Get The App

કોર્ટમાં ચાલતા કુતુબ મિનાર કેસનું શું થશે?

Updated: May 29th, 2022

GS TEAM

Google News
Google News
કોર્ટમાં ચાલતા કુતુબ મિનાર કેસનું શું થશે? 1 - image


- હોટલાઈન-ભાલચંદ્ર જાની

- કુતુબ મિનારને ભારતની ઐતિહાસિક ઈમારત તરીકે જોવી જોઈએ : કોર્ટનું અવલોકન

યુ નાઇટેડ હિન્દુ ફ્રન્ટ તરફથી કુતૂબ મિનારનું નામ બદલીને વિષ્ણુ   સ્તંભ કરવાની માગણી કરવામાં આવી છે. ફ્રન્ટના કહેવા પ્રમાણે કુતુબ મિનાર વાસ્તવમાં વિષ્ણુ સ્તંભ છે. આ મિનારનું નિર્માણ ૨૭ જૈન અને હિન્દુ મંદિરોને તોડીને કરવામાં આવ્યું છે. કુતૂબ મિનાર પરિસરમાં રહેલી જૈન અને હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓનો  જીર્ણોદ્ધાર કરીને સન્માન સાથે પુન:સ્થાપિત કરવાની અને હિન્દુઓને પૂજા કરવાની અનુમતી આપવાની માગણીને લઈને હિન્દુ ફ્રન્ટ દ્વારા  વિષ્ણુ સ્તંભ અભિયાન ચલાવવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું. એ મુદ્દે દિલ્હીની કોર્ટમાં સુનાવણી પણ ચાલી રહી છે.

વિદ્વાનોમાં  ઘણા  વર્ષોથી  એવી ચર્ચા  ચાલે છે કે આપણા દેશમાં સૌથી ઊંચો મિનારો કહી શકાય  તેવો આ  પથ્થરનો કુતુબમિનાર કોણે બાંધ્યો હશે. આ  ટાવર તળિયે  ૧૪.૩૨ મીટરનો  અને  ટોચ ઉપર ૨.૭૫ મીટરનો વ્યાસ  ધરાવે છે અને ત્યાં પહોંચવા માટે ૩૭૯ પગથિયા છે.  ચકરાવા  મારતી  પથ્થરની  ગોળ સીડી મુલાકાતીને  ઉપર લઈ જાય છે.  મિનારની ઉપરથી  સ્વચ્છ વાતાવરણમાં   લગભગ ૬૦  કિલોમીટર દૂર  સુધી જોઈ શકાય છે.  લગભગ બધી બાજુ નદીઓથી રક્ષાયેલા  પ્રદેશમાં એક  પછી એક કુલ  સાત નગરો બંધાતા ગયા અને તે  ઈન્દ્રપ્રસ્થ, હસ્તિનાપુર વગેરે નામે ઓળખાતા હતા.  ઈ.સ. પૂર્વે  પહેલી સદીમાં રાજા દિલુએ ઈન્દ્રપ્રસ્થથી  સાત માઈલ  વાયવ્ય જે નગરી બાંધી તેનું નામ રાજાના નામ પરથી દિલ્હી પડયું. આજે  કુતુબ મિનાર  છે, ત્યાં દિલ્હીની શરૂઆત થઈ. 

 દિલ્હીથી છ માઈલ અગ્નિકોણમાં   તોમાર વંશના રાજપુત રાજા  અનંગપાલે  ઈ.સ. ૧૦૨૦માં સૂરજકુંડ નામની નગરી બાંધી,  તેના દ્વારા એક સુંદર લાલકોટ (કિલ્લો) બાંધવામાં આવ્યો, તેમાં એક મોટું તળાવ હતું. જે અનંગપાલ તરીકે ઓળખાયુ.  તેણે બીજા ઘણા મંદિરો બાંધ્યા. આ નગરીની  સ્મૃતિમાં લોહસ્થંભ  ઊભો કરવામાં  આવ્યો. જે  અત્યારે  કુતુબ મિનારની  બાજુમાં છે. તે પછી ચૌહાણ રાજાઓ આવ્યા.  દિલ્હીનો છેલ્લો  ચૌહાણ રાજા પૃથ્વીરાજ હતો  અને  તે  ઈ.સ. ૧૧૭૦માં ગાદી પર આવ્યો હતો. તેના  શાસનમાં  દિલ્હી  નગરી  ચાર  ગણી  મોટી થઈ ગઈ. તેણે પણ સુંદર મંદિરો બાંધ્યા અને એક  ઊંચો મિનારો બાંધ્યો. પૃથ્વીરાજે  પણ નગરીને કિલ્લા વડે રક્ષણ આપ્યું,  જે  કિલ્લો  રાયપિથોરા  તરીકે  ઓળખાયો. તેણે  એક ઊંચો મિનારો બાંધ્યો, જે કુતુબમિનાર હોવાનું  મનાય છે. 

 ઈ.સ. ૧૧૯૧માં મહમ્મદ ઘોરીઅ ે દિલ્હી પર ચઢાઈ  કરી પણ હારીને  પાછો ગયો. બે  વર્ષ પછી તે  પાછો આવ્યો. આ વખતે તે જીત્યો, પણ પૃથ્વીરાજને  જીવતો રહેવા ન દીધો, તે  જીતીને  જતો રહ્યો અને કુત્બુદિન  ઐબક નામના ગુલામ સેનાપતિને સુબા તરીકે  નીમી ગયો. ઈ.સ. ૧૨૦૬માં  કુત્બુદિન પોતે  દિલ્હીનો સુલતાન થઈ બેઠો. તેણે ૨૭ હિન્દુ  મંદિરોમાંથી કેટલાક ઈસ્લામિક બાંધકામો કર્યા.  એ અરસામાં એક મસ્જિદ પણ બાંધી જેનું નામ તેણે કુવ્વત- ઊલ- ઈસ્લામ એટલે ઈસ્લામનું બળ નામ આપ્યું. પૃથ્વીરાજે  જે મિનારો બંધાવ્યો હતો, તેમાં  ફેરફાર કરીને  તેણે  કુતુબ મિનાર  નામ આપ્યું. કુતુબમિનારનું સ્થાપત્ય ભારતીય  છે, પરંતુ  તેની ઉપર  કુત્બુદિને અને  તેના અનુગામીએ  નમાજની   અરબી આયાતો કોતરાવી હોવાના આરોપો ઘણાં ઈતિહાસકારોએ લગાવ્યા છે.

આ વિસ્તારની કાંપથી  બનેલી  પોચી   અને પાણીવાળી ધરતીમાં  કુતુબમિનારનો  પાયો  કેવો  અને કેટલો ઊંડો  છે,  તે  આપણે જાણતા નથી. પરંતુ, તેની નજીકના  લોહસ્થંભની આપણી  પ્રાચીન  ધાતુવિદ્યાની જેમ  કુતુબમિનાર  પણ આપણી  પ્રાચીન ઈજનેરી  અને સ્થાપત્યવિધાનો  ઉત્કૃષ્ટ નમૂનો છે. તેને હિન્દુ કે મુસ્લિમ મિનારા તરીકે નહીં પણ ભારતના સાંસ્કૃતિક  વારસા  તરીકે  જોવો જોઈએ, ભૂકંપપાત્ર આ પ્રદેશને  અનેક ભૂકંપોએ  ઘણીવાર   ધુ્રજાવ્યો છે  છતાં તે ટકી રહ્યો છે,  ખાસ તો એટલા માટે કે આ મિનાર ૨૫ ઇંચ ત્રાંસમાં છે.  તે પણ એક અજાયબી છે. - જો કે, ઈતિહાસશાસ્ત્રીઓ  વારંવાર એવો વિવાદ ચગાવે છે કે  કુતુબમિનાર એ  મોગલ રાજાની દેન નથી, પરંતુ  તેનું  મૂળ બાંધકામ હિન્દુરાજાઓએ  કર્યું હતું. 

આજે  જે  પિલર  કુતુબ મિનાર તરીકે  ઓળખાય છે તે સ્તંભ રાજા સમુદ્રગુપ્તે ખગોળ નિરીક્ષણ માટે બંધાવ્યાના  પુરાવા પણ મળ્યા છે. દિલ્હીમાં કુતુબ  મિનારાના નામે જાણીતા આ મિનારાનું   ખરું નામ 'વિષ્ણુધ્વજ'   અથવા  વિષ્ણુસ્તંભ  છે  અને  એનું બાંધકામ  કુતબુદીન  ઐબકે  કર્યું હોવાની  માન્યતા ખોટી છે,  એમ  બિહાર યુનિવસટીના પ્રોફેસર ડો. ડી. ત્રિવેદીએ જણાવ્યું હતું. રાજા સમુદ્રગુપ્ત  ગૃહનક્ષત્રાદિ આકાશી પદાર્થોના  અવલોકન માટે બંધાવેલી  વેધશાળાનો આ મિનાર કેન્દ્રીય ટાવર હતો. 

સમુદ્રગુપ્તના  પુત્ર  ચંદ્રગુપ્ત એના  પિતાનું  અધૂરું રહેલું કાર્ય શરૂ કરીને વિષ્ણુદાયની  ટેકરી પર આ ઊંચો મિનારો  બંધાવ્યો  હતો  અને એના પર કોતરકામ કરાવીને આ મિનારાને 'વિષ્ણુધ્વજા' તરીકે જાહેર  કર્યો  હતો. આ મિનારાની આજુબાજુ જુદા જુદા  'નક્ષત્રો'નું પ્રતિનિધિત્વ કરતાં ૨૭ મંદિરો ચંદ્રગુપ્તએ   બંધાવ્યા હતા.

ડૉ. ડી. ત્રિવેદી કહે છે કે ઉત્તર  ગોળાર્ધમાં  ૨૨ જુનનો દિવસ સૌથી લાંબો હોવા છતાં પાંચ ડિગ્રીના  ખૂણાના ઢોળાવ પર બાંધવામાં આવેલા આ મિનારાનો પડછાયો ભરબપોરે પણ પડતો નથી. મિનારો ઉપર તરફ જતા નાનોને નાનો  થતો  જાય છે. આ મિનારાના પહેલા માળે ૨૪ બાજુઓ  અને ૧૨  ખૂણા આવેલા છે. આ જ પ્રમાણ ે બીજા  અને ત્રીજા  માળે પણ આવું  જ  વળાંકવાળું કોતરકામ કરાયેલું છે.  એની અંદર  પખવાડિયા, ગ્રહનક્ષત્રો અને મહિનાઓ  અંગેની સમજણ અપાઈ  છે.

આ સાથે આ મિનારામાં ૨૭ બાકોરાં, ૧૦૮ લટકતાં   કમળ  અને   સાત  માળ છે,  જેમાં ગ્રહ  નક્ષત્રો પર આધારિત  વાર્ષિક પંચાગ  એમનું અલગ અલગ રાશિઓમાં વિભાજન અને સપ્તાહના દિવસો અંગેની  સમજણ અપાઈ છે. ભારત સિવાય ખગોળશાસ્ત્રને   લગતી આટલી ઊંડી સમજ એ વખતે બીજા કોઈને ન હતી. 

બારમી  સદીમાં કુતુબદિન દ્વારા જે કુતુબ  મિનારનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું અને ઈ,સ, ૧૨૩૦ આસપાસ  ઈલ્તુમીશે જે   પૂરું કર્યું  તેના   કેટલાંક ભાગો ઓછામાં ઓછા બે વખત  ભૂકંપથી નૂકસાન પામ્યા છે. ઓછામાં ઓછું ત્રણ વખત આ મિનારા પર જોરદાર  વીજળી પણ ત્રાટકી છે. 

થોડા વખત પહેલાં હમણાં જ્યારે કુતુબમિનારનું  સમારકામ  ચાલી રહ્યું હતું,  ત્યારે તેમાં કામ કરતા કારીગરોને બારમી સદીના આ સ્મારકની  બહારની દીવાલમાં  કોતરેલી   હિન્દુમૂર્તિઓ  મળી આવી હતી. 

જમીનથી આશરે ત્રીસ  ફૂટની ઊંચાઈએથી  મળી આવેલી આ મૂર્તિઓ આ મિનારાની પથ્થરની દીવાલોના બાંધકામના ઘટક તરીકે વાપરવામાં આવી હતી, એમ  આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા (એ.એસ.આઈ.) એ સ્વીકાર્યું હતું.

આઠમી  કે  નવમી  સદીમાં પથ્થરમાંથી કોતરવામાં  આવેલી આ  મૂતઓ  ખુદ કુતુબમિનારાથી ઓછામાં ઓછા ત્રણસો વર્ષ પુરાણી છે. અધિકારીઓના  જણાવવા  મુજબ  સમારકામન ું કાર્ય આગળ ચાલે પછી  આવી બીજી મૂતઓ પણ મળી આવે તો કોઈ આશ્ચર્ય નહિ  થાય. 

વાસ્તવમાં  આ એક પ્રાચીન હિંદુ નક્ષત્રભવન (વેધશાળા) છે. તેનું અરબી ભાષાનું સાચું નામ 'કુત્બ-મનાર' છે. આકાશીય 'કુત્બ' - 'ધુ્રવ' (જે સદા સ્થિર છે)ની ફરતાં સપ્તર્ષિ વગેરે ફરતાં હોય છે. 'ધુ્રવ'ની સાથે નક્ષત્રીયશાસ્ત્રનો ઘનિષ્ટ સંબંધ છે.

સમય જતાં આ નક્ષત્રભવન - 'કુત્બ-મનાર'ને એ વખતના ખુશામદખોર ઈતિહાસકારોએ ગુલામ વંશના 'દિલ્હી'ના સુલતાન 'કુત્બુદ્દીન ઐબક'ના નામ સાથે જોડી દઈ ઈતિહાસ સાથે ચેંડા કર્યાં હતા.

કેટલાક  ઈતિહાસકારોએ તો એવું બેહૂદુ ખોટું લખ્યું છે કે, 'ખ્વાજા કુતુબુદ્દીન કાકી ચિસ્તી' નામે ઓલિયાના નામ પરથી સુલ્તાન 'અલ્તમશ' દ્વારા આ 'કુતુબમિનાર' ચણવામાં આવ્યો હતો.' પ્રાચીન ઈતિહાસ સત્યકથન કરે છે કે, ''ઉજ્જૈન'ના રાજા 'વિક્રમાદિત્ય' (બીજા!)ના  શાસનકાળમાં 'દિલ્હી' સમીપના 'મેહરૌલી' ગામ પાસે આશરે ૮૪ ગજ ઊંચો, નક્ષત્રોના અભ્યાસ માટેનો, મિનારો બંધાવ્યો હતો. પ્રસિદ્ધ ખગોળવેત્તા 'વરાહમિહિર' તે નક્ષત્રભવનનું   સંચાલન  કરતા હતા. તેણે શોધ કરી હતી કે દર વરસે અમૂક મહિનાના અમૂક દિવસે (અંગ્રેજી કેલેન્ડર અનુસાર ૨૧ જૂને) 'સૂર્ય'  આ મિનારાની ઉપરથી જતો હોય છે.' આ ઊંચા મિનારાની સમીપના ગામને 'મેહરૌલી' કહે છે, પણ આ ગામનું સાચું નામ તો 'મિહિર-આવલી' (સૂર્યપંક્તિ કે સૂર્યપથ) એવું છે. તે નામનો અપભ્રંશ મેહરૌલી એવો થઈ ગયો છે. આ ગામમાં આ નક્ષત્રભવન (કુત્બુ-મનાર)માં સંશોધનનું કામ કરનારાઓ રહેતાં હતાં. નક્ષત્રભવનની આજુબાજુમાં ૨૭ નક્ષત્રોના '૨૭ મંદિરો' નિર્માણ કરાયા હતા.

'અલિગઢ મુસ્લિમ યુનિવર્સિટી'ના સંશોધન - વિભાગે સંપૂર્ણ તપાસ કરીને જણાવ્યું છે કે, 'આ 'કુતુબમિનાર' અવશ્ય પ્રાચીન હિંદુ વેધશાળા છે. પાછળની તેમાં ફેરફારો થતાં અરબી શબ્દાવલી પણ કમળપુષ્પની કળીઓમાં કોતરવામાં આવી છે વગેરે.'

આ 'કુતુબમિનાર'ની બંને બાજુએ બે પહાડીઓની વચ્ચેથી 'સૂર્યોદય' અને 'સૂર્યાસ્ત' નિયમિત થતાં રહે છે. આ ઊંચા મિનારાનો ઘેરાવ ૨૭ મોડ અને ત્રિકોણોનો છે. આચાર્ય પ્રભાકરે આ વિષયમાં સંશોધન કરીને એવું સિદ્ધ   કર્યું છે કે, '૨૭ નક્ષત્રોનો વેધ લેવા માટે પાંચ કરોડ રૂપિયા ખરચીને '૨૭ નક્ષત્રભવન' 'રાજા વિક્રમાદિત્ય' દ્વારા બંધાવ્યા હતા. ૨૧ માર્ચ અને ૨૧ સપ્ટેમ્બરે 'સૂર્યોદય' 'તુઘલગાબાદ'ની ઉપર થતો જોવામાં આવે છે અને 'સૂર્યાસ્ત' 'મલકપુર'ની ઉપર થતો જોવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે કુતુબ મિનારનો દરવાજો ઉત્તર દિશામાં છે, જે રાત્રે ધુ્રવ તારાને જોવા માટે બનાવવામાં આવ્યો હતો.

આ 'કુત્બુ-મનાર' છેવટના હિંદુરાજા 'પૃથ્વીરાજ ચૌહાણ' (ઈ.સ.૧૧૫૯થી ૧૧૯૩)ના સમયમાં પણ હતો. તેની પુત્રીને એવું વ્રત હતું કે યમુના નદીના દર્શન કર્યા બાદ જ અન્ન-જળ ગ્રહણ કરવાં. તેથી તે રાજપુત્રી આ 'કુત્બુમનાર' પર ચઢીને નિત્ય યમુનાદર્શન કરતી રહેતી હતી. એવું પણ કહેવાય છે કે 'રાજા પૃથ્વીરાજ ચૌહાણ'ના પિતામહ 'રાજા બિસલદેવ વિગ્રહરાજ' એ દિલ્હીના રાજા 'તોમર અનંગપાળ'ને યુદ્ધમાં હરાવીને 'દિલ્હી' કબજે કર્યું હતું. તે વિજયની સ્મૃતિમાં તેણે આ વિજયસ્તંભ બંધાવ્યો હતો. જ્યારે સુલતાન 'કુતુબુદ્દીન ઐબક' 'દિલ્હી' પર શાસન કરતો હતો, ત્યારે તેણે આ મિનારાના તૂટી ગયેલા ભાગો સમરાવ્યા, તેના પર અરબી લિપિમાં પોતાના નામના લેખો કોતરાવ્યા અને આ પ્રાચીન મિનારાને પોતાને નામે 'કુતુબમિનાર' કરાવી નાખ્યો, એવું કહેવાય છે. આ પ્રાચીન મિનારાના પહેલા માળના કાંગરાઓ પર ફૂલ-વેલ વગેરે હિંદુપ્રતીકોવાળી નકશીઓ છે.

નવાઇની વાત તો એ છે કે 'જનરલ કનિંગહામ' નામે અંગ્રેજ પુરાતત્ત્વ વેત્તાએ પોતાના સહકારી 'મિ. બ્રિગેલ'ને 'દિલ્હી'ની આસપાસની પ્રાચીન ઈમારતોના ઈતિહાસને એકઠા કરવાનું કામ સોંપ્યું હતું. તેણે સંશોધન કરીને સ્પષ્ટ જણાવ્યું હતું કે 'આ 'મિનાર' ઘણા પ્રાચીનકાળનો છે અને મૂળ તો 'નક્ષત્રભવન' છે.' તેના પરના જૂના લેખમાં વિક્રમસંવત ૧૨૦૪ અને ૧૨૫૬ એટલે ઈ.સ. ૧૧૪૭ અને ઈ.સ. ૧૨૦૪ અને ૧૨૫૬ એટલે કે ઈ.સ. ૧૧૪૭ અને ઈ.સ. ૧૧૯૯ હતા. આ સમય 'સુલતાન કુતુબુદ્દીન ઐબક'ના ઘણા વરસો પહેલાનો છે. તેથી ઈતિહાસકારો કહે કે આ 'કુત્બુ-મનાર' (નક્ષત્રભવન)ને સમરાવ્યો હશે, પણ તેને સુલતાન 'કુતુબુદ્દીન ઐબક'એ બંધાવ્યો તો નથી જ. 

એવી જ રીતે  'વૈશાલી-વિદ્યાપીઠ'ના વિદ્વાન  પ્રોફેસર 'ડૉ. દેવસહાય ત્રિવેદી'નો એવો મત છે કે 'કુત્બુમનાર' (નક્ષત્રભવન) અને '૨૭ નક્ષત્ર મંદિરો' ગુપ્તવંશના એક રાજાએ બંધાવ્યા હતા. આ મોટી વેધશાળાની વચ્ચોવચ્ચ 'નક્ષત્રભવન' (કુત્બુ-મનાર) હતું. જો આ મિનારો સુલતાન 'કુતુબુદ્દીન ઐબક'એ બંધાવ્યો હોત, તો તેનું નામ 'મિનારે કુતુબ' એવું રખાયું હોત. આ મિનારાની ૧૨ બાજુઓ ૧૨ રાશિયોની દ્યોતક છે. સાચી વાત એ છે કે આ નક્ષત્રભવન અને વેધશાળા રાજા 'વિક્રમાદિત્ય' દ્વારા જ બંધાયેલા હતા. વેધશાળાના મધ્યભાગમાં 'કુત્બુ-મનાર' (નક્ષત્રભવન) હતું.

આ 'કુત્બુ-મનાર'નો પહેલો માળ લાલ રંગના પથ્થરોનો બનેલો હોવાથી તેને ૧૨ બાજુઓ છે. ભીંત સ્તંભાકીત હોઈ એક સ્તંભ વૃત્તચિતિના આકારનો અને બીજો કોણાંકીત છે. ત્રીજો માળ કોણાંકીત સ્તંભનો છે. તેના ઉપરના માળો વિભિન્ન આકૃતિના તથા અર્શપાષાણ (આરસપહાણ)ના હોવાથી તેમાં ચૂનાનો ઉપયોગ થયેલો છે.

ખેર, કુતુબ મિનારનો વિવાદ કોર્ટમાં ચાલે છે. ચુકાદા પર દેશની નજર રહેશે.

800 વર્ષથી કોઈ પક્ષને પૂજાનો અધિકાર નથી તો હવે રહેવા દો : કોર્ટ

કુતુબ મિનાર પરિસરમાં મૂર્તિઓ હોવાથી પૂજાનો અધિકાર મળવો જોઈએ એવા હિન્દુપક્ષના દાવા સામે દિલ્હીની સાકેત કોર્ટે બધા પક્ષોને સાંભળ્યા હતા. એ મુદ્દે આગામી ૯મી જૂને ચુકાદો આવશે, પરંતુ તે પહેલાં કોર્ટે ટકોર કરી હતી કે ૮૦૦ વર્ષથી મંદિરમાં પૂજા થતી નથી તો હવે રહેવા દો. આ ઈમારતને કોઈ ધાર્મિક ઈમારતને બદલે ભારતની ઐતિહાસિક અને ઓળખસમી ઈમારત તરીકે જોવી જોઈએ. કુતુબ મિનાર પરિસરમાં આવેલી કુવ્વલ અલ ઈસ્લામ મસ્જિદમાં નમાઝ અદા કરવા પર પણ હાલમાં પ્રતિબંધ છે. એએસઆઈના કહેવા પ્રમાણે અત્યારે એક પણ પક્ષને ધાર્મિક વિધિવિધાનની પરવાનગી નથી અપાઈ. કુતુબ મિનાર પરિસરમાં હિન્દુધર્મની શ્રીગણેશ, શ્રીવિષ્ણુ સહિતના દેવી-દેવતાઓની મૂર્તિઓ હોવાથી તેમની પૂજાનો અધિકાર આપવાની માગણી ઉઠી છે. બંને પક્ષને સાંભળ્યા પછી સાકેત કોર્ટના ન્યાયધીશે કહ્યું હતું કે છેલ્લાં ૮૦૦ વર્ષથી મૂર્તિઓ અપૂજ છે, તો હવે રહેવા દો. તેમણે આ ઈમારતને ભારતની ઓળખ ગણવાની અપીલ બધા પક્ષોને કરી હતી.

Tags :