Get The App

મોરોક્કોમાંથી મળેલા અવશેષોએ બદલ્યો ઉત્ક્રાંતિનો ઇતિહાસ

Updated: Sep 27th, 2025

GS TEAM

Google News
Google News
મોરોક્કોમાંથી મળેલા અવશેષોએ બદલ્યો ઉત્ક્રાંતિનો ઇતિહાસ 1 - image

- ફયુચર સાયન્સ-કે.આર.ચૌધરી

ધ રતીના ઊંડાણમાં દટાયેલા રહસ્યોનો પડદો ફરી એકવાર ખૂલ્યો છે! મોરોક્કોના પર્વતીય ખડકોમાંથી ઉઘાડા પડેલા ડાયનોસોરની નવી પ્રજાતિના જીવાશ્મીઓએ વિજ્ઞાનીઓને સ્તબ્ધ કરી દીધા છે. આ નવું ડાયનાસોર, સ્પાઇકોમેલસ એફર (Spicomellus afer), તેના કાંટાળા બખ્તર અને ગરદનની વિશાળ રચના સાથે, ઉત્ક્રાંતિ (ઇવોલ્યુશન)ની પ્રાચીન કલ્પનાઓને ઉથલાવી દે છે. તાજેતરમાં 'નેચર' (Nature)માં પ્રોફેસર સુસાન્ના મેઇડમેન્ટ (Susannah Maidment) અને પ્રોફેસર રિચાર્ડ બટલરએ (Richard Butler) સંશોધન પત્ર પ્રકાશિત કર્યું છે. જેઓ આ અશ્મિઓને વિશ્વના સૌથી જૂના એન્કાયલોસોર (Ankylosaur) તરીકે ઓળખાવે છે. વિજ્ઞાનીઓએ તેને ડાયનાસોર વિશ્વનો 'પંક રોકર' કહ્યો છે. એક સમયે તે ઉત્તર આફ્રિકાના પૂરના મેદાનોમાં ફરતા હતા. આ ડાયનાસોરના ગળાની આસપાસ અત્યંત વિશિષ્ટ કાંટાઓ હતા. જે બખ્તરબંધ કોલર બનાવતા હતા. ડાયનાસોરના શરીરના બાકીના ભાગની તુલનામાં, આ ભાગ અત્યંત મોટો અને અપ્રમાણસર હતો. પાંસળીઓમાંથી નીકળતા નાના કાંટાઓ અને પૂંછડીના છેડે કોઈ પ્રકારનાં હથિયાર જેવી રચના હતી. આ શોધ માત્ર નવા મળી આવેલા જીવાશ્મીઓ નથી, પરંતુ લાખો વર્ષો પહેલાંના જીવનની રોમાંચક ઝલક આપે છે. જે આપણને પ્રાગૈતિહાસિક વિશ્વની રહસ્યમયી દુનિયામાં ખેંચી જાય છે.નવા શોધાયેલા ડાયનોસોર કેવી કહાની લઈને આવ્યા છે? 

ડાયનાસોરની નવી પ્રજાતિ

'નેચર' મેગેઝિનમાં પ્રકાશિત સંશોધનપત્રમાં, પ્રોફેસર મેઇડમેન્ટ, પ્રોફેસર બટલર, અને પ્રોફેસર ઉઆરહાશે (Driss Ouarhache)ની ટીમે આ ડાયનાસોરને સૌથી જુના એન્કાયલોસોર (Ankylosaur) તરીકે ઓળખાવ્યા છે. જે ૧૬.૫૦ કરોડ વર્ષ પહેલાં મધ્ય જુરાસિક સમયગાળામાં અસ્તિત્વ ધરાવતા હતા. આ શોધે આફ્રિકા ખંડમાં પ્રથમવાર એન્કાયલોસોરની ઓળખ પ્રસ્થાપિત કરી છે. સાથે સાથે વૈશ્વિક લેવલે એન્કાયલોસોરના અશ્મિઓના ઇતિહાસને બે કરોડ વર્ષથી વધુ પાછળ ધકેલ્યો છે. આ  શોધની સ્ટોરી, ૨૦૧૯માં મોરોક્કોના પર્વતીય ખડકોમાંથી મળી આવેલા એક વિચિત્ર અવશેષ સાથે શરૂ થઈ હતી. ૨૦૧૯માં લંડનના 'નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમના પુરાતત્ત્વવિદ પ્રોફેસર સુસાન્ના મેઇડમેન્ટએ કેમ્બ્રિજમાં એક અવશેષ વેપારી પાસેથી એક પાંસળીનું હાડકું મેળવ્યું. હાડકા સાથે કાંટાઓ સીધા જ જોડાયેલા હતા. આ એક એવું લક્ષણ હતું, જે અગાઉ કોઈપણ જીવંત કે લુપ્ત કરોડરજ્જુ ધરાવતા પ્રાણીઓમાં જોવા મળ્યું ન હતું. હાડકામાં કાંટા જેવી લાક્ષણિકતાએ સંશોધકોમાં શંકા ઉભી કરી હતી.  

હાડકું નકલી છે કે કેમ તે શંકાનું નિવારણ કરવા માટે વિજ્ઞાનીઓએ નમૂનાનું CT Scan કર્યું હતું. જેથી અસ્મિઓની અધિકૃતતા ચકાસવી શકાય. સીટી સ્કેનથી સાબિત થયું કે 'મળી આવેલ હાડકું અસલી હતું. કાંટાઓ જેવી રચના, હાડકાનો કુદરતી ભાગ હતો.' આ શોધના આધારે આ પ્રજાતિનું નામ સ્પાઇકોમેલસ એફર રાખવામાં આવ્યું છે, જેનો અર્થ 'આફ્રિકાનું કાંટાળું ગરદનવાળું (પ્રાણી)' થાય છે. ૨૦૨૩માં એક સ્થાનિક ખેડૂતને મિડલ એટલાસ પર્વતોમાં બૌલેમાને નજીક પૂરના પાણીના કારણે વિચિત્ર હાડકાંઓ, જમીનમાંથી બહાર નીકળેલા જોવા મળ્યા હતા. 

આ સમાચાર નેચર મેગેઝીનમાં સંશોધન પ્રકાશિત કરનાર વિજ્ઞાનીઓ સુધી પહોંચ્યા. છેવટે વિજ્ઞાનીઓએ સાથે મળીને મિડલ એટલાસ પર્વતોમાં બૌલેમાને સ્થળે ખોદકામ શરૂ કર્યું. ખોદકામ દરમિયાન મળેલા અવશેષોએ, તેમની તમામ અપેક્ષાઓની સીમારેખા વટાવી દીધી હતી. હવે આશ્ચર્ય પામવાનો વારો વિજ્ઞાનીઓનો હતો.

સ્થાપિત થિયરીઓને પડકાર 

સ્પાઇકોમેલસ એફરની શોધે એંકાઇલોસોર વિકાસ વિશેની સ્થાપિત થિયરીઓને આધુનિક પડકાર ફેંક્યો છે. એંકાઇલોસોર મધ્ય-જુરાસિકથી મોડા ક્રિટેસિયસ યુગ સુધી ફેલાયેલા છે, જ્યારે પૃથ્વી સાથે વિશાળ ઉલ્કાપિંડ-એસ્ટરોઇડ અથડાવાના કારણે, પૃથ્વી ઉપરની ડાયનોસોરની મોટા ભાગની પ્રજાતિઓનો નાશ થઈ ગયો હતો. અગાઉની પૂર્વધારણાઓ (hypotheses) સૂચવતી હતી કે 'એંકાઇલોસોરનાં બખ્તરનો વિકાસ, ક્રિટેસિયસ શિકારીઓના વધતા જતા ખતરાનો સામનો કરવા માટે થયો હતો, જેમાં ટાયરાનોસોરસ રેક્સ (T- rex) જેવા મોટા માંસાહારીઓ સામેલ હતા.' વિજ્ઞાનીઓનું માનવું હતું કે આ ડાયનાસોરે તેમની પીઠ પર નાની, સરળ બખ્તરબંધ પ્લેટો સાથે શરૂઆત કરી હતી. જે પછી કાળક્રમે વધુને વધુ ખતરનાક શિકારીઓ સામે સુરક્ષા માટે, વધુ મોટી અને વધુ વ્યાપક બની હતી. પ્રારંભિક એંકાઇલોસોર પાસે અત્યાર સુધીમાં જોવા મળેલું સૌથી વિસ્તૃત અને ચરમસીમાનું બખ્તર છે, જ્યારે ત્યારબાદ અસ્તિત્વમાં આવેલી પ્રજાતિઓએ નોંધપાત્ર રીતે ઓછી વિસ્તૃત સંરક્ષણ પ્રણાલીઓ વિકસાવી હતી. ક્રિટેસિયસ એંકાઇલોસોર પર મળતા ભારે બખ્તર અને જાડા કાંટાઓની હરોળ, વાસ્તવમાં સ્પાઇકોમેલસ પર મળતા મીટર-લાંબા કાંટાઓ અને હાડકાના કોલરની વિશાળ હરોળની તુલનામાં નબળા જણાય છે. 

આ સંશોધન સૂચવે છેકે એંકાઇલોસોરે કદાચ જુરાસિક યુગ દરમિયાન વિસ્તૃત બખ્તર સાથે શરૂઆત કરી હતી. લાખો વર્ષો ઉત્ક્રાંતિ પછી તેમણે વધુ કાર્યક્ષમ સંરક્ષણ પ્રણાલીઓ વિકસાવી હતી. ક્રિટેસિયસના એંકાઇલોસોરમાં બખ્તર રચના ખૂબ સરળ હતી. જે લગભગ નિશ્ચિતપણે થેરોપોડ ડાયનાસોર, મગરમચ્છ, સાપ અને સસ્તન પ્રાણીઓની વધતી શ્રેણી સામે સંરક્ષણાત્મક કવચ જેવી રચના હતી.  એંકાઇલોસોરને કેટલીક વિશાળકાય પ્રજાતિઓ, આકર્ષક શિકાર તરીકે જોતા હતા. જેના જવાબરૂપે સ્પાઇકોમેલસના વિસ્તૃત પ્રદર્શન બખ્તર અને  આગામી પ્રજાતિઓની સંરક્ષણ પ્રણાલીમાં અનોખા ફેરફાર થયા હતા. 

કાંટાઓનો રાજા

 ખોદકામ દરમિયાન મળી આવેલા અવશેષો એટલા અસામાન્ય હતા કે તેમની શરીર રચનાને એકસાથે જોડવી પડકારજનક હતી. આમ છતાં વિજ્ઞાનીઓએ ખૂબ જ મહેનત કર્યા બાદ, આ પ્રજાતિની સંપૂર્ણ શરીર રચના જાણવા મળી છે. આધુનિક સંશોધન દર્શાવે છે કે - સ્પાઇકોમેલસ એફર લગભગ ૧૩ ફૂટ (૪ મીટર) લાંબા હતા. તેમનું વજન લગભગ બે ટન જેટલું હતું. તેઓ નીચા, ધીમી ગતિ અને ભારે બખ્તરબંધ શરીરની લાક્ષણિકતા ધરાવતા હતા. ડાયનોસોરના વિચિત્ર બખ્તરના કારણે લગભગ ૧૦ કરોડ વર્ષ સુધી, તેઓ અસ્તિત્વના જંગમાં સફળ બનાવ્યા હતા. સૌથી આકર્ષક લક્ષણ ડાયનાસોરના ગળાની આસપાસનો વિસ્તૃત કોલર છે. જે સામાન્ય એંકાઇલોસોરના ગળાના બખ્તરથી વિપરીત રચના ધરાવે છે. આ રચના એકસાથે જોડાયેલી સપાટ પ્લેટોથી બને છે. જેની બંને બાજુથી વિશાળ કાંટાઓ નીકળતા હતા. ૧૦ સર્વાઇકલ કાંટાઓમાંથી સૌથી લાંબો કાંટો ૩૪ ઇંચ (૮૭ સેન્ટિમીટર) લંબાઈ ધરાવે છે. 

અત્યાર સુધી શોધાયેલી દરેક પાંસળીમાંથી ત્રણ કે ચાર મોટા કાંટાઓ નીકળતા જોવા મળ્યા છે. કેટલીક પાંસળીઓમાંથી છ કાંટાઓ પણ નીકળતા હતા. સંશોધકોએ એક બ્લેડ જેવો ૧૭ ઇંચ (૪૨ સેન્ટિમીટર) લાંબો કાંટો શોધ્યો હતો. જે સૂચવે છેકે તે પૂંછડીના હથિયારનો ભાગ હોઈ શકે છે. તે જો કે અવશેષમાં પૂંછડીનો છેડો ખૂટે છે. ડાયનોસોરના અધૂરા હાડપિંજરની રચના જોતા, પૂંછડીનો છેડો-અંત ક્લબ જેવું માળખું ધરાવતો હોવો જોઈએ.  આ પુરાવો દર્શાવે છેકે 'પૂંછડીનો હથિયાર માટે ઉપયોગ કરવાનો સમયકાળ વિજ્ઞાનીઓએ અનુમાન કર્યો હતો, તેના કરતાં ૩૦ લાખ વર્ષ પહેલા જ વિકસિત થયો હોય તેવું માનવામાં આવે છે.' આ અનુમાન અને શોધ, વિજ્ઞાનીઓની એંકાઇલોસોર ઉત્ક્રાંતિ સમજવાની પ્રક્રિયાને ધરમૂળથી બદલી નાખે છે.જેમ આધુનિક પ્રાણીઓમાં હરણના શિંગડા કે મોરની પૂંછડી, તેનો સૌંદર્ય વધારવા માટે અને પ્રજનન માટે યોગ્ય સાથે મેળવવા માટે વપરાય છે. કદાચ તેવી જ રીતે નવા મળી આવેલા ડાયનોસોરનું ભવ્ય બખ્તર અને કાંટાઓ, સ્વરક્ષણ ઉપરાંત જાતીય પસંદગી અને પ્રદર્શન માટે વપરાતાં હોવાનું માનવામાં આવે છે.

ઇતિહાસને ઉલટાવનારી  શોધ

વિજ્ઞાનીઓને હવે એક મૂળભૂત પ્રશ્ન થાય છેકે 'આ પ્રજાતિમાં જ શા માટે આવા ભવ્ય અને વિચિત્ર લક્ષણોનો વિકાસ થયો હતો? શરીરની વિચિત્ર રચના અને અપુર્ણ હાડપિંજરના કારણે, વિજ્ઞાનીઓ હજી સમજી શક્યા નથી કે 'નવા શોધાયેલા ડાયનોસોરની પ્રજાતિને, વંશવૃક્ષ ઉપર ક્યાં ગોઠવવી?' જોકે હાલમાં અસ્થાયી સ્વરૂપે, તેને એંકાઇલોસોર સમૂહમાં ગોઠવવામાં આવી છે. નવા શોધાયેલા ડાયનોસોરની સંપૂર્ણ ખોપરી હજી સુધી મળી આવી નથી. વિજ્ઞાનીઓનું સૌપ્રથમ કામ, આ પ્રજાતિની સંમ્પૂર્ણ ખોપરી શોધવાનું રહેશે! કારણ કે ખોપરી જ ડાયનાસોરની સંવેદી ક્ષમતાઓ, ખોરાકની પદ્ધતિઓ અને એકંદર જીવન આદતોની માહિતી પ્રદાન કરી શકે તેમ છે. સ્પાઇકોમેલસ એફર માત્ર અસામાન્ય જીવાશ્મીઓથી આગળની વૈજ્ઞાનિક વાત રજૂ કરે છે. આ નમૂનો દર્શાવે છેકે 'કોઈપણ પ્રજાતિના સજીવનો શારીરિક વિકાસ, અનુકૂલનમાં જોવા મળતી જટિલતા કે ઉત્ક્રાંતિના સમયકાળમાં જોવા મળતી વિશેષતાના અનુમાનિત પેટર્નનું પાલન કરતો નથી. કેટલીકવાર ઇતિહાસમાં, કેટલીક પ્રજાતિઓની શરીર રચનામાં જોવા મળતો વિકાસ અનુમાનિત સમયગાળા કરતાં વધારે પહેલાં જોવા મળે છે. ત્યારબાદ શારીરિક પ્રણાલી આગળ જતા વધુ સરળતા અને કાર્યાત્મક કાર્યક્ષમતા અને ઉપયોગીતા દર્શાવે છે. સામાન્ય રીતે ડાયનોસોર માટે ગળાની આસપાસના હાડકાના કોલરમાંથી વિસ્તરતા મીટર-લાંબા કાંટાઓ લઈને ફરવું એક બોજારૂપ કાર્ય બની ગયું હશે. અહીં કેટલાક સંશોધકોને આ વિચિત્ર શરીર રચનાનો ઉપયોગ હુમલા રોકવા માટે હતો, તે વાત અતિશયોક્તિ પૂર્ણ લાગે છે. તાજેતરનું આધુનિક સંશોધન સૂચવે છેકે 'પ્રાચીન જીવવિજ્ઞાનીઓ એ અધૂરા અવશેષ રેકોર્ડ પર આધારિત, ઉત્ક્રાંતિ માર્ગો વિશે ધારણાઓ બનાવવા વિશે સાવધ રહેવું જોઈએ.' નવી શોધ અને સંશોધન, જુરાસિક યુગ દરમિયાન અસ્તિત્વમાં રહેલા જીવનની અુત વિવિધતામાં નવી સૂઝ પ્રદાન કરશે. આ ''સંપૂર્ણપણે વિચિત્ર'' જીવ આપણને યાદ અપાવે છેકે 'પ્રાગૈતિહાસિક વિશ્વ, એવા જીવન સ્વરૂપોથી ભરેલું હતું. જે આપણી સૌથી કલ્પનાશીલ અપેક્ષાઓને પણ પાર કરી જતું હતું.'