- સિનેમા એક્સપ્રેસ-શિશિર રામાવત
- 'મારાં પાત્રો જ કાગળ પર મને દિશા બતાવે છે, તેઓ જ ડાયલોગ બોલે છે ને હું તે પ્રમાણે લખતો જાઉં છું. મને ક્યારેક ખરેખર થાય કે હું ફ્રૉડ માણસ છું. ફિલ્મના સંવાદલેખક તરીકેની ક્રેડિટ હું શા માટે લઉં છું?'
હિં સા પણ એન્ટરટેઇનિંગ હોઈ શકે? હા, જો એ ક્વેન્ટિન ટેરેન્ટિનોએ પેશ કરી હોય તો જરૂર હોઈ શકે. અનુરાગ કશ્યપથી માંડીને દુનિયાભરના ફિલ્મમેકર્સ ટેરેન્ટિનોથી પ્રભાવિત છે. ખાસ કરીને એની 'કિલ બિલ' ફિલ્મના બન્ને ભાગ (૨૦૦૩-'૦૪) વર્લ્ડસિનેમામાં ક્લાસિક ગણાય છે. ટેરેન્ટિનોની સૌથી પોપ્યુલર ફિલ્મો પણ આ જ છે. 'રિવેન્જ ઈઝ અ ડિશ બેસ્ટ સર્વ્ડ કાલ્ડ.' બદલો એક એવી વાનગી છે જેને ઠંડી જ પીરસવાની હોય... અર્થાત્ બદલો ઠંડે કલેજે જ લેવાનો હોય! 'કિલ બિલ'ની શરૂઆત જ આ ક્વોટથી થાય છે. ટેરેન્ટિનોના નામે 'કિલ બિલ' ઉપરાંત 'પલ્પ ફિક્શન', 'રિઝર્વોયર ડોગ્સ', 'ઇન્ગ્લોરિયસ બાસ્ટર્ડ્સ' જેવી અફલાતૂન ફિલ્મો બોલે છે.
ટેરેન્ટિનોની ફિલ્મો જ નહીં, એમની વાતો પણ સિનેમાપ્રેમીઓ માટે માસ્ટક્લાસ સમાન હોય છે. ઉદાહરણ તરીકે, ફિલ્મમેકિંગના ટેકનિકલ જ્ઞાન વિશેની આ વાત. ફિલ્મલાઇનમાં પ્રવેશીને ડિરેક્ટર બનતા માગતા કેટલાય લોકોને અંદરખાને આ એક વાતનો ફફડાટ રહેતો હોય છે: હું કલાકારો પાસેથી તો સારું પર્ફોર્મન્સ કઢાવી શકીશ, પણ કેમેરાનો લેન્સ ક્યો વાપરવો, લાઇટિંગ કેવી કરવી... આવી બધી ટેકનિકલ બાબતોમાં મને ટપ્પા પડતા નથી, એનું શું?
આવો ભય રાખનારા સૌને માલૂમ થાય કે તમે ટેકનિકલ મામલામાં ખાં હો તે જરૂરી નથી. આવું હોલિવુડના માસ્ટર ફિલ્મમેકર ક્વેન્ટિન ટેરેન્ટિનો ખુદ કહે છે. ટેરેન્ટિનોને આ વાત એમનાય સિનિયર ફિલ્મમેકર ટેરી જિલિયમે કહી હતી. ટેરેન્ટિનો સાવ નવાનિશાળિયા હતા ત્યારે 'ટ્વેલ્વ મંકીઝ', 'બ્રાઝિલ', 'ધ ફિશર કિંગ' જેવી ફિલ્મો બનાવનાર ટેરી જિલિયમને એમણે પૂછેલું કે, 'ટેરી, તમારી ફિલ્મો જોઉં છું તો મને એવું જ લાગે છે કે તમારી આંખોમાં જ સિનેમા છે. તમારામાં આ 'કુદરતી સિનેમેટિક વિઝન' આવ્યું ક્યાંથી?'
ટેરી જિલિયમ હસી પડયા. પછી કહે, 'ભાઈ ક્વેન્ટિન, તેં હજુ સુધી ક્યારેય ફિલ્મના સેટ પર પગ સુધ્ધાં મૂક્યો નથી એટલે તને એવું લાગે છે. ફિલ્મો કેવી રીતે બને છે એનો તને કોઈ અંદાજ નથી. લાઉં, હું તને સમજાવવાની કોશિશ કરું. લૂક, ઇટ્સ નોટ યોર જોબ ટુ 'ક્રિયેટ' યોર વિઝન. ઇટ્સ યોર જોબ ટુ હેવ અ વિઝન. તારે વિઝન ખડું કરવાનું નથી, તારી પાસે વિઝન પહેલેથી જ હોવું જોઈએ... અને તારું કામ છે ટેલેન્ટેડ લોકોને ભેગા કરીને એમની પાસેથી કામ લેવાનું. તું એવા પ્રતિભાશાળી આટસ્ટોને તારી ટીમમાં લે, જે તારું વિઝન સમજી શકે. તને આટક્યુલેટ કરતાં આવડવું જોઈએ, એટલે કે તારા મનમાં જે કલ્પનાચિત્ર છે તેનું આબેહૂબ વર્ણન કરતાં આવડવું જોઈએ. તારું જે વિઝન છે તે તારા કલાકારોને સમજાવતાં તને આવડવું જોઈએ, અને પછી તારા ટેકનિશિયનો ને એક્ટરો એમાં પોતાના તરફથી કશુંક નવું ઉમેરશે.'
ટેરેન્ટિનો સાંભળતા રહ્યા. ટેરી વિલિયમે વાત આગળ વધારી, 'તને એમ થાય છેને કે ડિરેક્ટર તરીકે તને સેટ પર કેમેરા ક્યાં ગોઠવવા, લેન્સ કયો વાપરવો, લાઇટિંગ કેવી કરવી આ બધું પણ આવડવું જોઈએ? તો સાંભળ, એવી કશી જરૂર નથી. તારું કેરેક્ટર કોસ્ચ્યુમ કેવાં પહેરશે તેની તેની ખબર હોવી જોઈએ, તું ખુદ સીવણકામ કરવામાં પણ પાવરધો હો તે જરૂરી નથી. તારો સેટ કેવો દેખાવો જોઈએ એની સ્પષ્ટતા તારા મનમાં હોવી જોઈએ. જરૂરી નથી કે તું ખુદ સેટ ડિઝાઇનર હો. તને જુદી જુદી લાઇટિંગની ટેકિનકલ જાણકારી ન હોય તો કશો વાંધો નથી. આ બધું તારું કામ જ નથી. તારી પાસે તારું પોતાનું નક્કર વિઝન (કલ્પનાચિત્ર) હોવું જોઈએ અને તે વિઝન તારા કલાકાર-કસબીઓને સમજાવતાં આવડવું જોઈએ, ધેટ્સ ઓલ.'
ટેરેન્ટિનોની ફિલ્મોમાં સંવાદો અને લખાણની રિઘમ ખાસ ધ્યાન ખેંચે તેવાં હોય છે. એનું કારણ એ છે કે ટેરેન્ટિનો ઉત્તમ ડિરેક્ટર હોવા ઉપરાંત ઉત્તમ લેખક પણ છે. પોતાની નવેનવ ફિલ્મોના સ્ક્રીનપ્લે અને સંવાદો એમણે ખુદ લખ્યા છે. ફિલ્મ લખવાની પ્રોસેસ વિશે તેમણે સરસ વાતો કરી છે. તેઓ કહે છે, 'તમે એક ડગલું માંડો, પછી બીજું ડગલું માંડો, પછી ત્રીજું... મારી લખવાની પ્રોસેસ આ પ્રકારની છે. મને ક્યારેક ખરેખર થાય કે હું ફ્રાડ માણસ છું. ફિલ્મના સંવાદલેખક તરીકેની ક્રેડિટ હું શા માટે લઉં છું? કારણ કે ડાયલોગ્ઝ લખવાનું કામ તો મારાં પાત્રો ખુદ કરે છે. હું લખવા બેસું ત્યારે પાત્રો જ મને દિશા બતાવે છે, તેઓ જ ડાયલોગ બોલે છે ને હું તે પ્રમાણે લખતો જાઉં છું...'
કેટલાય વાર્તાકારો અને નવલકથાકારોની લેખનશૈલી પણ કંઈક આ પ્રકારની હોય છે. મનમાં માત્ર કોઈ ચિત્ર કે અનુભૂતિ હોય ને તેઓ લખવા બેસી જાય. પછી એની કલમ (અથવા તો ટાઇપરાઇટર) પોતે જ આગળનો રસ્તો સૂઝાડતાં જાય.
ટેરેન્ટિનોનું મુખ્ય ઓજાર છે - ઓબ્ઝર્વેશન, નિરીક્ષણ. તેઓ કહે છે, 'હું લેખક છું. મારું કામ લખવાનું છે. મને ઇન્ટરેસ્ટિંગ વાર્તાઓ લોકો તરફથી જ મળે છે. લોકોની વાતો, એમના અનુભવો, વિચારો, અનુભૂતિઓ, તેઓ કેવી રીતે વર્તે છે, શું મજાક કરે છે - આ બધું મારા મનમાં નોંધાઈ જતું હોય છે.'
આટલું કહીને તેઓ ઉમેર છે, 'મારી બે સમાંતર સફરો ચાલી રહી છે - એક, લેખક તરીકેની સફર અને બીજી, ફિલ્મમેકર તરીકેની સફર. લેખક તરીકે હું એવું કેટલુંય લખતો હોઉં છું, જે સ્ક્રીન પર ક્યારેય આવવાનું ન હોય. છતાંય મારા સ્ક્રીનપ્લેમાં તો તે લખાયેલું હોય જ. લેખનપ્રક્રિયાનું મોટા ભાગનું કામ સબકોન્શિયસ માઇન્ડમાંથી, અવચેતનમાંથી આવવું જોઈએ. હું લખવા બેસું ત્યારે હું મારા સબકોન્શિયસ માઇન્ડને ખુલ્લું કરી નાખું છું, એટલું જ.'
લેખક પોતાની કૃતિના મુગ્ધ પ્રેમમાં પડી જાય તે ખાસ ઇચ્છનીય સ્થિતિ નથી, પણ હા,નિષ્ઠાવાન લેખકને વાર્તા-નવલકથા-ફિલ્મ લખીને જો સાચા સંતોષનો ઓડકાર આવે તે બહુ ખૂબસૂરત સ્થિતિ છે. ટેરેન્ટિનો કહે છે, 'જ્યારે હું કોઈ પણ ફિલ્મની સ્ક્રિપ્ટ લખવાં બેસું ત્યારે લક્ષ્ય એ જ હોય કે સ્ક્રિપ્ટરાઇટિંગ એટલી સરસ રીતે પૂરું થાય કે મને ખુદને થાય કે બસ, હવે મારે ફિલ્મ બનાવવાની કશી જરૂર નથી! આ સ્ક્રિપ્ટ પોતાની રીતે સંપૂર્ણ છે, એક પરફેક્ટ લિખિત દસ્તાવેજ છે. હવે તેના પરથી ફિલ્મ બને તોય ઠીક ને ન બને તોય ઠીક!'
તેઓ કહે છે, 'એક સારો ફિલ્મમેકર એેકની એક ટ્રિક વારે વારે ન વાપરી શકે. તેથી જ ફિલ્મ બનાવતી વખતે હું એવું કશુંક કરવા માગતો હોઉં છું જેના કારણે મને મનમાં ફફડાટ રહે, ફિલ્મમાં મારે એવું કશુંક કરવાનું હોય જેના કારણે મને ફરજિયાતપણે કશુંક નવું શીખવા મળે. ફિલ્મ લખતી વખતે કે બનાવતી વખતે જો મને ફીલ થતું હોય કે આ બધું હું મારી આગલી ફિલ્મોમાં ઓલરેડી કરી ચૂક્યો છું... તો એનો અર્થ એ થયો કે હું કશીક ગરબડ કરી રહ્યો છું.'
જેમ ફિલ્મ બનાવવાની રીતમાં સમયની સાથે ફેરફાર થતા જાય છે, તેમ ફિલ્મ જોવાની રીતમાં પણ પરિવર્તનો આવતાં જાય છે. 'વાર્તા કહેવાની કળા ધીમે ધીમે ગાયબ થઈ રહી છે,' ટેરેન્ટિનો લગભગ અફસોસ સાથે કહે છે, 'આપણે જે સ્થિતિમાં પહોંચી ચૂક્યા છીએ... મને ડર છે કે આવનારી પેઢી કદાચ સમજી જ નહીં શકે કે સિનેમાહૉલના મોટા અંધકારમય ઓડિટોરિયમમાં સૌની સાથે બેસીને ફિલ્મ જોવાનો અનુભવ કેવો હોય.'
'કિલ બિલ'ના એક વાયોલન્ટ સીનમાં પાત્રો એકાએક એનિમેટેડ બની જાય છે. માનો યા ના માનો, પણ એનિમેશનનો આ રીતે ઉપયોગ કરવાનો આઈડિયા ટેરેન્ટિનોને આપણા કમલ હસનની ફિલ્મ 'અલવન્ધમ' (હિન્દીમાં 'અભય', ૨૦૦૧) પરથી આવ્યો હતો! આ વાત ખુદ ટેરેન્ટિનોએ અનુરાગ કશ્યપને કહી હતી! કેવી મજાની વાત!
શો સ્ટોપર
મારો હસબન્ડ (રાજ કુંદરા) નિર્દોષ છે. ક્રિપ્ટો જગતના કેટલાક ઈર્ષ્યાળુઓ એને ફસાવી રહ્યા છે. અસલી ગુનેગારોને અમે કોર્ટમાં ખુલ્લા પાડીશું.
- શિલ્પા શેટ્ટી


