Get The App

તંત્ર-યોગ : ચેતનાનો પૂર્ણ વિકાસ કરનારી ગૂઢ સાધના પદ્ધતિ

Updated: Sep 27th, 2025

GS TEAM

Google News
Google News
તંત્ર-યોગ : ચેતનાનો પૂર્ણ વિકાસ કરનારી ગૂઢ સાધના પદ્ધતિ 1 - image

- અગોચર વિશ્વ-દેવેશ મહેતા

- વામ માર્ગને અનુસરનાર યોગી કે સાધક, કાપાલિક કે અઘોરી પાંચ મકારવાળી ભૌતિક વસ્તુઓ છે તેનું જ સેવન કરે છે

પૂ ર્વે વૈદિક ધર્મને બ્રાહ્મણ ધર્મ કહેવાતો. તેમાં બીજાનો પ્રવેશ નિષિદ્ધ હતો. શૂદ્ર અને મહિલાઓનો વેદ પર અધિકાર નહોતો. એના પ્રતિવાદ રૂપે શિવ દ્વારા પ્રચાર અને પ્રસાર કરાયેલ તંત્ર ધર્મ સાર્વજનિક રૂપે વિકસિત થયો. શિવ કહે છે - 'પ્રત્યેક જીવ મોક્ષનો અધિકારી છે. સ્ત્રી અને પુરુષ અલગ જાતિ હોવા છતાં પણ એમનો અધિકાર સમાન છે. એકલી સ્ત્રી કે એકલો પુરુષ અધૂરી કે અપૂર્ણ સત્તા છે. એકબીજાના સં-યોગથી જ સ્ત્રી-પુરુષ પૂર્ણ સત્તા-સંપૂર્ણ ઈકાઈ બને છે.' ભગવાન શિવ પોતે જ પાર્વતીને કહે છે - 'શિવ શબ્દમાં પ્રથમ શબ્દ શિ છે. એમાં 'શ' સાથે જે 'ઈ' લાગેલો છે તે શક્તિ છે. શિવ શબ્દમાંથી ઈ નીકળી જાય તો 'શવ' થઈ જાય. 'શક્તિ વિના મહેશાનિ સદાહં શવરૂપક : હે પાર્વતી, શક્તિ (તમારા) વિના હું શબ સમાન થઈ જઉં છું.'

તંત્ર શાસ્ત્રમાં દેવી-પૂજાને ઉત્તમ, મધ્યમ અને અધમ આ ત્રણ ભાગોમાં વહેંચવામાં આવે છે. આ ત્રણ પૂજાઓને ક્યાંક પરા, પરામરા અને અપરા કહેવામાં આવી છે. અપરા પૂજાને કેટલાક લોકો બીજી બે પૂજાઓની સરખામણીએ નિમ્નકોટિની પૂજા માને છે. વામ માર્ગની શાખામાં મહદંશે અપરા પૂજા કરાય છે. કુલાર્ણવ તંત્રમાં એક મંત્ર પંચમકારની પૂજા - સાધના કરવાને લગતો છે - 'મદ્યં માસં ચ મીનં ચ મુદ્રામૈથુનમેવ ચ । મકાર પંચક પ્રાહુર્યોગિન : મુક્તિદાયિકમ્ ।। અર્થાત્ મદિરા (શરાબ, દારૂ) માંસ, માછલી, મુદ્રા અને મૈથુન (સ્ત્રી - પુરુષનો શારીરિક સમાગન (યૌન સંબંધ) આ પાંચ મકાર 

(મ અક્ષરથી શરૂ થતા શબ્દોવાળી બાબતો) યોગીને મુક્તિ આપનાર કહેવામાં આવી છે. કેટલીક જગ્યાએ આ શ્લોકની બીજી પંક્તિમાં પાઠાંતર જોવા મળે છે. ત્યાં લખાયેલું છે - 'મકાર પંચક પ્રોક્ત દેવતા પ્રીતિકારકમ્ । કૌલતંત્રમાં ભગવાન શંકર પાર્વતીને કહે છે - ભોગો યોગાયતે સાક્ષાત્ પાતંક સુકૃતાયતે । મોક્ષાયતે થ સંસાર કૌલિકાનાં કુલેશ્વરી ।। (હે કૌલિકોની કુલેશ્વરી (પાર્વતી) કૌલસાધક દ્વારા કરાયેલો ભોગ પણ યોગમાં બદલાઈ જાય છે. એના દ્વારા કરાયેલું પાપ સત્કર્મ (પુણ્ય)માં બદલાઈ જાય છે. તે આ સંસારમાં જ મોક્ષ પ્રાપ્ત કરી લે છે. આમાં વામમાર્ગની પ્રશંસા જોવા મળે છે.

તે રીતે કૌલ કેવો સાધક છે. તેની વાત કરતાં શિવ પાર્વતીને કહે છે - 'કર્દમે ચંદને મિત્રે, મિત્રે શત્રો તથા પ્રિયે, શ્મશાને ભવને દેવિ તથૈવ કાંચને તૃણે । ન ભેદા યસ્ય દેવેશિ સ કૌલ: પરિકીર્તિત : ।। હે દેવી, કૌલ સાધક પરમેશ્વરની સૃષ્ટિમાં રહેલી બધી વસ્તુઓને સમાન દ્રષ્ટિએ જુએ છે. એના માટે ઘૃણા કરવા જેવું કે ત્યાજ્ય કશું જ હોતું નથી. તે કીચડ અને ચંદન, મિત્ર અને તણખલું એ બધાને એક સમાન સમજે છે.' તંત્ર શાસ્ત્રમાં પશુભાવ, વીરભાવ અને દિવ્ય ભાવ ઉપરાંત એક પરમ ઉચ્ચ ભાવ દર્શાવાયો છે જેને કૌલ ભાવ કહેવાય છે. કૌલ સાધક કે કૌલયોગીની ઉપાસના વિધિને કૌલાચાર કહેવાય છે. તેના વિશે કહેવાયું છે - 'ન ગુરૌ સદ્રશં વસ્તુ, ન દેવ: શંકરોપમ ન તુ કૌલાત્પરમો યોગે ન વિદ્યા ત્રિપુરા સમા ।। ગુરુ સમાન કોઈ મનુષ્ય નથી, ભગવાન શંકર સમાન કોઈ દેવ નથી, કૌલ યોગ સમાન કોઈ યોગ નથી અને શ્રી  ત્રિપુરા સમાન કોઈ મહા વિદ્યા નથી. ભગવાન શિવ કહે છે - કૌલો માર્ગ: પરમ ગહનો યોગિનામપ્યગમ્ય: અર્થાત્ કૌલમાર્ગ પરમગહન અને યોગીઓને માટે પણ અગમ્ય છે.'

દક્ષિણમાર્ગી સાધના કે ઉત્તમ પૂજામાં આ પંચમકાર માટે કહેવાયેલી બાબતો જુદા અર્થમાં લેવાય છે. શિવ પાર્વતીને કહે છે - સોમધારા ક્ષરેદ્ યા તુ બ્રક્ષરન્ધ્રાદ્ વરાનનો પીત્વાનંદમયીં તાં ય : સ એવ મદ્યસાધક : ।। જે સમર્થ સાધકની કુંડલિની ષટ્ચક્રનું ભેદન કરીને બ્રહ્મારન્ધ્રમાં રહેલા સહસ્ત્રાર ચક્રમાં પહોંચે છે એ સમયે સોમ કમળ ચક્રમાંથી શ્વેત રંગનું અમૃત ઝરે છે. તે મદ્ય કે સુરા(મદિરા)નું પાન કરનાર મદ્ય સાધક કહેવાય છે. મા શબ્દાદ્રસના જ્ઞોયા તદંશાન્ રસના પ્રિયા । સદા યો ભક્ષયેદ્ દેવિ સ એવ માંસ સાધક : ।। જેને રસના (જીભ) કહેવાય છે. તેને જ અમૃત લેનારી સમજવી જોઈએ. જે એ જીભનું ભક્ષણ કરે છે અર્થાત્ જે જીભને ઉલટાવીને તાળવામાં લઈ જઈને સહસ્રારનું અમૃત પીએ છે તે માંસ ખાનારો છે. ગંગા યમુનયોર્મધ્યે મત્સ્યૌ દ્વૌ ચંરત: સદા તૌ મત્સ્યૌ ભક્ષયેદ્ યસ્તુ સ ભવેત્ મત્સ્ય સાધક:।। ગંગા (ઈડા) યમુના (પિંગળા) નામની નદીઓ (નાડીઓ)ની વચ્ચે જે બે માછલીઓ (શ્વાસ-ઉચ્છ્વાસનું આવવું જવું) છે એનું (પ્રાણાયામ દ્વારા) ભક્ષણ કરનાર (નાશ કરનાર) જ મત્સ્ય સાધક છે. યામલ તંત્ર કહે છે - સહસ્રાર મહાપક્ષની અંદર બંધ કોશની અંદર શુદ્ધ પારા જેવું કરોડો સૂર્ય જેવું તેજસ્વી હોવા છતાં જે કરોડો ચંદ્ર જેવો શીતળ આત્મા છે તે મહાકુંડલિની સાથે યુક્ત છે. એવું જ્ઞાન પ્રાપ્ત કરનાર સાધકને જ મુદ્રા સાધક કહેવાય છે.

વામ માર્ગને અનુસરનાર યોગી કે સાધક, કાપાલિક કે અઘોરી આ પાંચ મકારવાળી બાબતો જે ભૌતિક વસ્તુઓ છે તેનું જ સેવન કરે છે. તે મદિરા પીએ છે, માંસ ખાય છે, માછલી ખાય છે, મુદ્રાનો ઉપયોગ કરે છે અને યુવતી સાથે યૌન સંબંધ જોડી શારીરિક સમાગમ (સંભોગ) અર્થાત્ મૈથુન કરે છે. કૌલ તંત્રમાં દર્શાવ્યું છે. તેમ તેનો ભોગ યોગ બની જાય છે. પાંચમા મકાર મૈથુનથી અર્થાત્ સં-ભોગથી પરમતત્ત્વ સાથે સં-યોગ (સારી રીતે ઐકય-જોડાણ થઈ જાય છે. કુલાર્ણય તંત્ર, કૌલતંત્રમાં ભગવાન શિવજીએ પાર્વતીને આ વાત સમજાવી છે. દક્ષિણ માર્ગને અનુસરનાર એનો આધ્યાત્મિક, પ્રતીકાત્મક અર્થ કરે છે - 'મૈથુનં પરમં તત્ત્વ સૃષ્ટિ સ્થિત્યન્તકારણમ્ । મૈથુનાત્ જાયતે સિદ્ધિ : બ્રહ્મજ્ઞાનં સુદુર્લભમ્ ।। સહસ્રાહના ઉપરવાળા બિંદુ (પરમાત્મા)થી જીવાત્માનું મિલન જ મૈથુન ક્રિયા છે. સંપૂર્ણ સૃષ્ટિ, સ્થિતિ અને વિલયનું કારણ આ મૈથુન ભાવ જ પરમ તત્ત્વ છે. એનાથી જ દુર્લભ સિદ્ધિ અને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. કુંકુમના રંગવાળો (અગ્નિ બીજ) રેફ શરીરના બધોભાગમાં આવેલા મૂલાધાર ચક્રમાં રહેલી કુંડલિની શક્તિ હંસરૂપ પ્રાણ પર સવાર થઈ સહસાર ચક્રમાં રહેલા બિંદુ પર સદા શિવને મળી તેમની સાથે સં-યુક્ત થાય છે ત્યારે સાધકને મહાન આનંદ અને દુર્લભ બ્રહ્મ-સાક્ષાત્કાર થઈ જાય છે.'