તંત્રસાધના થકી યક્ષિણી-દર્શન અને ભવિષ્યકથન!
- સનાતન તંત્ર -બ્રહ્મચારી પરખ ઓમ
- ગુરુતત્ત્વને અંતરમનમાં સ્થાપિત કરવું એ પ્રત્યેક સાધક માટે નિતાંત અનિવાર્ય કાર્ય છે! એના વિના સાધનાપથ પર સફળતા સંભવ નથી
ગ તાંકે જોયું કે યક્ષિણી સાધના દરમિયાન કાળોતરા સાપની ઝાંખી થયા પછી શ્રી ઓમ સ્વામીને વાસ્તવમાં બપોરના સમયમાં બિલ્કુલ એવી જ રીતે નાગદેવતાનાં દર્શન થયા, જેવો એમને મંત્રજાપ કરતી વખતે દ્રશ્ય દેખાયું હતું અથવા આભાસ થયો હતો.
આ ઘટનાનાં બરાબર બે અઠવાડિયા પછી જ્યારે સાધનાની પૂર્ણાહુતિ નજીક હતી, ત્યારે સ્વામીજીને સ્વપ્નમાં યક્ષિણીનો સાક્ષાત્કાર થયો. સાધનાની સંપન્નતા પર શાસ્ત્રો દ્વારા અપાયેલાં વચન મુજબ યક્ષિણીનું જ્યારે પ્રાગટય થાય, ત્યારે તેની પાસેથી અનેકાનેક ભૌતિક સંપદા માંગી શકવાની સંભાવના હોય છે, પરંતુ સ્વામીજીનું લક્ષ્ય ક્યારેય એ હતું જ નહીં. એમણે તો યક્ષિણી સાધનાની શરૂઆત જ એટલા માટે કરી હતી કે ગુરુના અભાવે યક્ષિણી પાસેથી વિશેષ માર્ગદર્શન મેળવી શકાય, જેથી આગામી સમયમાં સંન્યાસ પશ્ચાત્ આગળ વધવા જઈ રહેલી એમની આધ્યાત્મિક યાત્રામાં શું તૈયારી રાખવી એનો ખ્યાલ મેળવી શકાય.
નિર્ધારિત સંકલ્પ મુજબ, યક્ષિણી દ્વારા સ્વામીજીને જે માર્ગદર્શન આપવામાં આવ્યું, એ મુજબ સાધના સંપન્ન થયા પછીના પાંચ મહિના પછી તેઓ સંન્યાસમાર્ગ પર પ્રસ્થાન કરી ચૂક્યા હશે, એવું યક્ષિણી દ્વારા ભવિષ્ય ભાખી દેવામાં આવ્યું. યક્ષિણીનાં કથન મુજબ, પાંચ મહિના પછી સ્વામીજી (પૂર્વાશ્રમમાં અમિત શર્ર્મા) સંન્યાસ ધારણ કર્યા પશ્ચાત્ ભગવા વસ્ત્રો પહેરી ચૂક્યા હશે. એટલું જ નહીં, ખૂબ નજીકના ભવિષ્યમાં તેઓ હિમાલયની કંદરામાં જઈને દેવી મા લલિતા મહાત્રિપુરસુંદરીની શ્રીવિદ્યા સાધના પણ પૂર્ણ કરશે અને એમને મહાવિદ્યાનો સાક્ષાત્કાર થશે, ભૌતિક સ્વરૂપે એમના દર્શન થશે એ જાણકારી પણ આપી દેવામાં આવી.
પોતાના સંકલ્પને પૂર્ણ થયેલો જોઈને સ્વામીજીને ખૂબ ધરપત થઈ.
આવા સમયે ઘણાં સાધકોને માર્ગ પરથી ભટકી જવામાં સમય નથી લાગતો. જ્યારે ભવિષ્યમાં થનારી ઘટનાઓ અંગે પહેલેથી જાણ હોય, ત્યારે ઘણી વખત મહેનત કરવામાં કચાશ રહી જતી હોય છે. આવી કસર સાધકોના કિસ્સામાં તો બિલ્કુલ ન પોસાય!
માત્ર ગુરુના અભાવે યક્ષિણી પાસેથી મેળવેલાં માર્ગદર્શનને સ્વામીજીએ જરા પણ હળવાશથી લીધા વગર સાધનામાર્ગ પર બમણી મહેનત અને જુસ્સા સાથે દેવી મા લલિતાને આહ્વાન આપવાનું ચાલુ રાખ્યું. ત્યારબાદ તો વર્ષ ૨૦૧૦ના માર્ચ મહિનામાં વારાણસી ખાતે એમને માનવગુરુની પ્રાપ્તિ પણ થઈ, જેમણે પંચદશી મંત્રની દીક્ષા થકી સ્વામીજીની શ્રીવિદ્યા સાધનાને આગળ ધપાવી. ભારતના તંત્રસમ્રાટ પૂજ્ય નાગાબાબાના આશ્રમમાં એમને અપાર કષ્ટનો સામનો કર્યો હોવા છતાં પરાજય ન સ્વીકાર્યો અને મા સમક્ષ ફરિયાદ ન કરી કે આટઆટલી સાધનાઓ પૂર્ણ કર્યા હોવા છતાં આટલું દુઃખ કેમ?
જ્યારે સામાન્ય મનુષ્યના જીવનમાં તો જરાક સરખી સમસ્યા આવે, કે તરત ઈશ્વરને ફરિયાદો કરવામાં મન વળગી જાય! પોતાની ભક્તિ અને શ્રદ્ધા ઉપર સવાલ કરવાને બદલે માણસ ઈશ્વરના અસ્તિત્વ પર પ્રશ્નચિહ્નો મૂકવા માંડે!
આથી જ, શાસ્ત્રોએ ગુરુની મહત્તા પર આટલો ભાર મૂક્યો. ગ્રંથોનું તાત્પર્ય એ નહોતું કે સાધનામાર્ગે આગળ વધવા માટે ભૌતિક સ્વરૂપમાં શ્રીગુરુની પ્રાપ્તિ થવી જ જોઈએ. અનેક તંત્રશાસ્ત્રોએ વારંવાર એવું કહ્યું છે કે ગુરુતત્ત્વને અંતરમનમાં સ્થાપિત કરવું એ પ્રત્યેક સાધક માટે નિતાંત અનિવાર્ય કાર્ય છે! એના વિના સાધનાપથ પર સફળતા સંભવ નથી. આનો સાવ ઊંધો અર્થ કાઢીને લોકોએ સાધના કરવાની જ બંધ કરી દીધી! કારણ? જીવનમાં માનવગુરુ નથી અને હવે જ્યારે એમનું આગમન થશે ત્યારે સાધના કરીશું એવી ભ્રમણા સાથે લોકો આધ્યાત્મિકતાથી દૂર થવા માંડયા. આ ચક્કરમાં ઘણાં લેભાગુ ગુરુઓને પ્રોત્સાહન મળતું રહ્યું. આજની તારીખે પણ અંધશ્રદ્ધા અને ધાર્મિક છેતરામણીનું સૌથી મોટું કારણ આ જ છે! દીક્ષાના નામે લેવાતાં લાખો રૂપિયા વાસ્તવમાં એક આધ્યાત્મિક માણસને સાધક તો દૂર, પરંતુ સામાન્ય ભક્ત પણ નથી બનાવી શકતાં એ કડવી વાસ્તવિકતા છે.
આ લેખમાળા શરૂ કરવા પાછળનો ઉદ્દેશ્ય ગુરુતત્ત્વની મહત્તા સમજાવવાનો હતો. ગુરુજ્ઞાન ફક્ત માનવગુરુ પાસેથી જ પ્રાપ્ત થાય એવું જરૂરી નથી. જો દાનત સાચી હોય, તો પ્રકૃતિ સ્વયં સાધકની યાત્રાને સુગમ કરવામાં કોઈ કચાશ નથી છોડતી એવો જાત અનુભવ છે. સ્વામીજીના કિસ્સામાં પણ એમણે માનવગુરુની રાહ જોયા વિના શાસ્ત્રોએ જે માર્ગ આપ્યો, એના પર ચાલીને ગુરુતત્ત્વને અંતરમનમાં સ્થાપિત કર્યું અને માર્ગદર્શન પણ પ્રાપ્ત કર્યું. એમની યક્ષિણી સાધના એ આ વાતનું જીવંત પ્રમાણ છે. આગામી દસ જુલાઈએ ગુરુપૂર્ણિમાનાં પાવન અવસર પર હૃદયમાં ગુરુમંડલની દિવ્યઊર્જાને ધારણ કરવાના નિર્ણય સાથે સાધનાનાં માર્ગે પૂર્ણ સજ્જતા સાથે સૌ આગળ વધે એવી જગદંબાને પ્રાર્થના.