર 

હું સૌથી પહેલાં તો આદિત્ય ધર પાસે જઈને આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ માગીશ અને પછી વિચારીશ કે મારે હવે કઈ ફિલ્મ બનાવવી છે!

- રામગોપાલ વર્મા