Get The App

સીડની મેક્લોગ્લીન : ટ્રેક એન્ડ ફિલ્ડમાં જીવંત દંતકથા સમાન અમેરિકન એથ્લીટ

Updated: Sep 28th, 2025

GS TEAM

Google News
Google News
સીડની મેક્લોગ્લીન : ટ્રેક એન્ડ ફિલ્ડમાં  જીવંત દંતકથા સમાન અમેરિકન એથ્લીટ 1 - image

- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત

- માત્ર 26 વર્ષની ઉંમરે 400 મીટર વિઘ્ન દોડમાં છ વખત વિશ્વવિક્રમ સર્જી ચૂકેલી સીડનીએ ઓલિમ્પિકમાં ચાર અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રેકોર્ડ પાંચ સુવર્ણચંદ્રક પોતાના નામે કર્યાં છે

T he Game is Bigger then The Player - રમતની દુનિયામાં સુપ્રસિદ્ધ આ વાક્યમાં ઘણી વખત અપવાદ પણ સર્જાતા હોય છે. રમતને કોઈ ચહેરો હોતો નથી, પણ દુનિયા હંમેશા ચહેરાને જ યાદ રાખતી હોય છે અને તેના પગલે  રમતને આગવી ઓળખ મળે છે. દરેક રમતમાં સમયાંતરે એવા ખેલાડીઓનું આગમન થાય છે કે, જેઓ અતિ વિરલ અને વિશિષ્ટ સિદ્ધિઓને હાંસલ કરે છે, જેના થકી તેઓ ખુદ જ તેમની રમતની ઓળખ બની રહે છે. આવા સુપરસ્ટાર થકી જ રમતનો વ્યાપ તો વિસ્તાર પામે જ છેે, સાથે સાથે નવી પેઢીને પડકારરુપ કીતમાનો પણ રચાય છે. આ કીતમાન જ પડકાર બનીને વિશ્વના ખૂણે-ખૂણે રહીને તૈયારી કરતી ભાવિ પેઢીને સતત આગળ વધવાની અને વિશ્વના સૌથી ઊંચા માપદંડોની કસોટીએ પોતાની પ્રતિભાને ચકાસવાનો પડકાર પૂરો પાડે છે.

સખત મહેનતની સાથેે અત્યંત તીવ્ર સ્પર્ધા ધરાવતા એથ્લેટિક્સના ટ્રેક પર આગવો દબદબો સર્જવો હવે વધુ પડકારજનક બન્યો છે. એથ્લીટે પ્રત્યેક વેળાએ તેના પ્રદર્શનને સુધારવા તરફ તો ધ્યાન આપવાનું જ હોય છે, સાથે સાથે તેમણે પ્રતિબંધિત ડ્રગ એટલે કે ડોપિંગના અત્યંત જટિલ અને આંટીઘૂંટીથી ભરેલા નિયમોની માયાજાળની મર્યાદામાં રહીને દવા તો શું ભોજનનું પણ સેવન કરવાનું હોય છે. જોકે તમામ વિઘ્નો-પરિક્ષણો છતાં કેટલીક પ્રતિભાઓ તેમના સાતત્યભર્યા ચમકારાને સહારે આખી દુનિયાનું ધ્યાન ખેંચતી રહે છે અને તેવી જ એક પ્રતિભા એટલે અમેરિકાની સીડની મેક્લોગ્લીન-લેવ્રોને. 

અમેરિકાના ન્યૂ જર્સીમાં આવેલા ન્યૂબર્ન્સવિકની ૨૬ વર્ષની એથ્લીટ સીડનીએ યુવાવયથી જ આગવી સિદ્ધિ અને વિક્રમોની વણઝાર સર્જતાં મહાન ખેલાડીઓની હરોળમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. સીડનીની સિગ્નેચર ઈવેન્ટ એટલે કે તેની ઈજારાશાહી જે સ્પર્ધામાંં છે, તે ૪૦૦ મીટરની વિઘ્ન દોડ છે. સીડની વર્ષ ૨૦૨૦ થી લઈને અત્યાર સુધી એટલે કે પાંચ વર્ષ દરમિયાન બે ઓલિમ્પિકમાં વ્યક્તિગત અને રિલે એમ કુલ બે ઈવેન્ટમાં ચાર સુવર્ણચંદ્રક જીતી ચૂકી છે.  જ્યારે ૨૦૧૯ થી લઈને અત્યાર સુધીમાં તેણે ત્રણ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો છે, જેમાં કુલ પાંચ સુવર્ણ અને એક રજત ચંદ્રક જીતવામાં સફળતા મેળવી છે. સીડનીએ આ દરમિયાન છ વખત ૪૦૦ મીટરની વિઘ્ન દોડમાં વિશ્વવિક્રમ તોડી નાંખ્યા છે, જે તેેની મહાનતાના પુરાવા સમા છે. એથ્લેટિક્સમાં ૪૦૦ મીટર દોડ અને ૪૦૦ મીટર વિઘ્ન દોડ એમ બે સ્પર્ધા યોજાતી હોય છે. અત્યાર સુધી ૪૦૦ મીટર વિઘ્ન દોડમાં કીર્તિમાન સ્થાપિત કરનારી સીડનીએ હવે ૪૦૦ મીટર દોડને પણ અપનાવી છે. 

ટોકિયોમાં સપ્ટેમ્બર-૨૦૨૫માં જ પુરી થયેેલી વર્લ્ડ ચેેમ્પિયનશિપમાં સીડનીએ ૪૦૦ મીટરની વિઘ્ન દોડને બદલે ૪૦૦ મીટરની દોડમાં જ સ્પર્ધામાં ઉતરવાનો નિર્ણય લીધો અને પહેલા જ પ્રયાસમાં સુવર્ણચંદ્રક જીતી લીધો. તેની આ સફળતાની સાથે એક આગવો ઈતિહાસ પણ રચાયો. અમેરિકન એથ્લીટે આ રેસ માત્ર ૪૭.૭૮ સેકન્ડમાં પુરી કરી અને છેલ્લા ૪૦ વર્ષમાં ૪૦૦ મીટરની દોડમાં સૌથી ઝડપી રેસ પુરી કરનારી મહિલા એથ્લીટ તરીકેનું ગૌરવ હાંસલ કર્યું. સીડની આ સાથે માત્ર ૦.૧૮ સેકન્ડથી જ પૂર્વ જર્મનીની મારિટા કોચે ૧૯૮૫માં નોંધાવેલા વિશ્વવિક્રમની બરોબરી કરવાથી ચૂકી ગઈ. જોકે ૪૦૦ મીટર વિઘ્ન દોડમાંથી ૪૦૦ મીટરની દોડના રેસિંગ વિશ્વમાં પ્રવેશ છતાં સીડનીએ જે પ્રકારે તેનું ફોર્મ અને ફિટનેસને જાળવી રાખતાં પ્રદર્શન કરી બતાવ્યું છે, તે જ તેને જીવંત દંતકથા સમાન ખેલાડીઓની હરોળમાં સ્થાન અપાવવા માટે પુરતું છે. 

આંતરરાષ્ટ્રીય એથ્લેટિક્સમાં સીડનીની સિદ્ધિને એટલા માટે વિશ્વવિક્રમ ધારક મારિટા કોચ કરતાં ચડિયાતી માનવામાં આવે છે, કારણ કે તે સમયે પૂર્વ જર્મનીમાં સરકાર અને રાષ્ટ્રીય એથ્લેટિક્સ સંઘ જ ખેલાડીઓનું પ્રદર્શન સુધારવા માટે તેમને ડ્રગ પુરુ પાડતું. વળી, તે સમયે ડોપિંગ અંગેની વિશેષ જાગૃતિ નહતી અને આ કારણે ડ્રગનું સેવન કરનારા ખેલાડીઓ પણ વિશ્વવિક્રમ સર્જતા અને ચંદ્રકો જીતતા.જોકે સીડનીએ તો આધુનિક એથ્લેટિક્સના ડોપિંગના આકરા નિયમોનું પાલન કરવાની સાથે આ સિદ્ધિ મેળી છે, જે તેને એથ્લેટિક્સના મુઠી ઊંચેરા ખેલાડીઓની હરોળમાં આગવું સ્થાન અપાવે છે.

આંતરરાષ્ટ્રીય એથ્લેટિક્સમાં આગવી નામના મેળવનારી સીડનીને એથ્લેટિક્સના સંસ્કારો તેના માતા મેરી અને પિતા વિલી પાસેથી લોહીમાં જ મળ્યા છે. વિલી એક જમાનામાં રાષ્ટ્રીય સ્તરના જાણીતા એથ્લીટ હતા અને તેમની ઈવેન્ટ પણ ૪૦૦ મીટર જ હતી. જ્યારે સીડનીની માતા પણ લાંબા અંતરની એથ્લીટ હતી. આ કારણે સીડની માટે ઘરથી એથ્લેટિક્સનો ટ્રેક બહુ દૂર નહતો. વધુમાં, તેની મોટી બહેન મોર્ગન, ભાઈ ટેલર અને નાનો ભાઈ રાયન પણ એથ્લેટિક્સના ટ્રેક પર જ ઉછર્યા હોવાથી તેમનામાં રહેલા એથ્લીટ તરીકેનું ઘડતર બાળપણથી થયું હતુ. મેક્લોગ્લિન પરિવારના પાંચેય સભ્યો ન્યૂ જર્સી કાઉન્ટીના ટ્રેક ચેમ્પિયન બનવાનો અનોખો રેકોર્ડ પણ ધરાવે છે. 

શાળાજીવન દરમિયાન જ સીડનીએ કોચ માઈક મેક્કોબેેના માર્ગદર્શનમાં જુનિયર લેવલ અમેરિકા અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આગવો પ્રભાવ પાડયો હતો. માત્ર ૧૬ વર્ષની વયે રિયો ઓલિમ્પિક ૨૦૧૬ માટે ક્વોલિફાય થયેલી સીડની, તે સમયે અમેરિકન એથ્લેટિક્સના ઈતિહાસમાં ૧૯૭૨ પછી સૌથી યુવા વયે ઓલિમ્પિક ટીમમાં સ્થાન મેળવનારી એથ્લીટ બની હતી. અમેરિકાના ઘરઆંગણાના એથ્લેટિક્સમાં તેમજ જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સીડનીની ગોલ્ડન રન તેને ભવિષ્યની સુપરસ્ટાર તરીકે સાબિત કરવા માટે પુરતી હતી. કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ માત્ર એથ્લેટિક્સની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રીત કરનારી સીડનીએ ૨૦૧૯માં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ૪૦૦ મીટરની વિઘ્ન દોડમાં રજત અને રિલે ટીમની સાથે સુવર્ણચંદ્રક જીતવામાં સફળતા મેળવી.

સીડનીની કારકિર્દીની ઊંચી ઉડાનની આ શરુઆત હતી. આ પછી તેણે ૨૦૧૯માં જ ડાયમંડ લીગ ફાઈનલ્સ  ચેમ્પિયન તરીકેનું એલિટ ટાઈટલ મેળવી બતાવ્યું. કોરોનાના કારણે ૨૦૨૧માં યોજાયેલા ટોકિયો ઓલિમ્પિક અગાઉ અમેરિકાના યુજીનમાં જ તેણે ૪૦૦ મીટર વિઘ્ન દોડનો વિશ્વવિક્રમ તોડી નાંખ્યો અને ૫૨(બાવન) સબ સેકન્ડની સિદ્ધિ હાંસલ કરનારી પહેલી ખેલાડી બનતા ૫૧.૯૦ સેકન્ડનો સમય આપ્યો હતો. આ પછી બે વર્ષ દરમિયાન તેણે ત્રણ વખત પોતાનો જ વર્લ્ડરેકોર્ડ તોડયો અને ટોકિયો ઓલિમ્પિકની સાથે ૨૦૨૨ની યુજીન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ બેવડા સુવર્ણચંદ્રક મેળવ્યા હતા. 

અલબત્ત, ૨૦૨૩ની બુડાપેસ્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપ અગાઉ જ તેની કારકિર્દીને ઈજાનું ગ્રહણ લાગ્યું અને તે સુવર્ણચંદ્રક જાળવવા માટે સ્પર્ધામાં ઉતરી ન શકી. જોકે, નિષ્ણાતોની સલાહ અને મક્કમ મનોબળને સહારે ૨૦૨૪ના પેરિસ ઓલિમ્પિકમાં ધમાકેદાર પુનરાગમન કર્યું અને ટોકિયોમાં જીતેલા બંને સુવર્ણચંદ્રકોને જાળવી રાખવામાં સફળતા મેળવી. આ પછી ટોકિયો વર્લ્ડ ચેમ્પિયનશિપ-૨૦૨૫માં પહેલીવાર ૪૦૦ મીટરની દોડ સ્પર્ધામાં ઝુકાવતા સુવર્ણચંદ્રક હાંસલ કરી બતાવ્યો છે. 

હાલમાં જે પ્રકારની સીડનીની ફિટનેસ અને ફોર્મ છે, તે જોતા ૨૦૨૮ના લોસ એંજલસ ઓલિમ્પિકમાં તે ઘરઆંગણે બેવડા સુવર્ણચંદ્રકોની હેટ્રિક સર્જવા માટેે આતુર છે. જોકે ઘરઆંગણે યોજાઈ રહેલા ઓલિમ્પિકમાં સીડની નવી સ્પર્ધામાં ઝુકાવવાની તૈયારી કરી રહી છે અને હવે તેની પ્રતિભા નવી ક્ષિતિજોને પાંખોમાં ભરી લેવા માટે તૈયારી કરી રહી છે.