Get The App

ભારતમાં માનસિક બીમારી કોવિડ કરતાં પણ વધુ ગંભીર

Updated: Jan 29th, 2023

GS TEAM

Google News
Google News
ભારતમાં માનસિક બીમારી કોવિડ કરતાં પણ વધુ ગંભીર 1 - image


- હોટલાઈન-ભાલચંદ્ર જાની

- દુનિયામાં 100 કરોડ લોકો માનસિક બીમારીથી પીડાય છે. દાયકા પછી દુનિયાના 50 ટકા મનોરોગીઓ ભારતમાં હશે. 

૩૦ વર્ષીય રોશનીને અચાનક એમ લાગવા લાગ્યું જાણે જીવન બોજ બની ગયું છે. તેણે તેના ઓફિસના કામમાંથી રસ ગુમાવી દીધો અને તેની આસપાસના લોકોથી પણ તેને કંટાળો આવવા લાગ્યો. તેને નાનું અમસ્તુ કામ પણ બહુ મોટું લાગવા લાગ્યું. કોલ સેંન્ટરમાં કામ કરતી રોશની  તેના વ્યક્તિગત જીવન પ્રત્યે પણ બેદરકાર બની ગઈ. તે કહે છે કે મને સવારના ઉઠવાનું મન નહોતું થતું. હું મારી જાતને પરાણે ઓફિસમાં ઘસડી જતી. ઓફિસમાં જવામાં પણ મને વારંવાર ખૂબ મોડું થવા લાગ્યું. જો મને જરા સરખું વધુ કામ આપવામાં આવે તોય હું ટેન્શનમાં આવી જતી, મને મારી સખીઓ સાથે બહાર જવાનું મન પણ નહોતું થતું.

મારી આવી હાલત જોઈને મને મારી એક સહેલીએ મનોચિકિત્સકની સલાહ લેવાનું કહ્યું. તે વખતે રોશનીને અહેસાસ થયો કે તે ડિપ્રેશનથી પીડાઈ રહી છે. તે કહે છે કે ત્યાં સુધી મને સમજ જ નહોતી પડતી કે મને હતાશા ઘેરી વળી છે. હું તબીબને મળી ત્યાં સુધી ક્યારેય મને એમ નહોતું લાગ્યું કે મને મનોચિકિત્સકની આવશ્યકતા છે. હું મનોચિકિત્સકને મળી ત્યારે તેમણે મને સમજાવ્યું કે હું ક્રોનિક ડિપ્રેશનથી પીડાઈ રહી છું. આ મનોસ્થિતિ મને આપઘાત કરવા સુધી લઈ જઈ શકે. મેં સમયસર તબીબનો સંપર્ક કરીને ડહાપણભર્યું  કામ કર્યું.

રોશનીનો આ કિસ્સો એકલ દોકલ નથી. આજે દેશના મહાનગરોની હાયવોય વાળી જિંદગીમાં રોશની જેવા અસંખ્ય સ્ત્રી-પુરુષો   સ્ટ્રેસફુલ લાઈફ જીવે છે. જેમાંના કેટલાંક વખત જતાં માનસિક સમતુલા ગુમાવે છે. તબીબો કહે છે કે સ્ટ્રેસ આધુનિક જીવનશૈલીનો એક ભાગ બની ગયો છે, જેને કારણે ડિપ્રેશન અને અન્ય માનસિક બીમારીઓ સામાન્ય થઈ પડી છે. પરંતુ વિડંબણા એ છે કે આપણે ત્યાં માનસિક તાણ કે બીમારી પ્રત્યે જાગરૂકતા ન હોવાથી આપણે તેને સમજી શકતા નથી.

વિશ્વ આરોગ્ય સંસ્થાના માનસિક આરોગ્ય વિભાગના અહેવાલ મુજબ ૨૦૧૯માં સમગ્ર વિશ્વમાં લગભગ ૯૭ કરોડ લોકો માનસિક બીમારીનો ભોગ બન્યા હતા. અહેવાલમાં જણાવાયું છે કે ૨૦૧૯માં વિશ્વની વસતીના ૧૩ ટકા લોકો માનસિક વ્યાધિથી પીડાતા હતા અને તેમાંથી ૮૨ ટકા ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાંથી હતા જ્યાં માનસિક આરોગ્ય સેવા લગભગ ગેરહાજર હોય છે.

કોરોનાના કપરા કાળ પછી આજે વૈશ્વિક મંદી, બેકારી અને મોંઘવારીની ગંભીર અસર લોકોના માનસ પર થઈ છે.   ઉલ્લેખનીય છે કે કોવિડ પ્રેરિત લોકડાઉન અને આર્થિક તણાવને કારણે માનસિક બીમારી ધરાવતા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હતો. મહામારીના એક વર્ષ બાદ જ  હતાશા અને તણાવના કેસમાં અનુક્રમે ૨૮ ટકા અને ૨૬ ટકાનો વધારો થયો હતો. જે દેશોમાં કોવિડ અને તેનાથી થતા મોતના સૌથી વધુ કેસ નોંધાયા હતા તે જ દેશોમાં માનસિક બીમારીના પણ વધુ કેસ નોંધાયા હતા.  ૧૫ કરોડ જેટલા ભારતીયો પણ આ ગણતરીમાં સામેલ છે. આ બધા જ મોટે ભાગે ડિપ્રેશન, એન્ક્ઝાઈટી, સ્ટ્રેસ, સાયકોસોમેટીક ડિસઓર્ડર, બાયપોલર મૂડ ડિસઓર્ડર, સિઝોફ્રેનીયા અને ડિમેન્શીયા જેવી અલગ અલગ પ્રકારની માનસિક બીમારીનો શિકાર બન્યા છે. આમાંના ૧.૬ કરોડને તો સારવારની તાતી જરૂર છે. પરંતુ અફસોસની વાત એ છે કે વિકાસશીલ દેશોમાં રહેલા દર ચારમાંથી ત્રણ મનોરોગીને સારવાર જ મળતી નથી. અને ભારતમાં તો ૭૫ ટકા મનોરોગીને મનોચિકિત્સક  નહિ પરંતુ બાબા, ફકીરો  કે તાંત્રિકો પાસે લઈ જવામાં આવે છે. ભારતમાં ૫.૮ ટકા લોકો કેન્સરને કારણે અને ૪.૪ ટકા હૃદયરોગને કારણે અક્ષમ બની ગયા છે. પણ મનોરોગને કારણે કામકાજ ન કરી શકનારાની ટકાવારી સૌૈથી વધુ ૮.૧ ટકા છે.

નિષ્ણાંતોના મતે માનસિક બીમારીનો ઊંચો વ્યાપ આથક ઉત્પાદકતા ઘટાડી શકે છે અને બેરોજગારીનો દર વધારી શકે છે. ૨૦૩૦ સુધીમાં માનસિક બીમારી વૈશ્વિક અર્થતંત્રને કેન્સર, ડાયાબિટીસ અને શ્વસન સંબંધી બિમારીઓ કરતાં વધુ નુકસાન કરી શકે છે.

ભારતની લગભગ ૫.૨ કરોડ જેટલી પ્રજા જુદા જુદા માનસિક રોગોથી પીડાતી હોવાનું ઈન્ડિયન સાઇકિયાટ્રિક સોસાયટી (આઈપીએસ) દ્વારા હાથ ધરાયેલા એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે. આ નિષ્ણાતોએ હાથ ધરેલા અભ્યાસમાં જોવા મળ્યું છે કે દર હજાર વ્યક્તિમાંના ૫.૨ ટકા લોકોને કોઈને કોઈ માનિસક બીમારી હોય છે.  

આરોગ્ય નિષ્ણાંતોના મતે ગંભીર માનિસક બીમારી ધરાવતી વ્યક્તિઓમાં હૃદય અને શ્વસનતંત્ર સંબંધિત સમસ્યા થવાની સંભાવના વધુ હોય છે. સીઝોફ્રેનિયા અને બાઈપોલર જેવી ગંભીર માનસિક બીમારી ધરાવતા લોકો સરેરાશ કરતા ૧૦થી ૨૦ વર્ષ ઓછા જીવે છે.

ઉપરાંત માનસિક બીમારીના કારણે સ્વસ્થ જીવનનો ૧૫ ટકા જેટલો હિસ્સો વેડફાઈ જાય છે જ્યારે તેની સારવાર માટે માળખુ ઊભુ કરવા પાછળ અત્યંત ઓછો ખર્ચ કરવામાં આવે છે. માનસિક સ્વાસ્થ્ય ક્ષેત્રમાં  પૂરતી સુવિધા ઊભી કરવામાં આવે તો વિશ્વમાં દર વર્ષે પ્રતિ ૧૦ લાખ લોકોએ ૫થી ૧૫ હજાર દરદીઓમાં ઘટાડો થઈ શકે છે.

મોટા ભાગના ભારતીયોને હતાશા, દારૂનું સેવન, માદક પદાર્થનું વ્યસન, મંદબુદ્ધિ, સીઝોફ્રેનિયા જેવા રોગોનો સામનો કરવો પડે છે. થોડાં સમય પૂર્વે યોજાયેલી  એક  પરિષદમાં  ડોક્ટરે  રજૂ કરેલા તેમના 'મેન્ટલ હેલ્થ સિનારિયો ઇન ઈન્ડિયા: સમ ફેક્ટસ એન્ડ ફિગર્સ'ના પેપર્સમાં જણાવ્યું છે કે કોઈ પણ માનસિક રોગના પ્રમાણ કરતાં માનસિક રોગીઓમાં હતાશાનું પ્રમાણ સૌથી વધારે જણાયું છે. પુરુષોની સરખામણીએ સ્ત્રીઓમાં આ પ્રમાણ બેથી ત્રણ ગણું વધારે હોવાનું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (હુ)ના અહેવાલમાં જણાવાયું હતું. ૨૦૨૫ની  સાલ સુધીમાં સ્ત્રીઓમાં આ રોગનું પ્રમાણ વધી ગયું હશે. 'હુ' એ અત્યારથી જ દેશના અલગ અલગ ભાગોમાં આ અંગેની ઝૂંબેશ આદરી દીધી છે. હતાશા બાદ સૌથી વધુ માનસિક બીમારી, દારૂ  અને માદક પદાર્થોનું વ્યસન અને મંદબુદ્ધિતાનું પ્રમાણ લગભગ ૬.૯ ટકા જેટલું જોવા મળ્યું હતું. સામાન્ય વયનાં સ્ત્રી - પુરુષો કરતાં  યુવાનો અને તરુણોમાં નશીલાં દ્રવ્યોના  સેવનનું પ્રમાણ સાત ગણું વધારે જણાયું હતું, જ્યારે મંદબુદ્ધિતાની ટકાવારી સામાન્ય બાળકોના પ્રમાણમાં બમણી હોય છે.

એક તબીબના  કહેવા પ્રમાણે મોટા ભાગના માનસિક રોગીઓને ફક્ત સીઝોફ્રેનિયા જેવા રોગોની સારવાર લેવા માટે જ મેન્ટલ હોસ્પિટલમાં દાખલ થવું પડે છે. સીઝોફ્રેનિયાઓની ટકાવારી હજાર માણસે ૨.૭ ટકા જેટલી છે. ઉશ્કેરાટ, ડર, ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર, હિસ્ટેરિયાનું પ્રમાણ હજારે છથી સાત ટકા જેટલું છે. આ સમસ્યાથી છૂટકારો અપાવવા ભારતભરમાં કુલ ત્રણથી સાડાત્રણ હજાર જેટલા મનોચિકિત્સકો, સાતસોથી આઠસો જેટલા મનોરોગવિશેષજ્ઞા છે. તે ઉપરાંત ચારસોથી પાંચસો જેટલા સમાજસેવકો છે. જેમણે મનોચિકિત્સાની તાલીમ મેળવી છે, પરંતુ આ સંખ્યા પૂરતી નથી. દેશભરમાં કુલ ૩૭ મેન્ટલ હોસ્પિટલ છે.

દુનિયા જ્યારે  ૨૧મી સદીમાં આગળ વધી રહી છે ત્યારે અલ્ઝાઇમર રોગ અને ગાંડપણના અન્ય પ્રકારો જેવા રોગો તબીબી  જગત માટે પડકારરૂપ બની ગયા હશે. ભારતમાં ૬૦ કરતાં વધારે વયજૂથ ધરાવનારાઓની સંખ્યા લગભગ બાર કરોડ જેટલી છે, પરંતુ ૨૦૨૫ના વર્ષ સુધીમાં તેમાંના વીસ લાખ લોકો માનસિક રોગોથી પીડાતા હશે. 

૨૦૨૫ની સાલ સુધીમાં વિશ્વની ૧૫ ટકા વસ્તી માનસિક રોગોનો ભોગ બની ચૂકી હશે. જે મુજબ ૮ અબજ પૈકી દોઢ અબજ વ્યક્તિઓ મનોરોગી હશે. જેમાં, ભારતની પ્રજાનું પ્રમાણ સૌથી વધુ હશે તેવું ચોંકાવનારું તારણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આપ્યું છે. આ ઉપરાંત દુનિયાના બીજા કોઈ પણ દેશ કરતાં ભારતમાં આત્મહત્યાનું પ્રમાણ સૌથી વધુ છે.  આનું મુખ્ય કારણ જે તે વ્યક્તિના પ્રશ્નો પાછળ કુટુંબ અને સમાજની સતત ઉપેક્ષા, આંખ આડા કાન, વ્યક્તિને પોતાનો મત  રજૂ  કરવામાં  ક્ષોભિત કે અપમાનિત થવાનો કાલ્પનિક ભય અને મનોવૈજ્ઞાાનિક કાઉન્સેલીંગનો અભાવ છે. અહીં સામાન્ય રીતે  કાઉન્સેલીંગ માટે જનારને 'ગાંડો' ગણી લેવાની માનસિકતા આત્મહત્યા માટે જવાબદાર પરિબળો પૈકીનું એક મજબૂત પરિબળ છે.

 મહાનગરી મુંબઈ ભારતનાં અન્ય શહેરો કરતાં અનેક રીતે અનોખી છે. આ મહાનગરની વિશિષ્ટતાઓ સાથે કેટલીક સમસ્યાઓ પણ છે. મુંબઈમાં એક નવી સમસ્યાઓનો ઉમેરો થયો છે. અન્ય શહેરોની તુલનાએ મુંબઈમાં હતાશાનો ભોગ બનેલાઓની ટકાવારી પણ વધારે છે. આમ, ધન, પ્રતિષ્ઠા, ટેક્નોલોજી વગેરે દરેક બાબતમાં અગ્રેસર મુંબઈમાં હવે માનસિક દરદીઓની સંખ્યા પણ વધી રહી છે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (હુ) દ્વારા કરવામાં આવેલા વિશ્વ આરોગ્ય સર્વેક્ષણ હેઠળ જાણવા મળ્યું છે કે ભારતનાં છ રાજ્યોમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ મનોરોગીઓ વસે છે.  મહારાષ્ટ્ર બાદ પશ્ચિમ બંગાળમાં ક્લિનિકલ ડિપ્રેશનના કેસ સૌથી વધુ ૧૧.૭ ટકા જોવા મળે છે. પૈસાપાત્ર લોકોમાં જ માનસિક સમસ્યાઓ વધારે જોવા મળી છે અને તેઓ તેની સારવારનો કોઈ પ્રયાસ  કરતા નથી. માત્ર ૯.૬ ટકાએ જ ડિપ્રેશનની સારવાર માટે નિષ્ણાત તબીબનો સંપર્ક કર્યો છે.  ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૧૯ લાખ લોકો માનસિક બીમારીનો શિકાર બન્યા છે.

જોવાનું એ છે કે સમગ્ર વિશ્વમાં ચિંતાજનક દરે માનસિક રોગોનું પ્રમાણવધી રહ્યું હોવા છતાં મોટા ભાગના દેશો તેમના કુલ વાર્ષિક બજેટ પૈકી હેલ્થ માટેના બજેટમાં માનસિક રોગો માટે એક ટકો રકમ પણ ખર્ચતા નથી. ભારત આ ક્ષેત્રમાં વર્ષે કુલ હેલ્થ બજેટની માત્ર ૦.૮૩ ટકા રકમ ખર્ચે છે, જે પૈકી ૬૭ ટકા રકમ વહીવટ અને પગાર પાછળ ખર્ચાઈ જાય છે. ભારતમાં દર દસ લાખની વસ્તીએ  મેન્ટલ હેલ્થ ક્લિનીકનો  એક પલંગ છે, તેમાંના  મોટાભાગના મેન્ટલ હોસ્પિટલોમાં છે, જેમાં જનારને સમાજ 'ગાંડા'ની પદવી આપી દે છે.

જ્યારે દર એક લાખની વસ્તીએ ભારતમાં ૦.૪ સાયકીયાટ્રીસ્ટ, ૦.૦૪ સાયકીયાટ્રીસ્ટ નર્સો, ૦.૦૨ સાયકોલોજીસ્ટ અને ૦.૦૨ સોશિયલ વર્કર્સ છે. ગુજરાતમાં પણ આ સરેરાશ આંકડા બંધ બેસે છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ભલામણ અનુસાર ભારત જેવા દેશમાં દરેક રાજ્યના દરેક જીલ્લામાં ઓછામાં ઓછું એક મોટું સાયકોલોજીકલ કાઉન્સેલીંગ સેન્ટર હોવું જોઈએ, જેને મેન્ટલ હોસ્પિટલ સાથે સાંકળવાની જરૂર નથી. આ ઉપરાંત તાલુકા મથકોએ પણ આવા નાના સેન્ટર સ્થાપવાની આવશ્યક્તા છે.

પરંતુ મોટો પ્રશ્ન ક્વોલીફાઈડ સ્ટાફનો છે. મેડીકલ સાઈકીયાટ્રીસ્ટની સાથે કાઉન્સેેલીંગ સાયકોલોજીસ્ટની સંખ્યા વધારવા તેના ડીગ્રી કોર્સીસને પ્રોત્સાહન આપવાની જરૂર છે.  મનોવિકારના પ્રશ્નને એક મૂદ્દા તરીકે હજુ  ખુલ્લા મને સામાજીક સ્વીકૃતિ મળી ન હોવાથી તેમ જ તેની સારવાર લેવામાં કાલ્પનિક શરમ નડતી હોવાથી આ ક્ષેત્રમાં પેશન્ટ બહુ આવતા નથી. તેથી કમર્શીયલ ધોેરણે મેડીકલની અન્ય શાખાઓની જેમ આ શાખાઓમાં વિદ્યાર્થીઓ ઓછા જાય છે.

એક મનોવૈજ્ઞાાનિક કાઉન્સેલીંગ નિષ્ણાંતના જણાવ્યા મુજબ આજે સમાજમાં ડીપ્રેશનને લીધે જે મનોવૈજ્ઞાાનિક રોગો વ્યક્તિના મનનો કબજો લે છે તેમાં મુખ્યત્વે બેકારીને લીધે મહેણા-ટોણા  અને હતાશા, પ્રેમમાં નિષ્ફળતા, ગળાકાપ ધંધાકીય સ્પર્ધા અને કાવાદાવા, હાઈ-ફાઈ લાઈફસ્ટાઈલથી જીવવા માટે ટૂંકો પડતો ખર્ચાનો પન્નો અને કુટુંબની ઉંચી અપેક્ષા, વિદ્યાર્થીઓમાં ઊંચુ પરિણામ લાવવા કુટુંબનું દબાણ અને જો નીચું પરિણામ આવે તો ઘૂસી જતી લઘુતાગ્રંથિ, ધંધાર્થીઓમાં વ્યાજે પૈસા લઈને સમયસર પરત ન કરી શકવાનું સતત ટેન્શન, દેખાદેખીમાં ઉદ્ભવતા પ્રશ્નોે, જાતિય પ્રશ્નો, લગ્ન જીવનમાં જુદા જુદા પ્રકારના સ્વભાવને લીધે  પતિ-પત્ની વચ્ચે ઊભો થતો ખટરાગ વગેરે છે.

આમાંના ૯૦ ટકા પ્રશ્નો વ્યક્તિએ જાતે ઊભા કરેલા હોય છે  અને માત્ર ત્રણ કે ચાર કાઉન્સેલીંગ સીટીંગમાં ઉકેલી શકાય તેવા હોય છે. પરંતુ જો સ્થિતિ લાંબો સમય ચાલે તો ધીમે ધીમે વ્યક્તિ પોતાની જાતને સમાજથી અળગી રાખવા માંડે છે અને પાંચ-સાત વર્ષે  સીઝોેફ્રેનીક બને છે. આ કક્ષાએ પહોંચેલાને પણ દવા, પ્રેમ હૂંફથી ચોક્કસ સારા કરી જ શકાય છે. માત્ર  તેને ગાંડો, 'પાગલ' કે 'લ્યુનેટીક' કહેવાનું છોડી દેવું જોઈએ. કેટલીક વખત અત્યંત તેજસ્વી કારકિર્દી ધરાવનાર ટોપ ક્લાસ એક્ઝીક્યુટીવનું ભેજું સામાન્ય ભાષામાં 'છટકી જતું' હોય છે તેની પાછળ કોઈ એક ચોક્કસ ઘટના જવાબદાર હોય છે, જેના લીધે તેના સંવેદનતંત્ર પર ઘાત થયો હોય. આવી વ્યક્તિને દવા વિના પણ સારી કરી શકાય છે.

એક નિષ્ણાતના જણાવ્યા મુજબ એઈડ્સ સામે જાગૃતિ કેળવવા જેટલી જાહેરાતો અપાય છે અને કાર્યક્રમો થાય છે, તેના ૨૦ ટકા કામ પણ જો આ ક્ષેત્રમાં  થાય તો આવતા પાંચ વર્ષમાં દેશ અને રાજ્યની માનસિક તંદુરસ્તી સુધરશે અને આત્મહત્યાના બનાવો ઘટશે. એઈડ્સ તો દેખીતા ચિન્હો ધરાવતો રોગ છે, પરંતુ માનસિક રોગ જાહેરમાં ન આવતો અને વ્યક્તિને ધીમે ધીમે અંદરથી ખલાસ કરતો 'સાઈલેન્ટ કીલર' રોગ છે, જેની સામે સમાજે પણ જાગૃત થઈને એક 'ટેબુ'માંથી  બહાર આવવાની જરૂર છે તેવું આ ક્ષેત્રના નિષ્ણાતો કહે છે.

Tags :