Get The App

જીવનની રાહ જીંદગી પ્રત્યે ચાહ

Updated: Sep 28th, 2025

GS TEAM

Google News
Google News
જીવનની રાહ જીંદગી પ્રત્યે ચાહ 1 - image

- પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ ટ્રાફિક અને ભીડભાડ વચ્ચેથી તેનો માર્ગ જે રીતે સલામતી સાથે કાઢે છે તેમ આપણે કોલાહલ અને પડકારો વચ્ચેથી પસાર થઈને જીવન જીવવાનું છે

- હોરાઈઝન-ભવેન કચ્છી

- જુદી જુદી પ્રકૃતિની જીવંત કે વર્ચ્યુઅલ વ્યક્તિઓ આપણને વિચલિત કરવા આક્રમણ કરશે, આપણે જળકમલવત્ રહેવાનું છે

- આપણી આજુબાજુમાં નકારાત્મકતા પ્રવર્તતી હોય કે તેવા વ્યક્તિસમૂહથી ઘેરાયેલા હોઈએ તો આપણે અલિપ્ત રહેતા શીખવું પડશે

‘Hear yourself' (તમારા અંતરાત્માને સાંભળો) પુસ્તકમાં આધ્યાત્મિક  લેખક  પ્રેમ રાવતે તેનું આપણને સૌને જીવનબોધ આપતું આગવું નિરીક્ષણ રજૂ કર્યું છે. તેઓ લંડનના ટ્રાફિક અને ફૂટપાથ પર રાહદારીઓની અવરજવરથી  ભરચક અને ભારે ભીડ ધરાવતા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા. ઓફિસ જવાના કલાકો હોઇ યુવા પેઢીની ચાલમાં તેજી અને તનાવ બંનેનું સંયોજન જોવા મળતું હતું. કેટલાક તો એકબીજાને થોડા અથડાતાં પણ હતા કે પછી માર્ગમાં સામસામે આવી જતા હોઇ  ખભા ઊંચા કરતી  મૂંઝવણની મુદ્રા  સાથે સહેજ જમણી કે ડાબી બાજુ ફંટાઈને તેમના આગળના ડગ શોધી લેતા હતા. બજારનો વિસ્તાર હોઇ માહોલ ઘોંઘાટ ભર્યો પણ હતો. અધૂરામાં પૂરું મોટાભાગના યુવાનોના કાનમાં સ્માર્ટ ફોન સાથે જોડાયેલ 'ઇયર બડ' લગાવ્યા હતા. બધા વ્યસ્ત અને માનસિક ત્રસ્ત જણાતા હતા. લેખક પ્રેમ રાવતની કાર પણ ધીમી ગતિએ આગળ ધપતી હતી.

અચાનક તેમની નજર આવી તેજ રફતારથી અથડાતા અને અકસ્માતથી બચતા રાહગીરો વચ્ચે એક રાહગીર પર પડી. તેની ચાલવાની ગતિ ધીમી હતી અને પગલાં થોડા આડા અવળા પડતા હતા. તેના હાથમાં લાકડી હતી જે જમણી અને ડાબી બાજુ તેના પગથી માંડ એક ફૂટના અંતરે તેને જમીન એટલે કે રસ્તા પર સ્પર્શ કરાવી એક એક ડગ આગળ તરફ માંડતો હતો. હા, તે વ્યક્તિ પ્રજ્ઞાચક્ષુ  (અંધ) હતો.

આમ તો લેખકે આવી  પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને આ રીતે ચાલતી તો ભારતમાં અનેક વખત જોઈ હતી. આપણા માટે પણ આવું દ્રશ્ય કોઈ વિશેષ તો નથી જ. પણ એવુંને એવું  રોજિંદી દ્રશ્ય કોઈ વખત નિરીક્ષણ બની જતું હોય છે. વર્ષોથી જે વિચાર કે પ્રેરણા ન સાંપડે તે ઝબકારો અચાનક જ કોઈ વખત તેજોપુંજ માટેની ચિનગારી બની જતી હોય છે.

પ્રેમ રાવતને આ દ્રશ્ય જોઈને  તેમના જીવનમાં પહેલી વખત એવો વિચાર આવ્યો કે આપણા સંસારમાં આમ જુઓ તો આ સ્ટ્રીટ અને બજાર જેવી જ ભીડ, કોલાહલ, તનાવ અને અથડામણ છે. આંખોથી જોઈ શકતા રાહગીરો પણ સાવધ ન રહે તો અકસ્માત કે અથડામણનો ભોગ બને છે પણ આ પ્રજ્ઞા ચક્ષુ વ્યક્તિ તેની સેન્સર ધરાવતી લાકડી સાથે કેટલા આત્મવિશ્વાસથી ધીમી પણ મક્કમ ગતિથી એક પછી એક ડગ માંડે છે. તેને તેની આજુબાજુ કઈ હદની અરાજકતા છે તેનો એહસાસ જ નથી. તેનાથી તે પ્રભાવિત જ નથી કેમ કે તેની મંઝિલ તેણે નક્કી કરી છે અને તેમાં તે સ્પષ્ટ છે. તેની સમગ્ર એકાગ્રતા તેના હાથમાં પકડેલી લાકડીને એકાદ ફૂટ જમણી ડાબી બાજુ ફેરવીને એટલી જ તકેદારી રાખવાની છે કે બસ આ આગળના એક ડગલાંમાં કોઈ વિઘ્ન નથી ને. કદાચ તે વ્યક્તિ આંખેથી દેખતી થઈ જાય તો ગભરાય જાય અને આટલી સ્વસ્થતાથી ચાલી જ ન શકે. કેમ કે માથા પર આવી પડતાં હોય તે રફતારથી ચાલતા રાહગીરો, વાહનો અને ભારત જેવો દેશ હોય તો  રસ્તા વચ્ચે પશુ પણ ઊભા હોય. સાવ એવું પણ નથી કે  આ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ આજુબાજુ પ્રવર્તતી  ભીડ, દોડધામ, અજંપો, ઉતાવળ અને ટ્રાફિકથી અજાણ છે. પણ , પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ તેની મર્યાદાને જ ખૂબીમાં પરિવર્તિત કરી નાંખે છે. તેને આમ પણ દેખાતું નથી એટલે તે બાહ્ય જગતના આવા તનાવ અને ભયજનક હલચલથી અજાણ છે. તે અંધ છે પણ મંઝિલે પહોંચવાની આંધળી દોટ નથી મૂકી શકાતી. ભીડ વચ્ચે હોવા છતાં આ રાહગીર એકલો છે. તેને તો બસ એટલી જ જાગ્રતતા કે સાવધતા રાખવાની છે કે તેના આગળના બે ડગનો માર્ગ સ્પષ્ટ  હોવો જોઈએ. તેને સેન્સર ધરાવતી લાકડી વિઘ્નનો  કોઈ સંકેત  આપતી ન હોવી જોઈએ. આ રાહગીરથી હરણફાળ ભરાવાની નથી અને તેને કોઈ તેવી ઉતાવળ કે વ્યર્થ ઝંખના પણ નથી. કેટલીક વખત વાસ્તવિકતા પણ સ્વીકારવી પડતી હોય છે.

આપણે આ હાથમાં લાકડી લઈને ડગ માંડી મંઝિલ પ્રાપ્ત કરતા પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ પાસેથી ઊંચો બોધ પ્રાપ્ત કરી શકાય છે. આપણે રોંજીદા જીવનમાં એટલા માટે ત્રસ્ત અને તનાવમાં હોઈએ છીએ કે ભીડભાડ અને ટ્રાફીકમાં ફરતા તેમજ આંખથી દેખતા રાહગીરની જેમ તે બધો તનાવ જરૂર નથી તો પણ આપણામાં સમાવી લઈએ છીએ. 

જીવનમાં કેટલીયે વ્યક્તિ, વ્યક્તિ સમૂહ, પરિવાર, પાડોશ, ઓફિસના કર્મચારીઓ અને હવે તો જેમનો ઓછો વત્તો કે સહેજ પણ પરિચય નથી તેવા સોશિયલ મીડિયાના સહયાત્રીઓ તેમની પોતાની માન્યતા, ઇર્ષા, જીવન દ્રષ્ટિ, સોચ, અદેખાઈ,  તુમાખી ઠાલવતા રહેતા હોય છે. વગર લેવા દેવા વગર તમને તેમના વર્તન અને વિચાર જગતમાં ઢસડવા માંગશે. તમે જે શતરંજની રમતમાં છો જ નહીં .. અજાણ જ છો છતાં એક વર્ગ એવું માનતો હશે કે તમે રમતમાં છો અને તે ચાલ ચાલતો રહેશે. 

ચારે તરફ કલહ, કંકાશ  અને દુ:ખ ના હોય તો પણ રોદણાં રડતો વર્ગ તમારી શાંતિ અને જીવન લક્ષ્ય હણી લે તેવું વાતાવરણ છે. કોઈની સારી વાત થાય તો જગ્યા છોડી દેવી કે વાત કાપી નાંખવાની અને નકારાત્મક વાત જાણવા માટે તો હવે સંબંધો રહ્યા છે. તમે જોઈ જોજો કોઈ સાથે અમુક વ્યક્તિની પ્રશંસા કે સારી બાજુને ઉજાગર કરતા રહેશો તો તમારી જોડે તેને જામશે નહીં.

આપણે આપણા જીવનમાં કોલાહલ,  ભીડ અને અકસ્માત થઈ શકે તેવા સંજોગોમાં  પ્રજ્ઞાચક્ષુની જેમ સાવધતાની લાકડી લઈને નીકળવાનું છે. આજુબાજુની મહત્તમ દુનિયા નકારાત્મક છે તેનાથી અલિપ્ત રહીને માત્ર આપણી આજુબાજુ અને આગળનો અને તે પણ એક એક ડગનો માર્ગ ખેડતા મંઝીલ એટલે કે સુખદ અને દિવ્ય અનુભૂતિ તેમજ શાંતિમય જીવન પ્રાપ્ત કરવાનું છે.કહોને કે જળકમળવત્ની નજીકની સ્થિતિ પ્રાપ્ત કરવાની છે.

સાવ એવું પણ નથી કે ચોતરફ નકારાત્મકતા અને ચાલાકી છે. ખરેખર વિશ્વ તો ઉમદા અને ઉદાહરણીય વ્યક્તિઓથી ચાલે છે. નાના માણસોની મોટી વાત જ માનવ જગત માટે આશા સમાન છે. જે રીતે લેખકે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિમાંથી બોધ પ્રાપ્ત કર્યો તેમ આપણે પણ આવું જ્ઞાન પામી  શકીએ.

જો વ્યક્તિમાં સંવેદના હોય અને જ્ઞાન પામવાની ઝંખનાની જ્યોત અવિરત જારી હોય તો તેને પ્રત્યેક પ્રસંગ, દ્રશ્ય અને સામી વ્યક્તિનો પ્રતિભાવ શીખવી જતો હોય છે. આ કરવું જોઈએ તે પણ જ્ઞાન છે અને ના કરવું જોઈએ તે પણ જ્ઞાનનો માર્ગ જ છે. વ્યક્તિના અનુભવો અને નિરીક્ષણ કે પછી નજરે ચઢેલું મૂલવવું તે જ જ્ઞાનનો માર્ગ છે.

એક જ જૂથના પ્રવાસીઓની નજર સામે તો એક જ સ્થળ,  દ્રશ્ય કે અનુભવ - પ્રસંગો આવે છે પણ બધાની દ્રષ્ટિ અને સોચ જુદી જુદી હોય છે. ફિલ્મ કે રમતની મેચ તો બધા જુએ છે તો પછી સમીક્ષકની શું જરૂર? તેવું જ ગુરુનું છે.  પણ જો આપણે જ આવી દ્રષ્ટિ, નિરીક્ષણ કેળવીએ અને તેમાંથી મર્મ બોધ પ્રાપ્ત કરતા રહીએ તો જીવન જ મોટી પાઠશાળા અને જ્ઞાનશાળા છે.

જ્ઞાનપોસ્ટ

 બાળકોને આજે 'ગીતા' વંચાવશો તો આવતીકાલે તેને કોર્ટમાં 'ગીતા' પર હાથ નહી મુકવો પડે. સંસ્કાર જ અપરાધ રોકી શકે છે. પ્રશાસન નહી.