Get The App

માનવીય ગૌરવનો ઇન્કિલાબ .

Updated: Sep 27th, 2025

GS TEAM

Google News
Google News
માનવીય ગૌરવનો ઇન્કિલાબ                               . 1 - image

- આજકાલ-પ્રીતિ શાહ

- આસિફ શેખ

- હાહાકાર વ્યાપી ગયો. જાનથી મારી નાખવાની ધમકી મળી, પરંતુ હવે  મહિલાઓ કોઈ પણ ભોગે એ નરકમાં પાછી ફરવા તૈયાર નહોતી

મ ધ્યપ્રદેશના દેવાસમાં દલિત પરિવારમાં આસિફ શેખનો જન્મ થયો હતો. ૧૮ આક્ટોબર ૧૯૮૨ના રોજ જન્મેલા આસિફનું બાળપણ કપરા સંઘર્ષ વચ્ચે પસાર થયું. આથક મુશ્કેલી કરતાં પણ આસિફને સામાજિક ઉપેક્ષાનો દંશ વધુ સતાવતો હતો. સ્કૂલથી માંડીને ઘર સુધી આ ભેદભાવને કારણે કિશોરવયમાં જ એના મનમાં એક સંકલ્પ દ્રઢ થયો કે આજની આ પરિસ્થિતિ બદલવી પડશે અને તેને માટે એણે જાતે જ શરૂઆત કરવી પડશે. પોતાના જેવા ઘણા સાથીઓ હતા, જે પોતાનું દુ:ખ એકબીજા સાથે વહેંચતા હતા. આસિફ સત્તર વર્ષના હતા, ત્યારે ઉજ્જૈનમાં ફટાકડાની એક ગેરકાયદેસર ફેક્ટરીમાં વિસ્ફોટ થયો અને ઘણાં લોકો મૃત્યુ પામ્યા, તેમાં ત્રણ દલિત બાળકો પણ હતાં. તેને ખબર પડી કે ઘણા દલિતો પાસે બંધુઆ મજૂરી કરાવવામાં આવતી હતી. આસિફના નેતૃત્વમાં ઘણા કિશોરો અને યુવાનોએ તેનો વિરોધ કરવાનો નિર્ણય કર્યો. આમાં લોકોનો પણ સાથ મળ્યો, તેથી આસિફનો આત્મવિશ્વાસ વધ્યો. દેશનાં સક્રિય સંગઠનો સાથે મળીને વાસ્તવિકતાનો તાગ મેળવ્યો. સ્કૂલોમાં પણ દલિતો પ્રત્યે ભેદભાવ રાખવામાં આવતો હતો, તેથી એણે દેવાસમાં રાત્રિ પાઠશાળા શરૂ કરી, જેથી વંચિત બાળકો અભ્યાસ કરી શકે.

ઉજ્જૈનની વિક્રમ યુનિવર્સિટીમાંથી રાજ્યશાસ્ત્ર વિષય સાથે સ્નાતકની ડિગ્રી  મેળવનાર આસિફે ૨૦૦૦માં પોતાના બાર સાથીઓ સાથે 'જન સાહસ' નામની સંસ્થાની સ્થાપના કરી. તેણે આંબેડકરનો બીજ મંત્ર અપનાવ્યો - 'શિક્ષિત બનો, સંઘર્ષ કરો અને સંગઠિત બનો.' આજે 'જન સાહસ' સંસ્થા એ પરિવર્તન લાવનારા અગ્રણી સંગઠનોમાંનું એક બની રહ્યું છે. જન સાહસ રાજસ્થાન, બિહાર, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી-એનસીઆર, ઉત્તરપ્રદેશ જેવાં રાજ્યોના પંચાવન જિલ્લામાં કાર્યરત છે. ૨૦૧૨માં જાતિ આધારિત વ્યવસાયિક શોષણ અને પિતૃસત્તાત્મક જાતિગત નેટવર્ક અંતર્ગત અનોખી રણનીતિ વિકસિત કરી કે જેથી સગીરવયની છોકરીઓ યૌન ગુલામીમાંથી પોતાની જાતને મુક્ત કરી શકે. ૨૦૧૯ સુધીમાં આશરે છ હજાર આઠસો છોકરીઓને યૌનશોષણના દુષ્ચક્રમાં ફસાતી અટકાવી છે.

આસિફ શેખ એક એવા સામાજિક કાર્યકર્તા છે કે જેમણે સ્ત્રીઓ અને બાળકો સાથે થતી યૌન હિંસાને સમાપ્ત કરવા માટે, હાથેથી મેલું ઉપાડવાની પ્રથા બંધ કરવા માટે તેમજ બંધુઆ કોવિડ સમયે પ્રવાસી મજૂરોને જન સાહસ ટીમે અનેક રીતે સહાય કરી. પાંચ લાખથી વધુ વ્યક્તિઓને રાશનકિટ, સુરક્ષાકિટ અને આરોગ્ય સહાય પહોંચાડી હતી.

જન સાહસ સંગઠનમાં કામ કરતાં કરતાં તેમણે જોયું કે મધ્યપ્રદેશનાં ગામડાઓમાં માનવ મળ ઉપાડતી અને સાફ કરતી મહિલાઓની પરિસ્થિતિ અત્યંત ખરાબ હતી. ૨૦૦૬ સુધીમાં તો આસિફ અને તેમની ટીમે પર્યાપ્ત અનુભવ પણ કર્યો હતો અને તેને કારણે રાષ્ટ્રીય ગરિમા અભિયાનનો પ્રારંભ થયો. આ પ્રથા બંધ કરાવવાનું કામ સહેલું નહોતું, પરંતુ છવ્વીસ મહિલા આનો વિરોધ કરવા તૈયાર થઈ. તેમણે પોતાના ટોપલા સળગાવીને આ કામમાંથી મુક્ત થવાનો નિર્ણય કર્યો. હાહાકાર વ્યાપી ગયો. જાનથી મારી નાખવાની ધમકી મળી, એક દલિત મહિલાની ઝૂંપડી બાળી નાખી, પરંતુ હવે આ મહિલાઓ કોઈ પણ ભોગે એ નરકમાં પાછી ફરવા તૈયાર નહોતી. આસિફે પહેલેથી જ તેમની રોજગારી માટે સિલાઈ મશીન અને ભરતગૂંથણના કામની વ્યવસ્થા કરી રાખી હતી. ૨૦૦૬માં દેવાસનાં અનેક ગામોમાં આ સ્ત્રીઓએ જઈને અન્ય મહિલાઓને આ કામ છોડવા સમજાવ્યું. પરિણામે સોળ ગામના સાઠથી વધુ પરિવારોએ આ કામ છોડી દીધું. એ પછીના દાયકામાં હજારો સ્ત્રીઓ અને બાળમજૂરોને આ ગુલામીમાંથી મુક્તિ અપાવી. 

આસિફ શેખે હાથેથી મેલું ઉપાડવાની અમાનવીય પ્રથા સામે ૨૦૧૨ની ૩૦ નવેમ્બરે ભોપાલથી મૈલા મુક્તિ યાત્રા શરૂ કરી, જે દસ હજાર કિમી.ની યાત્રા હતી અને ૨૦૧૩ની ૨૧ જાન્યુઆરીએ દિલ્હી પહોંચી. અઢાર રાજ્યોના બસો જેટલા જિલ્લામાંથી આ યાત્રા પસાર થઈ, તેમાં મેલુ ઉપાડવાની પ્રથામાંથી મુક્ત થયેલી દસ હજાર મહિલા અને પચાસ હજાર મેલુ ઉપાડનાર વ્યક્તિઓએ ભાગ લીધો હતો. સમગ્ર દેશમાં આ પ્રથા પર પ્રતિબંધ લદાય તેવી સરકાર પાસે માગણી કરી અને તેથી આ પ્રથા પર પ્રતિબંધ અને તેમના પુનર્વાસ માટેનો કાયદો ઘડાયો. ૨૦૧૭માં એમણે રાષ્ટ્રીય ગરિમા અભિયાન ચલાવ્યું હતું અને તેમાં બળાત્કાર, યૌન હિંસા અને માનવ તસ્કરીમાંથી ઉગરી ગયેલા લોકો માટે રાષ્ટ્રીય મંચનું આયોજન કર્યું હતું. પીડિતો માટે કાયમી રાષ્ટ્રીય સ્તરના નિર્માણની શરૂઆત કરી હતી. 'શર્મ કરો, સમર્થન કરો'ના સૂત્રોચ્ચાર સાથે જન આંદોલન શરૂ કરેલું તેના પરિણામે તેમણે બે મહિનાની 'ડિગ્નીટી માર્ચ'નું આયોજન કર્યું હતું. મુંબઈથી શરૂ થયેલી આ માર્ચ ચોવીસ રાજ્યોના બસો જિલ્લાઓમાં થઈને દિલ્હી પહોંચી હતી. રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સન્માન મેળવનાર આસિફ શેખ હજારો જિંદગીઓમાં પ્રકાશ ફેલાવી રહ્યા છે.

લીટલ લીફનો મોટો જાદુ

પ્રીતી ચૌધરી

ઘણા લોકોને  કચરામાંથી કાગળ છૂટા પાડવા ગમતા નહોતા કે કાગળો દાનમાં આપવામાં ખચકાટ અનુભવતા હતા, પરંતુ... 

વા રાણસીમાં ઉછરેલી પ્રીતુ ચૌધરીએ નાનપણથી જ પોતાની આસપાસ વિપુલ પ્રમાણમાં કચરો જોયો હતો અને તેમાંય વિશેષ તો કાગળ અને પ્લાસ્ટિકનો! તો બીજી બાજુ અભ્યાસ કરતા જરૂરિયાતમંદ બાળકો કાગળ સાચવીને વાપરતા હતા. વારાણસીમાં તેણે બી.કોમ.નો અભ્યાસ કર્યો અને ત્યારબાદ તેણે પાંચ વર્ષ ૨૦૧૨થી ૨૦૧૭ સુધી એક્સપોર્ટ-ઈમ્પોર્ટની કંપનીમાં કામ કર્યું. આ બધા વર્ષો દરમિયાન જરૂરિયાતમંદ બાળકો માટે કંઈક કામ કરવું એવું તે સતત અનુભવતી હતી. સમાજ માટે કોઈ અર્થપૂર્ણ કામ કરવાના વિચારમાંથી તેણે લિટલ લીફની સ્થાપના કરી. તે જ્યારે કચરાના ઢગ જોતી ત્યારે તેને થતું કે કચરો એ તદ્દન તુચ્છ વસ્તુ નથી. તેમાંથી કશુંક મૂલ્યવાન બનાવવું જોઈએ કે જેથી સમાજ અને પર્યાવરણને ફાયદો થાય. તેણે લિટલ લીફ અંતર્ગત વારાણસીમાં જુદાં જુદાં ઘરોમાંથી નકામા કાગળો મેળવવાનું શરૂ કર્યું અને તે રીસાયકલીંગ કરતી કંપનીઓને પહોંચાડવા લાગી.

પ્રીતુ ચૌધરીએ વિચાર્યું કે નકામા કાગળોને એકત્રિત કરવા, તેને રીસાયકલ કરવા અને પછી તેમાંથી નોટબુક બનાવીને એવા વિદ્યાર્થીઓને આપવી કે જે સ્કૂલે તો જતા હોય, પણ ગરીબાઈને કારણે નોટબુક ખરીદવાની ક્ષમતા ન હોય. પ્રીતુ ચૌધરીને લાગ્યું કે આમ કરવાથી ઘણાં બાળકોને લાભ થશે અને તેમનું ભવિષ્ય સુધરી જશે. લિટલ લીફ પોતે પેપર સીધું રીસાયકલ નથી કરતું કે કાગળનું ઉત્પાદન નથી કરતું. પ્રીતુ એક સમુદાયને સૂકા કચરાને છૂટો પાડવાનું શીખવે છે. કોઈને પોતાની એનજીઓમાં આર્થિક સહાય આપવા પ્રોત્સાહિત કરે છે અને નોટબુક તૈયાર થયેથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આપે છે. પ્રીતુએ એક એવી યોજના બનાવી છે કે જો કોઈ બે કિલોગ્રામ પેપર આપે, તો તેને એક નોટબુક મળે અથવા જે વ્યક્તિ પેપર દાનમાં આપે તે જે વિદ્યાર્થીને કહે તેને નોટબુક મળે અથવા તે વ્યક્તિ સીધી જ તે વિદ્યાર્થીને નોટબુક આપે. દાતાઓને આવી પસંદગી આપવા પાછળનું કારણ દર્શાવતા પ્રીતુ કહે છે કે તેનાથી એક માલિકીભાવ આવે છે અને સમાજની ભાગીદારી વધે છે. કાગળ આપનાર દાતાઓ લિટલ લીફની ટીમનો સંપર્ક કરે એટલે તેમની ટીમ તેમના ઘરે જઈને કાગળો લઈ આવે છે અને તે પણ કોઈપણ પ્રકારના ચાર્જ વગર, પરંતુ કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા માટે તેણે ઓછામાં ઓછા દસ કિલો કાગળોની સીમા બાંધી છે, જેથી બે-પાંચ કિલો કાગળો માટે ઘરે ઘરે ફરવું ન પડે. શરૂઆતમાં ઘણા લોકો એવા પણ હતા કે જેમને કચરામાંથી કાગળ છૂટા પાડવા ગમતા નહોતા કે કાગળો દાનમાં આપવામાં ખચકાટ અનુભવતા હતા, પરંતુ તેમને જ્યારે સમજાવ્યું કે આ કાગળને રીસયાકલ કરીને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નોટબુકના સ્વરૂપે આપવામાં આવે છે, ત્યારે લોકો હોંશે હોંશે જોડાવા લાગ્યા. રીસાયકલ પેપરનો બીજો મોટો ફાયદો એ કે એટલો કચરો જમીન સુધી પહોંચશે નહીં અને તેથી પર્યાવરણને ફાયદો થશે. એક ટન પેપર બનાવવા માટે દસથી પંદર વૃક્ષ કાપી નાખવામાં આવે છે. આ વાત આટલેથી જ અટકતી નથી, પરંતુ ઝાડ કાપ્યા પછી કાગળ બનાવવા માટે આશરે પિસ્તાળીસથી પચાસ ક્યુબિક મીટર સ્વચ્છ પાણી જોઈએ છે, તેની સામે રીસાયકલ પેપર્સ માટે નથી તો વૃક્ષ કાપવા પડતા કે ન તો આટલું બધું પાણી જોઈએ છે. અગિયારસો કિલોગ્રામ કાગળને રીસાયકલ કરવા માટે ચારથી પાંચ ક્યુબિક મીટર પાણી જોઈએ. આમ આ તફાવત ઘણો મોટો છે. લિટલ લીફ આજે વારાણસી અને પૂણેના ત્રણ ઉત્પાદકો સાથે મળીને કામ કરે છે. 

પૂણેની સ્કૂલમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની નોટબુક મેળવીને એટલા માટે આનંદમાં છે કે અત્યાર સુધી તે બધા વિષયની સમજૂતી એક જ નોટબુકમાં લખતી હતી, તેથી અભ્યાસ કરતી વખતે ખૂબ મુશ્કેલી પડતી હતી. હવે દરેક વિષયની જુદી નોટબુક મળવાથી અભ્યાસ કરવો સરળ બની રહેશે. એક વિદ્યાર્થીને તો કોઈ ભેટ મળી હોય તેટલો ખુશ છે અને કહે છે તેનાથી વધુ અભ્યાસ કરવાનું પ્રોત્સાહન મળશે. ઘણા વિદ્યાર્થીઓએ તો નોટબુક મળતાં કહ્યું કે હવે અભ્યાસ વ્યવસ્થિત થશે, તેથી એક પણ  દિવસ સ્કૂલમાં ગેરહાજર નહીં રહીએ. બાળકોના આવા નિવેદનથી પ્રીતુ ચૌધરીને ખૂબ આનંદ થાય છે, પરંતુ સાથે સાથે તેને શરૂઆતના સંઘર્ષના દિવસો પણ યાદ આવે છે. કારણ કે લોકોને કાગળ છૂટા રાખવા અને તેને દાનમાં આપવા માટે સમજાવવા જ મુશ્કેલ હતું. આજે પણ અખબાર, જૂના રેકોર્ડ, બિલ, ક્રાફ્ટ પેપર, પેકેજિંગના બોક્સ બધું રીસાયકલ થાય છે તેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. લોકોમાં જાગૃતિ આવે તેના માટે પ્રીતુ ચૌધરીએ વર્કશોપનું આયોજન ઉપરાંત ઘણા કાર્યક્રમો કર્યા. ઘણી સ્કૂલો, કોર્પોરેશન અને હાઉસિંગ સોસાયટીનો પણ સહયોગ મળ્યો. કંપનીઓનો સી.એસ.આર. અંતર્ગત ઘણો સાથ મળ્યો. લિટલ લીફે અત્યાર સુધી એક લાખ કિલોગ્રામ વેસ્ટ પેપરને રીસાયકલ કર્યો. ૨૦૨૪માં તેમણે ત્રણ હજાર નોટબુકનું વિતરણ કર્યું. પ્રીતુ ચૌધરીની ઇચ્છા છે કે દરેક બાળકને નોટબુક મળે અને દરેક પરિવાર રીસાયકલની તાકાતને સમજે.