Get The App

લોખંડનું હોય કે સોનાનું, પિંજરું તો પિંજરું .

Updated: Sep 27th, 2025

GS TEAM

Google News
Google News
લોખંડનું હોય કે સોનાનું, પિંજરું તો પિંજરું                     . 1 - image

- વિન્ડો સીટ-ઉદયન ઠક્કર

- આ ર કે નારાયણ પદ્મવિભૂષણથી સન્માનિત ભારતીય અંગ્રેજી સાહિત્યકાર છે, જેમનાં સર્જનો પરથી 'માલગુડી ડેઝ' ટેલિ સીરિયલ અને 'ગાઇડ' ચલચિત્ર બન્યાં છે. તેમની વાર્તા 'મહિને પિસ્તાળીસ રૂપિયા'નો અનુવાદ પ્રાધ્યાપક કાન્તિ પટેલે કર્યો છે, આપણે તેનો સંક્ષેપ માણીએ.

શાંતા માટે હવે વર્ગમાં વધારે વખત રહેવું મુશ્કેલ હતું. માટીકામ,સંગીત, ડ્રીલ, આંકડા, રંગીન કાગળ કાપવા પછી ટીચર કહેશે, 'હવે બારાખડી હાથમાં લો.' તે ટીચર પાસે દોડી ગઈ. 'મેડમ, મારે જવું જોઈએ. પાંચ વાગી ગયા છે.' 'કોણે કહ્યું? સામે ઘડિયાળ દેખાય છે? મેં તમને સમય જોતાં શિખવાડયું હતું. કહે, કેટલા વાગ્યા છે?' મહેનતપૂર્વક આંકડા ગણીને શાંતા બોલી, 'નવ વાગ્યા છે.' ટીચર બોલ્યાં, 'તું ફક્ત મોટો કાંટો જુએ છે. નાનો કાંટો જો. બે અને અડધો. શું ટાઇમ થયો?' 'અઢી!' 'તો તું તારી જગાએ બેસી જા.' દસ મિનિટ પછી શાંતા ફરી ટીચર પાસે આવી. 'મારે પાંચ વાગ્યે તૈયાર રહેવાનું છે. પપ્પા સિનેમા જોવા લઈ જવાના છે.' ટીચરે જવાની રજા આપી. ઘરે પહોંચીને શાંતાએ દફ્તર ફેંક્યું, 'મમ્મી, મમ્મી! પપ્પા આવી ગયા?' નાસ્તો લેવાને બદલે તે સીધી તૈયાર થવા ઊપડી. કયાં કપડાં પહેરવાં તે વિશે મા-દીકરી વચ્ચે દલીલો થઈ. શાંતાએ મનગમતું ગુલાબી ફ્રોક પહેર્યું, ચોટલામાં લીલી રિબિન બાંધી, ચહેરે પાઉડર લગાડયો, કપાળે કર્યો ચાંદલો. પછી રાહ જોતી દરવાજા પાસે ઊભી. મમ્મી બોલી, 'તારા પપ્પા પાંચ વાગ્યા પછી જ આવશે. તડકામાં ઊભી ન રહે. હજી તો ચાર વાગ્યા છે.' અંધારું થતું ગયું. શાંતાએ પૂછયું, 'પપ્પા હજી કેમ નથી આવ્યા?' 'મને કેમ ખબર પડે? ઓફિસમાં કામ આવી પડયું હશે.' શાંતા ઉદાસ થઈ ગઈ, 'મને ઓફિસના લોકો પસંદ નથી. એ બહુ ખરાબ માણસો છે.' દરવાજા પાસે ઊભેલી શાંતાને થયું, એ પોતે જ ઓફિસમાં પહોંચી જાય અને પપ્પાને સિનેમા જોવા લઈ જાય. ઓફિસ ક્યાં એ ખબર નહોતી. પપ્પા દરરોજ મહોલ્લાને નાકે પહોંચીને જમણે વળતા હતા. શાંતા મહોલ્લાને નાકે દોડી ગઈ. આથમતા પ્રકાશમાં દરેક વસ્તુ મોટી લાગતી હતી. આવતા-જતા માણસો પડછાયા જેવા લાગતા હતા.  પોતે ક્યાં હતી? નખ કરડતી તે રસ્તાને ખૂણે બેસી પડી. બાજુના ઘરનો નોકર પસાર થતો હતો, તેણે શાંતાને ઘેર પહોંચાડી.

થયું હતું એવું કે શાંતાના પપ્પા વેંકટરાવ ઓફિસે જવા નીકળતા હતા ત્યારે હાથમાં સિનેમાનું હેન્ડબિલ લઈને શાંતા દોડી આવેલી, 'પપ્પા, મને સિનેમા જોવા લઈ જશો?' વેંકટરાવ વિચારમાં પડી ગયા. આ બાળકને જીવનની મામૂલી ખુશી પણ મળતી નથી. બીજાં બાળકો પાસે ઢીંગલીઓ અને સુંદર કપડાં હોય છે, મારું બાળક જંગલમાં વસતા આદિવાસીની જેમ એકલું મોટું થઈ રહ્યું છે. ઓફિસવાળા મને રાતે આઠ સુધી રોકી રાખે છે. મારું અંગત જીવન નહિ હોય? વેંકટરાવે નિર્ધાર સાથે કહ્યું, 'આજે તને સિનેમા જોવા લઈ જઈશ. પાંચ વાગ્યે તૈયાર રહેજે.' તેમણે નક્કી કર્યું, રોજિંદું કામ પૂરું કરીને પાંચ વાગ્યે નીકળી જઈશ. જો નીકળવા નહિ દે, તો રાજીનામું આપી દઈશ. પાંચ વાગ્યા એટલે બીજા કારકુનો જવા લાગ્યા. વેંકટરાવે પણ રજા માગી. મેનેજરસાહેબે કાગળિયામાંથી ડોકું ઊંચક્યું, 'તું કેમ જઈ શકે? પેલો દસ-આઠનો તફાવત આવતો હતો, તે શોધ્યો?' 'મારે અંગત બહુ જરૂરી કામ છે સાહેબ. તફાવત આવતી કાલે શોધી નાખીશ.' 'એ નહિ ચાલે. હમણાં જ શોધવો પડશે.' સાડા પાંચ થયા હતા. હજી બે કલાક વધુ થશે. ચાળીસ રૂપિયામાં તેણે જાતને વેચી નહોતી દીધી. આના કરતાં તો સ્વમાનપૂર્વક ભૂખે મરવું સારું. વેંકટરાવે કાગળનું પાનું લીધું અને લખ્યું, 'આ સાથે મારું રાજીનામું આપું છું.' કાગળ કવરમાં સીલ કરી દીધો. ઉપર લખ્યું, 'મેનેજર સાહેબ.' તે મેનેજરની સામે જઈ ઊભા. 'વેંકટરાવ,' મેનેજર બોલ્યા, 'આજે પગારવધારા વિશે ચર્ચા થઈ હતી.મેં તારો પગાર પાંચ રૂપિયા વધારવાની ભલામણ કરી છે.' વેંકટરાવે ટેબલ પર મૂકેલું રાજીનામાનું કવર સિફતથી પાછું ખેંચી લીધું. 'પેલી ભૂલ મળી?' મેનેજરે પૂછયું. 'તપાસી રહ્યો છું,' વેંકટરાવ બોલ્યા, 'એકાદ કલાકમાં શોધી કાઢીશ.' તે ઘેર પહોંચ્યા ત્યારે નવ વાગી ગયેલા. શાંતા ઊંઘી ગયેલી. મમ્મી બોલી, 'ફ્રોક બદલવા પણ તૈયાર નહોતી, ફ્રોકમાં કરચલી પડે માટે સૂવા પણ તૈયાર નહોતી.' વેંકટરાવે નિસાસો મૂક્યો, 'મને નથી લાગતું હું એને કદીયે ફરવા લઈ જઈ શકીશ. એ લોકોએ મારો પગાર વધારી નાખ્યો છે.'

મધ્યમ વર્ગના લાચાર પિતાની આ કથા છે. તે બાળકને નથી આપી શકતો રમકડાં કે સમય. આ શ્રીમંતો માટેય ખરું છે. અસ્તિત્વવાદનો નિયમ છે : વેંકટરાવે પસંદગી કરવાની છે, દીકરીનો ઉછેર સાચવવો હોય તો ઓછા પગારથી ચલાવવું પડે. આર કે નારાયણપહેલાં તો શિક્ષકની વર્તણૂક વગેરે વર્ણવી શાંતાનું નિર્દોષ બાલિકા તરીકે પાત્રાલેખન કરે છે. બાળકને માટે તો પિતા જ આદર્શ પુરુષ, હીરો. તે કલ્પી ન શકે કે પિતા ખોટું વચન આપે. 'ભૂખે મરી જઈશ પણ સ્વમાન સાચવીશ' એવા નિર્ધાર સાથે રાજીનામું લખતા અને ક્ષણાર્ધમાં ફેરવી તોળતા વેંકટરાવ, વાસ્તવવાદ વડે પરાસ્ત થતા આદર્શવાદનું ઉદાહરણ છે. કિરીટ દૂધાતના નિરીક્ષણ સાથે સંમત થવું પડે કે 'એ સવારે ઓફિસ ગયો ત્યારે રૂ. ૪૦નો વેઠિયો હતો અને સાંજે ઘેર આવે છે ત્યારે ૪૫ રૂ. નો વેઠિયો હોય છે.' લોખંડનું હોય કે સોનાનું,  પિંજરું તો પિંજરું.