Get The App

પંખી માત્ર પાંખોને લીધે નહીં, ખાલીપણા ને લીધે ઉડે છે .

Updated: Sep 27th, 2025

GS TEAM

Google News
Google News
પંખી માત્ર પાંખોને લીધે નહીં, ખાલીપણા ને લીધે ઉડે છે                    . 1 - image

- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ

તમારા મુશ્કેલ સમયમાં તમે દર્પણ સામે ઊભા રહો... અને સ્વને જુઓ તમને મુશ્કેલીઓનું કારણ પણ મળશે અને ઉકેલ પણ મળશે. 

- દેન્ગ મિન્ગ

હા થને મુઠ્ઠી ભરવી છે, આંખને જોઈ લેવું છે. કાનને સાંભળી લેવું છે. મનને બધું ભરી લેવું છે. અહંને-સ્વને આ બધું એકઠું કરી લેવું છે. આ બધામાંથી મળેલ નામ અને ઓળખ, વસ્તુઓ અને સામાન, શબ્દો અને કૃત્યો, ડિગ્રીઓ અને હોદ્દાઓ, સંપત્તિ અને સત્તાને સાથે લઈને ફરવું છે. જો આ જગત વચ્ચેથી હેમખેમ પસાર થવું હોય અને જીવનની નદીને આનંદપૂર્વક ઓળંગવી હોય તો આપણી બોટ ખાલી રાખવાની છે. કમનસીબે, આપણે 'હું'થી ઠસોઠસ ભરેલી આગબોટ લઈને ફરીએ છીએ.

ચીનના તાઓવાદી દર્શનના આદ્યપિતા લાઓત્ઝે ગણાય છે અને તેમનો શિષ્ય ચ્યુઆન્ગત્ઝુ  (ઈ.સ.પૂ. ૩૬૯-૨૮૬) પણ વિશ્વવિખ્યાત છે. તાઓ દર્શન તો કહે છે કે જીવન એટલે સહજ અને સરળ વહેણ. શિખરનો અહંકાર છોડીને જેમ જળ ઢોળાવ તરફ વહે છે તેવી જ હળવાશથી માણસે જીવવાનું છે.         ચ્યુઆન્ગત્ઝુ એક નાનકડી કથા કહે છે. એક માણસ નદીમાં નાનકડી નાવ લઈને જતો હતો અને તે અન્ય નાવ સાથે અથડાયો તેને ક્રોધ આવ્યો, તેણે બડબડાટ કર્યો. પછી નજીક ગયો ત્યારે તેને ખ્યાલ આવ્યો કે પેલી નાવ સાવ ખાલી છે : નથી નાવિક,  નથી સામાન. તે ચુપ થઈ ગયો, તેને શરમ થઈ - અફસોસ થયો.

આમ ચ્યુઆન્ગત્ઝુ કહે છે કે  જીવનમાં અવિરોધ અને નિર્બોજ,  આનંદ અને અહોભાવ સાથે જીવવું હોય તો ખાલીખમ્મ નાવ જેમ જીવવુ. કોઈ સાથે અથડાઈએ તો યાદ રાખીએ કે તે ખાલી નાવ છે તેમાં કોઈ નથી. ખાલી દ્વાર સમા બનો જેમાંથી અવરજવર થશે પણ કોઈ અથડાશે નહીં. અર્થહીન-દિશાહીન ખાલી વાદળો જેમ વિહરો. પંખીઓ માત્ર પાંખોને કારણે નહીં પણ ખાલીખમ્મપણા ને લીધે ઉડે છે તેમાં વજન કે  સામાન નથી. જીવનમાં તો ચાલ્યા કરવાનું છે, પદછાપ કે પગરવ વિના. માછલી પણ જળમાં નકશો બનાવ્યા વિના જ સરક્યા કરે છે. કદાચ, આપણું જીવન ખાલી નાવની કથા છે : 

સરે છે, વહે છે : ગતિ છે વહેણ છે. હલેસું મારનાર કર્તા નથી,દિશા ચિંધનાર નાવિક નથી.

આવા જીવન દર્શન થકી અહંકાર નો લોપ થઈ શકે છે. આમ નિરર્થક બની જવામાં જ સાર્થકતા છે. તાઓના અદભુત ભાષ્યકાર અને પરમ મરમી ઓશો કહે છે, 'જીવન તો શૂન્યતા સાથેનો સંવાદ છે. તમારી સિવાય કોઈ, તમને નહીં  વિખેરી શકે કે નહીં બચાવી શકે. તમે તો છો જૂડાસ અને જીસસ બન્ને !