- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ
- 'સરોજ અને મુખી પર કેટકેટલું વિત્યું હતું. ચાર વખત તો જતું કર્યું, બાધા-આખડી કરી તારે વિષ્ણુનું મોઢું જોવા પામ્યા હતા. હવે તો મૂડીનું વ્યાજ લેવાનું છે.'
'ચા લો ઝડપ કરો, મુખીને ત્યાં લોકો ભેગા થવા લાગ્યા છે. મને ચોક્કસ વિશ્વાસ છે કે, માતાજી આ વખતે તો દયા કરશે અને સરોજભાભીને ત્યાં દીકરો જન્મ લેશે. તમને ખબર છે, મુખીએ અને સરોજભાભીએ તો બાધા પણ રાખી છે કે, જો પુત્રવધૂની કુખે દીકરો જન્મ્યો તો આવતા ભાદરવે ચાલતા અંબાજી જશે અને ૧૧ નવરાત્રી સુધી દર નોમના નિવેદ કરીને ૧૧ કુંવારીકાઓને ભોજન કરાવશે.' - નિર્મલાએ ઘરની ડેલીમાંથી બહાર નીકળતા કહ્યું અને બહાર ઊભેલા ચાર-પાંચ બૈરાં તેની વાતમાં હામી ભરાવતા ચાલવાં લાગ્યાં.
બધાય ચાલતા ચાલતા મુખીના ઘરે પહોંચ્યા ત્યાં તો ગામના મોટા મોટા માણસો આવીને બેઠા હતા. હુક્કા-પાણીની વ્યવસ્થા થઈ ગઈ હતી. ચા અને નાસ્તો બધાને અપાતો હતો. લગભગ ગામના મોટા કહેવાય એવા તમામ લોકો આવી ગયા હતા.
'તમે જોજો આ વખતે તો માતાજીની દયાથી દીકરો જ અવતરશે. મુખીએ કેટલી માતાજીની સેવા કરી છે. હવે દીકરી માથે દીકરી આવે તો પછી કોઈ ખપ જ નથી.' - ટોળામાં બેઠેલી એક મહિલાએ વાત માંડી.
'બોવ હાચી વાત, બેન તારી. ઘરમાં દીકરીઓ કેટલી ભેગી કરવાની. તેમના માટે વ્યવસ્થાઓ કરવી, ભાંજગડ કરવાની, પરણાવવાની, અને ભારો ક્યાં સુધી અને કેટલો ઉચકવાનો. દીકરો હોય તો ચિંતા તો નહીં.' - અન્ય એક વૃદ્ધ મહિલા બોલી.
લોકો જાતભાતની વાતો કરતા હતા અને નાસ્તાની મીજબાની ઉડાવતા જતા હતા. મુખી એટલે મુખી. ત્રણ પેઢીથી મુખીનો પરિવાર ગામના મુખી જ રહ્યા છે. અંબાપુરા ગામમાં ક્યારેય કોઈ ચૂંટણી થઈ નથી કે કદાચ થશે પણ નહીં. દેવાદાસ હાલ આ ગામના મુખી છે અને તેમનો દીકરો વિષ્ણુ પણ હવે તૈયાર થઈ ગયો છે. બીચારાને એક તકલીફ હતી કે, તેના લગન મોડા થયા.
'બેન, એ તો નસીબની બલિહારી છે. આખા પંથકમાં મુખીના ઘર જેવું ઘર જડે એમ નથી. ઘરમાં માણસો કામ કરે, બૈરાઓ રાજ કરે છે પણ આ વિષ્ણુને થાળે પડે એવી છોડી કેટ કેટલા વર્ષે મળી. ખેતીવાડી, બાગબગીચાનો ધણી છે છતાંય માતાજીએ છેક ૨૮ વર્ષે મેળ પાડયો.' - એક ડોશીએ કહ્યું.
'આમ જોઈએ તો આટલા મોટા ઘર માટે આ પંથકમાં મળે એવી છોકરી જ નથી. આખા પંથકમાં આંખ માંડો ત્યાં બે-ચાર ખોરડા એવા મળે જેમની દીકરીઓને મુખીના ઘરે મોકલી શકાય. બાકી તો સાવ સાધારણ સ્થિતિ હોય તે ક્યાં મુખીની પુત્રવધૂ થાય. આટલું બધું દહેજ લાવવું ક્યાંથી.' - બીજી એક
ડોશીએ કહ્યું.
'મુખી તો જરાય ઉપરનીચે ચલાવી લે તેવા નથી. તેમને તો જે જોઈએ તે જોઈએ જ. મને તો સમાચાર હતા કે, શેરમાં પણ બે-ચાર છોકરીઓ જોઈ હતી પણ કંઈક મેળ ખોધો નહોતો. બીજા કોક શેરમાં જઈને વિષ્ણુ માટે છોકરી શોધી લાવ્યા છે.' - કાંતામાસી બોલ્યા.
'કાંતા ડોશી પાસે બહુ વાતો હોય છે. ખબર નહીં આખો દી ક્યાંથી બધું શોધી લાવે છે. તમને કોણ કેવા આયું તું કે બીજા શેરની છોકરી છે. આપણે ત્યાં કંઈ છોડીઓ નથી... તમેય હું ટાઢા પોરની હાંકો છો...' - નિર્મલાએ જવાબ આપ્યો અને મહિલાઓનું ટોળું હસી પડયું. મુખીએ એક નજર ત્યાં કરી ત્યાં તો બધા બૈરાં શાંત થઈ ગયા અને ગુશપુશ કરવા લાગ્યા.
આ બધી વાતો ચાલતી હતી ત્યાં બે ડોક્ટર અને એક નર્સ આવી ગયા. ગામમાં પહેલી વખત હોસ્પિટલ ખુલી હતી. આમ નાનકડી જ હોસ્પિટલ હતી પણ ત્યાંના ડોક્ટર ખૂબ જ સારા સ્વભાવના હતા. ડો. દેસાઈએ તેમની સાથે શહેરમાંથી જ એક યુવાન મહિલા ડોક્ટર શ્રીસખીને બોલાવી હતી. નામ ઉપરથી પારંપરિક લાગતી શ્રીસખી સરળ અને પ્રેમાળ હતી.
તે ગામના લોકોની સેવા કરતી, તેમના ઘરે જઈને સારવાર આપતી અને ઘણી વખત હોસ્પિટલનું કામ પૂરું થઈ ગયા પણ મોડે સુધી બેસતી અથવા તો દર્દીના ઘર જઈને ટ્રિટમેન્ટ આપી આવતી જેથી કોઈને હોસ્પિટલ સુધી ધક્કો ખાવો ન પડે.
મુખીના ઘરમાં ડોક્ટરો આવ્યા એટલે બધા સજ્જ થઈ ગયા. તેમને ખ્યાલ આવી ગયો કે ટૂંક સમયમાં સારા સમાચાર આવશે. બધા ફરીથી ટોળે વળીને સારા સમાચારની રાહ જોવા લાગ્યા.
'શેરમાંથી બીજા ડોક્ટરને બોલાવ્યા છે. તેઓ પહોંચતા જ હશે. તે આવે પછી બાળકના જન્મની કામગીરી કરીએ. લગભગ નોર્મલ ડિલિવરી થઈ જશે નહીંતર એમ્બ્લ્યુલન્સ સાથે આવશે તેમાં શેર લઈ જઈશું અને સિઝર કરીશું.' - ડો. દેસાઈએ બહાર આવીને કહ્યું પણ મુખી અને વિષ્ણુને ખાસ રસ પડયો નહીં. તેઓ માત્ર માથુ ધુણાવીને પાછા પોતાના જગ્યાએ બેસી ગયા.
ડો. દેસાઈ રૂમની પાસે ગોઠવેલી ખુરશીમાં બેઠા. પેલી મહિલા નર્સ અંદર ગઈ અને શ્રીસખી ડો. દેસાઈથી સહેજ દૂર બધી મહિલાઓ બેઠી હતી તેમની પાછળની તરફ જઈને ઊભી રહી ગઈ. તેના ચહેરા ઉપર ચિંતાના હાવભાવ હતા પણ ડો. દેસાઈએ તેને ઈશારો કરીને શાંત રહેવા જણાવ્યું.
'લાગે છે, માતાજી આ વખતે સરોજ અને મુખીની પરીક્ષા કરતા લાગે છે. દીકરો આપતા પહેલાં જાણે કે પારખાં કરતા હોય તેવું લાગે છે. માતાજી સૌ સારાવાન કરી દેશે.' - એક મહિલાએ કહ્યું.
'બેન પરીક્ષા તો કરે જ ને. દીકરાના બદલામાં ૧૧ વરહ હુધી નોરતામાં ૧૧-૧૧ કુંવાસીઓને જમાડવાની બાધા રાખી છે તો માતાજીએ પારખું તો કરવાના જ ને. બાકી તો ક્યાં ચિંતા જ હતી. વિષ્ણુની પેલા છોડી જ હતીને સરોજની કુખે.' - કાંતાડોશી બોલી.
'અટાણે ક્યાં તમે વિષ્ણુની બેનની વાત કાઢી. રેવતી એના હાહરે હશે અને માતાજી કરશે તો સુખી હશે. આપણે ક્યાં એ વિચારવાનું.' - બીજી ડોશીએ કહ્યું.
'બેન વિચાર તો કરવો જ પડે. રેવતી પછી દહ વરહે આ વિષ્ણુ આયો તો. સરોજને અને મુખીને કેટકેટલું વિત્યું હતું. ચાર વખત તો જતું કર્યું અને કંઈ કેટલી બાધા-આખડી કરી તારે વિષ્ણુનું મોઢું જોવા પામ્યા હતા. હવે તો મૂડીનું વ્યાજ લેવાનું છે.' - ત્રીજી એક ડોશીએ કહ્યું.
'અલી, ગંગાબેન, આ વિષ્ણુને હામે પૈસા આલીને પૈણાયો તો. વાત હાચી છે કે પછી...' - કાશીડોશીએ કહ્યું.
'હાવ હાચી વાત. બીજા શેરમાં મુખીના કુટુંબી કોક રે છે. એણે મદદ કરી તાણે આ છોડી મળી હતી. મેં તો ઘૈડયા પાહે હાંભળ્યું તું કે મુખીએ હામે ૧૦ હજાર દીધા તૈં દીકરી આપી. બાકી આ વિષ્ણુને કોણ પરણતું તું આ ગામડાગામમાં. અહીંયા છોકરીઓ છે જ ક્યાં તો વિષ્ણુ જેવાનો વારો આવે.' - કાંતાડોશી બોલી.
'તમારા જેવા માવતર હોય પછી મજાલ છે કે, આખા પંથકમાં કોઈના ઘરે દીકરી જન્મે. તમારા જેવા રાક્ષસો જ માતાજીની બાધા રાખીને દીકરા લેવા દોડી જાય છે. પેટમાં છોકરી હોવાની ઓળખ કરાવી આવવાની અને પછી છોકરી પડાવી કાઢવાની. દવા લઈ લેવાની. ઓપરેશન કરાવી દેવાના. ઘણી વખત કશું જ શક્ય ન બને તો જન્મ્યા પછી ક્યાંક મુકી આવવાની, કદાચ મારી પણ નાખતા હશો તમે લોકો તો, તમારામાં ક્યાં દયા જેવું છે.' - શ્રીસખી એકાએક ભડકી ગઈ.
'એ છોડી, મોઢુ હંભાળીને બોલજે. નવી નવાઈની દાક્તર થઈ છે તે અમને હંભળાવવા નીકળી છે. તું છે કોણ. બે કોડીને છોડી.' - કાંતાડોશી તાડુકી.
'એ ડોશી, મારું તો નામ જ ના લેતી. હાથમાં આવીને તો રાતોરાત ભગવાનના દરબાર ભેગી કરી દઈશ. મારી વાત ક્યાં ખોટી છે. તમે દીકરીઓને જનમ આપતા નથી અને પછી છોકરા માટે પુત્રવધૂ શોધવા નીકળો છો. એક વખત વિચારો તમારા મા-બાપે તમને મારી નાખ્યા હોત તો તમારું ક્યાં કોઈ અસ્તિત્વ જ હોત. ઈશ્વરનો આભાર માનો કે તમારા મા-બાપ તમારા જેવા રાક્ષસી નહોતા.
તમે જે રીતે રહો છો તે જોતાં લાગે છે કે, આગામી દાયકામાં તમારા ગામના છોકરા એક છોકરી જોવા નહીં મળે. પાછા દીકરો લેવા માતાજીના માનતા લેવા નીકળ્યા છે. દીકરો જન્મે તો ૧૧ દીકરીઓ જમાડવી છે પણ એક દીકરીને જન્મવા દેવી નથી.' - શ્રીસખી બોલી અને ગુસ્સામાં પગ પછાડીને અંદર રૂમમાં જતી રહી.
'સર જલદી અંદર આવો, બેનને પેઈન શરૂ થયું છે. હવે આપણે રાહ જોવાય તેમ નથી.' - નર્સ દોડીને બહાર આવી અને ડો. દેસાઈ પણ અંદર જતા રહ્યા. લગભગ પંદર વીસ મિનિટમાં બાળકના રડવાનો અવાજ આવ્યો. થોડીવારમાં શ્રીસખી બહાર આવી. તેના હાથમાં એક બાળકી હતી. દીકરી જન્મી છે બોલો શું કરવું છે.
'દીકરી, તારા પ્રતાપે મારા ઘરે માતાજી આવ્યા છે. હવે ૧૧ વર્ષ નહીં ૨૧ વર્ષ સુધી આ મુખીના ઘરમાં કુંવાસીઓને નવરાતે ભોજન કરાવાશે. મને વિશ્વાસ છે કે મારી માવડી વધારે રાજી રેશે. વિષ્ણુ મારી દીકરીને છઠ્ઠી જાય પછી આખા ગામને જમણવાર કરાવવાનો છે. બધાને કહી દો તૈયારીઓમાં લાગી જાય.' - મુખીએ શ્રીસખીની નજીક આવીને કહ્યું અને તેના હાથમાં રહેલી દીકરીના નાનકડા પગ પોતાના માથે અડાડયા.


