Get The App

જીવનમાં સ્વચ્છંદ હોય, તો આત્મસ્વરૂપની પ્રાપ્તિ ક્યાંથી થાય?

Updated: Sep 27th, 2025

GS TEAM

Google News
Google News
જીવનમાં સ્વચ્છંદ હોય, તો આત્મસ્વરૂપની પ્રાપ્તિ ક્યાંથી થાય? 1 - image

- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર

- સામાજિક દ્રષ્ટિએ પણ શાંતિ, સુલેહ અને વ્યવસ્થાનો ભંગ કરનારો સ્વેચ્છાચાર જો જીવનમાં વ્યાપે તો આત્મસ્વરૂપની પ્રાપ્તિ ક્યાંથી થાય?

ગ્રં થો અને શાસ્ત્રોનું વાંચન કરવાથી જ માત્ર સ્વાધ્યાય થતો નથી, પરંતુ એનો આપણા સ્વ-જીવનમાં અનુવાદ થવો જોઈએ. જો ગ્રંથોનું પોપટીયું ઉચ્ચારણ કરીએ, તો આપણું ભીતર એની સહેજે અસર પામતું નથી. જ્યારે સ્વાધ્યાયનો એક અર્થ છે 'સ્વસ્ય સ્વસ્મિન અધ્યયન' એટલે કે વ્યક્તિએ પોતાનું આત્મ અધ્યયન કરવું જોઈએ. શાસ્ત્ર અધ્યયન સરળ છે, પણ આત્મ અધ્યયન કઠીન છે, કારણ કે એમાં વ્યક્તિએ બાહ્ય જગત પૂર્ણવિરામ મૂકીને આંતરિક જગત તરફ વળવાનું છે. એણે પોતાની જાતનું દર્શન કરવાનું છે. પોતાના ગુણો અને અવગુણોનું વિશ્લેષણ કરવાનું છે અને એ રીતે એણે ભીતરનો સ્વાધ્યાય કરવાનો છે.

આમાં સૌથી મોટી મુશ્કેલી તો એ છે કે વ્યક્તિ 'હું કોણ છું ?' એ પ્રશ્નનો ઉત્તર આપવામાં મૂંઝાઈ જતી હોય છે. એ વિચારે છે કે એ કારખાનાનો માલિક છે, મજૂરોનો આશ્રયદાતા છે, એના ઘરસંસારનો મુખ્ય મોભી છે અથવા તો અમુક સ્ત્રીનો પતિ છે, પરંતુ એ જરા ભીતરમાં જઈને વિચારશે તો ખ્યાલ આવશે કે શું એનું આખુંય અસ્તિત્વ કારખાનાના માલિકમાં સીમિત છે ખરું ? શું એ માત્ર એના નોકરોનો જ આશ્રયદાતા છે કે પછી એ એના પુત્રોનો અને પરિવારનો પણ આશ્રયદાતા છે ? વળી આગળ વધતાં એ વિચારશે કે એ એના પરિવારનો મુખ્ય માણસ છે, પરંતુ એટલી જ એની ઓળખ છે ? એથીયે વિશેષ એની પાસે એનું પોતીકું એવું કશુંય નથી ? અરે ! એની પાસે તો કેટલાય નિકટના મિત્રો છે. સમાજના મોટા મોટા અગ્રણીઓ સાથે એનો ઘરોબો છે, પ્રખ્યાત ગુરુનો એ પરમ શિષ્ય છે. આ બધાનું શું ? અને પછી વિચારશે કે 'એ કોઈનો પતિ છે' પણ શું એની એટલી જ ઓળખાણ પૂરતી છે ? આ બધી ઓળખાણોનો એના આત્મા સાથે કોઈ સંબંધ ખરો? એ એના આત્મસ્વરૂપને દર્શાવે છે ખરી?

એ જન્મ્યો ત્યારે કારખાનાનો માલિક નહોતો, એણે અભ્યાસ કર્યો ત્યારે એ મજૂરોનો આશ્રયદાતા નહોતો, એનો પરિવાર એ તો આમ જ વિકસતો ગયો અને એની પત્ની એ તો એને સંબંધે મળી. તો પછી આ બધી વસ્તુઓ બાહ્ય પ્રયાસથી ઉપાર્જિત કરેલી છે. તેને પોતાના સ્વ-રૂપ તરીકે કઈ રીતે બતાવી શકાય ? આમાં કેટલીક વ્યક્તિ સંબંધથી જોડાયેલી છે, કેટલીક શરીરથી જોડાયેલી છે. એને મારા આત્મસ્વરૂપ સાથે કેવી રીતે જોડી શકું ? આ તો અશક્ય વાત છે.

મારી સિદ્ધિ, પ્રાપ્તિ, પરિવાર આ સઘળું સંપાદિત કરેલું છે, બહારથી મેળવેલું છે, મારા વ્યક્તિત્વ પર લાદેલાં આવરણો છે. એ મારું મૂળ સ્વરૂપ નથી અને જ્યારે એ મારું આત્મસ્વરૂપ ન હોય, ત્યારે મેં એને વિશે કેટલી બધી ભ્રમણાઓ સેવી છે. ક્યાંક તો એને જ આત્મા સાથે જોડાયેલી બાબત માનીને ચાલ્યો છું, તો ક્યાંક એની પાછળની દોડમાં અજાણ્યા પ્રદેશમાં આમતેમ અથડાઈ રહ્યો છું. આને પરિણામે મેં કેટલાંય સ્વચ્છંદી આચરણો કર્યાં, મન ફાવે તેમ વર્ત્યો, શાસ્ત્રોએ આત્માનું કલ્યાણ થાય એવા જે માર્ગો બતાવ્યા હતા એની  ઉપેક્ષા કરી.

આ જીવ, મન અને ઇંદ્રિયોને સ્વચ્છંદથી વર્તવા દીધી અને તેને પરિણામે વ્યક્તિને ખ્યાલ પણ ન આવે એ રીતે એના જીવનમાં પરાધીનપણું આવી ગયું. આથી 'હું કોણ છું ?'નો ઉત્તર મેળવતાં પહેલાં વ્યક્તિએ સ્વચ્છંદનિરોધ કરવો જોઈએ અને સ્વચ્છંદનો વિરોધ કરવા માટે એણે યથાર્થ જ્ઞાન કે સાચા બોધને પામવો જોઈએ. સ્વચ્છંદ કે સ્વેચ્છાચાર સામાજિક દ્રષ્ટિએ પણ શાંતિ, સુલેહ અને વ્યવસ્થાનો ભંગ કરનારો છે, એવો સ્વચ્છંદ જો જીવનમાં વ્યાપે તો આત્મસ્વરૂપની પ્રાપ્તિ ક્યાંથી થાય ? આથી સ્વચ્છંદમાંથી મુક્ત થવા માટે વ્યક્તિએ સત્ સમાગમનો વિચાર કરવો જોઈએ. મહાન ગ્રંથોના મર્મોને પામવા જોઈએ અને આમ કરે તો જ એનામાં સ્વાધ્યાય માટેની યોગ્ય ભૂમિકા ઉત્પન્ન થાય. કારણ એટલું કે સ્વચ્છંદને પરિણામે શરીર, મન અને ઇંદ્રિયના નિરંકુશ આવેશો એના જીવનને ભ્રષ્ટ કરશે અને એને નીચ ગતિ અપાવશે.

આ રીતે જુઓ તો બહાર ગ્રંથ અને ભીતરમાં આત્મા - એમ બન્ને વચ્ચે સ્વાધ્યાયથી એક સેતુ સર્જાય છે એટલે કે બહાર કે ક્રિયા થતી હોય અને એનું રૂપાંતર થઈને ભીતરમાં બીજી ક્રિયા થાય છે. સ્વાધ્યાય એ સ્વયં શબ્દસ્થને હૃદયસ્થ કરવાની સતત ચાલતી ક્રિયા અને પ્રક્રિયા છે. કોઈ એમ કહે કે સ્વાધ્યાયમાં ક્રિયા નથી, તો તે મોટી ભૂલ કરે છે અથવા તો એની નજરે ક્રિયાનો અર્થ માત્ર બાહ્ય ક્રિયા છે. આંતરક્રિયાને એ ભૂલી જાય છે. હકીકતમાં આ બાહ્યમાંથી આંતરજગતમાં જવાની ક્રિયા છે, સફર છે અને એ ક્રિયા હોવાને કારણે જ સ્વાધ્યાય તપના વાચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, આમ્નાય અને ધર્મોપદેશ એવા પાંચ ભેદ બતાવ્યા છે. અહીં માત્ર ક્રિયાપદોથી એની વાત કરવામાં આવી છે, તો એ ક્રિયા તો 

હોય જ ને!

સ્વાધ્યાયની ક્રિયાની એક વિશેષતા એ છે કે કદાચ અન્ય ક્રિયાઓમાં ચિત્ત અન્યત્ર ભટકે એવી શક્યતા રહે છે, જ્યારે સ્વાધ્યાય તો ત્યારે જ શક્ય બને જ્યારે સમગ્ર ચિત્ત શાસ્ત્રાધ્યયનમાં એકાગ્ર બન્યું હોય. આથી જ આપણે ત્યાં કહેવાયું છે કે આ જગતમાં જ્ઞાનસમાન બીજી કોઈ પવિત્ર વસ્તુ નથી. જેમ મેલું કપડું પાણીથી સ્વચ્છ થાય છે તે રીતે રાગ (દ્વેષ-અજ્ઞાન) વગેરે દોષોથી મલિન થયેલું મન શાસ્ત્રથી સ્વસ્થ (દોષરહિત) થાય છે. સાચો સ્વાધ્યાયી સંસારમાં ભૂલો પડતો નથી. આવા સ્વાધ્યાય તપની વાત કરતાં કહ્યું,

परतप्तिनिरपेक्षः दुष्टविकल्पानां नाशनसमर्थः

तत्वविनिश्चयहेतुः स्वाध्याय

(સ્વાધ્યાયરૂપી તપ પરનિંદાથી નિરપેક્ષ હોય છે, ખોટા વિકલ્પોનો નાશ કરવામાં સમર્થ છે, તત્ત્વોનો નિર્ણય કરવામાં કારણરૂપ છે અને ધ્યાનની સિદ્ધિ કરવાવાળું છે.)

વળી, કોઈ અન્ય ક્રિયાના લક્ષે ચિત્તમાં કોઈ પ્રયોજન હોય, પરંતુ સ્વાધ્યાય તો જ્ઞાનના પ્રકાશથી આત્મામાં અજવાળું પાથરવાનો પુરુષાર્થ હોવાથી અન્ય માર્ગે ફંટાઈ જવાની કોઈ દહેશત રહેતી નથી અને વળી એક જ ગ્રંથનો પુન: પુન: સ્વાધ્યાય પણ મૌલિક અને અનુપમ આત્મભાવો જગાડતા હોય છે. ક્યારેક સાધક પ્રથમ વાર ગ્રંથનો અભ્યાસ કરે તો એના માત્ર સપાટી પરના અર્થો મેળવે છે. બીજી વાર વિશેષ મનન કરીને ગ્રંથ વાંચે તો એને પ્રાપ્ત થયેલા અર્થના ઊંડાણમાં ઊતરે છે. ત્રીજી વાર એ ગ્રંથ વાંચે ત્યારે એના ચિત્તમાં ગહન અધ્યાત્મિક અર્થોનો ઉઘાડ થતો જાય છે અને એનો આત્મા સાથે સંપર્ક થતાં એનું ભીતરી પરિવર્તન થયા કરે છે.

આથી જ 'શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'માં જ્યારે ભગવાન મહાવીરસ્વામીને પૂછવામાં આવે છે, सज्जाएणं भंते जीवे किं जणयइ ? (હે ભગવંત, સ્વાધ્યાયથી જીવ શું મેળવે છે ?)  सज्जाएणं नानावरणिज्जं कम्मं खवेइ ।' (સ્વાધ્યાયથી જીવ જ્ઞાનાવરણીય કર્મ ખપાવે છે.)

અને એથી તો શ્રી ભગવતી સૂત્રમાં ગુરુ ગૌતમસ્વામીએ જિજ્ઞાસા દાખવી કે 'ભગવન્, આ જ્ઞાન આ ભવ સુધી સીમિત રહે છે કે પરભવ સુધી જાય ?' ત્યારે ભગવાને કહ્યું, ''ગૌતમ, આ ભવ પણ રહે છે અને પર ભવમાં પણ જાય છે. બંને ભવોમાં સાથે રહે છે.''

સ્વાધ્યાય સાથે ત્રણ બાબતોનું વિશેષ ચિંતન કરવાની જરૂર છે. સ્વાધ્યાય સાથે જપનો એક સર્જનાત્મક સંબંધ છે. સ્વાધ્યાય સાથે ધ્યાનનો એક યોગ છે અને આ સ્વાધ્યાયની સાથોસાથ આવતી શ્રુતસમાધિ અવર્ણનીય હોય છે. સ્વાધ્યાયથી ધ્યાનની સિદ્ધિ થાય છે અને ધ્યાનથી સર્વ કર્મો ખરી પડતાં મોક્ષ થાય છે.

બાહ્ય દ્રષ્ટિએ જોઈએ તો સ્વાધ્યાય આપણને અલ્પકષ્ટથી પ્રાપ્ત થયેલું લાગે પરંતુ વાસ્તવમાં એના જેવું ઉત્તમોત્તમ ફળ અન્યત્ર મળતું નથી. આથી જ સ્વાધ્યાય જેવું બીજું કોઈ તપ નથી, હતું નહીં અને હશે પણ નહીં એમ કહેવામાં આવ્યું છે. સ્વાધ્યાય એ અધ્યાત્મજીવનનું નંદનવન છે, જેમાં શાસ્ત્રોવૃક્ષ પાસેથી ઉત્તમ વિચારફળ, મધુર આચારફળ અને વિરલ આત્મદ્રષ્ટિ મળે છે. માનવઆત્માને શાંતિ આપે એવાં વિચારદાયક પુષ્પો પ્રાપ્ત થાય છે. પૂર્વજીવનની મલિનતાને દૂર કરીને નવા જીવનનો વળાંક આપે તેવી ડાળીઓ દ્રષ્ટિગોચર થાય છે અને એનો વિરલ શાંતિદાયક એવો આત્માનંદદાયી છાંયડો પ્રાપ્ત થાય છે.