Get The App

જીવનની અંતિમ ઓળખ .

Updated: Jun 28th, 2025

GS TEAM

Google News
Google News
જીવનની અંતિમ ઓળખ                       . 1 - image


- એક દાંત, એક હાડકાનો ટુકડો અને ડીએનએ મેચિંગ 

- ફયુચર સાયન્સ-કે.આર.ચૌધરી

૧૨ જૂન, ૨૦૨૫ના રોજ, 'એર ઇન્ડિયા ફ્લાઇટ એઆઇ-૧૭૧' એરપોર્ટથી ઉડાન ભરી કે તરત જ ઇમારત સાથે ટકરાઈને આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી. ૨૪૨ મુસાફરો અને ક્રૂને લઈ જતું બોઇંગ ૭૩૭ અથડામણથી નાશ પામ્યું. તેમાં રહેલ ૧૨૫,૦૦૦ લિટર જેટ ઇંધણે એવી આગ લગાડી કે, એક ક્ષણ માટે તે સૂર્યની સપાટી સાથે સ્પર્ધા કરી શકે તેમ હતી. ફક્ત એક જ વ્યક્તિ આ આગના તોફાનમાંથી જીવતી બહાર નીકળી. બાકીના બધા ટુકડાઓ થઈને વિખેરાઈ ગયા હતા. ૧.૫ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલી ભૂમિ ઉપર, બળી ગયેલા ટુકડા વેર વિખેર પડયા હતા. એક પળમાં ખતમ થઈ ગયેલા જીવન વિશે, એક નાનકડા હાડકાનો ટુકડો શું માહિતી આપી શકે? જ્યાં જ્વાળાઓએ માનવતાના લગભગ દરેક નિશાનને ભસ્મીભૂત કરી દીધા હોય, તેવી વિમાન દુર્ઘટનાના બળી ગયેલા અવશેષોમાં જેવા કે ફીમરનો ટુકડો કે બળી ગયેલો દાંત, કોઈના જીવનના અંતિમ અધ્યાયની વાત કેવી રીતે કરી શકે ? આ એક કોયડા જેવું લાગી રહ્યું છે. પરંતુ વાત સાચી છે. હાડકા કે દાંતમાં, કોઈ એક શાંત ખૂણે સચવાયેલ કોષો, નામ વિનાના મૃતદેહને નામ અને ઓળખ બંને આપી શકે છે. કેવી રીતે?

રાખમાંથી રહસ્યનો નકશો

વિમાન અકસ્માતની શોધખોળ કરવા માટે જ્યારે રિકવરી ટીમ પહોંચે છે. ત્યારે તેઓ એક ભયંકર વાસ્તવિકતાનો સામનો કરે છે. અહીં વેરાયેલા અવશેષો માત્ર ટુકડાઓમાં જ નથી હોતા, પરંતુ ઘણીવાર કાટમાળ કે અન્ય પીડિતોનાં અવશેષો સાથે ભળી ગયા હોય છે. એકઠા કરેલા અવશેષો પ્રદૂષિત ન થાય તે માટે, ફોરેન્સિક ટીમના લોકો હાથમોજાં અને અન્ય પ્રોટેક્ટિવ સાધનોનો ઉપયોગ કરે છે. દરેક નમૂનાઓને લેબલવાળી થેલીઓમાં સીલ કરવામાં આવે છે. અવશેષો અને નમૂનાઓની યાદી બનાવવામાં આવે છે. અકસ્માતના સ્થળ અને અવશેષો જેટલા વિસ્તારમાં ફેલાયેલા પડયા છે, તેની એરિયલ ફોટોગ્રાફી કરવામાં આવે છે. તસવીરો એકઠી કરીને એક આખો નકશો બનાવવામાં આવે છે. કયો અવશેષ ક્યાંથી મળી આવ્યો છે? તેનું સ્થાન નકશા પર માર્ક કરવામાં આવે છે. નમૂનાઓનું કેટલોગ તૈયાર કરવામાં આવે છે. આ માહિતી ઉપરથી દુર્ઘટના સ્થળની, ભૌગોલિક ડિજિટલ ગ્રીડ તૈયાર કરવામાં આવે છે. જે પાછળથી તપાસકર્તાઓને, અંતિમ દ્રશ્યનું પુનર્નિર્માણ કરવામાં મદદ કરે છે. વિમાન અકસ્માતની ચકાસણી માટે 'ઇન્ટરપોલના ડિઝાસ્ટર વિક્ટિમ આઇડેન્ટિફિકેશન ગાઇડ' દ્વારા, તપાસકર્તાઓની ટીમને માર્ગદર્શન આપે છે. માર્ગદર્શિકા જણાવે છે કે 'ખાતરી કરો કે દરેક નમૂનો, દુર્ઘટના સ્થળથી ફોરેન્સિક લેબ સુધી ટ્રેસેબલ હોય' જેટ 1,500°C (2,700°F)થી વધુ તાપમાને બળે છે. આ એક એવું તાપમાન બિંદુ છે, જ્યાં ચામડી અને સ્નાયુ જેવા નરમ જૈવિક ભાગો અને પેશીઓને, આગ સેકન્ડોમાં રાખમાં ફેરવી દે છે. મનુષ્યની આંગળીના નિશાન ગાયબ થઈ જાય છે. ચહેરા ઓગળી જાય છે. દાંતના રેકોર્ડ પણ નુકસાન પામે છે. હવે વ્યક્તિની ઓળખ માટે શું કરવું ?

ખોવાયેલા સંબંધોની શોધ

જ્યારે ફોરેન્સિક ટીમો મૃતકો સાથે કામ કરી રહી હોય છે ત્યારે, તપાસકર્તાઓનું બીજું એક જૂથ, અકસ્માતમાં ભોગ બનેલ વ્યક્તિના નજીકના સગા સંબંધી પાસેથી માહિતી મેળવવાની કોશિશ કરે છે. પરિવારના નજીકના સભ્યનો સંપર્ક કરીને, ડીએનએ મેચિંગ માટે રેફરન્સ નમૂનાઓ એકઠા કરવામાં આવે છે. જેમાં લોહી, લાળ, અથવા ચામડીના નમુના લેવામાં આવે છે. ડીએનએ મેચિંગ માટે નજીકના સંબંધીઓ, જેમ કે માતા પિતા કે બાળકો આદર્શ ગણાય છે, કારણ કે તેઓ મૃત વ્યક્તિ સાથે લગભગ ૫૦% ડીએનએ વહેંચે છે. ભાઈ-બહેનો લગભગ ૨૫% ડીએનએ વહેંચે છે. જે મોટા ભાગના કેસોમાં વિશ્વસનીય ડીએનએ મેચ કરવા માટે પૂરતું ગણાય છે. નજીકના પરિવારના સભ્યોનાં ડીએનએ રેફરન્સ નમૂનાઓ ઉપલબ્ધ ન હોય ત્યારે, મૃત વ્યક્તિની વ્યક્તિગત વસ્તુઓ જેવી કે ટૂથબ્રશ, કાંસકો, કે કપડાં એકત્ર કરવામાં આવે છે. આ નમૂનાઓ ઉપરથી ડીએનએ મેળવવાનું કાર્ય મુશ્કેલ જરૂર છે. પરંતુ અશક્ય નથી. કપડા ઉપરથી જે પ્રકારનું ડીએનએ મળે છે. તેને ટચ ડીએનએ કહે છે. 

પરંતુ ઉપરોક્ત કોઈપણ પ્રકારના રેફરન્સ નમૂના ઉપલબ્ધ ન હોય ત્યારે શું થાય? અહીં ફોરેન્સિક નિષ્ણાતો મિટોકોન્ડ્રિયલ ડીએનએની ચમત્કારિક શક્તિનો ઉપયોગ કરે છે. માતા પાસેથી તેના બધા બાળકોને અપરિવર્તિત રીતે પસાર થતું એમટીડીએનએ વારસામાં મળે છે. મૃતકના દૂરના માતૃપક્ષનાં સંબંધીઓનાં મિટોકોન્ડ્રિયલ ડીએનએ, રેફરન્સ નમૂના તરીકે મેળવવામાં આવે છે. પુરુષ મૃતક માટે, વાય-ક્રોમોસોમનું વિશ્લેષણ પિતૃ રેખાને શોધી શકે છે. આ પદ્ધતિઓ વિમાન દુર્ઘટનાઓમાં, ઓળખ પ્રસ્થાપિત કરવા માટે ખૂબ જ શક્તિશાળી સાબિત થાય છે. 'ઈન્ટરપોલ'નું 'ડીવીઆઈ ગાઈડ' અને 'ભારતની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી'એ આદર અને ચોકસાઈ સુનિશ્ચિત કરવા માટે ફ્રેમવર્ક પૂરું પાડે છે. આ ફ્રેમવર્ક ૨૦૦૪ના ભારતીય મહાસાગરના સુનામી જેવી આપત્તિઓમાંથી પસાર થયા બાદ તૈયાર થયું છે. સુનામી જેવી આપત્તિઓમાં ૨૩૦,૦૦૦થી વધુ પીડિતોની આવા જ પ્રોટોકોલ્સનો ઉપયોગ કરીને ઓળખ કરવામાં આવી હતી.

હાડકાની તિજોમાં ડીએનએ

સાચી ઓળખ મેળવવા માટે ડીએનએ પ્રોફાઈલ અને ડીએનએ મેચિંગ નામની ટેકનિક વપરાય છે. અન્ય અપરાધ કથાઓમાં પણ ફોરેન્સિક ટેકનીકનો ઉપયોગ થાય છે. વિશ્વના સૌથી પ્રખ્યાત ફોરેન્સિક વૈજ્ઞાનિકોમાંના એક ડૉ. હેનરી લી, ડીએનએ મેચિંગ વિશે કહે છે કે 'મૃતકો બોલી શકતા નથી, પરંતુ જો તમે સાંભળવાનું ચાલુ રાખો તો તેમના શરીરો પોતાની સ્ટોરી કહે છે.' તો ચાલો હવે સાંભળીએ કે 'જ્વાળાઓમાં ખોવાયેલા લોકો માટે, DNA પ્રોફાઈલ અને મેચિંગ કેવી રીતે પોતાની સ્ટોરી કહે છે! એક નાનકડા સજીવ કોષના અણુઓ, નિરાશા અને અંત વચ્ચેનું અંતર કેવી રીતે પૂરે છે? આ પ્રકરણ તમને દુર્ઘટના પીડિત ઓળખના હૃદયમાં લઈ જાય છે, જ્યાં ફોરેન્સિક વૈજ્ઞાનિકો ડીએનએનો ઉપયોગ, ડિટેક્ટિવના શ્રદ્ધેય સાધનની જેમ ઓળખ ઉપર પડેલ પડદાને હટાવે છે. મોટાભાગે વિમાન અકસ્માતમાં ઓળખ પ્રસ્થાપિત કરવા માટે હાડકાં અને દાંત ઉપયોગી બને છે. દાંત એ પ્રકૃતિના કિલ્લાઓ છે. એક એકલ દાઢ ફિલિંગ, ક્રાઉન કે ઇમ્પ્લાન્ટ જેવા સંકેતો ધરાવી શકે છે. જે દાંત વ્યક્તિગત ઇતિહાસનું એક પ્રકરણ અને પુરાવો આપે છે. ફોરેન્સિક ઓડોન્ટોલોજી આ સંકેતો વાંચવાનું કામ કરે છે. જે દાંતના એનામેલમાં લખાયેલ જીવનચરિત્રને ઉકેલવા જેવું દુષ્કર કાર્ય છે. ૧૯૮૮ની 'લોકરબી બોમ્બિંગ ઓફ પાન એમ ફ્લાઇટ ૧૦૩' ની વિમાની દુર્ઘટનામાં, ૨૭૦ પીડિતોમાંથી ૬૦%થી વધુની વ્યક્તિની ઓળખ મેળવવામાં દાંતનોં રેકોર્ડ મદદરૂપ બન્યો હતો. પરંતુ કેટલીક વાર દાંતનો રેકોર્ડ પણ વ્યક્તિની ઓળખને, અસ્પષ્ટ અને ધુમ્મસભર્યા વાતાવરણ જેવી રાખે ત્યારે મનુષ્યના હાડકા ઉપયોગી બને છે. હાડકાં, ખાસ કરીને ફીમર, પેલ્વિસ કે ખોપરી જેવા ગાઢ હાડકાં, ડીએનએ માટેનો બીજો મોટો ખજાનો સાબિત થાય છે. હાડકામાંથી ડીએનએ કાઢવું એ એક નાજુક પ્રક્રિયા છે. જે તિજોરીની સામગ્રીને નુકસાન પહોંચાડયા વિના, તેને તોડવા જેવી ક્રિયા છે. વૈજ્ઞાનિકો હાડકાના મધ્ય ભાગમાં ડ્રિલ કરે છે. તેમાંથી મેળવેલા નુકસાન રહિત નમૂનાને પીસીને વિશ્લેષણ માટે પાવડર ફોર્મમાં લાવવામાં આવે છે. જેનો ઉપયોગ ડીએનએ મેચિંગમાં થાય છે.

ડીએનએ અને દુઃખની કથા

ડીએનએ પ્રોફાઈલિંગ એ જીવનની ભાષામાં લખાયેલા ગુપ્ત સંદેશને ડીકોડ કરવા જેવી પ્રક્રિયા છે. જ્યાં વૈજ્ઞાનિકો હાડકાં કે દાંતના નમૂનાઓને તોડીને ડીએનએ બહાર કાઢે છે. એકવાર નિષ્કર્ષણ થઈ જાય, ત્યારબાદ રીઅલ-ટાઈમ પોલિમરેઝ ચેઈન રિએક્શન (પીસીઆર) ટેકનીક દ્વારા ડીએનએનું પ્રમાણ માપવામાં આવે છે. જો ઉપલબ્ધ ડીએનએ, આગળની પ્રક્રિયા માટે પૂરતું હોય તો, તેને એમ્પ્લિફાઈડ કરવામાં આવે છે. જેની હજારો વખત નકલ કરવામાં આવે છે. આ પગલું એક દુર્લભ હસ્તપ્રતની, હજારો ઝેરોક્ષ જીવી નકલ તૈયાર કરવા જેવું કાર્ય છે. જેથી ડીએનએમાં રહેલી વિગતોનો અભ્યાસ, માસ્ટર પીસ-મૂળહસ્તપ્રતને નુકસાન પહોંચાડયા વિના થઈ શકે. 

ડીએનએનું સિક્વન્સિંગ કરવામાં આવે છે. ત્યારે દરેક વ્યક્તિનું ડીએનએ એક અનન્ય પેટર્ન બતાવે છે. આ પેટર્નમાંથી શોર્ટ ટેન્ડમ રિપીટ્સ (એસટીઆર) પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. વ્યક્તિના ડીએનએમાં જોવા મળતા પુનરાવર્તી ક્રમો અલગ અલગ હોય છે. ડીએનએ પ્રોફાઇલિંગ કરતી વખતે અને મેચિંગ કરતી વખતે, સંપૂર્ણ પ્રોફાઈલ માટે ઓછામાં ઓછા ૧૦ એસટીઆર માર્કર્સની જરૂર પડે છે. વિમાની અકસ્માતમાં મૃતકના બગડેલા નમૂનાઓ, ઓછા એસટીઆર માર્કર્સ પુરા પાડે ત્યારે 'મિનીએસટીઆર' ટેસ્ટ કામમાં લેવામાં આવે છે. ઓરીજનલ નમૂના અને રેફરન્સ નમૂનાઓનું મેચિંગ કરીને, મૃતકની સાચી ઓળખ પ્રસ્થાપિત કરવામાં આવે છે. ઓટોમેટેડ ડીએનએ નિષ્કર્ષણ, સંવેદનશીલ પ્રમાણીકરણ, અને વિશ્લેષણ સોફ્ટવેર,ઓળખ પ્રક્રિયાને ઝડપી બનાવવામાં મદદ કરી છે, પરંતુ માનવીય પ્રયાસ, રાતભર કામ કરતા વૈજ્ઞાનિકો, દુઃખનો સામનો કરતા પરિવારો, દુર્ઘટના જેવી પરિસ્થિતિમાં અનોખો માહોલ ઊભો કરે છે. ' ડૉ. લી' તેમના પુસ્તક 'ફોરેન્સિક સાયન્સ: ધ પાથ ટુ જસ્ટિસ'માં નોંધે છે: 'ફોરેન્સિક વિજ્ઞાન એ જીવંત વ્યક્તિ અને મૃતક વચ્ચેનો પુલ (બ્રિજ) છે.' અમદાવાદમાં બનેલી  વિમાન દુર્ઘટનામાં, વ્યક્તિગત ઓળખ પ્રસ્થાપિત કરતો પુલ, પરસેવો, આંસુ, અને ફોરેન્સિક ટીમની સત્ય પ્રત્યે અડગ પ્રતિબદ્ધતાથી બન્યો છે.

Tags :