કરવા જેવું નહીં કરીને મંદિર જઈને શું કરશો?
- અંતરનેટની કવિતા-અનિલ ચાવડા
લોગઇન
કરવા જેવું નહીં કરીને મંદિર જઈને શું કરશો?
આવેલી તક જતી કરીને મંદિર જઈને શું કરશો?
શેરી, ફળિયે, ખુદના ઘરમાં, નજર ઝુકાવી, ચૂપ રહી,
અન્યાયો પર સહી કરીને મંદિર જઈને શું કરશો?
ખોળે લીધા એકલતા ઓગાળે એવા શ્વાનકુંવર!
પણ કુત્તાની ખસી કરીને મંદિર જઈને શું કરશો?
જાણો છો કે જેના મુદ્દા ચકમકના પિતરાઈ છે,
એવી વાતો ફરી કરીને મંદિર જઈને શું કરશો?
તમે ભલે તલવાર, તીરનો વિચાર સુદ્ધાં નથી કર્યો,
સૂતેલાને સળી કરીને મંદિર જઈને શું કરશો?
દલીલ, દાવા ને ઝઘડાની છૂટ હતી પણ તમે 'મધુ',
દર્પણ સામે ટણી કરીને મંદિર જઈને શું કરશો?
- મધુસૂદન પટેલ 'મધુ'
મં દિર પવિત્રતાનું પ્રતીક છે. જ્યારે જગતનાં અન્ય સ્થાનો નકારે ત્યારે મંદિરનું પગથિયું ચડતો માણસ અંદરથી તૂટેલો હોય છે. અંદરની તિરાડોને પૂરવાની આશા સાથે તે મંદિર, મસ્જિદ, દેવળમાં જાય છે. વારંવારની આવી આશાને તે ભક્તિનું નામ આપી દે છે. કવિ મધૂસુદન પટેલે આ કવિતા દ્વારા, પીળા રંગની - તાંબાને કલાઈ કરી સોનું કહીને ખપાવવાની કોશિશ કરતી ખોટી - શ્રદ્ધાનો ઢોળ ઉતારવાનું કામ કર્યું છે. આપણે ત્યાં અંદર સુધી ઘૂસી ગયેલી અશાંતિ અને ખોખલી વૃત્તિઓ સામે બહેરી થઈ ગયેલી ચેતનાઓને ધર્મના ઓઠાં હેઠળ સંતાડતા માણસોની કમી નથી. આવી સ્થિતિમાં આ કવિતા આંતરિક ઈમાનદારીનો દીવો પ્રગટાવે છે.
સમાજમાં રોજબરોજ અનેક એવી ઘટનાઓ ઘટે છે, જેમાં આપણે ઇચ્છીએ તો કંઈક યોગદાન આપી શકીએ, આપણે આપીએ પણ છીએ, પણ શું? નરી સલાહો, આદેશો. અરે, આપણો જ ફેંકેલો કચરો ઊઠાવવામાં પણ આપણને શરમ આવે છે, ત્યારે મંદિર જઈને પવિત્રતા અને સ્વચ્છતાનો પોલો ઢોલ વગાડવાનો શો અર્થ?
અનેક નિર્બળોનો અવાજ દબાવવામાં આવે છે, શ્રમિકોના અધિકારોથી ઝૂંટવાય છે, જાતિવાદના ઝંડા ફરફરી રહ્યા છે, લાંચ અને લાગવગના વાવટા ઓફિસોમાં ફરે છે, એ બધું જોવા છતાં આપણે છાતી ફુલાવીને મંદિર તરફ મોઢું ફેરવીશું? એ પવિત્રતાની યાત્રા છે, કે પાપ સામેથી નજર દૂર કરવાનો કીમિયો? આવી વૃત્તિનો વિરોધ ન કરી શકો તો કંઈ નહીં, તેમાં ભાગીદાર બનીને તેને પ્રોત્સાહન આપવાનું બંધ કરીએ, એ પણ મંદિર જવા જેટલું જ પવિત્ર કામ છે.
આપણે કેટલી રકમનું દાન આપ્યું, કેટલી મોંઘી આરતી ઉતારી, કેટલાં પુષ્પો ચડાવ્યાં અને કઈ તક્તીમાં નામ લખાવ્યું, એની કરતા વધારે ભક્તિપણું એમાં છે કે જરા પણ જાહેરાત કર્યા વિના કેટલા ભૂખ્યાને ખવડાવ્યુંં, કેટલાં ગરીબોના ઘરે જઈને પણ ખબર ન હોય તેમ ચુપચાપ અનાજ મૂકી આવ્યાં? કેટલાં શ્રમિકોનાં બાળકોની સ્કૂલ ફી ભરવામાં મદદ કરી? કઈ અનાથ દીકરીની સેંથીનું સિંદૂર શોભે તે માટે તમારા રંગ આપ્યા? પણ આપણે ભક્તિ સાબિત કરવી છે, મંદિર ગયાનો સિક્કો ખખડાવવો છે. આપણે મંદિરમાં શ્રદ્ધા માટે નહીં, માંગણી માટે જઈએ છીએ. પછી કપાળે લાંબું ટિલુંં તાણીને ફરીએ છીએ, જાણે ખુદ પ્રભુએ સહી કરી હોય.
માણસ પોતાના અસત્યને ઢાંકવા માટે મધુર વાણીનો લેપ કરતો હોય છે. જેને માત્ર એ પોતે જ જાણતો હોય છે. આપણા સુકર્મો પણ આવું જ એક પરિણામ સાબિત થાય છે. ડાબા હાથને પણ ખબર ન પડે એમ જમણા હાથે દાન કરું છું, એવું કહેનાર માણસ આ વાત વારંવાર, સો-બસોના ટોળા વચ્ચે કરતો હોય છે. એ દાન કરે છે એ વાત માત્ર એનો ડાબો હાથ જ નથી જાણતો હોતો, બાકી આખું ગામ જાણતું હોય છે. એટલો ગુપ્ત દાની હોય છે. એની કરતા ય વિશેષ, તેનું અંતર જાણતું હોય છે.
જ્યારે કોઈ વ્યક્તિ દુઃખી હોય, ત્યારે એને એકશન જોઈએ છે, આશ્વાસન નહીં. જ્યારે કોઈને ન્યાય ન મળે ત્યારે એને અવાજ જોઈએ, અર્ધસત્યની ઓથ નહીં. પણ આપણે માત્ર આશ્વાસન અને અડધા સત્યની અણીઓ ભોંકીએ છીએ. આમ તો મંદિર દરેક ઠેકાણે છે ઘરમાં, શેરીમાં, ગામના ચોકે, પાદરમાં. સ્કૂલમાં, વૃક્ષમાં કે દરેક ફૂલમાં. રોજ કોઈ વૃક્ષને પાણી પાવું એ પણ પ્રાર્થના છે. અંધને રસ્તો ક્રોસ કરાવવો એ પણ મંદિર જવા જેટલું જ, કદાચ એનાથી પણ વિશેષ પવિત્ર કાર્ય છે. કોઈના અંતરના આશીર્વાદ પામવા એ ઈશ્વરની કૃપા બરોબર છે.
લોગઆઉટ
હું મંદિરમાં આવ્યો અને દ્વાર બોલ્યું,
પગરખાં નહીં બસ અભરખા ઉતારો.
- ગૌરાંગ ઠાકર