Get The App

ઘૂમટામાંથી થાય હોંકારો .

Updated: Jun 28th, 2025

GS TEAM

Google News
Google News
ઘૂમટામાંથી થાય હોંકારો                            . 1 - image


- વિન્ડો સીટ-ઉદયન ઠક્કર

વેણીભાઈ પુરોહિતનું ગીત છેઃ

'આપણામાંથી કોક તો જાગે-

કોક તો જાગે!

કોક તો જાગે આપણામાંથી!

બાપદાદાની બાંધેલ ડેલી

એક ફળીબંધ હોય હવેલી

ગામની ચંત્યા ગોંદરે મેલી

એ..ય નિરાંતે લીમડા હેઠે

ઢોલિયા ઢાળી

સહુ સૂતાં હોય એમ કાં લાગે?

આપણામાંથી કોક તો જાગે!'

આ ગીતને અંજલિ આપતું હોય તેવું બીજું ગીત રચ્યું છે પારુલ ખખ્ખરે, જેનું શીર્ષક છે 'જાગવું.'-

'આપણામાંથી કો'ક તો જાગે'

એમ બોલીને ગામના મરદ

હેય ને લાંબા પગ કરીને,

તકિયે ટેકા દઈને,

હુકા ગડગડાવે

'કો'ક તો જાગો,કો'ક તો જાગો,

જુગ જુનેરી નીંદરા ત્યાગો'

એમ બોલીને ગામની બાયું

જાહલ ડેલા ખટખટાવે

જાગવું ઝોલાં ખાય રે

તંયે જાગવું ઝોલાં ખાય

મર્યને મલક જાય ખાડામાં

મર્યને મૂડી જાય ભાડામાં

મર્યને જુવાન જાય ધાડામાં

બાપદાદાનાં સોનલાં ખેતર

ભાગિયા વાવી ખાય ને

ભલે રોઝડાં ખૂંદી ખાય,

દાગીના ગીરવે મૂકી ઘરના

મોભી મૂછના પૂળા ચમચમાવે

જાગવું ઠેબાં ખાય રે

તંયે જાગવું ઠેબાં ખાય

ગામડું ગામ છે. એક તરફ ગામના મરદ તકિયે ટેકા દઈને, હુકા ગડગડાવતા બેઠા છે. બીજી તરફ ગામની બાયું ડેલા ખટખટાવીને જગાડવા મથે છે. બાયું જાહલ (જહાલ, વિદ્રોહી) છે. ગામ સૂતું નથી, તો જાગતુંય નથી- 'જાગવું ઝોલા ખાય.' નિર્ણાયક ઘડી છે, આગળ શું થશે? બાપદાદાનાં ખેતર હતાં તો સોનેરી, (હિંદુસ્તાન અસલમાં 'સોનેકી ચિડિયા' ગણાતું), પણ હવે રોઝડાં ચરી ખાય છે. રોઝડું યાને નીલગાય, અને બીજો અર્થ કમઅક્કલ. આપકમાઈ નહિ પણ બાપકમાઈ પર તાગડધિન્ના કરતા મરદોને 'મોભી' કહીને, અને તેમની મૂછોને ઘાસનો ઝૂડો કહીને કવયિત્રી વ્યંગ કરી લે છે.

નપાણિયો આ રોગ છે છાનો

ખૂબ જગાડયો મોટડો નાનો

તોય ચડયો ના વીરને પાનો

દુંટીયેથી હુંકાર કરીને,

ફેણચડયો ફુત્કાર કરીને,

ડણકું દેતો દોટ મૂકીને

કોઈ ન આવ્યો સાત પાતાળી

ધરતીને જે ખળભળાવે

જાગવું ખોટી થાય રે

તંયે જાગવું ખોટી થાય

કવયિત્રી મરદોને નપાણિયો રોગ થયાનું નિદાન કરે છે. ઢંઢોળી જોયા પણ ઊઠે તે બીજા! અહીં શૂરાતન દર્શાવતાં ત્રણ કલ્પન મૂક્યાં છે: દુંટીથી હુંકાર કરતો પુરુષ, ફુત્કાર કરતો સર્પ અને ડણકું દેતો સાવજ.

હાય હવે તો એક જ આરો

ઘૂમટામાંથી થાય હોંકારો

ગઢમાં છો ને થાય દેકારો

દાંતિયા મેલી, આભલાં મેલી

કાજળ-ચૂડી-ચાંદલા મેલી

નમણી નાગરવેલ્ય યુગોથી

રામ થયેલો પંડયનો દીવો ઝગમગાવે

જાગવું બેઠું થાય રે

તંયે જાગવું બેઠું થાય

પુરુષો પાણીમાં બેસી ગયા, ત્યારે બાયુંએ પાણી બતાડયું. લટકાંમટકાં મેલીને, નારીચેતનાને સંકોરી.

થઈ ન એકે પળ રે ખોટી

તેજ કર્યાં હથિયાર,હથોટી

એકલપંડે કોટિ કોટિ

ગામની બાયું રણશીંગાં લઈ

તીર પોઢેલા મગરમચ્છા,

કૂઈ પોઢેલા દેડકબચ્ચાં

સૌના બહેરા કાનના

પડળ ધણધણાવે

જાગવું જાગી જાય રે

તંયે જાગવું જાગી જાય

'મિર્ચમસાલા' ફિલ્મના અંતિમ દ્રષ્યમાં સ્ત્રીઓ એકઠી થઈને આતતાયીઓની આંખોમાં મરચાંની ભૂકી ફેંકે છે. આ ગીતમાં ગામના આગેવાનોને બે ઉપમા અપાઈ છેઃ 'મગરમચ્છા,' જે જાડી ચામડીના હોય અને ઘારણમાં પડયા રહે અને 'દેડકબચ્ચાં,' જે કૂવામાંના દેડકાં હોવાથી ટૂંકી દ્રષ્ટિનાં હોય. આને નારીવાદી કાવ્ય કહી શકાય.

અહીં 'મરદ' એટલે માત્ર મરદ નહિ, અને 'બાયું' એટલે માત્ર બાયું નહિ. જ્યારે ગામના કે દેશના આગેવાનો નિષ્ક્રિય થઈ જાય ત્યારે પ્રજાજનોએ સક્રિય થવું પડે. પોઢેલા તંત્રના કાનમાં જાગ્રતિનો મંત્ર ભણવો પડે.

નવ માત્રાના પદને 'નવકલ સંધિ' કહેવાય. આ ગીત નવકલની સંધિઓથી રચાયું છે. ગીતની ભાષા તળપદી છે: ત્યારે નહિ પણ તંયે, મરને નહિ પણ મર્યને, વાંસા નહિ પણ વાંહા, મૂકી નહિ પણ મેલી. જાગવું બેઠું થાય એ પંક્તિ સાથે ગીત પણ પૂરું થાય છે. જાગીને પછી આ કરવાનું છે ને તે કરવાનું છે એવી યાદી મૂકી હતે તો પ્રચારગીત થઈ જતે; કવયિત્રી તેનાથી બચ્યાં છે. પાંચ અંતરામાં ક્રમે ક્રમે બદલાતો જતો ગામનો ચહેરો દર્શાવાયો છે: પહેલાં જાગવું ઝોલાં ખાય છે, પછી ઠેબાં ખાય છે, પોઢી જાય છે, ખોટી થાય છે, બેઠું થાય છે અને અંતે જાગવું જાગી જાય છે.

Tags :