- સનાતન તંત્ર -બ્રહ્મચારી પરખ ઓમ
- ..તો હું અહીંથી ચાલી જઈશ. સમસ્ત સ્થાન વેરાન થઈ જશે અને આ ભૂમિ પર મારા આશીર્વાદ નહીં રહે. હું સઘળું ખેદાનમેદાન કરી નાખીશ.
દે વી મા તારાનું નૈવેદ્ય એમને અર્પણ કર્યા પહેલાં આરોગી જવાને કારણે એમના પ્રખર ભક્ત વામાખેપાને ગામવાસીઓએ ઢોર માર મારીને ગામની બહાર ધકેલી દીધાં. ચાર દિવસ વીતી ગયા પછી ત્યાંની રાણીનાં સ્વપ્નમાં મા તારા પ્રગટ થયાં અને એ પણ એકદમ લોહીલુહાણ અવસ્થામાં! આ દ્રશ્ય જોઈને રાણી ગભરાઈ ગયા. અહીં સુધીનો ઘટનાક્રમ ગતાંક સુધી વાંચ્યો. હવે આગળ.
રાણીએ દેવી મા તારાની આ દુર્દશાનું કારણ પૂછયું તો માતાએ પ્રત્યુત્તર આપ્યો કે મારા પુત્રને આટલો જ માર મારીને ગામની બહાર ધકેલી દેવામાં આવ્યો છે. સ્મશાનમાં એક વૃક્ષ નીચે બેસીને વામાખેપા નિરંતર મારા ધ્યાનમાં મગ્ન છે. ચાર રાત્રિથી વરસતાં ધોધમાર વરસાદને કારણે અન્નનો એક દાણો તેણે મોંમાં મૂક્યો નથી. મારું અહીં આ અવસ્થામાં પ્રગટ થવાનું કારણ વાસ્તવમાં વામાખેપાની દુર્દશા છે. જો મારા સંતાનને ફરી સન્માનપૂર્વક ગામમાં લાવવામાં ન આવ્યો, તો હું અહીંથી ચાલી જઈશ. સમસ્ત સ્થાન વેરાન થઈ જશે અને આ ભૂમિ પર મારા આશીર્વાદ નહીં રહે. હું સઘળું ખેદાનમેદાન કરી નાખીશ.
માતાનો આ ક્રોધાવતાર જોઈને રાણી પરસેવે રેબઝેબ હાલતમાં ઝબકીને જાગી ગયાં. અડધી રાતે જ એમણે વામાખેપાની શોધ કરવા માટેનો આદેશ પાઠવી દીધો. પોતાના સિપાહીઓની સાથે તેઓ જાતે ગામની બહાર પહોંચ્યા વામાખેપાને પરત લાવવા માટે! સ્મશાનમાં જઈને જુએ છે તો ખ્યાલ આવ્યો કે ચાર રાત્રિથી વામાખેપા નગ્ન અવસ્થામાં બેસી રહ્યા છે. દેવીનાં ધ્યાનમાં એટલા તો મગ્ન છે કે કશી સૂધબૂધ રહી નથી. નિસ્પૃહ થઈને તેઓ માનાં ખોળામાં રમવાનો આનંદ માણી રહ્યાં છે.
ગામવાસીની સાથે મળીને રાણીએ વામાખેપાને ગામમાં પરત ફરવા માટે આગ્રહ કર્યો. ગામવાસીઓએ કરેલાં કૃત્ય બદલ એમણે પોતે ક્ષમા માગી લીધી. વામાખેપા પણ ખેલદિલી દાખવીને ગામમાં પરત ફર્યા. તેઓ એટલા નિર્દોષ અને બાળહૃદયનાં હતાં કે ગામવાસીઓ પ્રત્યે એમને કોઈ પ્રકારનો દ્વેષભાવ કે ઘૃણા નહોતી. સામે પક્ષે, જે પૂજારી અને પંડિતોએ વામાખેપા વિરૂદ્ધ આ ષડયંત્ર કર્યુ હતું, એમને તારાપીઠની સેવામાંથી દૂર કરી દેવામાં આવ્યા. સાથોસાથ, રાણીએ કડક શબ્દોમાં આદેશ આપી દીધો કે હવેથી તારાપીઠમાં મા તારાની પૂજા-અર્ચના કરવાનો સંપૂર્ણ અધિકાર માત્ર વામાખેપા પાસે હશે. એમને જે પ્રકારે માની સેવા કરવી હોય, એમને છૂટ છે. કોઈ જાતની રોકટોક એમને લાગુ નહીં પડે. ગામવાસીઓએ પણ સહર્ષ આ નિર્ણયને સ્વીકારી લીધો.
આ દરમિયાન એક અજબ ઘટના બની. વામાખેપા જેવા તારાપીઠનાં દ્વાર પર પહોંચ્યા, એવા ક્રોધમાં આવી ગયા. કોણ જાણે એમને શું થયું... હાથમાં લાઠી ઉગામતાં ઉગામતાં તેઓ ગર્ભગૃહ તરફ દોડી ગયા. એમના મુખેથી બસ મા તારા માટે અપશબ્દો અને ફરિયાદ સંભળાઈ રહી હતી, 'મેં તો તારો જ ભોગ અર્પણ કર્યો હતો ને, મા? તારા પ્રેમને કારણે જ હું નૈવેદ્ય આરોગી રહ્યો હતો ને? મારો શું દોષ હતો? તારા કારણે મારે કેમ માર ખાવો પડયો? હવે હું તને નહીં છોડું! આજે તો તને બોધપાઠ આપવો જ પડશે.'
ગામવાસીઓને સમજાઈ નહોતું રહ્યું કે આ શું બની રહ્યું છે. વામાખેપા જેવા અંદર ગયા કે તરત મંદિરનાં દ્વાર આપોઆપ બંધ થઈ ગયા. અંદરથી લાઠીનાં પ્રહારો સંભળાવા માંડયાં. એવું લાગતું હતું જાણે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે! માત્ર એક લાઠી નહીં, પરંતુ બબ્બે લાઠીનાં પ્રહારોનાં અવાજો! વચ્ચે વચ્ચે વામાખેપાને કોઈક ફટકારી રહ્યું હોય એવું જણાતું હતું. એમના કણસવાનાં અવાજો સાંભળીને સૌની ચિંતામાં વધારો થયો. સૌને લાગ્યું જાણે દેવી મા તારા પણ વામાખેપાને આજે બોધપાઠ આપીને સુસભ્ય અને સુસંકૃત બનાવવાનાં પ્રયાસોમાં રત છે.
થોડા સમય મંદિરના દ્વાર ખૂલ્યાં અને સૌએ જે દ્રશ્ય જોયું, એ ચોંકાવનારું હતું. ઉદ્ધંડ, ઉદ્ધત, ક્રોધી સ્વભાવના વામાખેપાના ચહેરા પર અત્યારે એક અલગ પ્રકારનું તેજ હતું. તેઓ સંપૂર્ણપણે સૌમ્ય અને શાંત બની ચૂક્યાં હતાં. એવું લાગતું હતું જાણે મા તારાએ એમને જ્ઞાનનાં પ્રકાશથી પરિપૂર્ણ કરી દીધાં છે.
એ ક્ષણ પછી ગામવાસીઓને ક્યારેય વામાખેપાના ઉદ્ધત અને ક્રોધી સ્વભાવના દર્શન ન થયાં. એ ઘટના પછી વામાખેપાએ પોતાનું સંપૂર્ણ જીવન લોકકલ્યાણનાં કાર્યોમાં અર્પિત કરી દીધું.


