Get The App

મૃત્યુની મહાસત્તા .

Updated: Jun 28th, 2025

GS TEAM

Google News
Google News
મૃત્યુની મહાસત્તા                           . 1 - image


- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ

- મૃત્યુ એ મોટો રાજા છે. એની પાસે મહાસત્તા છે એની સત્તા ક્યારેય શિથિલ થઈ નથી. એને કોઈ પરાસ્ત કરી શક્યું નથી

શ હેરના એક મોટા મેદાનના ખૂણે ઊભેલો એક મોટો વડ કેટકેટલાં પંખીડાંનો આશરો હતો. એ પંખીડાંએ એની ડાળે માળા જ કર્યા ન્હોતા, આખી જિંદગી ગાળી છે. એના જ છાંયે કેટકેટલા પથિકોએ થાક ઉતાર્યો છે. એ વડની નીચેથી રોજ પસાર થતાં, ફરનારાઓ એને પગે લાગ્યો છે હાથ જોડયો છે કોઈકે એના થડમાં દીવો મેલ્યો છે એ વડને ફૂટેલી વડવાઈઓમાંથી પણ કેટકેટલા વડ થયા છે! એ વડની ડાળે કેટકેટલાં બાળકો ઝુલ્યાં છે! એ વડની નીચે કેટકેટલી પેઢીનાં બાળકોનું બાળપણ રમતો રમ્યું છે! એ વડના લાલઘુમ્મ ટેટાને ફોડીને ધ્યાનથી જોયાં છે. કેટકેટલા સજીવો એમાં સમાવિષ્ટ! એટલે આમ જોઈએ તો એ વડના આધારે, વડને સહારે કેટકેટલા સજીવોએ વિહાર કરેલો! કેટકેટલા જીવોનો આશરો હતો એ વડ! એ વડ ચેતનાની કેટકેટલી ભૂમિકાઓમાં શ્વાસી રહ્યો હતો! એ વડ કેવળ કુદરતી છાંયો જ નહિ, જીવતી જાગતી સંવેદના પણ હતો, એના સાનિધ્યમાં પ્રેમી પાત્રોનો પ્રેમ પાંગર્યો છે. એની હાજરીમાં શહેરની સીમાઓ વિસ્તરીએ એની સંવેદના પણ કેટલી બધી! વાંદરો એની ઉપર કૂદાકૂદ કરે એટલે એ પણ ખુશ થતો, એની ડાળ પરનાં પાના ફૂટે તૂટે ત્યારે પણ એ ખુશ થયો છે. આ રાજીપો વડનો છે. વડને વાંસે હાથ ફેરવતાં પ્રેમી પાત્રોની વ્યથા એ જાણી છે વડની નીચે પોરો ખાતાં, પોતાની જિંદગીનો થાક ઉતારતાં વૃદ્ધોની વ્યથાને પણ એ જાણે છે. 

ઓચિંતા એક દિવસ સવારે જોયું તો એ વડ ઉપર વીજળી ત્રાટકી. વીજ એકાએક પડતાં એ આખો સુકાઈ ગયેલો. પંખીઓ પણ સ્વાહા  થઈ ગયાં. માળા પણ વિખરાઈ ગયા હતા. લોકો ત્યાં ઊભા રહી આંસુથી અભિષેક કરી ચાલ્યા જતા હતા. એકદમ અચાનક શું થયું? રાતોરાત વીજળી પડી? હાય હાય! કુદરતે પ્રકોપ કર્યો. ઝાડ સળગી ગયું. ઓરતા સળગ્યા. સંવેદનાઓ ગઈ. મૃત્યુ એ કેવો પંજો ફેલાવ્યો. વૃક્ષત્વ વિલિન થયું. 

એવી રીતે અમદાવાદમાં એક વિમાન તૂટી પડયું. સામુહિક મોતની જ્વાળાઓએ અઢીસો કરતાંય વધારે નિર્દોષ જીવોને સમૂહમાં ભરખી લીધા. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો.

ક્યાંક પતિ ગયો, ક્યાંક પત્ની ગઈ, કોઈનાં બાળકો ગયાં, કોઈના મામા ગયા, કોઈના કાકા ગયા, કોઈની મામી ગઈ, કોઈના દાદા ગયા, કોઈની દાદી ગઈ, કોઈનો દુલારો ગયો કોઈની પ્રેમિકા ગઈ... જીવનની ક્ષણભંગુરતાનો પરિચય થયોં. સમયની ભંગુરતાનો, સગપણની ભંગુરતાનો ખ્યાલ આવ્યો. સંવેદનાને એક મોટો ઘસરકો પડયો. કુદરતમાંથી વિશ્વાસ ઊઠી જાય એવી સ્થિતિ નિર્માણ થઈ. ઇશ્વરમાંથી શ્રદ્ધા વિચલિત થાય એવી આ કરૂણ ઘટનાએ આપણને હતપ્રભ કરી દીધા છે. આપણી સઘળી માન્યતાઓ, ઇશ્વરની વ્યવસ્થા વિશે આપણને સાશંક થવાની ફરજ પડી છે. વિમાનમાં બેઠેલા તો વિમાનની ખરાબીનો ભોગ બન્યા પણ જે લોકો આવતી કાલના ડૉક્ટરો છે, જે જમી રહ્યા છે જેમના ભાણામાં કોળિયો છે એ કયા કારણે ઝૂંટવી લીધો? એ ડૉક્ટરોનો કયો ગુનો? ખાખ થતી જિંદગીઓ વચ્ચે એક જિંદગી બચી ગઈ. વળી તેને શું કહીશું?

ઘડીભર થાય કે સગાઈ-સગપણ, મારું-તારું બધું જ ક્ષણભંગુર છે. વ્યવસ્થા ટકાવી રાખવાના માણસે ઊભા કરેલા આધારો છે માત્ર. નહિ તો એ જડબેસલાક વ્યવસ્થા આમ કડડભૂસ થઈ જાય ખરી? સમજણ ટૂંકી પડે છે કે વ્યવસ્થા અંગે શંકા પડે છે! એક તરફ ઈશ્વરની યોજના છે. આવી ઘટનાઓથી એની યોજના સમજાતી નથી. સંકુલ છે આ વ્યવસ્થા ભેદી છે આ મહાકાળનો કારસો!! કઈ લેવડદેવડનો હિસાબ હશે આ મોત? કોણ મોટું જીવન કે મોત? કોઈ એક વ્યક્તિ ચમત્કારપૂર્વક બચી ગયા એ આશ્ચર્યકારક ઘટના છે.

સજીવ વૃક્ષો-પંખીડા તથા જીવતાં માણસો ભડથુ થઈ જાય એ ઘટના સંવેદનાને ઘસરકો પાડી જનારી છે. આપણી સમજ બહારની આ ઘટનાને મહાકાળની તરાપ સિવાય બીજું શું કહીએ? મહાકાળની પ્રકૃતિ જરા નોખી છે. એની પાસે કેવળ શક્તિ છે - બળ છે. તેનામાં વિનાશ વેરવાની ઉત્કટતા છે. એ વેગવાન છે. ગતિશીલ છે ભયાનક છે. મહાકાળની શક્તિ નિષ્કરૂણ દેખાય છે. હુમલો કરવાનું આઘાત પહોંચાડવાનું કામ એનું છે. વિશ્વભરનો એ મહાકાળ સર્જનના બધા આકારોનું ફીંડલું વાળી દેનારો છે. ચૈતન્ય સામે તે કઠોરતાથી વર્તે છે. મહાકાળનું આ કામ છે. એનાં પરિણામોને આપણે મૃત્યુ કહીએ છીએ. કેટલાક તપસ્વીઓ એ વિનાશમાં સર્જનને જોતા હોય છે. કાળ કોઈના કહ્યામાં હોતો નથી. ઊર્ધ્વને માર્ગે એના ચરણ ઝડપભેર આગળ વધે છે - એ સુદૂર ગામી છે એનો પંજો ભીંસમાં લેવા સદા તત્પર હોય છે.

મૃત્યુ એ મોટો રાજા છે. એની પાસે મહાસત્તા છે એની સત્તા ક્યારેય શિથિલ થઈ નથી. એને કોઈ પરાસ્ત કરી શક્યું નથી. મહાસત્તાનો ધ્વજ વધારે ઊર્ધ્વમાં ફરકાવવા માટેના એના પ્રયત્નોમાંનો આ એક પ્રયત્ન છે બસો પંચોતેર જિંદગીની સાથે તેણે માત્ર ખેલ ખેલ્યો નથી એ જિંદગીઓને પરાસ્ત કરી પોતાની મહાસત્તા પૂરવાર કરી દેખાડી છે - સળગતો સૂર્ય પણ કેટલુંક ટકાવે છે કેટલુંક બાળે છે. આ સર્જન-વિસર્જનની અનંત યાત્રાનો સ્વીકાર કરવા અને મૃત્યુની મહાસત્તાને સલામ કર્યા સિવાય આપણે બીજું કરી પણ શું શકીએ? મહાસત્તાની હોડમાં પડેલી માનવજાતે આમાંથી એક બોધપાઠ લેવા જેવો છે કે મૃત્યુથી મોટી કોઈ મહાસત્તા નથી જ નથી. 

The earth a brute mechanic accident, 

A net of death in which by chance we live.

ને પૃથ્વી કો અકસ્માત જડ યાંત્રિકતા ભર્યો

મૃત્યુની જાળ જે મધ્યે ભાગ્યયોગે આપણે પ્રાણ ધારતા

- Sir Aurobindo. (SAUITRI)

Tags :