- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
- 'યૌવનને એકલા અધિકારનું ઘેલું લાગશે તો ફરજ કોણ બજાવશે ? મોહલકુમારની વ્યથા-કથા'
પ્રા ત:કાળે ઊઠીને આદર્શ અને અહોભાવ પોતાના પપ્પા મોહલકુમારને પ્રણામ કરે છે. એટલામાં મમ્મી સારિકાદેવી દૂધનો એક ગ્લાસ લઈને આવે છે. મમ્મી સારિકાદેવીના હાથમાં દૂધનો એક જ ગ્લાસ જોઈ આદર્શ પૂછે છે : મમ્મી, નાના ભાઈ અહોભાવનો ગ્લાસ ક્યાં છે ? તને ખબર છે ને કે હું અહોભાવને મૂકીને કશું જ ખાતો-પીતો નથી.
'હા બેટા, મને બરાબર ખબર છે કે તું તારા નાના ભાઈ અહોભાવને મૂકીને કશું ખાતો-પીતો નથી. પણ આજે મેં દૂધના બે ગ્લાસ તૈયાર કર્યા હતા પણ ભૂલથી એક ગ્લાસ મારા હાથમાંથી પડી ગયો અને દૂધ ઢોળાઈ ગયું. મેં શંકરને નજીકની દુકાનેથી દૂધ લાવવા મોકલી દીધો છે. તને ખબર છે ને કે હું તને મોટા દીકરા તરીકે વધારે...' મમ્મીની વાત અધવચ્ચે જ કાપી નાખતાં આદર્શે કહ્યું : 'મને બધી જ ખબર છે, પણ એકજ માતાપિતાના સંતાનોમાં નાનામોટાનો આવો ભેદ ન હોવો જોઈએ... જેટલી જમણી આંખ મહત્વની છે, એટલી જ ડાબી આંખ પણ... મોટા પુત્રે રામ બનવાનું શીખવું જોઈએ અને નાના પુત્રે લક્ષ્મણ બનવાનું. મારે એ પરંપરા પાળવી છે અને જતનથી જાળવવી પણ છે.'
અને આદર્શ ઊભો થઈને બીજો ખાલી ગ્લાસ લઈ આવ્યો અને દૂધના બે સરખા ભાગ કરી બીજો ગ્લાસ અહોભાવને આપ્યો. એ જોઈ મોહલકુમાર ગદ્ગદ્ થઈ ગયા. એમણે સારિકાદેવીને કહ્યું : 'જોયું સારિકા, આજે રામ-લક્ષ્મણ આપણી વચ્ચે નથી, એમના આદર્શો આજે પણ જીવંત છે. રામાયણ કે રામચરિત માનસ એ માત્ર કથા કે પાઠનો વિષય નથી, પણ જીવનમાં જીવી બતાવવાનો વિષય છે. મને એ વાતનો ગર્વ છે કે મારા બન્ને પુત્રો રામ-લક્ષ્મણની જોડી જેવા છે... અને તારે આદર્શ પ્રત્યેના અતિ પ્રેમમાં સંયમ રાખવો જોઈએ. હેત અને પ્રીતના ભાગલા ન પડાય. એક બીજો અકબંધ અને અખંડ રહે તો જ એની મહેક જીવનમાં પ્રગટે.'
'તમારી વાત સાવ સાચી છે. જાણે અજાણે આદર્શ પ્રત્યેના અતિ પ્રેમના લીધે હું વર્તનમાં વિવેક વીસરી જાઉં છું... ઘણી વાર માબાપ રસ્તો ભૂલે ત્યારે સંતાનો તેમનાં રાહબર બનતાં હોય છે. આજે આદર્શે મારી ભૂલ સુધારી લેવાની તક આપી છે... દીકરા અહોભાવ મને માફ કરજે.' કહી સારિકાદેવી રડી પડયાં હતાં.
અહોભાવ મમ્મીને કોટે વળગી પડયો હતો અને એણે મમ્મીનાં આંસુ લૂછતાં કહ્યું હતું : 'મમ્મી, મોટાભાઈ આદર્શને તું વધુ પ્રેમ કરે છે એટલે તારા પ્રેમમાં આદર્શ ભૈયા ઉમેરો કરી મને બેવડો પ્રેમ આપે છે. મારા તરફથી મમ્મી, તું નિશ્ચિંત રહેજે. તારી લાગણીને હું ક્યારેય ખોટી રીતે મૂલવીશ નહીં. ચાલ હવે હસ એટલે અમે પણ તારા નિર્મળ હાસ્યમાં જોડાઈએ', અને સહુ હસી પડયાં હતાં. ઘરનું વાતાવરણ હલકું ફૂલ જેવું બની ગયું હતું. સુખને સમજણને દ્વારેથી પ્રવેશવાની છૂટ આપીએ, તો પ્રસન્નતા પ્રાપ્ત કરવાનું કામ કેટલું સહેલું છે !
આદર્શ મોટો અને અહોભાવ નાનો બન્ને ભાઈઓ એક જ શાળામાં ભણે છે. આદર્શ આઠમા માં અને અહોભાવ છઠ્ઠા ધોરણમાં. શાળામાં જાત જાતની સ્પર્ધાઓ યોજાય છે. ક્યારેક વક્તૃત્વની તો ક્યારેક વેશભૂષાની, તો ક્યારેક ચિત્રકામની. બન્ને ભાઈઓ ભણવામાં તેજસ્વી અને શિસ્તબદ્ધ.
જે સ્પર્ધામાં આદર્શ ભાગ લે, તે સ્પર્ધામાં અહોભાવ પણ ભાગ લે. સ્પર્ધાનું પરિણામ આવે ત્યારે દરેક સ્પર્ધામાં આદર્શ પ્રથમ વિજેતા અને અહોભાવ દ્વિતીય. શિક્ષકો અને આચાર્યને પણ એ વાતની ખબર હતી કે આદર્શ કરતાં અહોભાવ વધુ તેજસ્વી છે. છતાં સ્પર્ધામાં તેનો દેખાવ શા માટે મધ્યમ કક્ષાનો હોય છે ? એકવાર આચાર્ય સાહેબે અહોભાવને બોલાવીને પૂછ્યું : 'અહોભાવ, તું આદર્શ કરતાં વધુ તેજસ્વી છે છતાં સ્પર્ધામાં તારો દેખાવ એટલો સારો રહેતો નથી. એનું કારણ શું ?દ
ત્યારે અહોભાવે કહ્યું : 'સર, આદર્શ મારો મોટો ભાઈ છે. મમ્મીને પણ તેના પર વિશેષ હેત છે. એટલે મોટાભાઈને શાબાશી મળે એ મને મળ્યા બરાબર જ કહેવાય. હું જાણી જોઈને મોટાભાઈ આદર્શ કરતાં પાછળ રહેવાની કોશિશ કરું છું. પણ સર આ વાત બીજા કોઈને કહેશો નહીં. અને આદર્શભાઈ કે મારાં મમ્મી-પપ્પાને તો નહીં જ.'
આચાર્ય મનોમન વિચારવા લાગ્યા : 'ભગવાન પણ માણસને ઘડવામાં ક્યારેક ઠંડા દિલે નિર્ણય લેતો હશે. વડીલો કે ક્યારેક અમે શિક્ષકો પણ કોઈકની મોટાઈની મૂર્તિ ખંડિત કરતાં અચકાતા-ખચકાતા નથી, ત્યારે ત્યાગની પરાકાષ્ઠા જેવો આ બાળદેવતા મહાનતાના ગુરૂશિખરે ઊભો રહી કેવો દિવ્ય સંદેશ રેલાવે છે !' આચાર્ય સાહેબે કહ્યું : 'અહોભાવ, તું નિશ્ચિંત રહેજે. તારા ભાતૃપ્રેમની આરાધનાને નુકસાન થાય એવું હું કશું જ નહીં કરું.' વર્ષો વહેતાં ગયાં. આદર્શનું સ્વપ્ન હતું એન્જીનિયર બનવાનું અને અહોભાવનું સ્વપ્ન હતું ડૉક્ટર બનવાનું. પપ્પા મોહલકુમાર પણ બન્નેને ખૂબ જ હૂંફ આપતા હતા. હાયર સેકન્ડરીની પરીક્ષા વખતે મોહુલકુમારે આદર્શ માટે બધા જ વિષયના ટયૂટર રોક્યા, પણ અહોભાવ જ્યારે હાયર સેકન્ડરી આવ્યો ત્યારે એણે કહ્યું : 'પપ્પા, મારા સર કહેતા હતા કે 'ફોગટ ખાવે ચોર કહાવે' એટલે વગર મહેનતે હું આપના તરફથી મળતી સુવિધાઓ ભોગવું તો છું જ... હવે ટયૂશનનો ભાર આપના પર નાખીને મારે આપનો કર્જદાર નથી બનવું. હું જાતે જ મહેનત કરીશ અને જરૂર પડે તો આદર્શભૈયાની મદદ લઈશ. પણ ટયૂશનનો ખર્ચ મારે નથી કરાવવો.'
પુત્ર અહોભાવની મહાનતા જોઈ પપ્પા મોહલકુમાર મનોમન ઇશ્વરનો આભાર માનતા હતા કે એમણે અહોભાવ જેવો શાણો અને સમજણો પુત્ર વરદાનરૂપે પોતાના ઘરમાં મોકલ્યો છે.
આદર્શ અને અહોભાવને પોતપોતાની વિદ્યાશાખાની કોલેજમાં પ્રવેશ મળ્યો અને ઉચ્ચ શિક્ષણનો પંથ શરૂ થયો. અભ્યાસકાળ દરમ્યાન પણ અહોભાવ આદર્શની સુખ-સુવિધાનો વધારે ખ્યાલ રાખતો હતો. આદર્શે હોસ્ટેલમાં રહી અભ્યાસ કરવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે મોહલકુમારે કહ્યું કે 'આદર્શ તને નહીં, પણ અહોભાવને આપણે હોસ્ટેલમાં રહેવાની તક આપીએ તો કેવું ? એનો મેડીકલનો અભ્યાસ છે એટલે હોસ્ટેલ જરૂરી છે.'
પણ મોટાભાઈ આદર્શની હોસ્ટેલમાં રહેવાની ઇચ્છા જાણી અહોભાવે મમ્મી-પપ્પાને ખૂબ જ સમજાવી આદર્શનો માર્ગ મોકળો કરી આપ્યો અને સાથે સાથે એ પણ જાહેરાત કરી દીધી કે પોતે મમ્મી-પપ્પાથી અળગો રહેવા માગતો નથી આજે પણ નહીં અને ક્યારેય પણ નહીં.
આદર્શ પણ નાના ભાઈ અહોભાવની ઉદારતા જોઈ ભાવવિભોર થઈ ગયો હતો. મમ્મી-પપ્પા કે સ્વજનો તરફથી આશીર્વાદરૂપે મળતી રકમમાંથી આદર્શ પોતાના નાના ભાઈ અહોભાવ માટે જાતજાતની ભેટો લઈ આવતો હતો. બન્ને ભાઈનો આવો અજોડ પ્રેમ જોઈ મોહલકુમાર અને સારિકાદેવી મનોમન ખૂબ જ ખુશ થતાં હતાં અને બન્ને ભાઈઓનો પ્રેમ આવો જ અખંડ રહે તેવા આશીર્વાદ આપતા હતા.
અભ્યાસ પૂરો થતાં આદર્શ એન્જીનીયર બની ગયો અને એ સરકારી નોકરીમાં સહાયક ઇજનેર તરીકે જોડાયો. એ પછી અહોભાવનો અભ્યાસ પૂરો થતાં એને પણ એમ.ડી.ની પદવી પ્રાપ્ત થઈ.
અને મમ્મી સારિકાદેવીએ કહ્યું, 'હું હવે ઘરની જવાબદારી અદા કરીને થાકી ગઈ છું. આદર્શને પરણાવી દઈએ તો ઘરની જવાબદારીમાંથી મને મુક્તિ મળે. ત્યારબાદ અહોભાવનાં લગ્ન લઈશું.'
પણ આદર્શે એ વાતનો વિરોધ કર્યો અને કહ્યું, 'મમ્મી, અહોભાવ અને હું બન્ને પરણવા લાયક થયા છીએ તો અહોભાવના લગ્ન મોડાં શા માટે ? બન્નેનાં લગ્ન સાથે જ કરવા જોઈએ. અહોભાવ અને હું ક્યારેય અળગા થયા નથી અને થવાના પણ નથી. સુખ દુ:ખ વહેંચીને સાથે જ જીવીશું.'
અને આદર્શની વાત મોહલકુમારે વધાવી લીધી હતી. બન્ને ભાઈઓ માટે જીવનસંગિનીનું રિસર્ચ શરૂ થયું હતું. આદર્શની સમ્મતિથી ક્યારી પર અને અહોભાવની સમ્મતિથી ન્યારી પર પસંદગીનો કળશ ઢોળાયો હતો. બન્નેનો વાજતે ગાજતે લગ્ન સમારંભ સમ્પન્ન થયો હતો.
ક્યારી થોડીક ઉદાર હતી જ્યારે ન્યારી થોડીક જીદ્દી. ધાર્યું કરવાનો અને ધાર્યું મેળવવાનો એનો સ્વભાવ હતો. એટલે લગ્ન પછી તરત જ ઉપરના માળે આવેલા મોટા અને હવા-ઉજાશવાળા રૂમમાં તેણે પોતાનો સામાન જમાવી દીધો હતો. અને ક્યારીને એ રૂમ ગમતો હોવા છતાં એણે પોતાનો અધિકાર જતો કરવાનું યોગ્ય માન્યું.
હકીકતમાં અહોભાવની એ અભિલાષા હતી કે મોટાભાઈ આદર્શ અને ક્યારીભાભીને ઘરમાં વધુ સુવિધાઓ પ્રાપ્ત થાય એટલે એણે ન્યારીને કહ્યું, 'ન્યારી, આ મોટો રૂમ વર્ષોથી મોટાભાઈ વાપરતા આવ્યા છે. આપણે આ મોટો રૂમ તેમને જ વાપરવા દેવો જોઈએ. નાનો રૂમ પણ સરસ છે. અને નાના ભાઈ તરીકે મારી ફરજ છે કે હું મોટાભાઈના સુખનો વધુ ખ્યાલ રાખું.'
પણ ન્યારીએ રોકડું પરખાવી દીધું : 'અહોભાવ તું ડૉક્ટર છે કે સામાજીક કાર્યકર ? ત્યાગની વાતોના દિવસો પૂરા થયા. અત્યારે તો અધિકારની બોલબાલા છે. મળે તે કબ્જે કરી લેવું અને તક મળે ખિસ્સું ભરી લેવું. આ બન્ને વાતો યાદ નહીં રાખો તો ઠોકરો ખાશો. ડૉક્ટરે બીજાનું ઓપરેશન કરવાનું હોય, પોતાની સુખ-સુવિધાઓનું નહીં, એટલું પણ મારે તને શીખવવું પડશે ?'
અને ડૉ. અહોભાવ ન્યારીની જીવન દ્રષ્ટિ આટલી બધી છીછરી અને આત્મકેન્દ્રી હશે તે જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો હતો.
ક્યારીએ કશું જ બોલ્યા વગર પોતાનો સામાન નાના રૂમમાં ગોઠવી દીધો હતો. એ પછી થોડીવારે સારિકાદેવી ન્યારીવાળા રૂમમાં આવ્યાં હતાં. તેમણે મનોમન એ મોટો રૂમ આદર્શને ફાળવવાનું જ નક્કી કર્યું હતું. એટલે ન્યારીને મોટા રૂમમાં બેઠેલી જોઈને એમણે કહ્યું : 'બેટા ન્યારી, હવે સામેના રૂમમાં જઈને આરામ કર. આદર્શ બહારથી આવ્યા પછી આ રૂમમાં કપડાં બદલવા અને આરામ કરવા આવશે.'
'એટલે મમ્મી, હોટલોમાં જેમ દરેક રૂમને વિશિષ્ટ નામો આપવાની પ્રથા છે, તે પ્રથા આપે પણ આ ઘરમાં અપનાવી છે ? આ રૂમનું નામ 'આદર્શ ખંડ' અને પેલા નાના ખંડનું નામ 'અહોભાવ ખંડ' ? હું અને ક્યારી બન્ને આ ઘરની વહુઓ છીએ. અહીંની દરેક વસ્તુ પર અમારો અધિકાર છે. અહોભાવ નાનો ભાઈ છે એટલે આદર્શભાઈએ એને માટે ત્યાગ કરવા તૈયાર રહેવું જ જોઈએ. મમ્મી, આ પ્રશ્ન બન્ને ભાઈઓ વચ્ચેનો છે, એટલે તમારે એમાં દરમ્યાનગીરી કરવાની જરૂર નથી.'
એટલામાં મોહલકુમાર આ બધી ચર્ચા સાંભળી ઉપર આવ્યા હતા. એમણે પરિસ્થિતિ સંભાળી લેતા કહ્યું હતું, 'જો ત્યાગ જ કરવાનો હોય તો વડીલ તરીકે ત્યાગનો અધિકાર અમારો છે. અમારો રૂમ સૌથી મોટો છે, એમાં આદર્શ અને ક્યારી રહેશે અને અહોભાવના રૂમમાં હું અને તમારી મમ્મી રહીશું. મામલો ખતમ.'
'ના મામલો ખતમ એમ નહીં થાય. જો આદર્શભાઈને પપ્પાજી તમારો રૂમ ફાળવવા ઇચ્છતા હો તો એ રૂમ મારે જોવો પડશે. અધિકારની ભીખ ન મંગાય, એને આંચકી લેવો પડે.' ન્યારીએ સ્પષ્ટતા કરતાં કહ્યું.
'ભલે બેટા, તારી અને અમારી ડીક્ષનેરીમાં ફેર છે. યૌવનને એકલા અધિકારનું ઘેલું લાગશે તો ફરજ કોણ બજાવશે ?'
અને ન્યારી દોડીને સાસુ-સસરાનો રૂમ જોઈ આવી. એને એ રૂમ ગમી ગયો એટલે કોઈને કશું કહ્યા વગર પોતાની બેગ લઈને તે રૂમમાં પહોંચી ગઈ. સમયનો બદલાયેલો મિજાજ જોઈને મોહલકુમાર હતપ્રભ થઈ ગયા. ન્યારીએ પકડેલી નવી દિશા ઘરને ક્યાં લઈ જશે ? ક્યાં અહોભાવ અને ક્યાં આ ન્યારી !!


