અ-ધર્મયુદ્ધના મૂળિયાં: જેહાદ અને ક્રૂઝેડવાળા વેરના વાવેતર પર વિશ્વયુદ્ધનું ઝેર છે?
- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા
- ખ્રિસ્તી, ઇસ્લામ અને યહૂદી એ એક પિતાના ત્રણ સંતાનો જ બોલીવુડ મસાલા ફિલ્મોની જેમ હજાર કરતાં વધુ વર્ષોથી અંદરોઅંદર ઝગડી રહ્યા છે!
સી ઝફાયર કરાવવા માટે મળો યા લખોની જાહેરાત જેવા વીર શાંતિવાળા ટ્રમ્પસાહેબે ઈરાને અહીં સુરક્ષાના નામે ને હિંસાના નામે જેના જાપ રીતસર જપવામાં આવે છે એવા ઈઝરાયેલની પોલ ઉઘાડી પાડતો જડબાતોડ જવાબ આપ્યા બાદ વોર રૂકવા દી હાલ પૂરતી તો. પૃથ્વી નામના આ ગ્રહ ઉપર જેટલા યુદ્ધો થયા છે, એમાંથી ૯૯% તો ધર્મને કારણે થયા છે! વિધિની વક્રતા એ છે કે ધર્મોના ઉદભવ પાછળનો ઉદ્દેશ પાછો યુદ્ધમુક્ત અને શાંતિમય સમાજ સ્થાપવાનો હોય છે! કમનસીબે દરેક સાચો-ખોટો કે સારો-ખરાબ ધર્મ, તેના અનુયાયીઓમાં 'આઈ એમ ધ બેસ્ટ'નું મિથ્યાભિમાન જગાવે છે અને શરૂ થાય છે પોતાના ધર્મનો ઝંડો અન્ય ધર્મની છાતી પર લહેરાવવાની પાપી દોટ! ક્યારેક પ્રલોભનોથી અન્ય ધર્મપાલકોને પોતાના ધર્મમાં ભેળવવામાં આવે છે, તો કયારેક પ્રહારથી! પછી ધર્મને નામે ચાલતો ત્રાસવાદ કે ધર્મની રક્ષા કાજે તેને અપાતો વળતો જવાબ... બેઉ બાબતો પર ધર્મયુદ્ધનું લેબલ લાગી જાય છે!
એક જમાનામાં ખ્રિસ્તીઓએ પોતાની 'ક્રૂસેડ' શરૂ કરીને તેને 'ધર્મયુદ્ધ' ગણાવ્યું હતું... એ જ ગાળામાં મુસ્લીમોએ પોતાની 'જેહાદ' શરૂ કરીને એનેય 'ધર્મયુદ્ધ' લેખાવ્યું હતું. શબ્દોના અર્થ સિવાય બીજી એક વાત પણ આ 'ધર્મયુદ્ધો'માં કોમન હતી... બેહિસાબ કત્લેઆમ! નિર્દોષોની... બાળકોની... શરણાર્થીઓની... અધમ હત્યાઓ! અને ભરપૂર લૂંટ! માટે જ વાસ્તવમાં પ્રત્યેક યુદ્ધ માત્ર 'અધર્મયુદ્ધ' જ હોય છે.
જાન-માલની ખુવારી અને યુદ્ધના અત્યાચારોનો ભોગ પ્રમુખો, ધર્મગુરૂઓ કે આતંકવાદી સરદારો બનતા નથી... એનો બોજ આ બધી શતરંજથી બેખબર કોમનમેન ઉપર જ હોય છે! ૨૧મી સદીના પહેલા યુદ્ધના અતિશયોક્તિભર્યા લેબલ નીચે ૨૦૦૧માં ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટરને ગગનથી ધરા સુધી લઈ અવાયું ને હજુ ૨૦૨૫માં ઈરાન, અમેરિકા, ઇઝરાયેલ વાળો જ ત્રિકોણ ત્રેખડે છે ! ત્રણે દેશો ત્રણ ધર્મોના પ્રતિનિધિ છે. (સેક્યુલર અમેરિકામાં દબદબો પ્રેસિડેન્ટ ટ્રમ્પના પ્રિય રોમન કેથોલિક ધર્મનો છે ! ) ને ત્રણે ધર્મો એક જ એશિયન ભૂમિ પરથી પાંગરેલા અબ્રાહમિક ધર્મો છે !
કટ્ટરપંથીઓ કેવળ આજે પેદા નથી થયા. યે આગ આગે સે ચલી આતી હૈ ! ગલ્ફ વોર, ઈરાક અને સદ્દામ હુસેનથી અમેરિકાએ મિડલ ઇસ્ટમાં ખુલ્લેઆમ ઝંપલાવેલું છે એ તો ઇરાનના નિશાન પર રહેલા ઠેકાણાથી ખબર પડી ગઈ ! પાકિસ્તાન, સાઉદી અરેબિયા, કતાર, મલેશિયા, ઈજીપ્ત, જોર્ડન ઈત્યાદિ ઘણા મુસ્લીમ દેશો અમેરિકા જોડે સારાસારી રાખે છે. ને ઇઝરાયેલ સામે પણ હવે બહુ લડતા નથી. હા, અફઘાનિસ્તાન અને પેલેસ્ટાઈનના મનમાં અમેરિકા પ્રત્યે ખાસ્સી દાઝ છે. અફઘાનિસ્તાનના મામલામાં રશિયા સામે એને પ્યાદુ બનાવી લડેલી પ્રોકસીવોર કારણભૂત છે. પેલેસ્ટાઈનનો પાયાનો પ્રોબ્લેમ એમના ઘરમાં બીજા વિશ્વયુદ્ધ પછી ભાગ પડાવી પશ્ચિમના ટેકાથી દેશ બનાવનાર ઈઝરાયેલના યહૂદીઓને મળતું અમેરિકી સંરક્ષણ છે. આ કારણો ઉપરાંત પણ ઇસ્લામિક ઉગ્રવાદીઓ અમેરિકાનો વિરોધ અમેરિકન લાઈફસ્ટાઈલ... આધુુનિકતા... સ્ત્રીસ્વાતંત્ર્ય... વિજ્ઞાન- ટેકનોલોજી... મુક્ત નૂતન વિચારધારાને લીધે પણ કરે છે! આપણને ખબર નથી પણ યહૂદીઓ ગાઝા વેસ્ટ બેંક સિવાય બીજે ફિદાયીન બનીને નિર્દોષોને મારવાની વૈશ્વિક આતંકવાદી પ્રવૃત્તિ મુસ્લિમ જેહાદીઓની જેમ કરતા નથી. પણ એમાં ય હારેડી જ્યુ જેવા અતિ મરજાદી લાગે તેવા ધર્મચુસ્તો છે !
આ હિબૂ્ર હારેડી શબ્દનો અર્થ જ ઈશ્વરથી ડરનાર થાય છે. એ લોકો છાપું નથી વાંચતા. બીજા યહૂદીએ ચૂલો પેટાવ્યો હોય તો જ ખાવાનું ખાય છે. પ્રાચીન જીવન મુજબ જ જીવવાનું. દાઢી નહીં કરવાની. ગર્ભનિરોધક નહિ વાપરવાના. આધુનિક શિક્ષણ બહુ નહિ લેવાનું. એક અંદાજ મુજબ જેરુસાલેમમાં એમનું જોર છે કે અડધાથી વધુ વિધાર્થીઓ એમની તાલીમ મેળવે છે. ને એમની સંખ્યા વહાબી કે સલાફી જેવા ઇસ્લામિક કટ્ટરપંથીઓથી વધુ છે !
તો એક રીતે અમેરિકા જગત પરના ખ્રિસ્તી પ્રભુત્વનું સર્વોચ્ચ પ્રતીક છે. અલબત્ત, અમેરિકન સમાજની રીતભાત, નીતિઓ, મૂલ્યો, જીવનશૈલી અને માનસિકતા એટલી હદે અલ્ટ્રામોડર્ન, ફેશનેબલ અને ફ્રી છે કે એને ખ્રિસ્તી ધર્મની આચાર સંહિતા સાથે પેસિફિક સમુદ્ર જેટલું છેટું પડી ગયું છે!
માર્ટિન લ્યૂથર જેવાના પ્રતાપે ખ્રિસ્તી ધર્મ અગાઉ કરતાં થોડો ફલેકસીબલ બન્યો છે. વળી, મોટા ભાગના યુરોપી- અમેરિકન ખ્રિસ્તીઓ (અને ખાસ્સા યહૂદીઓ) વ્યક્તિગત શ્રઘ્ધાને બાદ કરતાં શિક્ષણ અને આધુુનિકતાને અપનાવી ઘણા વધુ વૈજ્ઞાનિક થઈ ગયા છે. ધર્મચુસ્ત રહ્યા નથી. જેમ ભારતની નવી પેઢી જન્મે હિન્દુસ્તાની, પણ કર્મે ગ્લોબલ છે તેમ જ!
રેડિકલ ઈસ્લામની કુરાને-શરીફ અને મહંમદસાહેબની પયગંબરીના વિરોધને સખ્તાઈથી દબાવી દેવાની આંધળી જડતાએ તેનું પ્રગતિશીલ નવનિર્માણ મહદઅંશે અટકાવ્યું છે. ભારત જેવા દેશોના સંપર્કમાં આવેલા મુસ્લીમ ઘણો સુધર્યો છે અને એણે કળા-સાંસ્કૃતિક ક્ષેત્રે મહત્વપૂર્ણ પ્રદાન કર્યું છે. પણ હજુયે તાલિબાનબ્રાન્ડ જડસુઓ કંઈ ઓછા નથી! આવા જ જડભરતો ખ્રિસ્તીઓમાં પણ છે. આપણે ત્યાંય એક ઢૂંઢો... હજાર મિલતે હૈ!
પરંતુ, હિંદુ ધર્મ જ્યારે બાકીની દુનિયાથી સાવ કપાયેલો અને શ્રેષ્ઠતાના નામે બેદરકાર રહીને પોતાના કૂપમંડૂકપણામાં મસ્ત હતો, ત્યારે યુરોપ-એશિયાની ભૂમિ પર દુનિયાનું ભાવિ ઘડાઈ રહ્યુ હતું. ત્રીજુ વિશ્વયુદ્ધ ખ્રિસ્તીઓ અને મુસલમાનો વચ્ચે લડાશે, એવું વારંવાર કહેવાઈ રહ્યું છે. વાસ્તવમાં આ વિશ્વયુદ્ધ હજારો વર્ષોથી સતત લડાઈ રહ્યું છે! જેના અકસ્માત સંભવિતતા માટે 'ખતરનાક લાલ ત્રિકોણ'ના ત્રણ ખૂણા ખ્રિસ્તી, ઈસ્લામ અને યહૂદી ધર્મરૂપે છે. આ જટિલ માયાજાળ સમજવા માટે આ ત્રણે ધર્મોના ઉદભવ અને સમકાલીન ઈતિહાસ તથા ભૂગોળને ઉંડાણથી સમજવી પડે. આપણે તો આ દુનિયાની અંતની સાથે જ જેનું અંતિમ પ્રકરણ લખાય એવી આ કિતાબના પહેલા પ્રકરણના સાર પર જ જ્ઞાન પુરતી નજર દોડાવીએ. એના મૂળિયાં ભણવામાં યાદ ન રહેતું નામ એ તુર્કીના નગરમાં છે. કોન્સ્ટીનટીનોપલમાં વિખ્યાત બાઝેન્ટાઇન સામ્રાજયની સ્થાપના કરનાર સમ્રાટનું નામ 'કોન્સ્ટેન્ટાઇન' (૩૧૧-૩૩૭) હતું. ઓટોમન (ઉસ્માન) તુર્કોએ બાઝેન્ટાઇન સામ્રાજયનો સર્વનાશ કર્યો ત્યારના અંતિમ સમ્રાટનું નામ પણ 'કોન્સ્ટેન્ટાઇન' (૧૪૪૮-૧૪૫૩) હતું. આવું છે ઇતિહાસનું ચક્ર! દુનિયા સચમુચ ગોલ હૈ!
એક સમયે રોમ, ગ્રીસ અને મિસરના સામ્રાજયોનો જગત પર ડંકો વાગતો હતો. પશુપાલકો (બદૂઈન)ના એક સમૂહે યહૂદી ધર્મ સ્વીકારેલો, જેના અનુયાયીઓ યુરોપ-એશિયામાં છૂટાછવાયા ફેલાયેલા. મિસરના શક્તિશાળી રાજા રામસેસ બીજાના ઘરમાં એના જ પાલક ભાઈ તરીકે ઉછરેલા જન્મે યહૂદી એવા મોઝિસે (ઈસ્લામ મુજબ મૂસા) બગાવત કરી. લાખો ગુલામ યહૂદીઓને આઝાદ કરાવનાર મોઝિસને પશુપાલક સસરાના ઘર નજીકના પર્વત પર 'યહોવાહ' નામના ઈશ્વરનો સાક્ષાત્કાર થયેલો. એ આધારે મોઝિસ અને પછી એની ઉત્તરાધિકારી જોશુઆએ નિરાશ્રિત ભટકતા આઝાદ યહૂદીઓને એમની 'પવિત્ર ભૂમિ' (ઈઝરાયેલ) અપાવવાનું વચન આપ્યું. અંતે પેલેસ્ટાઈન નામના આરબ મુલ્કને જીતી ('ઈશ્વરી આદેશ' મુજબ એના મૂળ વતનીઓનો સંહાર કરી) ત્યાં યહૂદીઓ વસ્યા. પણ ઈસ્વીસન પૂર્વે હજારો વર્ષો અગાઉ બનેલી આ ક્રૂર ઘટના પછીથી મજબૂત બનેલા બેબિલોન, રોમ, ઈરાન વગેરે સામ્રાજયોએ પેલેસ્ટાઈન ભાંગીને 'પવિત્ર શહેર' હોવા છતાં સહસ્ત્રાબ્દીઓથી અપવિત્ર વિવાદોના નિમિત્ત બનેલા જેરૂસાલેમને કબજે કરેલું. યહૂદીઓ ફરી 'રેફ્યુજી' થયા.
આ જેરુસાલેમ ઉર્ફે 'યેરૂશાલેમ'માં ઇસુ ખ્રિસ્તે શું અને કેવી ક્રાંતિ કરી તેની કથા બહુ પ્રસિદ્ધ છે. ઇસુની હયાતીમાં ખ્રિસ્તી ધર્મ ચર્ચ તરીકે બન્યો ન્હોતો ને એમનો ઉપદેશ ખાસ ફેલાયો નહોતો. પણ યહૂદીઓના હિંસક ઇશ્વર અને કર્મકાંડોની સાપેક્ષે (ઓલ્ડ ટેસ્ટામેન્ટ) ઇસુનો ઉપદેશ વધુ કરૂણામય, શાંતિપ્રિય અને ક્ષમાશીલ (ન્યુ ટેસ્ટામેન્ટ) હતો. માટે બાઇબલનો નવો અવતાર કચડાયેલા- શોષિતો- પીડિતો- દુઃખી ગુલામો માટે ઉપકારક બન્યો. મનુષ્ય જન્મથી જ પાપી છે અને એણે પ્રભુભકિતથી આત્માનું કલ્યાણ કરવાનું છે, એવો ઇસાઇ સિઘ્ધાંત ઇસુના શિષ્યો સંત પીટર અને પોલના પ્રયત્નોથી આમઆદમીમાં લોકપ્રિય બન્યો. પણ રોમન જજની ઈચ્છા વિરુધ્ધ પોતાના પૂજાસ્થાનમાં આવી પશુબલિ અટકાવવા માંગતા ઈસુને વધસ્તંભ પર ચડાવી દેવાની માંગ ધાર્મિક લાગણી દૂભાવાના નામે યહૂદીઓ જ કરતા હતા !
૫મી સદી આવતા સુધીમાં પતન પામીને પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વહેંચાઇ ગયેલા રોમન સામ્રાજયમાં રાજા કરતાં ચર્ચ વધુ મજબૂત બનેલું. એ વખતે મજબૂત બનેલા કલોવિસ અને શાર્લમેન જેવા સમ્રાટોએ ચર્ચનું આધિપત્ય સ્વીકારેલું. પાછળથી 'ફ્રેન્ક' નામે ઓળખાતું- સામ્રાજય ઇટાલી, ફ્રાંસ અને જર્મનીમાં વિભાજીત થયું. એ વખતે સ્લાવ જાતિના રાજયો- આજના ચેકસ્લોવાકિયા, યુગોસ્લાવિયા, પોલેન્ડ, બલ્ગેરિયા, સર્બિયા, ક્રોએશિયા વગેરે બન્યા. આજે ત્યાં નિરંતર ચાલતા ખ્રિસ્તી- મુસ્લીમ સંઘર્ષના મૂળિયા પણ ક્રૂસેડ-જેહાદમાં છે. ખ્રિસ્તી ધર્મ લોકોને વફાદારી, આજ્ઞાપાલન અને સંયમનો નરમ (તમાચો મારે તો બીજો ગાલ ધરવો) ઉપદેશ આપતો હોઇ રાજાઓને ફાવતું મળી ગયું.
રાજા ચર્ચ અને પાદરીઓને રાજી રાખતો અને બદલામાં ચર્ચ પ્રજાને રાજા પ્રત્યે ધાર્મિક શ્રદ્ધા રાખવાનો આદેશ આપતું. ચર્ચના એકાંતવાસીઓના મઠ મજબૂત કિલ્લા જેવો રહેતો- જેમાં બિશપ અને આર્કબિશપનો પડયો બોલ ઝીલાતો. સર્વોચ્ચ ધર્માઘ્યક્ષને પોપનું બિરૂદ મળેલું. શ્રદ્ધાળુઓએ હિંદુ મંદિરોની જેમ અંધશ્રદ્ધાવશ ચર્ચને પુષ્કળ સમૃદ્ધ બનાવેલું. ચર્ચ પણ જાગીરદારોને પોષ્યા. એક તબક્કે તો ચર્ચ દ્વારા ભૂતકાળમાં થયેલા પાપો અને ભવિષ્યમાં થનાર પાપો માટેનો 'પાપમોચન પત્ર' તૈયાર કરીને વેંચવા કાઢેલો! જેમાં દરેક 'પાપ'માંથી ક્ષમા પામવાની રીતસર કિંમત લખાતી! જેવા પાપ, એવા દામ! ચર્ચ વિસ્તારવાદી અને સામ્રાજયવાદી થતું ગયું. 'નાઇટ' તરીકે ઓળખાતા બખ્તરબંધ ઘોડેસવાર સામંતો તેના સિપહસાલાર બન્યા.
એ વખતે પૂર્વ યુરોપમાં પ્રમાણમાં વઘુ 'સંસ્કારી' એવું બાઝેન્ટાઇન સામ્રાજય હતું, જેનું મુખ્ય મથક 'કોન્સ્ટીનટિનોપલ' વિદ્યા અને કળાનું ધામ હતું. ૧૧મી સદીમાં (ઇ.સ. ૧૦૫૪) પશ્ચિમ યુરોપ ચર્ચના 'પોપને પૂર્વ યુરોપ ચર્ચના 'પેટ્રિક' સાથે વાંધો પડયો. બેઉએ એકબીજાને નરકવાસનો શ્રાપ આપ્યો. ચર્ચનું 'કેથોલિક' અને 'ઓર્થોડોકસ' એમ બે ભાગમાં વિભાજન થયું. એ વખતે ધર્મસત્તા જ રાજસત્તા પડદા પાછળથી ચલાવતી. જેમ કે જર્મન રાજા હેનરી ચોથાએ ખેડૂતો પાસેથી વધુ લગાન પોતે વસૂલવા માટે હરીફ બનેલા પોપ ગ્રેગરી સાતમાને પોપ તરીકે બરખાસ્ત કરી દીધો! જવાબમાં પોપે પ્રજામાંના પોતાના અનુયાયીઓને રાજનિષ્ઠાથી મુક્ત કર્યા.
વિદ્રોહથી ડરીને રાજાએ ૩ દિવસ સુધી લાંબો ઝભ્ભો પહેરીને ઉઘાડાપગે પોપના ગઢ 'કેનોસા'ની બહાર માફીના ઇંતેઝારમાં ઉભા રહેવું પડેલું! ચર્ચ પાસે ત્યારે બેસુમાર દોલત, પશુઓ, અનાજથી છલોછલ ગોદામો, શરાબઘરો, મખમલી વસ્ત્રભંડારો, બેનમૂન ભેટો અને કલાકૃતિઓ વગેરે હતાં! પશ્ચિમ યુરોપ પાસેથી ચર્ચ 'ટેન પરસેન્ટ' ધાર્મિક કરવેરો ઉઘરાવતું! પ્રવર્તમાન સામંતશાહીની સેવા એ જ સામાન્યજનનું કર્તવ્ય છે, એમ ઠસાવી પ્રજાને ધીરજથી ઇશ્વરની પ્રાર્થના કરવા પ્રેરીને બળવો દબાવતું! ચર્ચથી બહિષ્કૃત માણસને લૂંટવો આસાન હતો- ચર્ચે નિષ્કાસિત કરેલા પ્રદેશમાં કોઇ લગ્ન ન કરતું, મૃતકોને કબ્રસ્તાનમાં દફનાવી ન શકાતા! ચર્ચ વેપાર અને પક્કડ વધારવા ધર્મપ્રસાર માટે સામંતોને નવી-નવી સરહદો પર તૂટી પડવા માટે પ્રેરતું.
આ સમયે છઠ્ઠી સદીમાં પૂર્વ ભાગમાં આવેલ એશિયામાં મોઝિસ અને ઇસુ પછીનો એક નવો અઘ્યાય શરૂ થયો. હઝરત મહમંદ પયગંબરે પોતાને અલ્લાહન આખરી 'નબી' કહીને જે ઉપદેશ આપ્યો, એ અનેક દાયકાઓ પાછળથી સંચિત થઇને 'કલામ- એ- પાક' કહેવાયો. મહંમદસાહેબ, ઇસ્લામ અને શરિયાનો ભૂતકાળ આપણા માટે વધુ જાણીતો છે. અંદરોઅંદર ઝગડતાં અને મૂર્તિપૂજામાં ગ્રસ્ત અત્યાચારી આરબ કબીલાઓને મહંમદ પયગંબરે એક કરી, એ અરાજક જમાના મુજબ ઘણી વધુ વ્યવસ્થિત નિયમોને આધીન જીવનશૈલી ઘડી આપી. ઇસ્લામમાં રાજસત્તા પર ધર્મસત્તાનો પ્રશ્ન જ નહોતો. અહીં તો ધર્મગુરૂ એ જ શાસક હતો.
મહંમદ સાહેબના ઉત્તરાધિકારીઓ 'ખલીફા' પદ ધારણ કરી શાસન કરતાં. મહંમદ પયગંબરની હયાતીમાં જ સીરીયા, ઇરાન, ઇજીપ્ત પર ઇસ્લામ ફેલાઇ ગયો. કુરાનમાં સમાનતા, દયા, મદદગારી, વફાદારી વગેરેની અઢળક અદ્દભુત બાબતો છે. પણ ઇસ્લામ ન પાળનાર વિધર્મી 'કાફિરો' સામે હત્યા સુધીની મૃત્યુપર્યંંત જેહાદ જગાવવાથી કયામતમાં જન્નત મળે છે- એવો કુપ્રચાર પણ સ્પષ્ટ છે. એ વખતે મુસ્લિમો હિંદુઓને તો ઓળખતાં જ નહીં, પણ અન્ય વિધર્મી (ખ્રિસ્તી, યહૂદી, આરબ કબીલા વિગેરે)ઓને કયાંક- કયાંક સાથે લઇને ચાલવાના છૂટાછવાયા ઉલ્લેખો છે. છતાં પ્રધાનસૂર તો યેનકેન પ્રકારેણ તલવારના જોરે ઇસ્લામની સ્થાપનાનો હતો. કદાચ અંધાઘુંધીની સાંપ્રત પરિસ્થિતિમાં આ આદેશે લોખંડી શિસ્ત સ્થાપિત કરી. શાયદ ત્યારે અંદાજ નહીં હોય કે આ ધર્મ તો
જગતભરમાં ફેલાતો જશે અને 'જેહાદ'ના અર્થનો અનર્થ કરી સઘળે ત્રાસવાદનું ભસ્માસુરી તોફાન મચાવશે!
ઇ.સ. ૧૦૫૮ની સાલ સુધીમાં તો ઇસ્લામ ઝનૂનપૂર્વકની જોર જબરદસ્તીથી અને ઓર્ડર યાને અનુશાસનની એકતાથી સિંધ, બલુચીસ્તાન, તુર્કસ્તાન, ઇરાક, આર્મેનિયા, સીરિયા, પેલેસ્ટાઇન, સાયપ્રસ, ઇજીપ્ત અને સમગ્ર ઉત્તર આફ્રિકામાં છવાઇ ગયો હતો. આ પ્રચંડ વિજયકૂચ એવી ઘાતકી હતી કે જે તે પ્રદેશમાં એ અગાઉ વ્યાપ્ત જૂના ધર્મનું આજની તારીખે પણ નામનિશાન જોવા ન મળે. કયાંક પિરામીડો સલામત રહ્યા એ નસીબ, બાકી સઘળે કલાત્મક પરધર્મી પ્રતીકો કે વિચારોનો અંજામ બામિયાનની અફઘાની બુદ્ધપ્રતિમા માફક આવ્યો! અલ્લાહ માટે નરસંહાર કે કતલ પણ પાપ નહીં, ઇબાદત છે- એવું ખુદાના નામે ખુદની જન્નતનું રિઝર્વેશન કરાવવા મથતા ઘણા (ના)પાક બંદાઓ આજે ય માને છે, અને 'માનવ બોમ્બ' હસતાં હસતાં બની જાય છે!
ઇસ્લામમાં પણ આંતરિક વિગ્રહ થયો. પણ મહંમદસાહેબે કુરાનના આદેશોમાં ફેરફારના દરવાજા જ ભીડી દીધેલા. આદમ અને ઇવ (હવ્વા)ના વંશજોનો યહૂદી અને ખ્રિસ્તી પછીનો આ ત્રીજો ફાંટો એના જન્મ સમયમાં જ કાયમ માટે ફ્રીઝ થઇ ગયો. વહેતી નદી મટી હિમશિલા બની ગયો! આ અલ્લાહના નામે ખાઉમેની જેવા મુલ્લાઓની જડબેસલાક આપખુદીએ તેને આજે પ્રગટ થતાં તમામ અપલક્ષણો આપ્યા, તો આજ દિન સુધી એને બચાવતી સજજડ એકતા અને તાકાત પણ બક્ષી! અમેરિકા કે ઇઝરાયેલમાં કંઈક અજુગતું થાય કે ઘણા મુસ્લિમો એને માલિકનો ચમત્કાર જ ગણે છે. એમના મતે ખુદાના કરિશ્માઇ કહર વિના આવું બને ખરૂ?!
આખિર વહી હુઆ જો હોના હી થા! એક બાજુ યુરોપનું ચર્ચ તેની સરહદો વધારતું હતું, તો બીજી બાજુ એશિયાનો ઇસ્લામ! અંતે બંને સામ્રાજયવાદી ધર્મો જાણે જંગલમાં શિંગડે શિંગડા ભરાવી પેંતરા ભરતા આખલાઓની જેમ ટકરાયા. બંનેમાં પોતપોતાના ધર્મના રંગમાં જગત ઝબોળી દેવાના કોડની હોડ હતી! બેઉ વળી એ ધર્મપરિવર્તનને જનહિતમાં જારી સેવા માનતા હતા કે અન્ય ધર્મોને છેલ્લે જે ક્યામત કે જ્જમેન્ટ ડે માં સ્થાન નહિ મળે તો રઝળી પડશે. એના કરતા વેળાસર સ્વર્ગનું બુકિંગ એમની જ બ્રાન્ચમાં કરાવી લે !
ધર્મના મામલે બેઉના અનેક આગેવાનો વિઘ્વંસક હતાં. ઇ.સ. ૧૦૯૫માં પહેલી 'ક્રૂસેડ'નો પોપની હાકલથી પ્રારંભ થયો, જેમાં ખ્રિસ્તી લડવૈયાઓએ લાલ ક્રોસ ભરાવી લડવાનું હતું. યેરૂશાલેમના ખ્રિસ્તી ચર્ચને ખલીફા અલ હકીમે તોડેલું, તેના બદલારૂપે જ્યોફરીની આગેવાની હેઠળ લડાયેલ આ લોહિયાળ યુદ્ધમાં યેરૂશાલેમ જીતીને ૭૦,૦૦૦ મુસ્લિમોની કતલ કરવામાં આવી. તરત જ પરાજીત મુસ્લિમોએ 'જેહાદ' શરૂ કરી. બંને પક્ષે યુદ્ધના શહીદો પાપમુકત થઇ સ્વર્ગે સીધાવશે એવી અપીલો થઇ. ત્રીજા ધર્મયુઘ્ધમાં સલાદ્દીન નામના મુસ્લીમે સંખ્યાબંધ ખ્રીસ્તીઓને ગુલામ બનાવ્યા. આઠથી નવ મુખ્ય ધર્મયુદ્ધો લડાયા, જેનો ઇતિહાસ ભારે રોચક છે.
જેમ કે ૧૨મી સદીના પોપ ઇનોસન્ટ ત્રીજાએ દક્ષિણી ફ્રાંસ પર લૂંટ ચલાવતું ધર્મયુદ્ધ લડયું, ત્યારે ૨૦,૦૦૦ વિધર્મીઓ કેદ પકડાયા. એમાં કેથોલિક અને બિનકેથોલિક કોણ એવો ન્યાય કેમ કરવો, એ સવાલ સામે આવ્યો, ત્યારે એ ઇનોસંટ નામધારી પોપે ન કરતા અવળા અવગુણ રાખી ફરમાવ્યું: 'બધાને મારી નાખો, ઇશ્વર આપમેળે એમને અલગ અલગ કરી લેશે!' એ જ રીતે ચોથા ધર્મયુદ્ધમાં કોન્સ્ટીનટિનોપલની અદ્દભૂત ઇમારતો, દેવળો, ચિત્રો, પુસ્તકો વગેરેના વારસાને સ્વયં ખ્રિસ્તીઓએ જ સમાપ્ત કર્યો!
એક ધર્મયુઘ્ધમાં કિશોર વયના ખ્રિસ્તી યોઘ્ધાઓ નીકળેલા જે લડતા પહેલા વહાણમાં ગુલામ બની ગયા! સામે પક્ષે ઇસ્લામી જેહાદીઓએ 'મુસલમાન યા મૌત'નો ધારો અપનાવી કાળોકેર વર્તાવેલો. અન્ય ધર્મસ્થાનકોના સ્થાને મસ્જીદો બની ગઈ. બળાત્કાર, બર્બર યંત્રણાઓ પછી કતલ, સમૃદ્ધિની લૂંટ અને વિધર્મી પ્રતીકોના નાશનો હાહાકાર મચી ગયો. યેરૂશાલેમ યહૂદી, ખ્રિસ્તી અને ઈસ્લામની ખેંચતાણમાં હજુ ગુંચવાયેલું છે!
૧૩મી સદીમાં નવ મુખ્ય ક્રૂસેડ વર્સીસ જેહાદના સિલસિલા પછી આ (અ)ધર્મયુદ્ધો બંધ થયા. અંતિમ સફળતા ઇસ્લામને મળીં! યુરોપના કંઇક રાજાઓ- સામંતો વેરવિખેર થઇ ગયા. પ્રારંભિક વિજય છતાં અંતે ખ્રિસ્તીઓએ પૂર્વના પ્રદેશો છોડી ભાગવું પડયું. જગત પૂર્વ અને પશ્ચિમ એ બે ભાગમાં વહેંચાયું. ખ્રિસ્તી સામ્રાજયો આજની તારીખ સુધીમાં પણ કદી પૂર્વના કોઇ પ્રદેશ પર પોતાનું આધિપત્ય ન જમાવી શકયા. ખ્રિસ્તી ધર્મને એશિયા- આફ્રિકામાં પ્રવેશતો ત્યારે ઇસ્લામે રોકયો, તો ઇસ્લામને ત્યારે યુરોપ- અમેરિકામાં પ્રવેશતો ખ્રિસ્તીઓએ રોકયો! આ ગોડમાંથી ગોલ્ડ મેળવવા તરફ પલટાઈ ગયેલા ધર્મયુદ્ધો પછી ધીરે- ધીરે ચર્ચ સુધારાવાદી બન્યું. રાષ્ટ્રો ધર્મનિરપેક્ષ (સેક્યુલર) બન્યા. પશ્ચિમની જંગલી જેવી પ્રજાએ શિક્ષણ, વિજ્ઞાન, તાલિમ, સંસ્કાર, રીતભાત, કળા, સંગીત વગેરેના પ્રાથમિક પાઠ આરબો પાસેથી લીધા, પણ પછી જાતમહેનતે આ બધી વાતોમાં તેમને 'ઓવરટેઇક' કર્યા! તો પેટ્રોલના પ્રતાપે ઘણા આરબો આધુનિક થયા. શિક્ષણ ને વિજ્ઞાન પશ્ચિમનું લેવું પડયું કારણ કે ઇસ્લામિક દેશોમાં ધાર્મિક કારણોથી એના વિકાસ પર પર્શિયન ને ઓટોમન સામ્રાજ્યના સુવર્ણયુગ બાદ બ્રેક લાગી ગઈ !
બેઉ ધર્મો સહોદર (એક ઉદર યાને યહૂદી મૂળના પેટે જન્મેલા ) હોવા છતાં સાવ અલગ. ખ્રિસ્તી ધર્મમાં બ્રહ્મચર્યનો મહિમા ને શરાબ પ્રસાદી. તો ઇસ્લામમાં બ્રહ્મચર્યનું સ્થાન જ નહીં ને શરાબ હરામ ! યહૂદીઓ વળી ખ્રિસ્તી ઇસ્લામ બેઉમાં જેની મનાઈ હતી એ વ્યાજના ધંધે ચડયા. એમાં સમૃધ્ધ થયા એટલે તરત અળખામણા થયા ! શેક્સપિયરના પેલા મર્ચન્ટ ઓફ વેનિસ નાટકમાં પણ શાયોક યહૂદી વિલન છે ને હિટલરે પણ એમ જ કાળો કેર વર્તાવ્યો. પણ દરબારી પદવી ધરાવતા ગ્લોબલ શરાફ યહૂદીઓ પૈસા ખર્ચીને ઇઝરાયેલ બનાવીને રહ્યા ભગવાનની પ્રોમિસ મુજબની જમીન સમજીને જ્યાં મરવાથી પણ એમની આસ્થા મુજબ મોક્ષ મળે ! ને એ જ રૂપિયાના જોરે યુરોપ અમેરિકામાં છવાયેલા છે. એટલે આ ગજગ્રાહમાં ક્રૂસેડ ઓઈલ કે વેપન્સ જેવા કે ગ્લોબલ ટ્રેડ'માં ફેરવાઇ તો અને જેહાદ હમાસ કે લશ્કરે તૈયબા જેવા 'ટેરરીઝમ'માં! સત્તા ટકાવવા વેપાર કરતા ને માસૂમોના સંહાર કરતા બધા પક્ષે અધર્મ હોઇ સરવાળે 'યતો ધર્મ, તતો જય'ના ન્યાયે કદાચ ત્રણે હારશે અને સરવાળે આખી દુનિયાને લઇ ડૂબશે! કારણ કે સાચો ધર્મ નફરતથી નહીં, મહોબ્બતથી જ રચાય છે !
ફાસ્ટ ફોરવર્ડ :
'હે અમેરિકાન શાસકો, તમે ઇરાક પર કેમ બોમ્બ ફેંક્યા ?'
'એની પાસે ઘાતક પરમાણુ હથિયારો હોવાની શક્યતા હતી.'
'સીરિયા પર?'
'એ જ કારણથી.'
'ઈરાન પર?'
'વિનાશક પરમાણુશસ્ત્રો હોવાની શક્યતાને લીધે જ.'
'પણ તો પછી રશિયા, ચીન કે ઉત્તર કોરિયા પર કાં હુમલા ના કર્યા?'
'કારણ કે એમની પાસે તો પરમાણુશસ્ત્રો છે જ!'
ખીખીખી.