Get The App

એકલતામાં અભાવ છે અને એકાંતમાં પ્રભાવ છે

Updated: Mar 29th, 2026

GS TEAM

Google News
Google News
એકલતામાં અભાવ છે અને એકાંતમાં પ્રભાવ છે 1 - image

- એકાંત હસ્તગત કરે તે જ સાચો રાજા : જીવન વર્ષોમાં નહીં જાગૃતિ સાથે જે ક્ષણો જીવ્યા તેમાં માપવું જોઈએ 

- હોરાઈઝન-ભવેન કચ્છી

- ફ્રેન્ચ ફિલસૂફ રેને ડેકાર્તે કહ્યું હતું, "I think, therefore I am"  (હું વિચારું છું, તેથી હું છું). પરંતુ આજના ડિજિટલ યુગનું સૂત્ર બદલાઈ ગયું છે :  "I post, therefore I am"  (હું પોસ્ટ કરું છું, તેથી મારું અસ્તિત્વ છે)

ગ્રી ક તત્ત્વજ્ઞાનમાં સમયના બે પ્રકાર બતાવવામાં આવ્યા છે. એક છે 'ક્રોનોસ' (Chronos), જે ઘડિયાળના કાંટા પ્રમાણે ચાલતો સમય છે 'સેકન્ડ, મિનિટ અને કલાક. અને બીજો છે 'કેરોસ' (Chronos), જે ક્ષણની ગુણવત્તા દર્શાવે છે.

આજે આપણે 'ક્રોનોસ' ના ગુલામ બની ગયા છીએ. આપણે ડેડલાઈન્સ પાછળ દોડીએ છીએ, પણ એ ક્ષણને જીવવાનું ભૂલી જઈએ છીએ. તત્ત્વજ્ઞાન કહે છે કે જીવન વર્ષોમાં નહીં, પણ એ ક્ષણોમાં મપાય છે જે આપણે પૂરેપૂરી જાગૃતિ સાથે જીવ્યા હોઈએ. આધુનિક સમયની સૌથી મોટી કરુણતા એ છે કે આપણી પાસે શ્રેષ્ઠ ઘડિયાળો છે, પણ સમય નથી.

ખાલીપાનો અનુભવ 

આધુનિક જગતની સૌથી મોટી વિરોધાભાસી ઘટના એ છે કે આપણે ઇતિહાસમાં ક્યારેય નહોતા એટલા એકબીજા સાથે 'કનેક્ટેડ' છીએ, છતાં મનુષ્ય ઇતિહાસમાં ક્યારેય નહોતો એટલો 'એકલો' આજે છે. હજારો ફેસબુક ફ્રેન્ડ્સ, વોટ્સએપ ગુ્રપ્સ અને ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ હોવા છતાં, રાત્રે ઓશીકે માથું મૂકતી વખતે અંદર જે ખાલીપો અનુભવાય છે, તેને આપણે 'એકલતા' (Loneliness) કહીએ છીએ. પરંતુ તત્ત્વજ્ઞાન આપણને એક બીજા સિક્કા તરફ દોરી જાય છે, જેને 'એકાંત' (Solitude) કહેવામાં આવે છે. એકલતા એ સજા છે, જ્યારે એકાંત એ મજા છે. એકલતામાં બીજાની ગેરહાજરી ખૂંચે છે, જ્યારે એકાંતમાં પોતાની હાજરીનો આનંદ હોય છે.

એકલતા  : આ એક નકારાત્મક સ્થિતિ છે. અહીં માણસને લાગે છે કે દુનિયામાં તેનું કોઈ નથી. તે ભીડમાં હોવા છતાં પોતાને અલિપ્ત અનુભવે છે. તે એક 'અભાવ' છે.

એકાંત : આ એક સર્જનાત્મક અને સકારાત્મક સ્થિતિ છે. અહીં માણસ પોતાની જાત સાથે હોવાનો આનંદ માણે છે. તે એક 'પ્રભાવ' (Fullness) છે.

આજે સમસ્યા એ છે કે માણસ એકલતાથી ડરે છે, તેથી તે ગમે તે ભોગે ભીડ શોધે છે, પરિણામે તે ક્યારેય એકાંતના અમૃત સુધી પહોંચી શકતો નથી.

એકલતાનો ડર

બ્લેઝ પાસ્કલ નામના મહાન ફ્રેન્ચ ફિલસૂફે  એક ભવિષ્યવાણી જેવું વિધાન કર્યું હતું: 'માનવજાતની તમામ સમસ્યાઓનું મૂળ એ છે કે માણસ એક રૂમમાં શાંતિથી એકલો બેસી શકતો નથી.'

આપણને એકલા રહેતા ડર લાગે છે કારણ કે જ્યારે બહારનો ઘોંઘાટ બંધ થાય છે, ત્યારે અંદરનો અવાજ સંભળાવા લાગે છે. આપણા ભય, આપણી અધૂરી ઈચ્છાઓ, આપણા પસ્તાવા અને આપણા અસ્તિત્વના પ્રશ્નો એકાંતમાં સામે આવીને ઉભા રહે છે. આ 'સેલ્ફ-કન્ફ્રન્ટેશન' (પોતાની જાત સાથેનો મુકાબલો) ટાળવા માટે માણસ કાં તો ટીવી ચાલુ કરે છે, કાં તો સોશિયલ મીડિયા સ્ક્રોલ કરે છે અથવા વ્યર્થ વાતોમાં પરોવાય છે. આપણે આપણી જાતથી ભાગવા માટે જ ભીડ શોધીએ છીએ.

એકાંતનું વિજ્ઞાન

ઇતિહાસ સાક્ષી છે કે દુનિયાના શ્રેષ્ઠ વિચારો, કવિતાઓ અને સંશોધનો એકાંતમાં જ જન્મ્યા છે. આઇનસ્ટાઇન કહેતા કે, 'હું એકલવાયો પ્રવાસી છું, જેણે ક્યારેય પૂરા દિલથી દેશ, ઘર કે મિત્રોનો સાથ માંગ્યો નથી.' તેમનું વિજ્ઞાન તેમના એકાંતનું પરિણામ હતું. બુદ્ધ, મહાવીર કે ઈશુ તમામ મહાપુરુષોએ સત્યની શોધ માટે જંગલો કે પહાડોના એકાંતનો આશરો લીધો હતો. નિકોલા ટેસ્લાએ કહ્યું હતું : 'એકલા રહો, તે જ સંશોધનનું રહસ્ય છે. એકલા રહો, ત્યારે જ વિચારોનો જન્મ થાય છે.'

જ્યારે આપણે એકાંતમાં હોઈએ છીએ, ત્યારે આપણું મગજ 'ડિફોલ્ટ મોડ નેટવર્ક'માં જાય છે, જે સર્જનાત્મકતા અને સ્વ-વિચારણા માટે જવાબદાર છે.

એકાંત માટેની કળા

એકાંતમાં રહેવું એ એક કળા છે અને કોઈ પણ કળાની જેમ તેને શીખવી પડે છે. આપણે 'એકલા હોવા' ને 'એકલા પડી જવા' સાથે જોડી દીધું છે, જે ખોટું છે. પોતાની શાંતિ શોધવા માટે ડિજિટલ ડિટોક્સ સૌથી પહેલી શરત છે.દિવસમાં અમુક કલાકો માટે ફોન અને ઇન્ટરનેટથી દૂર રહો. શરૂઆતમાં બેચેની થશે, પણ ધીમે ધીમે તમને તમારા વિચારો સાથે રહેવાની મજા આવશે. પ્રકૃતિ સાથે સંવાદ સાધતા શીખવું પડશે.  શહેરોના સિમેન્ટના જંગલોમાં રહીને આપણે ભૂલી ગયા છીએ કે આપણે પ્રકૃતિનો અંશ છીએ. ઉગતો સૂર્ય જોવો કે પક્ષીઓનો કલરવ સાંભળવો એ એકાંતનો શ્રેષ્ઠ પ્રકાર છે. તેવી જ રીતે અંતર્ગત  તમારી ડાયરી સાથે વાત કરો. જે વાતો તમે દુનિયાને નથી કહી શકતા, તે કાગળ પર ઉતારો. આ પ્રક્રિયા તમને તમારા ભીતરના અરીસા સામે ઊભા રાખશે.

એકાંત એટલે કશું જ ન કરવું એવું નથી. એકાંત એટલે જાગૃતિ સાથે પોતાની જાતનું નિરીક્ષણ કરવું. તે એક 'કળા' (Art) છે જે શીખવી પડે છે.

એકલતાથી પીડા

જે લોકો ખરેખર એકલતાથી પીડાય છે, તેમના માટે ઉપાય એ જ છે કે તેઓ પોતાની એકલતાને એકાંતમાં પરિવર્તિત કરે. જો તમે તમારી પોતાની સોબત માણી શકતા નથી, તો તમે બીજા પાસેથી એવી અપેક્ષા કેવી રીતે રાખી શકો કે તે તમારી સોબત માણશે?

"If you are lonely when you're alone, you are in bad company."  (જો તમે એકલા હોવ ત્યારે એકલતા અનુભવો છો, તો તેનો અર્થ એ કે તમે ખરાબ સંગતમાં છો' એટલે કે તમારી પોતાની સંગત ખરાબ છે).

ભીડનો મોહ

આપણે ભીડમાં એટલા માટે જઈએ છીએ કારણ કે ત્યાં આપણે આપણી જવાબદારીઓ અને આપણા અસ્તિત્વના બોજને ભૂલી શકીએ છીએ. ભીડ આપણને 'એનોનિમિટી' (અજ્ઞાતતા) આપે છે. પણ યાદ રાખજો, ભીડમાં મગજ નથી હોતું, માત્ર લાગણીઓનો ઉભરો હોય છે. સાચો વિકાસ તો ત્યારે જ થાય છે જ્યારે તમે ભીડથી અલગ પડીને પોતાની કેડી કંડારો છો. 

જ્યારે આપણે એકાંતમાં હોઈએ છીએ, ત્યારે આપણું મગજ ખરેખર વિચારવાનું શરૂ કરે છે. ભીડમાં તો માત્ર બીજાના વિચારોનું અનુકરણ જ થાય છે.

સાચી જડીબુટ્ટી 

એકલતામાં સબડવા કરતા, એકાંતમાં ખીલવું એ જ જીવન જીવવાની સાચી જડીબુટ્ટી છે. જ્યારે તમે તમારી અંદરની શાંતિ સાથે મૈત્રી કરી લેશો, ત્યારે તમને ક્યારેય કોઈની ગેરહાજરીનો રંજ નહીં રહે. કારણ કે, તમે પોતે જ તમારા શ્રેષ્ઠ મિત્ર બની ગયા હશો.

અસ્તિત્વનો સંઘર્ષ

ફ્રેન્ચ ફિલસૂફ રેને ડેકાર્તે કહ્યું હતું, "I think, therefore I am"  (હું વિચારું છું, તેથી હું છું). પરંતુ આજના ડિજિટલ યુગનું સૂત્ર બદલાઈ ગયું છે : "I post, therefore I am" (હું પોસ્ટ કરું છું, તેથી મારું અસ્તિત્વ છે).

આપણે આપણી ખુશીઓ અનુભવવા કરતા તેને કેમેરામાં કેદ કરવામાં અને દુનિયાને બતાવવામાં વધુ રસ ધરાવીએ છીએ. મનોવિજ્ઞાનની ભાષામાં આને 'FOMO' (Fear of Missing Out)  કહેવામાં આવે છે.સોશિયલ મીડિયા પર  બીજાના એડિટ કરેલા જીવનને જોઈને આપણે આપણા વાસ્તવિક જીવનને ધિક્કારવા લાગ્યા છીએ. અહીં તત્ત્વજ્ઞાન આપણને 'આત્મરતિ' અને 'આત્મબોધ' વચ્ચેનો તફાવત સમજાવે છે. શું આપણે ખરેખર સુખી છીએ કે ફક્ત સુખી હોવાનો આભાસ ઊભો કરી રહ્યા છીએ?

વિદેશમાં, ખાસ કરીને યુરોપ અને અમેરિકામાં, એકલતા એટલી હદે વધી ગઈ છે કે બ્રિટન સરકારે ૨૦૧૮ થી  'મિનિસ્ટર ફોર લોન્લીનેસ' (એકલતા માટેના મંત્રી)ની નિમણૂક કરવી પડી. આશ્ચર્ય થાય કે જેની પાસે અદ્યતન ટેકનોલોજી અને સુખ-સુવિધા છે, તેમને એકલતા કેમ સતાવે છે? જવાબ છે : સોશિયલ મીડિયાની આભાસી દુનિયા. બ્રિટનમાં એક કરોડ નાગરિકો એકલતાથી પીડાય છે જેને લીધે સરકાર સામે સામાજિક, માનસિક અને આર્થિક પડકાર સર્જાયો છે.                                  

એકાંતની મહત્તા 

ભરચક શહેરો અને સતત ઘોંઘાટ વચ્ચે 'એકાંત' (Solitude) લુપ્ત થતું જાય છે. એકાંત અને એકલતા (Solitude) વચ્ચેનો એક તફાવત પણ જાણી લો.  એકલતામાં અભાવ છે, જ્યારે એકાંતમાં પ્રભાવ છે. મહાન ફિલસૂફો, વૈજ્ઞાનિકો અને ચિંતકોએ હંમેશા મૌન અને એકાંતની હિમાયત કરી છે. દિવસમાં માત્ર ૧૫ મિનિટનું મૌન પણ આપણને આપણા ભીતરના અવાજ સાથે જોડી શકે છે.

જીવન એ કોઈ સમસ્યા નથી જેને ઉકેલવાની હોય, પણ જીવન એ એક અનુભવ છે જેને માણવાનો હોય. જો આપણે આ સત્ય સમજી લઈએ, તો આપણી આસપાસનું વિશ્વ આપોઆપ બદલાઈ જશે.

આવનારો સમય એવો હશે જ્યાં સૌથી મોંઘી વસ્તુ 'શાંતિ' અને 'એકાંત' હશે. જે માણસ પોતાની જાત સાથે અડધો કલાક શાંતિથી બેસી શકશે, તે દુનિયાનો સૌથી શક્તિશાળી માણસ હશે. ચાલો, આ દોડતી દુનિયામાં થોભીએ, શ્વાસ લઈએ અને ભીડમાંથી બહાર નીકળીને થોડો સમય પોતાની સાથે વિતાવીએ.

વિલિયમ્સની વેદના 

રોબિન વિલિયમ્સ, જે આખી દુનિયાને હસાવનારા મહાન કોમેડિયન હતા, તેમણે આત્મહત્યા કરતા પહેલા કહ્યું હતું : 'મને પહેલા એવું લાગતું હતું કે જીવનની સૌથી ખરાબ બાબત એકલા રહેવું છે. પણ ના, જીવનની સૌથી ખરાબ બાબત એવા લોકો વચ્ચે હોવું છે જે તમને 'એકલા' હોવાનો અહેસાસ કરાવે.'

જ્ઞાન પોસ્ટ

ભીડમાં માત્ર અસ્તિત્વ ટકે છે, પણ એકાંતમાં વ્યક્તિત્વ નિખરે છે. આજે રાત્રે સૂતા પહેલા, માત્ર પાંચ મિનિટ માટે મોબાઈલ બાજુ પર મૂકી દેજો. અંધકારમાં બેસીને તમારા હૃદયના ધબકારા સાંભળજો. એ ધબકારામાં જ જીવનનું સંગીત છે, જે ભીડમાં ક્યારેય સંભળાતું નથી.