- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
- લજ્જાનાં પથ્થર દિલ સાસુમા 'સાસુ' હતાં કે આતંકવાદી? એમની 'આચાર' ઊર્ફે અત્યાચાર સંહિતા કેવી ભયાનક હતી?
આ જે પંદર દિવસ વીતી ગયા છે... લજ્જાના અવસાનને... મનોરથના ચહેરા પર ઘેરા વિષાદનાં વાદળો પથરાએલાં છે... એની નજર અચાનક જ બારી બહારના આકાશ તરફ ગઈ... મનોરથ બપોરનો બારી પાસે બેઠો છે. સાંજ ક્યારે ઢળી તેની પણ તેને ખબર ના પડી. મનોરથના મનમાંથી તેની પત્ની લજ્જા એક પળ માટે પણ ખસતી નહોતી.... લજ્જાના અવસાનના કારણે એ ઈશ્વર પર ક્રોધિત હતો. અને એનો ક્રોધ તેની આંખમાંથી વહેતી અશ્રુધારાઓ પણ શાંત નહોતી કરી શકી...
આકાશ તરફ નજર માંડીને બેઠેલા મનોરથને બસ લજ્જાના જ દર્શન થાય છે. લજ્જા હતી એક સમર્પણશીલ યુવતી. અટપટી દુનિયાની ખટપટી ચાલથી સાવ અજાણ, નાજુક, નમણી, અત્યંત ભોળી, ગોરેવાન, અત્યંત નિર્દોષ, નમ્રતા અને સંસ્કારની મૂર્તિ જોઈ લો. મનોરથ જ્યારે લજ્જાને જોવા માટે તેના ઘરે ગયો હતો ત્યારે તેની મમ્મી માલિનીદેવીએ કહ્યું હતું : 'મનોરથકુમાર, મારી દીકરી વિષે હું શું કહું... એ મારી પુત્રી નથી પણ ઘર ભૂલીને મારી કૂખે જન્મેલી એક પરી છે. ઘોર કળિયુગની બોલબોલામાં આ નાસ્તિકતાભર્યા યુગમાં ધર્મ અને સંસ્કારનો પાલવ પકડીને જીવનારી લજ્જા જેવી કોઈ યુવતી ભાગ્યે જ જોવા મળે. એના અત્યંત સરળ અને નમ્ર સ્વભાવને કારણે મને રાત-દિવસ એની ચિંતા કોરી ખાય છે કે એને કેવું સાસરું મળશે ?' અને ત્યારે મનોરથે કહ્યું હતું : 'આન્ટી, તમે લજ્જાની જરાપણ ચિંતા ના કરશો. હું એને જરાપણ દુ:ખ નહીં પડવા દઉં.'
અને મનોરથના લગ્ન લજ્જા સાથે સાદાઈપૂર્વક ઉજવાઈ ગયાં હતાં... લગ્નના દોઢ વર્ષ બાદ લજ્જાએ પુત્રને જન્મ આપ્યો અને એક દિવસ મનોરથ ઓફિસ ગયો હતો ત્યાં તેને સમાચાર મળ્યા લજ્જાએ અગ્નિસ્નાન કરી પોતાના જીવનનો અંત આણ્યો છે. વિચારમાં ખોવાયેલો મનોરથ જાણે આજે જ લજ્જા અવસાન પામી હોય એટલો દુ:ખી હતો. એને લજ્જાના અવસાનના દુ:ખને વાગોળતો બાલ્કીનીમાં બેઠો હતો.
મનોરથની મમ્મી મહિમાદેવી ધીમેથી તેની પાછળ આવીને ઊભા રહ્યાં અને કહ્યું : 'બેટા મનોરથ, જેણે તારી ચિંતા ન કરી, એની પાછળ ખુવાર થવાનો શો અર્થ ?' એને જો તારી ચિંતા હોત તો આમ બદનામીની કાળી ટીલી તારે માથે ચોડીને ચાલતી થાય ? હવે તો એક જ રસ્તો છે.'
'લજ્જાને ભૂલીને નવેસરથી સંસાર માંડવાનો, એમ જ કહેવું છે ને મમ્મી ? આ શબ્દો સાંભળી સાંભળીને હું કંટાળી ગયો છું. વ્યકિતના મરણની અદબ ન જાળવે એવા સમાજને સમાજ કહેવાય કે નિંદકોનું ટોળું ?' મનોરથ એકશ્વાસે બોલી ગયો.
થોડી વાર રોકાયા પછી એણે ફરીથી ભાવાવેશમાં બોલવાનું શરૂ કર્યું. 'મમ્મી, તું ૯ના મોતને નગણ્ય ગણે છે, પણ તેં કદી એવો વિચાર કર્યો છે ખરો કે એ પણ તારા જેવી કોઈ માતાની પુત્રી છે ? લગ્ન પછી મારા વિશ્વાસે માતા-પિતાની વિદાય લેતી લજ્જાની આંસુભરી આંખોનું ચિત્ર હજીયે મને યાદ છે, મમ્મી. પોતાની વહાલસોયી પુત્રીના આંસુ લૂછતી લજ્જાની મમ્મીને તેં જ કહ્યું હતું : 'અરે માલિનીબેન, રડો છો શું કામ ? લજ્જા જેવી તમારી દીકરી છે, એવી જ મારી દીકરી પણ છે. હું એને તમારા પ્રેમની ખોટ સાલવા નહિ દઉં. ચાલ બેટી, પિયરના વહાલને ભૂલાવી દે, એવું જ સુખ તને હું સાસરામાં આપીશ.' .. થોડું પાણી પીને મનોરથે બોલવાનું ચાલું રાખ્યું. 'મમ્મી, શું તારા આ શબ્દો કેવળ દંભ ખાતર જ બોલાએલા નહોતા ? પિયરના વહાલની ખોટ પૂરવાની વાત તો બાજુએ રહી, તેં તો સાક્ષાત્ નર્કનો અનુભવ કરાવ્યો લજ્જાને. લજ્જા અને મારી વચ્ચે સતત ગેરસમજૂતી ઊભી કરવાનો પ્રયત્ન, કારણો શોધી શોધીને લજ્જાને અપમાનિત કરવાની કોશિશ અને લજ્જાને પોતાનાં મમ્મી-પપ્પાને મળવા માટે તડપતી રાખી પિયર નહીં જવાનો તારો વટહુકમ...
'આ બધાંનો કરુણ અંજામ શો આવશે તેની કલ્પના ન આવે તેટલી ભોટ તો તું નહોતી જ મમ્મી.'
પણ મારાં લગ્ન પપ્પાએ તારી મરજી વિરુધ્ધ, અને મારી લાગણીને માન આપીને કરાવ્યાં, એ તને ખટકતું હતું. તારે અમીર બાલ્કની ફેશનેબલ છોકરી જોઈતી હતી. લજ્જા મધ્યમવર્ગીય ગરીબ પરિવારની દીકરી હતી. એ તને પસંદ ન હતું. અને એ વેરની વસૂલાત માટે તારું બહારથી નમ્ર દેખાતું પણ અંદરથી સખત ઘાતકી વર્તન લજ્જાના લોહીનું તરસ્યું હતું...
એટલે જ તેં મને અલગ થવા ન દીધો... આપણો નવો બંગલો તૈયાર થઈ જાય ત્યાં સુધી રાહ જોવાનું મને દબાણ કરીને તારા ક્રૂર શાસનનાં સૂત્રોે તેં વધુ કડક બનાવ્યાં. લજ્જા જેમ જેમ નમતી ગઈ તેમ-તેમ મમ્મી તું બહેકતી ગઈ...
'મમ્મી, લજ્જા પ્રત્યે કરુણાશીલ બનવા માટે તેં સાંભળેલી ધાર્મિક કથાઓ પણ ખપ ન લાગી. મંથરા પ્રત્યે ફિટકાર વરસાવતી તું મંથરાના દૂષણથી બચી શકી ?
'મમ્મી, તારી મમતા લજ્જા માટે હેતભર્યા હૈયાનો વિસામો નહોતી, પણ એ લાક્ષાગૃહની આધુનિક આવૃત્તિ હતી. એ બિચારી ભોળી સૃષ્ટિ ક્યાંથી સમજે ? અને મમ્મી લજ્જા માટે જે આચારસંહિતા બહાર પાડી હતી તેની તો મને ખબર જ નહોતી. એ આચારસંહિતાની વાત તો લજ્જાના અવસાન પછી અડોશપડોશમાં થતી વાતો પરથી મને જાણવા મળી.
... મમ્મી તારી આચારસંહિતા મુજબ
* લજ્જાએ એકલા બહાર જવાનું નહીં, અને જવું હોય તો (નાની નણંદ) મારી નાની બેન બિંદીને સાથે લઈને જવાનું.
* લજ્જાએ કોઈને પણ ફોન કરવો હોય તો મમ્મીજીને પૂછીને જ કરવાનો અને ફોન કોને કરવાનો છે તેનું નામ અને તેની સાથેના સંબંધ વિષે મમ્મીજીને જાણકારી આપવી.
* લજ્જા પર આવેલા ફોન પર પહેલાં મમ્મીજી વાત કરશે. ફોન કોનો છે અને શું કામ આપ્યો છે તેની સેન્સરશીપ થયા પછી જ લજ્જા ફોન પર વાતચીત કરી શકશે.
* મમ્મી-પપ્પાને ઘરે જવા માટે મમ્મીજીની રજા લેવી જરૂરી છે. જવા માટેનો ઉદ્દેશ પણ જણાવવો પડશે. વારંવાર પિયર જવાની જિદ ન કરવી.
* લજ્જાએ મનોરથ સાથે બહાર જવાનું હોય તો પહેલાં મમ્મીજીને જાણ કરવાની અને ઘરનું બધું કામ કર્યા પછી જ બહાર જવાનું.
* લજ્જાએ પોતાની કોઇપણ સહેલીને ઘરે બોલાવવી નહીં, અને કોઇપણ આવશે તો તેનો ઈન્ટરવ્યૂ મમ્મીજી લેશે પછી જ લજ્જાને મળવાની છૂટ અપાશે.
* લજ્જા મધ્યમવર્ગીય ગરીબ ઘરની દીકરી છે, એટલે એને ઘરકામ કરવાની આદત હોવી જ જોઈએ એટલે ઘરમાં કોઇપણ નોકર રાખવાની લજ્જાને છૂટ નથી..
'અરે મમ્મીજી, આ બધું જાણ્યા પછી મને બહુ પસ્તાવો થયો. એક પતિ તરીકે હું લજ્જાનું ધ્યાન ન રાખી શક્યો. ફૂલ-શી કોમળ લજ્જા તમારા મહાત્રાસમાં બિચારી ચીમળાઈ ગઈ.
મમ્મી વૈજ્ઞાનિકોએ અનેક સંશોધનો કર્યાં છે પણ એક સંશોધન કદાચ તારા જેવી પથ્થરદિલ સાસુઓના સદ્નસીબે થવાનું રહી ગયું. અને તે છે ગેસ કે સ્ટવને વાચા આપવાનું. ગેસ કે સ્ટવ જો બોલી શકતા હોત તો.. તારા જેવી અનેક સાસુઓ, નિર્દયી પતિઓને ફાંસીના ફંદાને લાયક ઠેરવવા માટે સાક્ષી તરીકે અદાલતને આંગણે હાજર થઈ જાત. મમ્મી, લજ્જાના અગ્નિસ્નાન માટે તું જ જવાબદાર છે. અને હું અપરાધી છું, દુર્ભાગી પણ ખરો કે તારા પેટે જન્મ લેવાનું ઈશ્વરે મારા માટે નિર્માણ કર્યું. અને મારા નાનકડા દીકરા પ્રથમે શું ગુનો કર્યો હશે કે તે મા વિહોણો બની ગયો ?'
આવા આક્ષેપો સાંભળી મનોરથના મમ્મી મહિમાદેવી ક્રોધથી લાલચોળ થઈ ગયાં અને મનોરથના ગાલ પર ઉપરાછાપરી તમાચા ચોડવાનું શરૂ કરી દીધું.
પણ મનોરથ અટક્યો નહીં અને સ્વસ્થાપૂર્વક કહ્યું : 'માણસના પક્ષે જ્યારે સત્યનો સથવારો નથી હોતો ત્યારે એ તારી જેમ આક્રમક બને છે. જન્મ આપવાના ઉપકાર રૂપે મને મારવાનો અધિકાર ભોગવી લે મમ્મી. પણ એટલું યાદ રાખજે કે જન્મ આપવા માત્રથી માતા થવાતું નથી. માતા થવા માટે અહં અને જિદ છોડવાં પડે છે. માનવતા વગર મમતા શબ્દ જીવી શકે નહીં. મમ્મી, ચાલ્યા જાવ અહીંથી, મારે એકાંત જોઈએ છે. છેલ્લા પંદર દિવસથી ઘર સ્વજનો-પરિજનોનો અડ્ડો બની ગયું હતું. ચોતરફ .. ચહેરાઓ.. લાગણી દેખાડતા ચહેરાઓ... લાગણી હોવાનો દેખાડો કરતાં ચહેરાઓ, અને ફરજના બહાને મને ઘેરી વળેલા ચહેરાઓ મારો છાલ છોડતાં નહોતા. ઓહ, આ તે કેવો ત્રાસ ? માણસને મન મૂકીને રડવાનો પણ અધિકાર નહીં ? સ્મરણોને વાગોળવાનો હક નહીં ? એકાંતમાં પડયા રહેવાની પણ સ્વતંત્રતા નહીં !
મનોરથનો ગુસ્સો જોઈ મહિમાદેવી શાંત થઈ ગયાં અને કહેવા લાગ્યાં : 'બેટા, બધું ઈશ્વરના હાથમાં છે આપણા હાથમાં કંઈ નથી. તું હજુ નાનો છે તારો દીકરો પ્રથમ તો હજુ એક વર્ષનો માંડ થયો છે એટલે તારે બીજા લગ્ન કરી લેવા જોઈએ.'
મહિમાદેવીની વાત સાંભળી છંછેડાયેલા મનોરથે કહ્યું, 'મમ્મી, હું માનવતા વગરની મમ્મીનો શ્રવણ બનવા માંગતો નથી. એક સ્ત્રીના મૃત્યુની અદબ જાળવતાં પણ તને નથી આવડતું ? મારું ઘર એ લજ્જાનું સ્મૃતિ મંદિર છે, ઘર એ કાંઈ સ્ત્રીની ગાદી નથી કે તેમાં કોઈની સ્થાપના ફરજિયાતપણે કરવી જ પડે. લજ્જા પ્રત્યેની મારી શ્રધ્ધાંજલિ એ મારું એકાકીપણું જ છે. મેં મારાં સાસુ-સસરાની વ્હાલસોયી પુત્રી છીનવી લીધી છે. બાકીનું જીવન હું એમની સાથે રહીને વિતાવીને લજ્જાની ખોટ પૂરવા માંગુ છું. અને તેમના પુત્ર તરીકે જ જીવીશ.
મમ્મી, કોઈના ખાતર ખુવાર થવામાં પણ કેવો આનંદ હોય છે, એ તારા મતલબી દિમાગમાં નહીં ઊતરે. હું આજથી જ પ્રથમને લઇને લજ્જાના ઘર જઈશ અને તેનાં માતા-પિતાનો સહારો બનીશ. અને મેં કરેલા અપરાધનું પ્રાયશ્ચિત કરીશ.'
'તો મારું કોણ ? તને જન્મ આપીને મેં અપરાધ કર્યો ? માતા-પિતાના દોષ ન જોવાય, માત્ર ગુણો જ જોવાય. મેં દાખવેલું કડકાઈપણું આખરે તો તમારા બંનેના કલ્યાણ માટે જ હતું.' મમ્મીએ કહ્યું હતું..
'કેટલાંક હૈયાં ઈશ્વરે પ્રેમ અને લાગણીપ્રૂફ બનાવ્યાં હોય છે. તું એમાંની એક છે. મારા અને તારા પૌત્ર વગર તારું ઘર સ્મશાન જેવું બની જશે. એ જ તારે માટે સજા છે.'
અને બીજે દિવસે કશું જ કહ્યા વગર મનોરથ સાસરે ચાલ્યો ગયો હતો. જ્યાં કણ-કણમાં પત્ની લજ્જાની સ્મૃતિઓ વસેલી હતી.
'ગુડ બાય ત્રાસવાદી મમ્મી.'


