પ્રસિદ્ધિમાં જ જીવનનો સાર .
- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ
પ્રભુતા કો સબ કોઈ ભજૈ
પ્રભુ કોભજૈ ન કોઈ
કહ કબીર પ્રભુ કો ભજૈ
પ્રભુતા ચેરી હોય
- સંત કબીરજી
એક સંસ્થાના આમંત્રણ પત્રમાં સાત મૂલ્યવાન મહેમાનો સામે આ સાત વિશેષણો હતા: વંદનીય ઉપસ્થિતિ, સમારોહની શોભા, અતિથિ વિશેષ, મુખ્ય મહેમાન, વિશેષ ઉપસ્થિતિ, પ્રેરક ઉપસ્થિતિ, શુભેચ્છક ઉપસ્થિતિ વગેરે. જાણે કે નાના-નાના રંગમંચ મોટા-મોટા માણસોથી ઉભરાઈ રહ્યા છે. અલબત્ત દરેક પ્રતિભા અને પ્રતિભાવંતને વંદન છે, પણ વિવેક અનિવાર્ય છે. જીવન તો સમતોલન છે: આપણી અકાંક્ષાઓ અને ક્ષમતાઓ, અપેક્ષાઓ અને યોગ્યતાઓ વચ્ચેનું. બોબ માર્લે કહે છે એવું જીવો કે તમારી માત્ર ઉપસ્થિતિની નહીં, સૌ તમારી ગેરહાજરીની પણ નોંધ લે. પણ કમનસીબે આપણી નોંધ આપણે મોંઘી કાર તો ઠીક પણ તેની અસામાન્ય ગતિ અને અસહ્ય હોર્ન મારીને પણ લેવરાવીએ છીએ. આપણે માનીએ છીએ કે જો આપણી નોંધ અન્ય કોઈ ન લે તો આપણે નિરર્થક છીએ.
'હર વો કામયાબી હાર હૈ
જિસકા મકસદ
કિસીકો નીચા દિખાના હૈ..'
સીસેરો (ઈ.સ.પૂ. ૧૦૬-૪૩) નામનો એક રોમન વિચારક એક સંવાદ નોંધે છે - પ્રસંગ નોંધે છે; ડાયોજીનસ (મૃ ઈ.સ.પૂ. ૩૨૩) નામનો એક સંયમી પણ સંદેહવાદી તપસ્વી હતો, તે ત્યાગી અને વૈરાગી પણ હતો. જે દિવસે પણ ફાનસ લઈને ફરતો હતો અને કહેતો કે એકાદ પ્રામાણિક માણસની ખોજ છે. તેની કોઈ દાવેદારી ન હતી. તે કહેતો, 'મારા અજ્ઞાન સિવાય હું કશું જ જાણતો નથી.' એક વખત તે માનવ અસ્થિના પડેલ ઢગલા વચ્ચે કશું ખોળી રહ્યો હતો. ત્યારે ત્યાંથી વિશ્વવિખ્યાત યોધ્ધો-વિજેતા એલેક્ઝાન્ડર ધ ગ્રેટ(ઈ.સ.પૂ. ૩૫૬-૩૨૩)પસાર થયો. તે બન્ને વચ્ચેનો સંવાદ આ રહ્યો; એલેક્ઝાન્ડર: તમે શું ખોળી રહ્યા છો ?
ડાયોજીનસ: તમારા રાજવી પિતા ફિલીપના અસ્થિ શોધી રહ્યો છું. પણ તેમના અને ગુલામોના અસ્થિ અલગ તારવી શકતો નથી.
આ રાજા ફિલીપે પણ યુધ્ધો થકી વિશ્વનો નકશો બદલાવવાનો પ્રયાસ કરેલો. કદાચ, અસ્થિ કે રાખ પરથી હાર અને જીત, વિજેતા અને પરાજિત, બાદશાહ અને ગુલામનો ખ્યાલ નથી આવતો. અસ્થિ અને રાખ તો સૌના સરખા હોય છે. આપણી ઓળખ-અહંકાર માટેની વાસના આપણને જપ વાળીને બેસવા દેતી નથી. બાકીત
સ્પોટલાઈટ નીચે જીવાય તે જ પ્રાપ્તિ ?
હેડલાઇન્સ બને તે જ ખ્યાતી ?
વાયરલ થઈએ તે જ પર્યાપ્તિ ? ના, તેમ નથી!