Get The App

નિરંજન ભગત .

Updated: Jan 28th, 2023

GS TEAM

Google News
Google News
નિરંજન ભગત                                                         . 1 - image

- વિન્ડો સીટ-ઉદયન ઠક્કર

- 1 ફેબ્રુઆરીએ નિરંજન ભગતના અવસાનને પાંચ વર્ષ પૂરાં થશે.

કો રા કાગળ પર પાતળો નળાકાર દોરો. રાજેંદ્ર શાહ કહેશે- વાંસળી, નિરંજન ભગત કહેશે- મિલનું ભૂંગળું. ભગતસાહેબ એટલે હાડોહાડ નગરકવિ:

સિમેન્ટ, કોંક્રીટ, કાચ, શિલા

તાર, બોલ્ટ, રિવેટ, સ્ક્રૂ, ખીલા,

ઇન્દ્રજાલની ભૂલવે લીલા

એવી આ સૌ સ્વર્ગ તણી સામગ્રી!

ચલ મન મુંબઈ નગરી,

જોવા પુચ્છ વિનાની મગરી!

તેમણે 'પ્રવાલદ્વીપ' પુસ્તકમાં મુંબઈ વિશેનાં કાવ્યો રચ્યાં છે. જેને ચાર ફેરા ફરવા મળ્યા નથી, તેવી સ્ત્રી વિશેના ચાર પંક્તિના 'ફોકલેન્ડ રોડ' કાવ્યમાં તેઓ કહે છે:

વાલકેશ્વરે જે કહ્યું સ્નેહલગ્ન

એનું અહીં માત્ર સ્વરૂપ નગ્ન

વિશ્વમાં નગરોનું પ્રમાણ વધતું જ જવાનું છે, એમ ભાખીને ભગતસાહેબ વિનોદ કરતા, 'કેવો વિપર્યાસ કે સુરેશ જોશીએ અનુમોદન કર્યું આધુનિકતાનું, પણ તેમનો પ્રિય કવિ તે રાવજી પટેલ,ગોપકવિ.' ભગતસાહેબની કવિતા બહુપરિમાણીય. મધ્યયુગના ભક્તિસંસ્કાર ઝીલતું તેમનું ગીત હજી કાનમાં ગૂંજે છે:

હરિવર મુજને હરી ગયો

મેં તો વ્હાલ કીધું ન્હોતું

ને તોયે મુજને વરી ગયો

પ્રકૃતિની રંગછાયા ઝીલતાં તેમનાં કાવ્યો વિસર્યે વિસરાય નહિ તેવાં છે :

ઝૂકી ઝૂકી આભથી સારા

ઝીંકાતી આષાઢધારા,

ઝીલે છે નેહથી એને

ઘરનાં નેવાં,

નીચે એક નીડમાં હાંફે

નમણાં ને નિર્દોષ પારેવાં!

કાર્નલ લવનાં- રતિસુખનાં- કાવ્યો ભગતસાહેબે નથી રચ્યાં, પણ ઉત્કટ પ્રેમને ગાયો છે:

તું હતી સાથમાં!

તું પ્રિયે, કામ્યગાત્રી,

હતી વિજન વનને પથે

પૂર્ણિમારાત્રિ,

ને હું અને તું હતાં

બે જ યાત્રી

જતાં હાથ લૈ હાથમાં

તું હતી સાથમાં!

સૌંદર્યલક્ષી કાવ્યોનો રચનાકાળ અનુગાંધીયુગ કે રાજેંદ્ર-નિરંજન યુગ કહેવાયો છે. એક પ્રસંગે આનો ઉલ્લેખ થતાં ભગતસાહેબ છેડાઈ પડયા હતા, 'યુગ એટલે કેટલો લાંબો સમયગાળો એ સમજો છો? રાજેંદ્ર-નિરંજનનો તે કંઈ યુગ હોતો હશે?' તેમણે ૧૫-૧૬ની વયે અંગ્રેજીમાં સો ગદ્ય કાવ્યો રચ્યાં. 'પંખી ના જાણે' નિબંધમાં તેઓ લખે છે, 'ક્યાંક વાંચ્યું કે પરભાષામાં કદાચ બીજું બધું રચી શકાય પણ કાવ્યો તો ન જ રચી શકાય. ત્યાં ૧૯૪૩માં એક દિવસ સહાધ્યાયિની સુધા લાખિયાએ વર્ગમાં એના મધુર કંઠે કેશવદાસનું કાવ્ય 'મારી નાડ તમારે હાથ' ગાયું અને એની અદ્ભુત અસરનો અનુભવ કર્યો. આ પછી જ ગુજરાતીમાં કાવ્ય રચવાનું થયું.'

ત્રણ હજાર વર્ષના વિશ્વકવિઓ સાથે ભગતસાહેબને ઘર જેવું. રિલ્કેના 'વોઇસિસ' ગુચ્છમાં ભિખારી, આંધળો, રક્તપતિયો, વિધવા,અનાથ વગેરેનાં ઉક્તિકાવ્યો છે. ભગતસાહેબના 'પાત્રો' કાવ્યમાં પણ ભિખારી, આંધળો, રક્તપતિયો, વેશ્યા અને ફેરિયાના ઉક્તિકાવ્યો છે.

ભિખારી:

આ હાથ જે સામે ધર્યો

એ હાથને ઘડનારનો

પણ હાથ, એના જેટલો

લાચાર ને પામર ઠર્યો

આંધળો:

મેં આ જગતની કેટલી

કીર્તિ સુણી'તી સ્વર્ગમાં

તે આવવાની લ્હાયમાં ને લ્હાયમાં

હું કીકીઓ ભૂલી ગયો

ત્યાં કલ્પદ્રુમની છાંયમાં!

'નિરંજનભાઈ ડોક્ટર નથી?' કોઈ અધ્યાપકમિત્રે પીએચડી થયેલા સ્વરમાં પૂછયું. 'છેને,' મેં કહ્યું, 'કશીય વાઢકાપ વગર ટૂંકી દ્રષ્ટિનો ઉપચાર કરતા એકમાત્ર ડોક્ટર.' ભગતસાહેબ વાઢકાપથી નહિ પણ વાતચીતથી ઉપચાર કરતા- 'દર્શન તો નરસિંહનું. પ્રેમાનંદ રહ્યો પ્રોફેશનલ પોએટ,ભક્તિ કે અધ્યાત્મમાં એ નરસિંહને ન પહોંચે. પણ એની આખ્યાનકળા? ગુજરાત પાસે શેક્સપિયરની નજીક પહોંચી શકે તેવો એકમાત્ર પ્રેમાનંદ છે.' 'ચોસર હોય નહિ, ને શેક્સપિયર થાય નહિ.' 'ન્હાનાલાલે કેટલાંક ઉત્તમ કાવ્યો લખ્યાં. પણ ડોલનશૈલી? કોઈ માણસ આવું બોલ્યા કરે- 'ઉઘાડોને દ્વાર જરીક તમે' તો પાંચ વાક્યો સાંભળ્યાં પછી તમે તમાચો ચોડી દો!' 'ભવભૂતિ કહી ગયા છે: કાળ નિરવધિ અને પૃથ્વી વિપુલ છે, કોઈ સ્થળે અને કોઈ સમયે તો મારો સમાનધર્મા મને મળશે જ.'

ભગતસાહેબ ટાગોરના જબરા પ્રશંસક. વિનોદ જાનીએ ટાગોર વિશેના પરિસંવાદમાં વક્તવ્ય આપવાનું હતું, પણ તૈયારીમાં કાંઈ ન મળે. ભગતસાહેબ પાસે જઈને બોલ્યા, 'તમે ટાગોરને ચડાવી માર્યા છે, તેમને મહાન તમે એકલા જ માનો છો!' ભગતસાહેબ ખીજવાઈ ગયા અને ટાગોરનું પ્રદાન બે કલાક સુધી સમજાવ્યું. જાનીનો બેડો પાર! કોલેજ સમયમાં દલપત પઢિયારે કવિસંમેલનમાં ભાગ લીધેલો. ભગતસાહેબે સૌ નવોદિત કવિઓને ટપારેલા, 'એકની એક પંક્તિ બે-ત્રણ વાર શું કામ બોલો છો? તમે બે-ત્રણ વાર લખી છે?' કવિતા ગવાય તે ભગતસાહેબને ગમતું નહિ. પુરષોત્તમ ઉપાધ્યાયને પોતાનાં કાવ્યો ગાવાની અનુમતિ આપી નહોતી.

ગુજરાતમાં નવનિર્માણ આંદોલન ચાલતું હતું. વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનો ઉમાશંકર જોશી પર ફોન આવવાનો હતો. હર્ષદ ત્રિવેદી લખે છે, 'ફોન રણકે એ પહેલાં સંસ્કૃતિપુરુષ ઉમાશંકરભાઈ ફક્ત ફરવા આવેલા કવિ નિરંજનને કામ સોંપે છે અને કહે છે કે- હું વાત કરતો હોઉં ત્યારે તમે મારો હાથ પકડી રાખજો અને જો હું ખોટી દિશા તરફ ઢળતો લાગું... તો તરત જ મારો હાથ દબાવજો ને મને રોકજો!' ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી વિશે પોતાનું વલણ ભગતસાહેબે આમ સમજાવ્યું હતું, 'ભારતનાં રાજ્યોની સાહિત્ય અકાદમીઓ સરકારને આધીન છે. ગુજરાત આમાં અપવાદરૂપ હતું. ઉમાશંકર જોશી,દર્શક ઇત્યાદિએ આંદોલન ચલાવીને ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી માટે સ્વાયત્તતા પ્રાપ્ત કરી હતી, સ્વતંત્ર બંધારણ અનુસાર અકાદમી ઉત્તમ રીતે ચાલતી હતી. હવે તે બંધારણને રદ કરી નાખીને સરકાર અકાદમી હસ્તગત કરી લે, અને આપણે ચૂપ બેસી રહીએ, તો આપણે જીવીએ છીએ શું કામ? રોટલા તોડવા?' 'હેવમોર' હોટેલમાં સાહિત્યકારો નિયમિત મળતા એનું પણ સ્મરણ કરે.

ભગતસાહેબના મકાનનું નામ 'જલદર્શન.' મુલાકાતીઓ (અમદાવાદનું પાણી જોવા) ત્યાં જતા. તેમની સાથે રહે નોકર જગત. તેઓ કહેતા, 'આમ તો જગતને અને ભગતને બન્યું નથી, પણ અમને બને છે. વસિયતનામામાં મેં ઘર જગતને આપ્યું છે.'

તેમને પહેલવહેલો મળ્યો ત્યારે હું અભણ હતો. સહસ્ત્ર વહાણો ટ્રોય જવા નીકળતાં હતાં, તેમણે પોતાની લાગવગ લગાડીને મને એકમાં ચડાવી દીધો. વહાણમાં સારા સારા લોકો સાથે ઓળખાણો થઈ- અગામેમન, અજાક્સ, અકિલિઅસ, ઓડિસિઅસ...પાછા વળતાં હેલન પણ અમારી સાથે હતી. બીજી વાર મળ્યો, ત્યારે કહે, 'હવે અવળા પ્રવાસે ઊપડ. હોમરનું 'ઇલિયડ' વાંચતાં ગ્રીસથી ટ્રોય જવાય, અને વર્જિલનું 'ઈનીડ' વાંચતાં ટ્રોયથી રોમ પાછા ફરાય.' હું નીકળ્યો. રસ્તામાં આવ્યું પેરિસ, જ્યાં કાવ્યપંક્તિઓ ચીતરેલી ટ્રામો ફરતી હતી! ઇંગ્લિશ ચેનલ ઓળંગીને લંડન ઊતર્યો, જોયું તો રાણી વિક્ટોરિયા ચાર્લ્સ ડિકન્સને પુસ્તક ભેટ આપતાં હતાં, પુસ્તક પર લખેલું, 'ટુ ધ ટોલેસ્ટ ઓફ બ્રિટોન્સ, ફ્રોમ ધ સ્મોલેસ્ટ.' ત્રણ સદીને અંતરે, કિંગ લીઅરના છેલ્લા શ્વાસ ચાલતા હતા. લીઅરનો અંતિમ ડાયલોગ, જે તમારા મુખે સાંભળેલો, તે આજે તમારે માટે બોલું છું, ભગતસાહેબ:

શ્વાનને, અશ્વને, ઉંદરને જીવ હોય

અને તમને ન હોય?

તમે ક્યારે પાછા આવશો?

કદી નહિ, કદી નહિ, કદી નહિ,

કદી નહિ, કદી નહિ!

અમદાવાદની 'હેવમોર' માં આઇસક્રીમ ખાઉં છું, ત્યાં સાદ સંભળાય છે, 'લાવો તમારો હાથ, મેળવીએ...' આ છેડે હું બેઠો છું, સામે છેડે ભવભૂતિ. બેયને લાગે: કહે છે તો મને જ!