Get The App

એ.આઇ.માં કૃત્રિમ હૃદય ન ઉમેરી શકાય?

Updated: Jun 29th, 2025

GS TEAM

Google News
Google News
એ.આઇ.માં કૃત્રિમ હૃદય ન ઉમેરી શકાય? 1 - image


- ટેક્નોલોજી  લાખો આઇન્સ્ટાઇન જેટલી બુદ્ધિ બનાવી શકશે પણ લાખો બુદ્ધ સમાવી શકાય તેવું કૃત્રિમ હૃદય વિકસાવી શકે ખરા?

- હોરાઈઝન-ભવેન કચ્છી

- આઇ.ક્યુ.ને જ મહત્વ આપતો સમાજ નર્યો સ્વાર્થી પુરવાર થયો તે પછી ઈ.ક્યુ., એસ.ક્યુ.અને એ.ક્યુ. જેવા આંક ઉમેરાયા જેથી વિશ્વ જીવવા લાયક બને..એ.આઇ.માં આવો કોઈ સ્કોપ ખરો?

આ ર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એ.આઇ.) વર્તમાન વિશ્વનો સૌથી વધુ ચર્ચાતો વિષય છે. તેમાં ખોટું પણ નથી

હોવો જ જોઈએ કેમ કે ભાવિ વિશ્વનું જનજીવન, રોજગારી, જીવન ધોરણ, અર્થતંત્ર બધું તેના હસ્તક જ રહેશે. વિશ્વની તમામ ટોચની કંપનીઓ જ નહીં વિશ્વના દેશોની એકબીજા પર સરસાઇ પણ એ.આઇ.જ નક્કી કરશે.

એ.આઇ. વ્યાપક બેરોજગારી તો સર્જશે જ પણ વિશ્વમાં જે રીતે અમેરિકા, ઇઝરાયેલ, પશ્ચિમના દેશોની એક ધરી તો સામે પક્ષે મુસ્લિમ દેશો, રશિયા અને ચીનનો મોરચો મંડાઈ ચૂક્યો છે ત્યારે હાલ ભલે સંધિના સૂર સંભળાતા પણ ભારેલો અગ્નિ જેવી સ્થિતિ નિર્માણ પામી ચૂકી છે તેમ કહેવું ખોટું નથી.સૌથી ડરામણી વાત એ છે કે હવે એ. આઇ. ખતરનાક શસ્ત્રો, રાસાયણિક શસ્ત્રો, પરમાણુ શસ્ત્રો અને ફાઇટર વિમાનો, મિસાઈલ વગેરે બનાવવાની રેસીપી અને ડિઝાઇન પૂરી પાડવા માટે પણ કાબેલ પુરવાર થાય તે પ્રકારના ગુપ્ત સંશોધનો થઈ રહ્યા છે. અમેરિકા અને ચીન એ.આઇ. 'વોરફેર' અને   'વેપન'માં જે રીતે કાર્યરત છે તે માનવજગતના અસ્તિત્વ પર ખતરાની ઘંટડી સમાન છે. એ.આઇ. માનવજાત માટે આશીર્વાદ સમાન પણ પુરવાર થશે જ પણ તેની કૃત્રિમ બુદ્ધિ આખરે તો માણસના હવાલે જ હશે તેથી તેનો ગુનાખોરી અને અરાજકતા ફેલાવવા માટે વધુ ઉપયોગ થાય તેવું જોખમ છે.

અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલ  સિલીકોન વેલીના ટોચના ટેકનોક્રેટસ કે જેમાંના કેટલાક એ.આઇ. સંશોધનો થકી વિશ્વની દશા અને દિશા નક્કી કરવાના છે તેઓને સંબોધતા મિલ્પીટાસ બી.એ.પીએસ. મંદિરમાં બ્રહ્મવિહારી સ્વામીએ એક વિચારપ્રેરક અને  ટેકનોક્રેટસને ઢંઢોળી મૂકતો મુદ્દો છેડયો હતો કે  'તમારા જેવા ટેકનોક્રેટસ ગૌરવ સાથે સિદ્ધિ વર્ણવતા કહે છે કે નજીકના ભાવિમાં  એ.આઇ.માં એ હદની તાકાત હશે કે તેમાં લાખો આઈન્સ્ટાઈન જેવા જીનીયસ જેટલી બુદ્ધિ હશે. પણ હું તમને અને આવા વિશ્વ સર્જવા માટે ગૌરવ લેનાર સૌને પૂછું છું કે શું તમે લોકો લાખો ગૌતમ બુદ્ધ સમાઈ જાય તેવું કૃત્રિમ હૃદય  ટેક્નોલોજીથી સર્જી ન શકો?'

કેટલી અદભૂત વાત છે. આપણને ખબર જ છે કે એ.આઇ.નો ઉપયોગ અમેરિકા, યુરોપ, રશિયા અને ચીન જેવા મૂડીવાદી દેશો વિશ્વના અન્ય ૧૭૫થી વધુ દેશોને ગુલામ જેવા બનાવી દેવાના આશયથી જ કરવાના છે.  કોર્પોરેટ જગત મહદ્અંશે નફો વધારવા અને કર્મચારીઓની હકાલપટ્ટી કરવા માટે  જ એ.આઇ.માં અગ્રેસર રહેવા માંગે છે.

કેટલાયે સેક્ટરોને એ.આઇ. ધરાશયી કરી દેશે.ઉપર જણાવ્યા મુજબ વિનાશક યુદ્ધ ખેલાશે તે જુદું.

આપણે આજે એ.આઇ.ની વાત નથી છેડવા માંગતા પણ વિશ્વ શા માટે હંમેશા બુદ્ધિ કૌશલ્ય પછી તે કુદરતી રીતે કે કૃત્રિમ તરીકાથી વધે તેને જ માનવજગત ૨૧મી સદીમાં પ્રવેશ્યો અને અત્યંત આધુનિક બન્યો તેનો માપદંડ ગણે છે તે અંગે વિચારવાનો છે.

એ.આઇ. નહોતું ત્યારે દાયકાઓ સુધી આઇ. કયુ. વધારવા માટે જ આપણે કેન્દ્રિત રહ્યા અને તેને લીધે અભ્યાસમાં એક એક માર્કથી આગળ રહેવાની નકારાત્મક હરીફાઈનો યુગ આપણે જોયો. બુદ્ધિમતા અને કારકિર્દીની સફળતાના આધારે વ્યક્તિનું મૂલ્યાંકન થતું રહ્યું. વાલીઓ પણ સંતાન પરીક્ષામાં અવ્વલ રહે તે જ માપદંડ રાખતા થયા. આઇ. કયુ. વધારવા માટેના વર્ગ, યાદશક્તિ વધારવાનો રીતસર વેપાર થવા માંડયો. કાં બુધ્ધિવાન બનો બાકી સમાજની નજરે  બુધ્ધુ બનીને જીવન પૂર્ણ કરો.. બુધ્ધ બનવાની તો કોઈને પરવા જ નહોતી.

વધુ આઇ. ક્યુ. ધરાવતી વ્યક્તિ તેનો કઈ રીતે ઉપયોગ કરે છે તે આખરે સમાજ કે દેશ માટે મહત્વનું હોય છે. આવી વ્યક્તિમાં પ્રામાણિકતા, સંવેદનશીલતા કે લાગણી છે કે નહીં તે જોવાતું જ નહોતું. ભ્રષ્ટ રાજકારણી, ચાલક વેપારી કે ઉદ્યોગપતિ, તબીબ, વકીલ અને કોઈપણ વ્યવસાયીનો આઇ. કયુ. સારો હોવાનો પણ તે જો ઉમદા વ્યક્તિ ન હોય તો સમાજને વધુ કલુષિત બનાવશે. માત્ર શિક્ષણ અને ચાલાકી પર ભાર મૂકવાના પરિણામ આપણે જોયા. શ્રીમંત ગમે તે રીતે બન્યા હો પણ સમાજ તો તેનાથી પ્રભાવિત થયો.આ  જ કારણે આઇ. ક્યુ. ધરાવનારા શોર્ટ કટથી પૈસો કમાવવા પ્રેરાયા કેમ કે બુદ્ધિ તો હતી. ભેજાબાજ ગુનેગારો વધ્યા. આવા પરિણામ ભારતમાં જ નહીં વિશ્વએ પણ ભોગવ્યા અને બહેતર દુનિયા બનાવવા માટે સમાજશાસ્ત્રીઓ અને મનોવિજ્ઞાનીઓએ  જન્મ આપ્યો ઇ.ક્યુ.ને. એટલે કે ઇમોશન આંકને. ઇમોશનનો અર્થ લાગણી કે સંવેદનાની રીતે લઈ શકાય.

આઇ. ક્યુ.ગમે તેવો ઊંચો હોય. શિક્ષણ અને કારકિર્દી તેમજ શ્રીમંતાઈ ગમે તેટલી હોય પણ જો તે વ્યક્તિમાં ઈ. કયુ.ઊંચો નહીં હોય, લાગણી પ્રધાન પ્રકૃતિ નહીં હોય તો સમાજ ભૌતિક રીતે આગળ પડતો હશે પણ માનવીના જીવન સલામત નહીં હોય. ક્યાંય ઉદારતા, અનુકંપા પણ જોવા નહીં મળે. આથી જ લાગણીશીલ બનવાનો પ્રચાર વ્યાપક બન્યો. ભૂલાતી ગયેલી કેળવણી અને વૈદિક જ્ઞાનનું મહત્વ વધતું ગયું.

હજુ વાત આટલેથી નથી અટકી. સમાજશાસ્ત્રીઓ અને મનોવિજ્ઞાનીઓને ટેકનોક્રેટસ કરતા વિશ્વની ચિંતા વધુ હોય તેમ લાગે છે.,આઇ. ક્યુ, ઈ. ક્યુ.પછી લાગ્યું કે એ બંને હોય પણ તે કુટુંબના વિકાસ પૂરતી જ સીમિત રહે તે યોગ્ય નથી આથી સોશિયલ કોશન( એસ. ક્યુ.) નો ઉમેરો થયો.વ્યક્તિનું સર્વાંગી સુખ બહેતર સમાજને આધિન છે. સમાજમાં જ વ્યક્તિ કે પરિવાર આવી જાય છે તેથી સમાજને સ્વસ્થ અને દિવ્ય સુખ આપે તેવો બનાવવાનો છે. લાગણી અને સંવેદનાનું વર્તુળ સમાજ સુધી વિસ્તારવાનું છે.એક એસ. કયુ. (સ્પિરીચ્યુઅલ આંક) આધ્યાત્મિક રીતે વ્યક્તિનું સ્તર ઊંચું હોય તે પણ ઉમેરાયો છે.

હજુ એક ઉમેરો એ. ક્યુ.નો થયો એટલે કે વિપરીત સંજોગોમાં પોતે, પરિવારને,સમાજને બેઠો કરવાની ક્ષમતા. વિપરીતનો અંગ્રેજી અર્થ 'એડવર્સ' થાય એટલે એ. ક્યુ.

ઊંચો આઇ. ક્યુ. ધરાવનાર પણ  નજીવા આઘાતમાં ડિપ્રેશન કે તનાવમાં સરકી જાય તેવું બનતું જ હોય છે. પોતે આત્મવિશ્વાસ વિહિન હોય તો પરિવાર પણ તૂટી પડે. આવી વ્યક્તિ તેની કે પરિવારની આફત કે આઘાતની વેળાએ તૂટી પણ પડે. સમાજ પર પણ કુદરતી કે માનવ સર્જિત આપત્તિ આવે ત્યારે વ્યક્તિ કે વ્યક્તિ સમૂહ પાસે વિપરીત સંજોગો સામે લડી લેવાનું અને બેઠા થવાનું મનોબળ હોવું જરૂરી છે.

હજુ આગળ પ્રગતિ થઈ. વ્યક્તિમાં કળા, સંગીત, સર્જનાત્મકતા, સાહિત્ય પ્રત્યે રુચિ હોવી તે ગુણ પણ ઉમેરાય તેથી કલ્ચરલ આંક ( સી.ક્યુ) પણ ઉમેરાયો છે. આપણે સામાજિક પ્રાણી હોઈએ તે જ પૂરતું નથી પણ સભ્ય, સુસંસ્કૃત અને રસ રુચિ ધરાવનાર હોઈએ જીવન ગુણવત્તાસભર બને.

માનવીની બુધ્ધિ વારસાગત હોય છે પણ કેળવણીથી તેનો અમુક હદ સુધી વિકાસ થઈ શકે છે તેમ છેક ૧૮૦૦ના દાયકામાં સર ફ્રાન્સિસ ગાલ્ટને વિસ્તૃત અભ્યાસ કરીને પેપર્સ રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે બુદ્ધિનું સ્તર માપી પણ શકાય છે.

તે પછી છેક ૧૯૦૪માં ફ્રાન્સના મનોવિજ્ઞાની આલ્ફ્રેડ બાઈનેટ અને તેના સાથી થીઓડોર સાઈમોને  આઈ. ક્યુ ટેસ્ટની પદ્ધતિ શાળાના બાળકો માટે  વિકસાવી હતી. આઇ.ક્યુ.માપવાની પદ્ધતિ વધતા આઇ.ક્યુ સાથે સતત બદલાતી રહી છે.

વિશ્વએ લગભગ આઇ.ક્યુ.વધારવા પર જ બીજા ૮૦ વર્ષ ભાર મૂક્યો તે પછી મનોવિજ્ઞાનીઓને લાગ્યું કે ચતુરાઈ અને માત્ર બુદ્ધિ કૌશલ્યથી વિશ્વ ઉમદા નહીં બને અન્ય ગુણો પણ હોવા જોઈએ. આમ કેટલાક આંક ઉમેરાયા.હવે તેમાં એક મહત્વનો આંક ડિજિટલ પણ છેલ્લા પાંચેક વર્ષમાં પ્રચલિત થયો છે. ડી.ક્યુ. નું મહત્વ તે રીતે છે કે ૨૧મી સદીમાં માત્ર શારીરિક,  માનસિક કે લાગણી તંત્રની રીતે ફીટ હોવ તે નહીં ચાલે તમારે ડિજિટલ સાક્ષરતા પણ મેળવવી પડશે એટલું જ નહીં સોશિયલ મીડિયાનો તંદુરસ્ત સમાજ બની રહે તેમ ઉપયોગ કરવાનો છે. ડિજિટલ પ્રભુત્વ હોય પણ સાયબર ફ્રોડ અને હેકિંગ કરીએ કે પછી વૈમનસ્ય ઊભુ થાય તેવું વાતાવરણ ખડું કરીએ તો પતન થઈ શકે છે.

આમ બુદ્ધિમત્તાના  આંક હોવા પછી પણ અવનવા આંક ઉમેરીને વિશ્વને લાગણીસભર, સામાજિક, આધ્યાત્મિક, માનસિક રીતે સ્વસ્થ તેમજ વિપરીત સંજોગોમાં ટકી રહે તેવા  સમાજના મિજાજ પર ભાર મૂકી તે માટેના આંક વધુ રહે તે માટેનું વાતાવરણ ખડું કરાયું છે.

હવે આપણે જે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની વાત કરીએ છીએ તેમાં તો માત્ર કૃત્રિમ બુદ્ધિમતા  જ લાખો આઇન્સ્ટાઇન જેટલી થવા તરફની દિશા છે. આવી વિરાટ માત્રાની બુદ્ધિ  ભારોભાર અસમતુલા, શોષણખોર અને સંવેદનાવિહીન વિશ્વ ઊભું કરી શકે. જે રીતે આઈ. ક્યુ. પછી અન્ય આંકો પણ વિકસાવાયા અને સમાજને સુખદ બનાવવાની શુભ ભાવના ઉમેરાઈ તેમ એ.આઇ.માં એવી કોઈ ટેક્નોલોજીનો પણ ઉમેરો કરવો જ રહ્યો કે તે જે પણ નિર્ણય લે,વાતાવરણને અને વિશ્વને જન્મ આપે તેમાં હૃદય, સંવેદના,સમાજ પ્રત્યેની નિસબત અને પરિવારને બેઠા કરવાની ભાવના ઉમેરે.એ.આઇ.ની જેમ એ. ઇ.એટલે કે આર્ટિફિશ્યલ ઇમોશન, આર્ટિફિશિયલ સ્પિરિચ્યુલિટી , આર્ટિફિશિયલ સોશિયલ કન્સર્ન જેવા પાસા ઉમેરાય. 

બુદ્ધિ અને હૃદયનો સુમેળ જ સમયની માંગ છે. ધારે તો વિજ્ઞાન સમતોલ વિશ્વ બનાવી જ શકે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સને જે પણ કામ સોંપવામાં આવે તેનો જવાબ તે જગત અને માનવ હિતમાં આપે તેવી ટેક્નોલોજી વિકસાવવી જરૂરી છે.જુદા જુદા આર્ટિફિશ્યલ કોશન (એ. ક્યુ.) તરફ વિચારવા જેવું ખરું.

જ્ઞાનપોસ્ટ

Intelligence is not measured by how much you know, but by how much you have the capacity to learn."   - Francesca Zappia

(કેટલું જાણો છો તેના આધારે  બુદ્ધિશાળી છો તે નક્કી ન કરી શકાય,પણ નવું શીખવાની તમારી ક્ષમતા કેટલી છે તેના આધારે તે જાણી શકાય.)

Tags :