Get The App

શક્તિના પર્વની ઉદ્ભવ કથા .

Updated: Sep 27th, 2025

GS TEAM

Google News
Google News
શક્તિના પર્વની ઉદ્ભવ કથા                                       . 1 - image

- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ

- દેવીએ આશ્વાસન આપ્યું જ્યારે જ્યારે અસૂરો સંકટ ઊભું કરે ત્યારે હું અવતાર ધારણ કરીશ. અસુરો આટલી બધી પ્રચંડ શક્તિ ક્યાંથી લાવ્યા?

મ હિષાસુર ઘણો મોટો સામ્રાજ્યવાદી હતો. પવન, ચંદ્ર, યમ, વરુણ વગેરે દેવો ઉપર અધિકાર તે પોતે ચલાવતો હતો. સ્વર્ગના દેશોને તેણે પૃથ્વીલોકની પ્રજા બનાવ્યા હતા. તે આટલી પ્રચંડ શક્તિ ધરાવતો હતો ! કોઈ દેવને પોતાને સ્થાને સલામતી ન્હોતી લાગતી, જબરી અરાજકતા વ્યાપી ગયેલી. એટલે દેવો સાથે મળી પરમાત્મા પાસે ગયા. પરમાત્માને વિનંતી કરીને કહ્યું, 'મહિષાસુરે તો આપની સૃષ્ટિની વ્યવસ્થા ખોરવી નાખી છે. ભયંકર ત્રાસ વર્તાવી રહ્યો છે !' આ ફરિયાદ સાંભળી વિષ્ણુ, બ્રહ્મા, શંકર ત્રણે દેવોના શરીરમાંથી પુણ્યપ્રકોપ ઊછળ્યો અને તેમાંથી એક દૈવીશક્તિ નિર્માણ થઈ. સર્વદેવોએ એ શક્તિને પ્રણામ કર્યા પછી એ દૈવીશક્તિ (મા અંબા) અને મહિષાસુર વચ્ચે ભીષણ યુદ્ધ જામ્યું. કહેવાય છે કે આસો માસની શુકલ પ્રતિપદાથી દશમ સુધી એ ભયંકર યુદ્ધ ચાલ્યું હતું. તે મુજબ દૈવી શક્તિના વિજયનો નવરાત્રિનો ઉત્સવ આપણે ઊજવીએ છીએ, અને તેના આનંદમાં ગરબાગાનનો પ્રારંભ થયો હશે.

આત્મ, વિદ્યા અને શિવતત્ત્વનું શુદ્ધ સ્વરૂપ દૈવશક્તિ છે. મા શક્તિ દુરિત તત્ત્વને દૂર કરવામાં સહાયક થાય છે. અસુરો આ શક્તિ સામે લડયા - ઓળખી ના શક્યા. ભક્તોએ દૈવી શક્તિનો જયજયકાર પોકાર્યો ત્યારે અસુરો ભાગ્યા - તેના રાજાને લડવા બોલાવ્યો - તે પણ હાંફી ગયો. હાર્યો. રાજાએ અનેક રૂપો ધારણ કરી શક્તિ સામે લડાઈ કરી છતાં આખરે તે પરાજિત થયો. દૈવી શક્તિનો જ વિજય થયો પછી વરસાદ થયો. દિશાઓ પ્રસન્ન થઈ. ભક્તો દેવીનું ગાન ગાવા લાગ્યા દેવીએ આશ્વાસન આપ્યું જ્યારે જ્યારે અસૂરો સંકટ ઊભું કરે ત્યારે હું અવતાર ધારણ કરીશ.

અસુરો આટલી બધી પ્રચંડ શક્તિ ક્યાંથી લાવ્યા ? એવો પ્રશ્ન થાય, તેના ખુલાસા પુરાણોમાં છે. રાવણ, વૃત્ર, મહિષાસુર ભારે તપસ્વી પણ હતા - તેમના તપોબળે તે શક્તિશાળી હતા પણ જ્યારે શક્તિનો દુરુપયોગ કર્યો ત્યારે પરાજિત થવાનો વારો આવે છે. આપણામાં પણ ક્યાંકને ક્યાંક મહિષાસુર બેઠેલો છે.

એ અરાજકતા ઊભી ન કરે તે આપણે જોવું રહ્યું. મહિષાસુર અને દૈવીશક્તિના ભીષણ યુદ્ધમાંથી વિજયી તો દૈવીશક્તિ થઈ એના માનમાં આનંદમાં નવરાત્રિ ઉત્સવ ઉજવાય છે. હિંદુ પ્રજા અખંડ દીવો કરે, ઉપાસના કરે, પોતપોતાની દેવીના પૂજાપાઠ કરે. ગરબા અને નૃત્ય તો એના પરિણામની પ્રસન્નતા છે. એ ગરબા ગુજરાતની ઓળખ બની ગયા છે પણ મૂળ તો શક્તિપૂજાનું સ્તુતીગાન છે આપણામાં પણ દૈવી અને આસુરી બંને વૃત્તિઓ હોય છે. આ ઉત્સવ બંને વૃત્તિઓમાંથી આસુરી વૃત્તિઓ જીવનમાં હાવી ન થઈ જાય એનું ધ્યાન રાખવા માટેનો સંદેશ છે. આ ઉત્સવમાંથી પ્રજાએ એ સંદેશ પામવો જોઈએ.

વિજયાદશમીના મહત્ત્વ અંગે પણ એવી એક બીજી કથા જાણીતી છે. જેનો ઉલ્લેખ પણ કાકાસાહેબ કાલેલકરના 'જીવતા તહેવારો' ગ્રંથમાં છે. બંને ઉદ્ભવ કથાઓ અહીં તે ગ્રંથમાંથી મેળવી છે. પુરાણમાં એક પ્રસિદ્ધ રાજા રઘુ થઈ ગયો. ભગવાન રામચંદ્રજીના વંશમાં તેનું પ્રારંભ સ્થાન છે. એ રઘુરાજાએ એક મોટો વિશ્વજિત યજ્ઞા કરેલો. સમગ્ર પૃથ્વી ઉપર વિજય મેળવી લીધા પછી પોતાની પાસે કંઈ પણ ન રાખી સર્વસ્વનું દાન કરી દેવાનું એ યજ્ઞામાં હોય છે. રઘુરાજાનો વિશ્વજિત યજ્ઞા સારી પેઠે પૂર્ણ થયો તેમણે પરંપરા મુજબ બધું જ દાનમાં આપી દીધું - એ આપી દીધા પછી વરતન્તુ નામના ઋષિનો એક વિદ્વાન શિષ્ય તૈયાર થઈને, રઘુરાજા પાસે દાનની અપેક્ષાએ આવ્યો તેનું નામ કૌત્સ હતું. કૌત્સને ખબર પડી ગઈ કે રાજા પાસે હવે કંઈ નથી એટલે તેણે રાજાને આશિષ આપ્યા ને જવા લાગ્યો. રઘુરાજા પાસે દાનમાં આપવા કશું હતું નહિ, એટલે તેમણે કૌત્સને બેસાડી રાખ્યો, અને રાહ જોવા કહ્યું. કૌત્સ બેઠા, પછી રઘુરાજાએ સ્વર્ગ ઉપર ચઢાઈ કરી અને ઈન્દ્ર અને કુબેર પાસેથી ધન લાવવાની યોજના કરી. ઈન્દ્ર અને કુબેર રઘુરાજાનું કહ્યું માનતા હતા. રઘુરાજ તપસ્વી અને ચક્રવર્તી હોવાને કારણે ઈન્દ્ર અને કુબેર તેના કહ્યામાં હતાં. ખંડિયા રાજા તરીકે તેઓ ગણાતા, એટલે રઘુરાજાએ તેમની પાસે પઠાણી ઉઘરાણીની જેમ હુકમ કર્યો - ઈન્દ્ર અને કુબેર રઘુરાજાથી ડરી ગયા... તેમણે પૃથ્વી ઉપર એક શમીના ઝાડ ઉપર સુવર્ણ મુદ્રાનો વરસાદ વરસાવ્યો. સવારે ઊઠીને રઘુરાજે જોયું તો શમીના વૃક્ષ નીચે તો જેટલી જરૂર હતી તેનાથી વધુ સોનામહોરો આવીને પડી હતી... એ સોનામહોરો ભેગી કરી પેલા આગંતુક કૌત્સને રઘુરાજાએ દાનમાં આપી દીધી, પછી આદરપૂર્વક હાથ જોડયા. કૌત્સને માત્ર (ચૌદ કરોડ) જેટલી જરૂર હતી તેટલી મુદ્રાઓ જ સ્વીકારી લીધી બાકીની બધી મુદ્રાઓ નગરવાસી લોકોને લૂંટાવી દીધી. લોકોને વ્હેંચી દીધી. ધન લૂંટાવી દીધું તે દિવસ વિજ્યાદશમીનો હતો - દશેરાના દિવસે આજે પણ શમીના વૃક્ષની પૂજા થાય છે. તેનાં પર્ણો સોનું માનીને લોકો લૂંટે છે. પરસ્પરને આપે છે. રામ-રાવણનું યુદ્ધ પણ વિજયાદશમીના દિવસે પ્રારંભાયું હતું - વિજયાદશમીના દિવસે યુદ્ધનો પ્રારંભ થવાથી એ યુદ્ધમાં રામનો વિજય થયેલો એટલે શુભ દિવસ, ઉત્તમ મુહૂર્તનો દિવસ મનાય છે. આમ નવરાત્રિના નવ દિવસોમાં દૈવીશક્તિનું મહિમાગાન છે અને વિજયાદશમીએ વણજોયું મુહૂર્ત મનાય છે. શુભ કાર્યોનો પ્રજા આ દિવસે પ્રારંભ કરે છે. આપણે પણ આપણી અસુર વૃત્તિઓ પર વિજય પ્રાપ્ત કરીએ.

આસુરી વૃત્તિઓને પરાસ્ત કરવી જોઈએ. એ મતલબનો શક્તિપર્વની આ કથાઓ પ્રજાને સાત્વિકતાનો સંદેશ પાઠવે છે.

(આધાર - 'જીવતા તહેવારો' કાકાસાહેબ કાલેલકર)