660 બારીવાળું ઘર .
- આજકાલ-પ્રીતિ શાહ
- દુર્શલા કહે છે કે મનુષ્ય જંગલો અને ત્યાં રહેતા અન્ય જીવોના અસ્તિત્વ પર સંક્રમણ કરે છે તેમાંથી જ ઘણા પ્રશ્નો ઊભા થાય છે. જંગલ રહેશે તો પ્રકૃતિ, પશુ-પંખી ત્યાં રહેશે.
એ ક વ્યક્તિનું જૂનૂન અને ધ્યેય પ્રત્યેનું અતૂટ સમર્પણ કેવી કામયાબી મેળવી શકે તેનું જીવંત ઉદાહરણ દુશર્લા સત્યનારાયણનું જીવન છે. તેલંગાણા સૂર્યાપેટ જિલ્લાના રાઘવપુરમ્ ગામમાં વસતા દુશર્લાને તેના પૂર્વજો પાસેથી સિત્તેર એકર જમીન મળી હતી. તેના પૂર્વજો જમીનદાર હતા અને એમની પાસે આશરે ત્રણસો એકર જમીન હતી. સત્યનારાયણે આ સિત્તેર એકર જમીનને જંગલમાં પરિવર્તિત કરીને પર્યાવરણ સંરક્ષણમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. તેમણે હૈદરાબાદની જયશંકર કૃષિ યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી અને આંધ્ર બેંક તથા ત્યારબાદ યુનિયન બઁક ઑફ ઇન્ડિયામાં ગ્રામીણ અધિકારી તરીકે નોકરી કરી. નાના અને સીમાંત ખેડૂતોની દુર્દશા જોઈને તેઓ જલ અધિકાર કાર્યકર્તા બન્યા. નલગોંડા જિલ્લાના પીવાના અને સિંચાઈના પાણીના પ્રશ્નો તેમજ ફ્લોરાઈડ પાણીથી પીડિતોની દુર્દશા સામે અવાજ ઉઠાવ્યો હતો. તેના માટે શ્રીશૈલન, યાદગિરીગુટ્ટા અને હૈદરાબાદ સુધી પદયાત્રા કરી અને ૧૯૮૦માં જલ સાધના સમિતિની સ્થાપના કરી.
૨૭ વર્ષની ઉંમરે દુશર્લાએ કૃષિભૂમિ પર જંગલ બનાવવાના પોતાના સ્વપ્નને સાકાર કરવા માટે નોકરીને તિલાંજલિ આપી. તેઓ નાના હતા, તે સમયે સત્યનારાયણને ઊંડી સમજ નહોતી, પરંતુ આંબલી અને જુદા જુદા છોડનાં બી વાવતાં. તેમનો પ્રકૃતિ પ્રત્યેનો લગાવ એટલો બધો હતો કે માતા-પિતા પણ તેને તેમ કરતા રોકતા નહીં. તેમણે સિત્તેર એકર જમીનમાં જંગલ બનાવવાનું નક્કી કર્યું અને એ રીતે તેઓ વૃક્ષો અને છોડ રોપવાં લાગ્યાં. ઘણી વાર તેમના સહાધ્યાયીઓ અને ગામલોકો આવીને અનાજ કે કઠોળનો કોઈ પાક લેવાનું કહેતા, પરંતુ તેમની વાત એ કાને ધરતા નહીં. તેમણે સમગ્ર ભારતમાં ફરીને જંગલનાં વૃક્ષો અને છોડના રોપા મેળવ્યાં. તેમણે સિત્તરે એકરમાં તેર જેટલા તળાવ બનાવ્યાં છે, જેમાં સાત નાના તળાવ છે. વરસાદનું પાણી સંગ્રહીને કેનાલ દ્વારા વૃક્ષોને પાણી મળે તેવું આયોજન કર્યું છે. એક તળાવમાં મરૂન રંગના સુંદર કમળ ખીલવ્યા છે, જે તોડવાની સખ્ત મનાઈ છે. તેઓ વર્ષમાં માત્ર એક જ વાર શ્રીશૈલમમાં પોતાના આરાધ્ય ભ્રમરમ્બા માતાને અર્પણ કરવા માટે તેમાંથી કમળ લે છે.
આ તળાવોમાં અનેક પ્રકારની માછલી, દેડકાં, કાચબા જેવી જળચર જીવસૃષ્ટિ વસે છે. તેમના જંગલમાં જામફળ, બોર, અંજીર, જાંબુ, કરમદા, કેરી જેવાં અનેક ફળો થાય છે, પરંતુ તેને વેચતા નથી. તેઓ માને છે કે અહીં જે ફળો ઊગે છે તે અહીં આવતા હજારો પક્ષીઓને ખાવા માટે છે. આ ઉપરાંત અહીં મોર, હરણ, વાંદરા, શિયાળ, અનેક જાતની ખિસકોલીઓ અને વન્ય પ્રાણીસૃષ્ટિ પણ વસે છે. જો કોઈ ફળ ખવાય નહીં અને તે આપોઆપ ખરી પડે છે. આવા ફળો-પાંદડાઓ માટીમાં ભળી જઈને જંગલની માટીને વધુ ફળદ્રૂપ બનાવે છે. ૭૧ વર્ષના દુશર્લા સત્યનારાયણના કહેવા પ્રમાણે અહીં આશરે પાંચ કરોડ વૃક્ષો છે. તેમાંથી ઘણા તો આપોઆપ ઊગ્યાં છે. તેમનું માનવું છે કે જો ઈકોસિસ્ટમમાં દખલ ન કરીએ તો કુદરત તેનું કામ કરે જ છે. ગાઢ જંગલ હોવાથી વરસાદી પાણી સહજ રીતે જ જમીનમાં ઉતરે છે તેથી ભૂગર્ભજળનું સ્તર જળવાઈ રહે છે.
પાંચ દાયકાની અવિરત મહેનતથી બનાવેલાં જંગલમાં ડેવિલ્સ હોર્સ વ્હીપ, સ્પેનિશસ, જાસ્મિન, વુમેન્સ ટંગ ટ્રી, વાંસ, સાગ, શીશમ જેવાં વૃક્ષો પણ જોવા મળે છે. જંગલની આસપાસ નથી કોઈ વાડ કે નથી સુરક્ષાગાર્ડ! તેમણે સરકારની પણ મદદ નથી લીધી કે તે વનવિભાગના ક્ષેત્રમાં પણ આવતું નથી. પોતાના પર્યાવરણ અને પ્રકૃતિપ્રેમથી એકલે હાથે આ જંગલ ઊભું કર્યું છે અને તેની જાળવણી અને સુરક્ષા પણ તેઓ પોતે જ કરે છે. દુર્શલાએ તેમના બે સંતાનોને પણ તેમાંથી વારસો આપવાની તેમણે ના પાડી દીધી છે. તેઓ આને ૩૬૦ દરવાજા અને ૬૬૦ બારીઓવાળું ઘર કહે છે, જે પશુ-પક્ષીઓનું આશ્રયસ્થાન છે. તેઓ પોતાને જંગલના દાસ માને છે.
ચિલકુરી સુશીલ રાવે 'ઇન્ડિયાઝ ગ્રીનહાર્ટ દુર્શલા સત્યનારાયણ' નામની ડૉક્યુમેન્ટરી બનાવી છે. આ જંગલ પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, પરંતુ સત્યનારાયણ જેઓ પર્યાવરણ અને જૈવ વિવિધતા વિશે સમજવા માગે છે, તેમને જ જંગલમાં આવવાની મંજૂરી આપે છે. તેઓએ ત્રણ પેઢીથી આ જમીનને સાચવી છે. તેમના ઘણા પરિવારજનો તેમને જમીન વેચવાનું સૂચન કરે છે અને તેમને એકસો કરોડ રૂપિયા આપવાનો પ્રસ્તાવ પણ મૂકે છે, પરંતુ સત્યનારાયણ કહે છે કે એક એકરના એકસો કરોડ મળે તો પણ જમીન વેચવી નથી.
દુર્શલા કહે છે કે મનુષ્ય જંગલો અને ત્યાં રહેતા અન્ય જીવોના અસ્તિત્વ પર સંક્રમણ કરે છે તેમાંથી જ ઘણા પ્રશ્નો ઊભા થાય છે. જંગલ રહેશે તો પ્રકૃતિ, પશુ-પંખી ત્યાં રહેશે. પર્યાવરણ સંતુલન બનાવવા માટે તેમજ મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચે થનારા સંઘર્ષને રોકવામાં જંગલ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.
અંધકારમાં રોશનીનું અજવાળું
રોશની પોતે જ બાળવિવાહની પીડાદાયક પરિસ્થિતિમાંથી પસાર થઈ હોવાથી લોકોને વધુ સારી રીતે સમજાવી શકે છે
એ નું નામ છે રોશની પરવીન, પરંતુ નાની વયમાં જ એના જીવનમાં ઘોર અંધકાર છવાઈ ગયો, પરંતુ મુસીબતો સામે હાર ન માનતા આજે રોશની અનેકના જીવન રોશન કરી રહી છે. બિહારના કિશનગંજના સિમલબારી નામના ગામમાં તેનો જન્મ થયો હતો. તે નવમા ધોરણમાં અભ્યાસ કરતી હતી, ત્યાં સુધી તો જીવન બરાબર ચાલતું હતું, પરંતુ અચાનક જ એના માતા-પિતાને રોશનીના લગ્ન માટે માગા આવવા લાગ્યા. તેના માતા-પિતાએ તેના વિરોધ વચ્ચે પરણાવી દીધી. સૌથી આઘાતજનક વાત તો એ હતી કે રોશનીનો પતિ તેનાથી ત્રણ ગણી ઉંમરનો એટલે કે પિસ્તાળીસ વર્ષનો હતો! ત્રણ મહિના પછી રોશની પોતાના સાસરેથી ભાગીને માતા-પિતા પાસે પિયરમાં આવી, પરંતુ ત્યારે એને ખબર પડી કે તે માતા બનવાની છે.
રોશનીએ પંદર વર્ષની ઉંમરે પુત્રને જન્મ આપ્યો. પુત્રજન્મ પછી તેણે માતા-પિતાને કહ્યું કે તે પેલા નરકમાં પાછી જવા માગતી નથી, પરંતુ માતા-પિતાએ સહકાર ન આપતા એને મજબૂરીમાં સાસરે જવું પડયું, પરંતુ એક વર્ષ બાદ સાસરે ગયેલી રોશનીને એના પતિએ સ્વીકારવાની ના પાડી દીધી. પરંતુ રોશની પરવીન હિંમત હાર્યા વિના માર્ગ શોધતી રહી, કારણ હવે તો એને માથે પોતાના પુત્રના પાલનપોષણની જવાબદારી હતી અને તેના સારા ભવિષ્ય માટે કામ કરવા લાગી. તેને એક શો રૂમમાં નોકરી મળી ગઈ. ૨૦૧૮માં તે ચાઈલ્ડલાઈન ઇંડિયા ફાઉન્ડેશન સાથે જોડાઈ. અહીં એણે અનેક મહિલાઓ પાસેથી તેમના જીવનના દર્દભર્યા અનુભવો સાંભળ્યા. રોશનીએ અનુભવ્યું કે આ દુનિયામાં તે એકલી નથી. તેણે વિચાર્યું કે આવી મહિલાઓનો અવાજ બનું તો કેવું અને તે પીડિતામાંથી મહિલા અધિકારોની પ્રબળ સમર્થક બની.
'સેવ ધ ચિલ્ડ્રન' અને 'યુનિસેફ' જેવાં સંગઠનોના સહયોગથી નાની ઉંમરમાં લગ્નના કેવા પરિણામ આવે છે, તેના વિશે યુવાન છોકરીઓમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવા લાગી. એમની સાથે કામ કરતા એ ખગડિયા ગામમાં થનારા બાર જેટલા બાળવિવાહ રોકવામાં સફળ થઈ. છેલ્લાં કેટલાક વર્ષોમાં રોશનીએ સિમલબારી, બગલવારી, મહેશભટના, કોચાધામન, બહાદુરગંજ જેવાં ગામોમાં કિશોરીઓના પંદર જેટલા સમૂહ બનાવ્યા અને સ્કૂલો તેમજ સમુદાયોમાં બાળવિવાહ સામે અવાજ ઉઠાવ્યો. આ જનપ્રતિનિધિઓ દ્વારા ગામોમાં થનારા બાળવિવાહ અંગે માહિતી મળતી. માહિતી મળતાં જ રોશની તેમના માતા-પિતાનો સંપર્ક કરતી અને નાની ઉંમરમાં લગ્ન ન કરવા સમજાવતી. કાઉન્સેલિંગથી તેણે વીસ જેટલા બાળવિવાહ અટકાવી દીધા.
રોશની કહે છે કે વાતચીત કે કાઉન્સેલિંગથી કામ ન થાય, તો તે જિલ્લા મેજિસ્ટ્રેટ, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, બ્લોક ડેવલપમેન્ટ ઑફિસર, પોલીસ, બાળવિકાસ યોજના અધિકારી અને અન્ય અધિકારીઓને જાણ કરે છે. તે માતા-પિતાને સમજાવે છે કે બાળવિવાહ કરવા તે દંડનીય અપરાધ છે અને જો તે કરશો તો તમારી સામે એફ.આઈ.આર. લખાવવી પડશે. માતા-પિતા સમજી જાય તો તેમની પાસે તેઓ તેમની દીકરી અઢાર વર્ષની નહીં થાય ત્યાં સુધી તેના લગ્ન નહીં કરીએ તેવી એફિડેવિટ કરાવે છે. બહાદુરગંજના બ્લોક કલ્યાણ અધિકારી રોશની સાથે કામ કરે છે. તેમનો મુખ્ય હેતુ પરિવાર અને નાનાં બાળકોને જાગૃત કરવાનું છે. રોશની પોતે જ બાળવિવાહની પીડાદાયક પરિસ્થિતિમાંથી પસાર થઈ હોવાથી લોકોને વધુ સારી રીતે સમજાવી શકે છે.
રોશનીએ છેલ્લાં બે વર્ષમાં સાઠથી વધારે બાળવિવાહ થતાં સફળતાપૂર્વક અટકાવ્યા છે અને અનેક યુવતીઓના જીવનમાં પરિવર્તન આણ્યું છે. તે ઇન્દિરા આવાસ યોજના કે રાશનકાર્ડ જેવી યોજનાઓનો લાભ મેળવવા માટે તેમને મદદ કરે છે. કૌશલ યુવા કાર્યક્રમ, બ્યુટી પાર્લર અને સિલાઈ કેન્દ્રોમાં તેમનું નામાંકન કરાવી આપે છે, જેથી પરિવાર તેમને એક 'બોજ' ન સમજે. આ બધું કામ કરવું તેના માટે સહેલું નહોતું. ઘણા લોકો તેને ચરિત્રહીન કહેતા, કારણ કે તેણે દુર્વ્યવહાર કરનાર પતિને છોડી દીધો હતો. ઘણા એમ પણ માનતા કે તે પોતાનો પરિવાર વસાવી નથી શકી, તેથી અન્ય છોકરીઓ લગ્ન કરીને સુખી સંસાર માંડે તેમ ઇચ્છતી નથી, પરંતુ આવી કોઈ નિંદાથી સહેજે વિચલિત થયા વિના તેણે પોતાનું કામ ચાલુ રાખ્યું. ૨૦૨૩માં સ્વીત્ઝર્લન્ડના જિનિવામાં સંયુક્ત રાષ્ટ્રએ 'યંગ એક્ટીવીસ્ટ સમિટ ૨૦૨૩માં રોશનીને આમંત્રણ આપ્યું હતું. વૈશ્વિક મંચ પર મળેલા સન્માનને તેણે બધી પીડિતાઓને સમપત કર્યું. ૨૦૨૪માં એણે જનતા એક્સપ્રેસ વેલ્ફેર ફાઉન્ડેશનની સ્થાપના કરી છે જેનુ લક્ષ્ય છે 'સશક્ત સમાજ, સુરક્ષિત ભવિષ્ય'. સ્કૂલના અભ્યાસક્રમમાં મહિલા અધિકારોનું શિક્ષણ, કાયદાની સમજ, દર મહિને જિલ્લા, ગામ અને વોર્ડ કક્ષાએ બેઠકનું સમિતિઓ દ્વારા આયોજન જેવાં અનેક આયોજનો દ્વારા બાળવિવાહ મુક્ત ભારત સર્જવાનું તેનું સ્વપ્ન છે.