Get The App

સેમીકન્ડક્ટરનું નિર્માણ ભારતમાં નવી ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત

Updated: Sep 28th, 2025

GS TEAM

Google News
Google News
સેમીકન્ડક્ટરનું નિર્માણ  ભારતમાં નવી ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત 1 - image

- હોટલાઈન-ભાલચંદ્ર જાની

- સેમીકન્ડક્ટર્સ અદ્યતન ટેકનોલોજીનો આધાર છે. એનો ઉપયોગ આરોગ્યની સંભાળથી લઈને પરિવહન, સંદેશવ્યવહાર, સંરક્ષણ અને અવકાશ સંશોધન સુધીનાં ક્ષેત્રોમાં થાય છે

આ જે  બે ચીજોની ચર્ચા આખી દુનિયામાં  થાય  છે.  આ  બે મહત્ત્વની  આઈટમો છે ઓઈલ અને ચીપ (સેમીકન્ડક્ટર).  આ બે અલગ પ્રકારના  ઉદ્યોગોએ  વૈશ્વિક  રાજકારણમાં જબરી ઉથલપાથલ  મચાવી છે.  પેટ્રોલિયમની  બાબતમાં તો ભારત બહુ  ગજુ કાઢી શકે એમ નથી.  કારણ કે આપણી પાસે તેલ અને ગેસના  મોટા ભંડારો નથી.  પરંતુ વિવિધ ઉદ્યોગોમાં  મહત્વનો રોલ અદા કરતાં સેમીકન્ડક્ટર્સ  ઘરઆંગણે જ બનાવી ભારત ઘણી મોટી ક્રાંતિ સર્જી શકે છે.

સિલિકોન અથવા ગેલિયમ આર્સેનાઇડમાંથી બનતી ચીપ્સ દરેક ઇલેકટ્રોનિક ઉપકરણનું હાર્દ હોય છે. ફોનથી માંડી કાર અને લશ્કરમાં મિસાઇલથી માંડી રડાર સુધી બધાનો દારોમદાર ચીપ્સ પર જ રહેલો છે. માઇક્રોઇલેક્ટ્રોનિક્સમાં અગે્રસર દેશ જ આખરે તો યુદ્ધના મેદાનમાં વિજયી નીવડે છે. 

'ઓપરેશન સિંદૂર' વખતે આપણે જોયું  કે અદ્યતન મિસાઈલ, ડ્રોન કે રડાર સિસ્ટમમાં  રહેલી વિજાણું સામગ્રી કેવો જડબેસલાક રોલ ભજવી શકે છે.  જો કે આ તમામ શસ્ત્ર અસ્ત્રમાં  આપણે બહુધા આયાતી  માઈક્રોચીપ્સનો ઉપયોગ  કર્યો હતો.  કારણ કે ભારત તેના તમામ સેમીકન્ડકટર્સની આયાત કરે છે. દર વર્ષે આવા પૂર્જાની આયાત પાછળ ૭ અબજ ડોલર વાપરવામાં આવે છે જેમાંથી ચાર અબજ ડોલર તો માત્ર ચીનને જ આપવા પડે છે. ભારતને સંરક્ષણક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવું હોય તો પ્રથમ સેમીકન્ડકટર્સ અને માઇક્રોઇલેકટ્રોનિકસ ક્ષેત્રમાં તેને સ્વાવલંબી બનાવવું પડે. હાલમાં ભારતમાં લશ્કર દ્વારા વપરાતી તમામ આઇટમ્સ જેમાં સેમીકન્ડકટર્સ વપરાતાં હોય તે તમામની આયાત કરવામાં આવે છે. ગ્રાઉન્ડ સ્ટેશન્સથી માંડી રડાર અને મિસાઇલ ગાઇડન્સ તમામમાં સેમીકન્ડકટર્સ ઉપકરણોની જરૂર પડે છે. વિકસિત દેશો આ ટેકનોલોજી કોઇને આપતાં ન હોવાથી આ મામલે સ્વાવલંબી બનવું એ જ એકમાત્ર ઉપાય છે. 

પશ્ચિમમાં નવી ચીપ કંપનીઓ સ્થાપવાનું હવે એકદમ કપરૂ બની ગયું છે ત્યારે ભારતે તક ઝડપી લઈને મેદાન મારવાની તાતી જરૂર છે. જોકે સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારત હાલમાં ચીન પર આધારીત છે. સરકાર માને છે કે પીએલઆઇ સ્કીમના કારણે ભારતીય કંપની વૌશ્વિક કંપનીઓ સાથે સ્પર્ધામાં ઉભી રહી શકે છે. આપણે જે આઇસીએસ જોઇએ છીએ તે ઇન્ડીગ્રેટેડ સર્કીટ અને કેટલાક ઇલેક્ટ્રીક કમ્પોનન્ટ અને ટ્રાન્ઝીસ્ટર્સ વગેરે સેમીકન્ડક્ટરમાંથી બનાવાય છે. સેમીકન્ડક્ટર બનાવવા વપરાતા મટીરીયલમાં મુખ્યત્વે સિલીકોન અને જર્મેનિયમ વપરાય છે.

બે-ત્રણ વર્ષ પૂર્વે સેમીકન્ક્ટરની શોર્ટેજના કારણે અનેક કાર ઉત્પાદકો ભીંસમાં મુકાયા હતા. મોટાભાગની કંપનીઓએ કારના નવા મોડલો પર બ્રેક મારી દીધી  હતી. ૧૯૪૭માં ટ્રાન્ઝિસ્ટર્સ અને ૧૯૫૨માં ઈન્ટીગ્રેટેડ સર્કિટ્સ (આઈસી)ની શોધના પગલે દુનિયામાં બહુ મોટી ક્રાંતિ આવી ગઈ. આ બંને શોધના કારણે ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડસ્ટ્રીનો વિકાસ થયો. ટ્રાન્ઝિસ્ટર્સ અને આઈસી સેમીકન્ડક્ટર્સનાં સૌથી જાણીતાં ઉદાહરણ છે. કોઈ પણ ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ આઈસી વિના ના બને ને આઈસીમાં ટ્રાન્ઝિસ્ટર્સ હોય જ. આ કારણે સેમીકન્ડક્ટર્સની ભારે માંગ છે. 

ઇન્ડીગ્રેટેડ સર્કીટ અને ચીપ એપ્સ માટેની  સેમિકન્ડક્ટર ડિઝાઇન માટે ૧૦૦ જેટલી સ્થાનિક કંપનીઓને સરકારે એપ્રૂવ કરી છે.ભારત વિશ્વમાં સ્માર્ટ ફોેન બનાવનાર બીજા નંબરનું સૌથી મોટું સેન્ટર છે. જ્યારથી સેમિ કન્ડક્ટરની શોર્ટેજ ઉભી થઇ છે ત્યારથી ભારતની ચિંતા વધી છે.

બે સપ્તાહ પૂર્વે સેમીકોન ઇન્ડિયા ૨૦૨૫ના સમ્મેલનમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે વડાપ્રધાન મોદીને વિક્રમ-૩૨ બિટ પ્રોસેસર અને ચાર સેમીકન્ડક્ટર પ્રોજેક્ટના ટેસ્ટ ચિપ્સ આપી વિસ્તૃત માહિતી આપી હતી. મોદીએ આ સેમીકન્ડક્ટરને ૨૧મી સદીનો ડિજિટલ હીરો ગણાવી હતી. 

ચંડીગઢમાં ઇસરોના સેમીકન્ડક્ટર લેબ દ્વારા વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટર સાથે મળીને આ ચિપ તૈયાર કરવામાં આવી છે જે ભારતની પ્રથમ ૩૨-બિટ માઇક્રોપ્રોસેસર ચિપ છે. આ ચિપને સત્તાવાર રીતે વિક્રમ૩૨૦૧ નામ આપવામાં આવ્યું છે, મોબાઇલ, કમ્પ્યૂટર, રાઉટર, કાર, સેટેલાઇટ જેવા એડવાન્સ્ડ ડિજિટલ ડિવાઈસમાં સેમીકન્ડક્ટર ચિપ મગજનું કામ કરે છે. આ તમામ આધુનિક ડિવાઇસની તાકાત આ નાની એવી ચિપ માનવામાં આવે છે. 

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઈસરો)ની સેમીકન્ડક્ટર લેબોરેટરી દ્વારા વિકસાવવામાં આવેલી ચિપ દેશનું પ્રથમ સંપૂર્ણપણે સ્વદેશી ૩૨ બિટ માઇક્રોપ્રોસેસર છે જે ખાસ કરીને અવકાશ પ્રક્ષેપણ વાહનો પરની વિષમ પરિસ્થિતિઓ માટે ડિઝાઈન કરવામાં આવી છે. સેમીકન્ડક્ટર્સને આજની અદ્યતન ટેકનોલોજીનો આધાર માનવામાં આવે છે. એનો ઉપયોગ આરોગ્યની સંભાળથી લઈને પરિવહન, સંદેશવ્યવહાર, સંરક્ષણ અને અવકાશ સંશોધન સુધીનાં ઘણાં ક્ષેત્રોમાં થાય છે.

વિક્રમ ૩૨ એક કમ્પ્યુટર ચિપ છે જે ઘણાં જુદાં-જુદાં કાર્યો સંભાળી શકે છે. આ ચિપ અવકાશ-ઉડાનમાં જોવા મળતા ભારે તાપમાન અને વાતાવરણનો સામનો કરવા માટે રચાયેલી છે. એની મજબૂત વિશ્વસનીયતા અને એનું વૈવિધ્ય સંરક્ષણ, એરોસ્પેસ, ઓટોમોટિવ અને ઊર્જા ક્ષેત્રો માટે એની સંભાવનાનો પણ સંકેત આપે છે, જે એને વ્યૂહાત્મક એપ્લિકેશનોમાં મહત્ત્વપૂર્ણ બનાવે છે.

સાડા ત્રણ વર્ષ પહેલા શરૂ થયેલા ઇન્ડિયા સેમીકન્ડક્ટર મિશને હવે વિશ્વનો વિશ્વાસ જીતી લીધો છે. હાલમાં દેશમાં પાંચ સેમીકન્ડક્ટર ઉત્પાદન એકમો ઝડપથી સ્થાપિત થઈ રહ્યા છે અને છ રાજ્યોમાં ૧૮ બિલિયન ડોલરના ૧૦ સેમિકન્ડક્ટર  પ્રોજેક્ટ્સ હાલ સક્રિય અવસ્થામાં છે, વડાપ્રધાને કહ્યું હતું કે એ દિવસો દૂર નથી જ્યારે ભારતમાં બનેલી એક નાની એવી ચિપથી સમગ્ર વિશ્વમાં પરિવર્તન આવશે. એટલે કે મેડ ઇન ઇન્ડિયા ચિપ વિશ્વના સૌથી મોટા પરિવર્તનનું કારણ બનશે.

હવે તો સાણંદ ખાતે અમેરિકન કંપની માઈક્રોન દ્વારા સ્થપાઈ રહેલી સેમિકન્ડકટર  અને ચીપસેટ પ્લાન્ટનું બાંધકામ પૂર્ણ થતાં જાન્યુઆરી ૨૦૨૬માં અહીંથી ઉત્પાદન શરૂ થઇ જાય તેવી શક્યતા છે. મેમરી ચીપસેટના વેચાણમાં માઈક્રોન વિશ્વમાં ટોચની પાંચ કંપનીઓમાં સ્થાન ધરાવે છે. 

માઈક્રોન સાણંદ ખાતે રૂ.૨૨,૫૧૬ કરોડના રોકાણ સાથે બે તબક્કામાં મેમરી ચીપ બનાવવા માટેનો પ્લાન્ટ સ્થાપી રહી છે. ભારતમાં મેમરી ચીપ માટેનો આ પ્રથમ પ્લાન્ટ છે. અહીં રેન્ડમ એક્સેસ મેમરી (રેમ) અને નોટ એન્ડ (એનએએનડી) મેમરી માટેની ચીપ બનાવશે. રેમ એટલે એવા પ્રકારની મેમરી જેમાં કોમ્પ્યુટર કે ઇલેક્ટ્રિક ડિવાઈસ ચાલુ હોય ત્યારે જે ડેટાની ચીપમાંથી જરૂર પડે ઉપયોગ થઇ શકે જ્યારે નોટ એન્ડ ડિવાઈસ મેમરી ઇકવીપમેન્ટ બંધ હોય ત્યારે પણ ડેટા સ્ટોર કરી શકે છે એટલે કે ડ્રાઈવ તરીકે એનો ઉપયોગ થાય છે. 

ટાટા જૂથની કંપની ટાટા પ્રોજેક્ટ માઈક્રોનના સમગ્ર માળખાનું બાંધકામ કરી રહી છે જેમાં ક્લીનરૂમ વેલિડેશનની કામગીરી ચાલી રહી છે.

વેલિડેશન એક મહત્વની પ્રક્રિયા છે જેમાં ચીપ બનાવતા રૂમ કે જગ્યામાં બેક્ટેરિયા, કોઇપણ પ્રકારની ધૂળ, રજકણ કે કેમિકલ પાર્ટીકલ ન હોય તેની ચકાસણી કરાય છે. સેમિકન્ડકટર કે ચીપ બનાવવાના પ્લાન્ટમાં આ એક બહુ જ મહત્વની પ્રકિયા છે. કોઈ ડસ્ટ, રજકણ કે અન્ય ચીજો મળી આવે તો ચીપની ગુણવત્તા કે કામગીરી સંપૂર્ણ પણે રિજેક્ટ થઇ શકે છે. આ ક્લીન રૂમ પાંચ લાખ ચોરસ ફૂટ ક્ષેત્રફળમાં પથરાયેલો હોવાનું જાણવા મળ્યું છે. અહીં કંપની પોતાની ચીપસેટની એસેમ્બલી, ટેસ્ટીંગ અને પેકેજીંગ (એટીએમપી) કરશે. 

કેન્દ્ર સરકારે સેમીકન્ડક્ટરના ઉત્પાદન માટે રૂ. ૬૫,૦૦૦ કરોડનું ભંડોળ બનાવ્યું હતું, જેમાંથી ૬૨,૯૦૦ કરોડની ફાળવણી થઈ ચૂકી છે. રૂ. ૭૬,૦૦૦ કરોડના સેમીકન્ડક્ટર મિશનમાં ચીપના ઉત્પાદન સાથે મોહાલીમાં લેબ મોડર્નાઈઝેશન અને ડિઝાઈન ઈનોવેશન પણ સામેલ છે. ભારતમાં બનેલા ઈલેક્ટ્રિક વાહનોની નિકાસ દુનિયાના ૧૦૦થી વધુ દેશોમાં થઈ રહી છે. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યોજના ગુજરાતને તાઇવાનની માફક સિલિકોન વેલી બનાવવાની છે.  

(વિશ્વની ૬૦ ટકા જેટલી સેમિકન્ડક્ટરની માગ તાઇવાન પૂરી કરે છે )કેન્દ્ર સરકાર ગુજરાતને જ વધુ પ્રાધાન્ય આપે છે તેની પાછળનું કારણ એ છે કે ગુજરાતમાં પરંપરાગત ધોરણે વીજ ઉત્પાદનની ક્ષમતા ૨૩,૫૫૦ મેગાવોટની છે. જ્યારે બિનપરંપરાગત ધોરણે મેળવાતી વીજળીની ક્ષમતા ૧૬,૫૮૮ મેગાવોટ છે. ભારતમાં આટલું બધું વીજ ઉત્પાદન બીજે ક્યાંય થતું નથી. સેમિન્ડક્ટરના ઉત્પાદનમાં વીજળીનો પુરવઠો નિરંતર મળતો રહેવો જોઇએ,  જે ગુજરાતમાં મળે છે.  આ સિવાય ગુજરાત સરકારે ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઑફ ટેકનોલોજી - ગાંધીનગરને ડિઝાઇન અને સેમિકન્ડક્ટરના પરીક્ષણની ઇકોસિસ્ટમ વિકસાવવા માટેનું કામ સોંપ્યું છે.

ગુજરાત સરકાર ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનમાં સેમિકોન સિટી વિકસાવવાનું આયોજન પણ કરી રહી છે. સરકારના ધારાધોરણો પ્રમાણે આવતા સાહસિકોને પ્રથમ ૨૦૦ એકર જમીનની ખરીદી પર ૭૫ ટકા સબસિડી આપવામાં આવી રહી છે, જ્યારે કેન્દ્ર પણ શરતોને આધિન જમીન ખરીદી માટે વધારાની જમીન ઉપર ૫૦ ટકા સબસિડી આપશે. 

ટાટા ગુ્રપ  પણ સેમિ કન્ટક્ટર એેસમ્બલ યુનિટ ઉભું કરવા ૩૦૦ મિલીયન ડોલર ખર્ચી રહ્યું છે.ઉદ્યોગ જગતના લોકો માને છે કે ૧૦ અબજ ડોલરની સ્કીમથી ભવિષ્યમાં સેમિ કન્ડક્ટરની અછત નિવારી શકાશે. સરકારના આવા ઉત્પાદન લક્ષી પગલાં લાંબા ગાળે સફળ પુરવાર થઇ શકે છે. જેના કારણે ભારતના ઉત્પાદકોના નામ વિશ્વના બજારમાં ગાજતા થઇ શકે છે. 

ઘરેલુ ચિપ માર્કેટ ૨૦૨૩માં ૩૮ અબજ ડોલર સુધીનું હતું અને નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫મા ૪૫થી ૫૦ અબજ ડોલર હતું. આ માર્કેટ ૨૦૩૦ સુધીમાં ૧૦૦થી ૧૧૦ બિલિયન ડોલર સુધી પહોંચવાનું અનુમાન છે.

અત્યારે વિશ્વમાં સેમીકન્ડક્ટર્સના વેચાણમાંથી ૬૦૦ અબજ ડોલર કરતાં વધારેની આવક થાય છે. ૨૦૧૮માં આ વેચાણ ૪૮૧ અબજ ડોલર હતું ને ૨૦૨૧માં ૫૫૬ અબજ ડોલર હતું. ૨૦૨૭ સુધીમાં સેમીકન્ડટર્સનું વેચાણ ૭૨૫ અબજ ડોલરથી વધારે થવાની શક્યતા છે એ જોતાં ભારત સેમીકન્ડક્ટર્સ ઉત્પાદનમાં ટોપ ફાઈવ દેશોમાં આવે તો દેશના અર્થતંત્રને અકલ્પનિય ફાયદો થાય.

જો ભારત ટાર્ગેટ મેળવશે તો અમેરિકા અને ચીનની શ્રેણીમાં સામેલ થઈ જશે. જેની સેમીકંડક્ટર ઇન્ડસ્ટ્રીઝ ટ્રિલિયન ડોલરની છે. ૨૦૨૩મા ચીનનું સેમીકંડક્ટર માર્કેટ ૧૭૭.૮ અબજ ડોલરનું હતું જે ગ્લોબલ માર્કેટના ૩૨ ટકા હિસ્સો ગણાય. જ્યારે મેન્યુફેક્ચરિંગની વાત કરવામાં આવે તો ૧૬થી ૧૮ ટકા ઉત્પાદન કરે છે. અમેરિકાનું ચિપ માર્કેટ વર્ષ ૨૦૨૩માં ૧૩૦ અબજ ડોલર હતું. જે ગ્લોબલ માર્કેટના પચીસ ટકા છે. જોકે અમેરિકા માત્ર ૧૨ ટકા જ ઉત્પાદન કરે છે.

ભારતનું ૨૦૨૪મા કુલ સેમીકંડક્ટર માર્કેટ ૪૫ અબજ ડોલર હતું. જે કુલ ગ્લોબલ માર્કેટમાં એક ટકાનું ઉત્પાદન છે. જો કે ભારતની ચિપ માર્કેટ ૧૬ ટકાના દરે વિકાસ કરી રહ્યું છે એટલે કે ૨૦૩૦ સુધીમાં ગ્લોબલ માર્કેટમાં ૬.૨૧ ટકા સુધી હિસ્સેદારી હશે. ભારત ગ્લોબલ સેમિકંડક્ટર માર્કેટમાં ઝડપથી વિકાસ પામતો દેશ છે.

અત્યારે અમેરિકાની સેમીકન્ડક્ટર્સ ઈન્ડસ્ટ્રીની તમામ મોટી કંપનીઓના ભારતમાં પ્લાન્ટ કાર્યરત છે. ઈન્ટેલ, ટેક્સાસ ઈન્સ્ટ્રમેન્ટ્સ, માઈક્રોન સહિતની કંપનીઓની ભારતમાં હાજરી છે જ. આ કંપનીઓ ભારતમાં રોકાણ વધારે તો ભારત સરળતાથી ૧૦૦ અબજ ડોલરના આંકને પાર કરી જાય.

અહીં ઉલ્લેખનીય છે કે સરકારે ૨૦૧૪થી ઇલેક્ટ્રોનિક્સ ઇકો સિસ્ટમ ઉભી કરવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા.૨૦૧૪માં ભારત એક લાખ કરોડના ઇલેકટ્રોનિકસ સામાનની નિકાસ કરતું હતું આજે તે આંકડો આંઠ લાખ કરોડને પાર થઇ ગયો છે.