- સરદાર @150-હસિત મહેતા
- પળવારનો વિચાર કર્યા વગર વલ્લભભાઈએ ગોધરા છોડીને બોરસદમાં વકીલાત શરૂ કરવાનો નિર્ણય કરી દીધો
- તરત જ વલ્લભભાઈએ તેમને રોકડું પરખાવી દીધું કે, 'જાઓ, મને વિઠ્ઠલભાઈ કહેશે તો જ તમારી મદદ કરીશ.'
દે શ આખામાં, અરે વિશ્વભરમાં, વલ્લભભાઈની જે પ્રતિભા પોંખાઈ, તેનો આરંભ તો તેમની ગોધરા વકીલાતકાળે જ થઈ ચૂક્યો હતો. કારણ કે અહીં તેમણે જજસાહેબો, અસીલો, તેમના સાહેદો અને અજાણ્યાં એવા નગરના અગ્રણીઓને કોર્ટની રૂમમાં, ઘરનાં ફળિયામાં કે નગરના ચોકમાં પોતાની કડક, કઠણ અને આકરી પ્રકૃતિનો સારો એવો પરિચય આપી દીધો હતો. તેમનાં વાણી અને વિચારો ઉપરાંત પહોળું જડબું, વિશાળ આંખો અને કૃતનિશ્ચયી ભાવોવાળી મુખાકૃતિનો પ્રભાવ સામાવાળાને ભય કે વિશ્વાસ પહોંચાડવામાં લગીરે ય વાર કરે તેમ નહોતો.
કદાચ એથી જ બોરસદમાં વકીલાત કરતાં મોટાભાઈ વિઠ્ઠલભાઈને સંકટ સમયે વલ્લભભાઈને જ સાદ નાંખવો પડયો હતો. એ ઘટના હતી ઈ.સ. ૧૯૦૨ના અંત આસપાસની. ત્યારે બોરસદમાં ફોજદારી વકીલાત કરતાં વિઠ્ઠલભાઈને બોરસદના અધિકારીઓની એક નઠારી ત્રિપુટી હેરાનપરેશાન કરી રહી હતી. તેમાં કારણ એ હતું કે બોરસદના એક જજ સાહેબે ભ્રષ્ટાચાર કરેલો, લાંચ લીધેલી અને ઘણાં ખોટા કામ કરેલાં. એ કારનામાઓ સામે વિઠ્ઠલભાઈએ પુરાવા એકઠાં કર્યાં અને વાતાવરણ તૈયાર કર્યું. જેથી તેમની સામે તપાસ કમિશન નિમાયું, જેમાં પેલાં જજ સાહેબના ગુનાઓ સાબિત થયા, અને તેમની સામે ખટલો (કેસ) ચલાવવામાં આવ્યો, તેમ કરતાં આખરે તેમને નોકરીમાંથી બરતરફ થવું પડેલું. પોતાના એક અધિકારીને આ રીતે નોકરી ખોવી પડી, તેથી રોષે ભરાયેલાં ત્યાંના નિવાસી ફર્સ્ટક્લાસ મેજિસ્ટ્રેટ, ફર્સ્ટક્લાસ સબ જજ અને તાલુકાના મામલતદાર, આ ત્રણેયની ત્રિપૂટી વિઠ્ઠલભાઈ ઉપર રોષે ભરાઈ. તેમને કારણે જ અમારાં જજ સાહેબને નોકરી ગુમાવવી પડી, તેમ તેઓ માનતા હતા. આથી એ ત્રિપૂટીએ યેનકેન પ્રકારેણ વિઠ્ઠલભાઈને હેરાન-પરેશાન કરવાનું શરૂ કર્યું હતું.
ધીમેધીમે વિઠ્ઠલભાઈ માટે બોરસદમાં વકીલાત ઘણી કપરી થવા માંડી. ગોધરામાં વકીલાત કરતાં વલ્લભભાઈ ઉપર બોરસદથી ઘણાં વકીલોના પત્રો આવતાં હતા, તેથી તેમને આ મુશ્કેલીની જાણ થઈ જ હતી. તેમાં વળી ખુદ વિઠ્ઠલભાઈએ તેમને સંદેશો મોકલ્યો, કે વલ્લભભાઈ હવે બોરસદ વકીલાત માટે આવી ન શકે ? પેલી કાળમુખી ત્રિપૂટી કોઈને કોઈ બહાના શોધીને વિઠ્ઠલભાઈને પૂરેપૂરા ફસાવવા માંગતી હતી. જો વિઠ્ઠલભાઈ વિરુદ્ધ કાંઈ મળી આવે તો વેર લેવામાં એ સત્તાધારી અમલદારો સ્હેજે ય કાચુ કાપે તેમ નહોતા. આથી જ વિઠ્ઠલભાઈએ વલ્લભભાઈને ગોધરાથી બોરસદ આવવા માટે આ સંદેશો મોકલ્યો હતો.
અને, પળવારનો વિચાર કર્યા વગર વલ્લભભાઈએ ગોધરા છોડીને બોરસદમાં વકીલાત શરૂ કરવાનો નિર્ણય કરી દીધો. આ રીતે ઈ.સ.૧૯૦૨ના અંત ભાગે વલ્લભભાઈના ગોધરા-નિવાસ-કાળનો અંત આવ્યો. ગણતરીના દિવસોમાં જ વલ્લભભાઈ ઝવેરબા સાથે બોરસદમાં સ્થાયી થઈ ગયા. એક જ ગામમાં હોવા છતાં બંને ભાઈઓએ જુદાં-જુદાં ઘર ભાડે રાખીને રહેવાનો નિર્ણય કર્યો, વળી દેખાવ પણ એવો કરવા માંડયો કે બંને ભાઈઓ વચ્ચે ઝાઝો મનમેળ નથી. કોઈ કોઈ કેસમાં તો બંને સામસામા પક્ષે પણ ઉભા રહેતા. આ ભ્રમ પેલા અમલદારોની ત્રિપૂટી સુધી પહોંચી ગયો.
વખત જતાં બોરસદમાં વલ્લભભાઈની વકીલાત જામવા માંડી. ત્યાં બન્યું એવું કે પેલા મામલતદાર કોઈક ખટલામાં ફસાયાં. વલ્લભભાઈ આ તકની રાહ જોઈને બેઠા હતા, જે તેમને મળી ગઈ. કારણ કે મામલતદાર ફસાયા હતા તે કેસ વલ્લભભાઈ જ સંભાળતા હતા. જેથી પેલી ત્રિપૂટીવાળા ફર્સ્ટક્લાસ મેજિસ્ટ્રેટ વલ્લભભાઈ પાસે ગયાં અને મિત્ર મામલતદારને મદદ કરવા માટે વિનંતી કરી. વલ્લભભાઈએ તરત જ એમને પૂછયું કે, 'તમને ખરેખર અમારી મદદ જોઈએ છે?' 'આ વિઠ્ઠલભાઈનો ભાઈ તમારી સહાય કરે એવું તમે ઈચ્છો છો?' પેલા મેજિસ્ટ્રેટને ગરજના માર્યા પોતાની મૂંડી હકારમાં હલાવવી પડી. તરત જ વલ્લભભાઈએ તેમને રોકડું પરખાવી દીધું કે, 'જાઓ, મને વિઠ્ઠલભાઈ કહેશે તો જ તમારી મદદ કરીશ.' પેલા મેજિસ્ટ્રેટ સમજી ગયાં કે મામલતદારને બચાવવા હોય તો વિઠ્ઠલભાઈની શરણાગતિ સ્વીકાર્યા વગર છૂટકો નથી. પછી તો બન્યું પણ એવું જ, અને ઘણાં મહિનાઓ પછી બોરસદના અમલદારોની કાળમુખી ત્રિપૂટીએ પાછા પગલાં ભરીને વિઠ્ઠલભાઈની વકીલાતના રસ્તામાં ઉભી કરેલી અડચણો દૂર કરી.


