- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ
- ક્ષુલ્લક ઘટનાઓ પાછળ પણ કોઈ પ્રેરકબળ હોય છે. આપણે એની ગંભીરતાપૂર્વક નોંધ લેતા નથી. આપણે દીવો પ્રગટાવીને દીવાસળીને ફેંકી દેવા ટેવાયેલા છીએ...
ક્યા રેક કોઈને ધ્યાનથી જોવામાં ને જોવામાં પગમાં ઠેસ વાગી જાય છે, ક્યારેક આડું અવળું જોવા જતાં ચાનો કપ વાંકો થઈ જાય છે, ક્યારેક પાણી પીતાં પીતાં અંતરસ આવી જાય છે. ક્યારેક અડવાણે પગ ચાલતાં ચાલતાં પગમાં કાંટો વાગી જાય એ બધી ઘટનાઓ મોટી નથી. ક્ષુલ્લક છે. આપણે તેને યાદ રાખતા નથી કે તેનો હિસાબ પણ રાખતા નથી. પણ એ ક્ષુલ્લકતા પણ આપણા જીવાતા જીવનનો ગજબનો હિસ્સો છે. એવું અન્યત્ર પણ જોઈએ છીએ. દા.ત. એક કીડી બધી કીડીઓને બોલાવી લાવી મોરસના દાણાનો સંપીને વરઘોડો કાઢે છે, એક ગરોળી બાજની જેમ વંદાનો શિકાર કરે છે. ઘોડિયામાં પડયું પડયું બાળક એ દ્રશ્યો સાથે વાતે વળે છે એ ઘટના ભલે ક્ષુલ્લક રહી પણ એનો બાળક સાથેનો સંવાદ ક્ષુલ્લક નથી હોતો.
બોલતાં નહિ શીખેલું બાળક, જે રીતે બોલવાના પ્રયત્નો કરે છે - ગાય સમયસર આંગણે આવીને ગોગ્રાસ માટે ઊભી રહે છે - વખત થાય એટલે શ્વાન આંગણે આવી જાય છે. ફૂલો અને ભમરાઓ વચ્ચે સંવાદ રચાય છે. આકાશના તારા આપણા એકાંતનો ભુક્કો કરી નાખે છે. પગલૂછણિયા ઉપર કાયા ટેકવી ઘરમાં પ્રવેશનારા આપણે પગલૂછણિયાના અસ્તિત્વને નગણ્ય માનીએ છીએ. સોફા અને ટેબલખુરશીના જેટલું ધ્યાન આપણે પગલૂછણિયાનું રાખતા નથી. આપણા શ્વાસોચ્છવાસ ઉપર, આપણા નાડી ધબકાર ઉપર, આપણા પાંપણના પલકારા ઉપર આપણું ધ્યાન ભાગ્યે જ જતું હોય છે.
એક બાગને દરવાજે એક આઠેક વર્ષનો છોકરો ફુગ્ગા લઈને બેસે. બાજુમાં ચણાની દાળની લારી અને પાણીપુરીવાળા ઊભા હોય. એ છોકરાને ફુગ્ગા ફુલાવતો, વેચતો જ જોયો છે તેને પાણીપુરી ખાવાનું મન નહિ થતું હોય? એક વૃદ્ધ દરવાજેથી પસાર થાય. એ છોકરો 'દાદા જયશ્રીકૃષ્ણ' પણ કહે. એ દાદાએ એકવાર ગજવામાંથી પચાસ રૂપિયાની નોટ કાઢી બાગમાં રમતા કોઈ બાળકને બોલાવી કહ્યું - 'જા આ પૈસા પેલા ફુગ્ગાવાળા છોકરાને આપી આવ.' પેલા છોકરાએ નોટ લઈ લીધી. ફુગ્ગાવાળા છોકરાને આપી. ફુગ્ગાવાળાએ તે લેવાની ના પાડી. પેલા છોકરાએ દૂરથી દાદાને બતાવ્યા... એ દાદાને પગે પડયો અને ઈનકાર કરવા લાગ્યો. દાદાએ કહ્યું - 'ભાઈ આ તારા પૈસા છે મને રસ્તામાંથી મળ્યા છે.' ફુગ્ગાવાળો છોકરો કહે છે - 'જેના હોય તેને આપજો.' છતાં આગ્રહ કરી પેલો વૃદ્ધ તેને જબરાઈપૂર્વક પચાસ રૂપિયા આપે છે... ઘટના ક્ષુલ્લક છે. દાદાએ જાતે ફુગ્ગાવાળાને એ રૂપિયા આપવાને બદલે પેલા અન્ય બાળકનો સહારો કેમ લીધો? કદાચ સમાજમાં આ રીતે એ બાળકમાં જરૂરિયાતમંદને સહાયરૂપ થવાનો પાઠ શીખવા મળે. આવા ફુગ્ગાવાળા અને આવા વૃદ્ધો આપણે ત્યાં છે - આપણે લક્ષમાં લેતા નથી.
એક રેલ્વે સ્ટેશને અપંગ માણસ સામે લેવા આવેલા તેની અપરમાને કહેતો હતો - 'મા, મારી પાસે ટિકિટના પૈસા ન્હોતા પણ એક ભિખારીને મેં મારી વાત કરી એટલે તેણે ટિકિટ કઢાવી આપી.' આ સત્ય ઘટના છે. કોણ કોને સમજી શકે છે? આપણે ત્યાં એક છત નીચે જ જુદાગરા છે. ત્યાં શું થાય? સાવ ક્ષુલ્લક લાગતી ઘટનાઓની ભીતર નવલકથાઓ નિવાસ કરતી હોય છે.
મેલોઘેલો, ગંદો માણસ લાગે છે ઉપેક્ષા કરવા જેવો પણ એની અંદર આપણા કરતાં વિશાળ હૈયુ હોય છે. તેની આપણે ક્યાં ખાતરી કરીએ છીએ? એવો એક ગંદો માણસ કમરના દર્દથી કણસતા એક વૃદ્ધને જોઈ કહે છે - 'જો મને મસાજ કરવા દો, મારે કશું લેવું નથી સારું થઈ જશે' - અને ખરેખર તેના હાથના જાદુથી પેલા વૃદ્ધની કમરમાં રાહત થાય છે - ત્યારે આપણને ગંદા કપડાં ગૌણ અને તે માણસની દયાનું ગૌરવ થાય છે.
ક્ષુલ્લક ઘટનાઓ પાછળ પણ કોઈ પ્રેરકબળ હોય છે. આપણે એની ગંભીરતાપૂર્વક નોંધ લેતા નથી. આપણે દીવો પ્રગટાવીને દીવાસળીને ફેંકી દેવા ટેવાયેલા છીએ. આપણને આપણા જીવનમાં કેટકેટલા લોકોની સહાય સાંપડી હોય છે - એક માગણ આંગણે આવીને કેવળ ભજન ગાય છે - એ ભજનના શબ્દો તમારા જીવનને સ્પર્શી જાય છે - તમે એ ભજનના શબ્દોને કારણે એક મહત્ત્વના વળાંક ઉપરથી સત્યના માર્ગે વળો છો. ત્યારે તમારા જીવનમાં સત્યના માર્ગે વળ્યાનો આનંદ જેટલી ત્વરાથી છવાઈ જાય છે તેટલી ત્વરાથી પેલો માગણ છવાઈ જતો નથી જ નથી. ખેતરમાં એક દાણામાંથી અનેક દાણા તૈયાર થાય છે એમાં આપણને ધરતીમાની કોઈ કૃપાનાં દર્શન થતાં નથી, વરસતા વરસાદ પાસે જગતને જીવાડવાની ચાવી છે - આપણે બાથરૂમના નળમાંથી વહેતા પાણીને જે વ્હાલ કરીએ છીએ એટલું વ્હાલ વરસાદને નથી કરતા... પરીક્ષા આપવા જતા ગરીબ વિદ્યાર્થીની પેન્સિલ પડી જાય તેની પાસે બીજી પેન્સિલ નથી કે નથી બીજી પેન્સિલ ખરીદવાના પૈસા - ત્યારે એના ચહેરા ઉપરની લાચારીની રેખાઓ વાંચતાં જો કોઈને આવડે તો એ વિદ્યાર્થી અને રેખાઓ વાંચનાર બંને પાસ થઈ જાય.


