Get The App

નૂતન ચહેરો .

Updated: Sep 27th, 2025

GS TEAM

Google News
Google News
નૂતન ચહેરો                                                     . 1 - image

- ઈશ્વર અંચેલીકર

- એ નર્કમાં પાછા નહીં જવાનું મેં મન બનાવી લીધું હતું...! 

'ઓહ, ઉમંગ, વર્ષો પછી મળ્યો, તો પણ કઈ દશામાં મળ્યો! તું મારો નૂતન ચહેરો ઓળખી નહીં શક્યો! સાત-આઠ વર્ષ થઈ ગયાં આપણે છૂટાં પડયાંને!' 

 સુતી હતી હું રેત ઉપર

બની હતી એ મુજ સેજ

એણે જગાડી હસીને મને

દઈ બેઠી હું દિલ એને

સા ત્વિકા સફાળી જાગી ગઈ. એ સ્વગત બોલી 'આ સ્વપ્ન મને વારંવાર કેમ આવે છે ? કોણ છે, એ નવયુવાન મારા સ્વપ્ન નીરમાં તરંગ બની આવતો ? મને તો પાણીથી ડર લાગે છે, તો હું રેતીની સૈયા ઉપર સૂતી હોઊં એવું બને કેમ ?' અચાનક એનો કોલબેલ રણક્યો. એણે આંખ ઉપર પાણીની અંજલી મારી. એ દરવાજે આવી...

'કૃતાર્થ ? હજુ તો બપોરનાં ત્રણ વાગ્યા છે...' આટલા જલ્દી ઓફીસથી પરત આવ્યાનો કદાચ આ પ્રથમ પ્રસંગ છે.' દરવાજે ઉભેલા પતિ કૃતાર્થને જોઈને સાત્વિકા બોલી.

કૃતાર્થ સોફા ઉપર બેઠો. સાત્વિકા એની પાસે આવી, અને બોલી.. 'શું વાત છે, આજે ? ઉદાસી કેમ છવાઈ છે, તારા ચહેરા ઉપર...'

'સાત્વિકા મારા પ્રમોશન ઓર્ડરની આપણે રાહ જોતાં રહી ગયાં અને કોઈ ઊંમંગ યુ.એસ.એ. ઓફીસથી મારાં બઢતીના સ્થાન ઉપર આવી રહ્યો છે. યુ.એસ.એ.માં એ અમારી કંપનીમાં સીનીઅર ડેટા મેનેજર તરીકે કામ કરતો હતો. યુ.એસ. ગવરમેંટે ઇમીગ્રેસન પોલીસીમાં ફેરફાર કરી એચવન વીઝા મેળવવાની કાર્યવાહી રદ થઈ ગઈ છે. આવા તો હજુ ઘણા ઉમેદવાર ત્યાંથી આવશે. જેમને અહીં મુંબઈ ઓફીસમાં ટ્રેઇની એકઝીક્યુટીવ તરીકે લીધા હતા. તે બધાને ટ્રેઈનીંગ દરમિયાન જ છૂટા કરવાની નોટીસ અપાઈ ગઈ છે...' કૃતાર્થ વધુ કઈંક બોલે, તે પહેલાં તેને બોલતો અટકાવી સાત્વિકા બોલી...

'ખેર.. કૃતાર્થ...! તારી નોકરી ગઈ નથી ને ! અત્યારે સર્વત્ર એ આઈ ટેકનોલોજીની બોલબાલા છે.. ! ઉદ્યોગપતિઓ મેનપાવર ઘટાડી રૉબોટ દ્વારા તેમના ઉદ્યોગ ચલાવવાની હોડ ચલાવે છે.... !'

ધીમે ધીમે કૃતાર્થ પ્રમોશન નહીં મળ્યાનાં આઘાતમાંથી બહાર આવી ગયો, કારણ નવા જી.એમ. ઉમંગ સાથે એની દોસ્તી થઈ ગઈ છે. સાત્વિકાને પણ હવે કૃતાર્થની ચિંતા ઓછી થઈ ગઈ. એ પણ એનાં આધ્યાપિકાનાં કામમાં વ્યસ્ત થઈ ગઈ.

આજે સાત્વિકા એક સુપર માર્કેટમાં ઘરનો સામાન ખરીદવા બહાર નીકળી હતી. સામાનની ત્રણ કેરી બેગ લઈને એ માર્ગ ઉપર ટેક્ષીની રાહ જોતી ઉભી હતી. ત્યાંજ એની પાસે એક કાર આવી ઉભી રહી... એક યુવાને રીયર ડોરની વીન્ડો ગ્લાસ ખોલ્યો..

'હા...ય... મિસિસ કૃતાર્થ..! ઈફ આઈ એમ નોટ રોંગ યુ આર સાત્વિકા ભાભી, ઇઝન્ટ ઈટ.. ? આવો કારમાં બેસી જાવ. ! બાય.. ધ વે.. આઈ એમ ઉમંગ...! વર્કીંગ ટુ ગેધર વીથ કૃતાર્થ...' એ બોલ્યો..

સાત્વિકા અચકાતા પગે કારમાં બેઠી... એ અડધો કલાક ટેક્ષીની રાહ જોતી ઊભી હતી, એટલે થાકી પણ ગઈ હતી...!

સાત્વિકા તો ઊમંગને ઓળખી ગઈ... ! એનાં સુરતનાં વિસરાયેલાં સંસ્મરણો તાજાં થયાં. વર્ષો જૂના સુસુપ્તાવસ્થામાં પડેલાં બીજ જાણે કૂંપળ કાઢવા ઊમંગની જ રાહ જોતાં હતાં. પાંચ દશ મિનિટમાં સાત્વિકાને ઘણુ ઘણુ યાદ આવ્યું. એ સ્વગત બોલી, 'ઓહ, ઊમંગ, વર્ષો પછી મળ્યો, તો પણ કઈ દસામાં મળ્યો... ! સાહજીક છે. તું મારો નૂતન ચહેરો ઓળખી નહીં શક્યો... ! સાત આઠ વર્ષ થઈ ગયાં આપણે છૂટાં પડયાંને.. ! મારો પુરાણો ચહેરો બદલાયાને !

'શું વિચારો છો, ભાભી...! જુઓ તમારી સોસાયટી આવી ગઈ' અને ઊમંગ મરક મરક હસવા લાગ્યો...

'ઊમંગ... તું મુંબઈ આવ્યાં પછી મને સૌ પ્રથમ વખત મળ્યો. તેં મને કૃતાર્થની પત્ની તરીકે ઓળખી કેવી રીતે ?' સાત્વિકા પૂછ્યું.

'ભાભી... કૃતાર્થની ટેબલ ઉપર તમારી તસવીર મેં જોઈ હતી..! એ આપને બહુ પ્યાર કરે છે.. ! એણે મને તમારો પરિચય કરાવ્યો હતો. ભાભી, અહીં આવ્યા પછી મને ખબર પડી, કે મેં એનું પ્રમોશન પચાવી પાડયું છે, ત્યારે મને ખૂબ દુ:ખ થયું હતું - નાવ વી આર ફ્રેંડઝ... !' ઊમંગ બોલ્યો.

'આવો કોફી પી વા...' સાત્વિકા બોલી...

'ફરી ક્યારેક જરૂર આવીશ... કૃતાર્થે પણ ડીનર માટે આમંત્રણ આપ્યું છે...!' ઊમંગ બોલ્યો..

સાત્વિકા પોતાનાં ફલેટમાં પ્રવેશી. એણે બારણા બંધ કર્યાં. એ બિછાના ઉપર ઢળી પડી... ! ભૂતકાળનાં ભમરા એનાં બિછાના ફરતે ઘૂમરી મારવા લાગ્યા... ! એમનો 'ગૂ...ન... ! ગૂ...ન...' અવાજ જાણે એનાં, કાનને કોરી ખાવા લાગ્યો.. ! એ ગણગણાટમાં એને વિતી ગયેલી વાતોનાં શબ્દ સૂરનાં મેળાનું મહેરામણ હરતું ફરતું જોવા મળ્યું... ! એ સ્વગત બોલી...

'કેટલો કપરો કાળ હતો.. તે... ! માતા પિતા મારાં બાળપણમાં ગૂજરી ગયાં હતાં. મામા મામીએ મને આસરો આપ્યો હતો. મામા સુરતમાં સ્કુલ ટીચર તરીકે કામ કરતા હતા.. હું વહેલી સવારે ઉઠી ઘરનું બધું દૈનિક કામ કરી, સુરતની મેરીયોટ ઇંગ્લીશ સ્કુલમાં અભ્યાસ કરતી હતી. ઊમંગ અને હું એકજ ક્લાસમાં અભ્યાસ કરતાં હતાં. માત્ર દશ વર્ષની કાચી ઊંમરે અમારા બન્ને વચ્ચે પ્રેમનાં બિંદુ પ્રવેશવા લાગ્યાં હતાં. ઊમંગ મને કહેતો... 'સાત્વિકા, મારે બારમાં ધોરણની પરિક્ષા આપી યુ.એસ.એ. જવું છે...! મારી ફાઈલ ત્યાં પ્રોસેસમાં છે. માસી બધી કાર્યવાહી કરે છે. હું ત્યાં ગ્રેજયુએટ થઈશ, એટલે તને પણ ત્યાં બોલાવીશ.. એક વખત મને નોકરી મળતાં વાર.. આપણો સ્વતંત્ર સંસાર શરૂ...' આવાં તો અણગણિત સ્વપ્નો અમે જોયાં કરતાં હતાં... સ્વપ્નો જેટલાં ગતીશીલ હતાં તેના કરતાં વધારે ગતીશીલ, અમારો સમય હતો- 'સમયને કોણ રોકી શકે ?'

હું અને ઊમંગ બારમા ધોરણમાં ઉત્તિર્ણ થઈ ગયાં હતાં. ઊમંગ તો યુ.એસ.એ.નાં સ્ટુડંટ વીઝા લઈને અમેરિકા જઈ રૂતગસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા લાગ્યો હતો. મારી સખીનાં મોબાઈલ ઉપર એ ક્યારેક મને ફોન કરતો હતો.

એક દિવસ દાંડી યાત્રાનાં બહાને મને મામી દાંડી લઈ ગયાં હતાં. તે દિવસે એમણે મને સૌ પ્રથમ આગ્રહ કરી કરીને પીઝા, કોક વિગેરેની મિજબાની કરાવી હતી..! એકાદ કલાક પછી મને ઘેન ચઢવા લાગ્યું હતું. ત્યાર પછી મને શું થયું હતું તે મને ખ્યાલ નથી. હું જાગી ત્યારે મુંબઈની એક હોસ્પીટલમાં હતી - મારી સામે બેઠેલા કૃતાર્થ એ તેનાં મમ્મી પપ્પાને જોતાં હું બોલી હતી.. 'તમે કોણ છો ? હું ક્યાં છું... ? મા...મી.. ક્યાં છે ? તું પાંચ દિવસ પછી હોશમાં આવી છે.'

'બેટી, તારું નામ શું છે ? તું પાંચ દિવસ પછી હોશમાં આવી છે. બેહોશ અવસ્થામાં તું સમુદ્રનાં કિનારે પડી હતી. તારો ચહેરો પણ જળચરો ખાવા લાગ્યાં હતાં. કૃતાર્થની નજર પડી, એટલે તને અમે સાથે લઈ આવ્યાં હતાં. તારા ચહેરાની પ્લાસ્ટીક સર્જરી થઈ ગઈ છે. અમે તારો અસલ ચહેરાથી અજ્ઞાત હતાં, એટલે પ્લાસ્ટીક સર્જને પોતાની રીતે, તને આ કાલ્પનિક નવો ચહેરો આપ્યો છે...! હવે તારાં કોઈ સંબંધીનાં નામ ઠામ તું આપે, તો અમે તેમને બોલાવી લઈએ..' એક સ્ત્રી બોલી હતી.

મને મામીનું કપટ ખ્યાલ આવી ગયું હતું. એ નર્કમાં પાછા નહીં જવાનું મેં મન બનાવી લીધું હતું.. ! હું દર્દદાયક શબ્દોથી ત્રૂતક ત્રૂતક બોલી હતી...

'મ...ને.. ! હું.. ઊં...કો...ણ.. છું...?' હા.. કદાચ મને યાદ આવે છે.. હું સા... ત્વિ.. ! કઇંક આવું ના...મ... ઝાંખુ ઝાંખુ.. યાદ આ.. 

આ..વે છે!'

'બેટી, તું ચિંતા નહીં કર... આ મારો દીકરો કૃતાર્થ છે. હું એની મમ્મી  અને આ એનાં પ-પ્પા છે..!' પેલી સ્ત્રી બોલી હતી.

'મમ્મી... ! થેંક યુ...! કૃતાર્થ આઇ-એમ વેરી કાઇંડ ઓફ યુ..' હું બોલી હતી.

***

સમયનાં સમરાંગણમાં દિવસોની લડાઈ ચાલ્યા કરતી હતી... ! કૃતાર્થનો પ્રેમાળ પરિવાર મને ખૂબ પ્રેમ કરતો હતો. અમારા લગ્ન થઈ ગયાં હતાં. ક્યારેક મામીનું તે દિવસનું કપટી ભોજન... ! બનાવટી પ્રે...મ.. બધું યાદ આવતું... અને દિલ રૂદન કરતું... ! મામીએ જ મને કોકાકોલાનાં પીણામાં કેફી દ્રવ્ય પીવડાવી દરિયામાં ફેંકી હશે... ! ખેર... ! મારનાર કરતાં તારનાર વધુ બળવાન હોય છે.

કૃતાર્થની ઈચ્છાને આધીન એનાં મમ્મી પપ્પાએ મને મુંબઈમાં ડીગ્રી કોર્ષમાં દાખલ કરાવી હતી. તેજ દિમાગ ધરાવતી હું પણ એક કોલેજમાં આધ્યાપીકા તરીકે કામ કરું છું. પ્રેમાંકરે મેં ઊમંગને દિલમાં સમાવ્યો હતો. જરૂરિયાતે મારે કૃતાર્થને ઊમંગનાં સ્થાન ઉપર બેસાડવો પડયો હતો.' વર્ષો પહેલાં વિસરાઈ ગયેલો એ ઊમંગ, ફરીથી મારી સમક્ષ આજે આવી ગયો છે...! ખેર મારા નૂતન ચહેરાએ મને નવી પહેચાન અપાવી છે.. ! એ ક્યારેય મને ઓળખી શકવાનો નથી... ! કદાચ એનાં જીવનમાં પણ કોઈ નવું પાત્ર પ્રવેશી ચૂક્યું હોય તો શું કહેવાય... ! મારે આ રહસ્ય ગુપ્ત રાખવું છે...'

સાત્વિકાએ બિછાનું છોડયું... એ ફ્રેશ થઈ ગઈ. કોલબેલ રણક્યો.. એણે બારણું ખોલ્યું... !

'જુઓ ભાભી... ! તમારું સવારનું આમંત્રણ ફગાવી ગયો હતો, પરંતુ મારો આ દોસ્ત માને એવો છે, ખરો.. ? ડીનર લેવા બોલાવી લાવ્યો. ઓ..હ આ.. તમારી દેવરાણી વંદના !' ઊમંગ બોલ્યો..

***

ઊમંગ અને કૃતાર્થ સીટીંગરૂમમાં બેસી, વ્હીસ્કીની ચૂસકી મારતા મારતા ગપસપ કરવા લાગ્યા...

સાત્વિકા અને વંદના કીચનમાં આવ્યાં... ! વંદના બોલી, 'ભાભી .. ! કૃતાર્થ કહેતો હતો, તમે જાત જાતની વેજીટેબલ ફૂડ ડીશ બનાવો છો. મને તમે શીખવશો...' સાત્વિકાએ હૂંકારમાં માથું ધૂણાવ્યું.

બંને ધીમે ધીમે વાતે વળગી... વાત વાતમાં સાત્વિકાએ જાણી લીધું, કે વંદના એકાદ મહીનામાં યુ.એસ. સીટીઝન બની જશે, એટલે એ તુરત જ ઊમંગને પણ યુ.એસ.એ. બોલાવી લેશે... એ બંનેનાં લગ્ન હજુ આઠ દશ મહિના પહેલાંજ થયાં છે... ! ઊમંગે એચ વન વીઝાની અરજી ખેંચી લઈ, એક વર્ષ પછી નવા નામે લગ્ન હક ઉપર યુ.એસ.એ. જવું છે... ! યુ.એસ.એ.ની કોઈ પ્રસિધ્ધ લોયર ફર્મની સલાહ માનીને જ એણે આ પગલું ભર્યું છે...

***

રાત્રે નવ વાગ્યે ડીનર પૂર્ણ કરી ઊમંગ અને વંદનાએ સાત્વિકા કૃતાર્થની રજા લીધી... શરાબનાં કારણે કૃતાર્થ તો તુરત જ નિંદ્રાધીન થઈ ગયો, પરંતુ સાત્વિકાને ઊંઘ નહીં આવી.. વિચારોનાં વૃંદ એની સ્મૃતિમાં ધસી આવ્યાં... ! એ સ્વગત બોલી - 'ભલે, ઊમંગ બહુ ઓછો સમય અહીં રહેવાનો હોય, પરંતુ મારે એનાથી દૂરી બનાવી રાખવી જોઈએ... ! મારા નવા ચહેરા પાછળ છૂપાયેલા મારા પુરાણા ચહેરાને મારે બહાર આવવા દેવો નથી... અમે ચારેય હવે વિરૂધ્ધ વૃક્ષ ઉપર આસરો લઈ રહેલાં પંખીનાં બે જોડાં છીએ. આ બે જોડાં વચ્ચે રહેલું એક રહસ્ય મારે ક્યારેય બહાર આવવા દેવું નથી... ધરતીનાં પડ નીચે ભંડારાયેલ લાવારસ જેવું એ રહસ્ય બહાર આવશે, તો અમારા ચારેયનાં સ્વપ્નો વિરાનમાં રોળાય જશે. ઊમંગ... ! હું તને ફરીથી કેમ મળી ? નખ્ખોદ જાય એ એચવન વીઝાનું કે જેણે મારી જીવન નૌકામાં સોય જેવો છેદ પાડી, એને ડૂબાડવાની કોશીષ કરી છે.' (સમાપ્ત)