Get The App

વલ્લભભાઈએ સિવિલ કેસને ક્રિમીનલ કોર્ટમાં ઘૂસાડી દીધો

Updated: Dec 27th, 2025

GS TEAM

Google News
Google News
વલ્લભભાઈએ સિવિલ કેસને ક્રિમીનલ કોર્ટમાં ઘૂસાડી દીધો 1 - image

- સરદાર @150-હસિત મહેતા

- મૅજિસ્ટ્રેટ પણ મૂંઝાયા. આવો કેસ એમની કોર્ટમાં પહેલી વખત આવ્યો હતો. મિલકત બાબતનો દાવો હોઈ આખો મામલો દિવાની અદાલતનો જ હતો..

એ કવાર, વિઠ્ઠલભાઈ ઉપર નકામો ખાર રાખતાં બોરસદના કેટલાંક અમલદારો વલ્લભભાઈના આડે હાથે ચડી ગયાં, ત્યારથી તેમણે વિઠ્ઠલભાઈ સામેનો રોષ પડતો મૂકવો પડયો હતો. બનેલું એવું કે વડોદરા રાજ્યમાં એક નાનકડા ઠાકોર(રાજા) અચાનક નિ:સંતાન ગુજરી ગયા હતા. માટે હવે એ ઠકરાત(રાજ્ય)અવસાન પામેલા ઠાકોરના સગા ભાઈને નામે નોંધાવાની હતી. એટલે તેણે વડોદરા રાજ્યના મોટા અધિકારીને અરજી કરીને હવેથી સ્ટેટને પોતાને નામે ચઢાવવાની માંગણી કરી. 

આ વાત પેલાં વિધવા થયેલાં ઠકરાણીના બાપને કઠી. એમને થયું કે હવે પોતાના મરનાર જમાઈનો ભાઈ ગાદી પર આવશે, તો પોતાની દીકરીને માત્ર થોડીઘણી જીવાઈ (નિર્વાહભથ્થું) મળશે, બાકી આખું સ્ટેટ હાથથી જશે. વળી એ પોતાના ગામનો મુખી હતો. તેણે એક તરકટ ઉભું કર્યું. જમાઈના ગુજરી ગયાના છ મહિના પછી એ વિધવા પુત્રીને પોતાને ઘેર લઈ આવ્યો, અને એવી ખોટી વાત જાહેર કરી કે દીકરી તો સગર્ભા છે. તેને નવ મહિના થયા પૂરા એટલે કોઈક તાજા જન્મેલાં બાળકને વેચાતો લઈ આવી દીકરીની સોડમાં સુવાડી દીધો, પછી સરપંચ હોવાથી જન્મમરણના પત્રકમાં તેની ખોટી નોંધ પણ કરી દીધી. એ નોંધને આધારે વડોદરાના સરસૂબાને તાર કરીને જણાવી દીધું કે પોતાની દીકરીને ત્યાં નવા જન્મેલાં બાળકને પેલાં સ્ટેટનો વારસ ગણીને તેને નામે રાજ્યનોંધણી કરી આપો.

પેલા મરનાર ઠાકોરના ભાઈને આ વાત હજમ થઈ નહીં. કારણ કે એ વિધવા છ મહિના સુધી તો પોતાના ઘરે હતી, એ દરમ્યાન તે સગર્ભા હોવાના કોઈ સગડ મળ્યાં નહોતા, તો પછી અચાનક આ દીકરો કેવી રીતે જન્મ્યો? કોઈક ખોટા રસ્તે પોતાનું સ્ટેટ પચાવી પાડવાનો આ કારસો હોવાની ગંધ તેને આવી ગઈ. તેણે તાબડતોબ અમદાવાદના મોટા-મોટા વકીલોનો સંપર્ક કર્યો, પણ સહુએ તેને આ મામલો દિવાની હોવાથી સિવિલ કોર્ટમાં દાવો કરવાની સલાહ આપી.

છેવટે એ ભાઈ બોરસદમાં વલ્લભભાઈને મળ્યાં. તેમણે આખો કેસ સમજીને તરત તારવી દીધું કે દીવાની દાવો કરવાથી કશું નહીં વળે. એ તો વરસે-બે વરસે નીકળશે, અને ત્યાં સુધીમાં પેલી બાઈને સુવાવડ સાચી થઈ હતી કે નહીં, તેનો પુરાવો નષ્ટ થઈ જશે.

એટલે આ કાબેલ વકીલે બોરસદની ફોજદારી કોર્ટમાં એવો કેસ દાખલ કર્યો કે જે હકીકત ખરેખર બની જ નથી, તેને ખરી હકીકત જાહેર કરીને, ખોટા પુરાવા ઉભા કરનાર પેલી વિધવા, તેનો બાપ અને તેનો ભાઈ, આ ત્રણેયે ક્રિમિનલ ગુનો આચર્યો છે.

કેસ કોર્ટમાં ચાલ્યો. પેલી બાઈની પ્રસૂતિ સાચી છે કે નહીં, તેની ખાત્રી કરવા વલ્લભભાઈએ દાક્તરી તપાસની માંગણી મૂકી. બોરસદની મિશન હોસ્પિટલની બાઈ ડૉક્ટર પાસે અથવા તો અમદાવાદ કે મુંબઈથી લેડી ડૉક્ટર બોલાવીને અમારા ખર્ચે આ બાબતની ખરી હકીકત ચકાસાવવા તેમણે ધારદાર દલીલો કરી. 

મૅજિસ્ટ્રેટ પણ મૂંઝાયા. આવો કેસ એમની કોર્ટમાં પહેલી વખત આવ્યો હતો. મિલકત બાબતનો દાવો હોઈ આખો મામલો દિવાની અદાલતનો જ હતો, પરંતુ ખોટા પુરાવા ઉભા કરવાના આરોપો ઘડીને વલ્લભભાઈએ એને ચતુરાઈપૂર્વક ફોજદારી તરફ વાળી દીધો હતો, એ ચાલાકી જજ સમજી તો ગયાં, તેથી આરોપીઓ સામે નોટિસ કાઢી. છેવટે આખો મામલો સેશન્સ કોર્ટમાં ગયો, ત્યાં વલ્લભભાઈએ સચોટ રજૂઆત કરી કે વિધવા બાઈને ખરેખર પુત્ર પ્રસવ્યો હોય તો અમારા કુટુંબને ગાદીવારસ મળે, એ દિવાની બાબત છે, અને તેમાં અમને કોઈ વાંધો જ નથી. પરંતુ કોઈ ભળતો જ છોકરો ગાદીએ આવી જાય તો ક્રીમિનલ પ્રશ્ન ઉભો થાય. માટે વિધવાની પ્રસૂતિ બાબતે તપાસ થાય એ જરૂરી છે. સેશન્સ કોર્ટે પહેલી જ મુદ્દતે આ વાત માન્ય રાખી, અને પેલી વિધવાની દાક્તરી તપાસ નો હુકમ કર્યો.

ખેડા જિલ્લાના કલેક્ટરે બોરસદના મામલતદારને બોલાવીને સાચી હકીકતનો રીપોર્ટ આપવા આદેશ કર્યો. મામલતદારે ગામના મુખીને (વિધવાના બાપને) બોલાવ્યાં. મુખીએ મામલતદારને ખુશ કર્યા, અને કોઈ દાયણે પોતાની દીકરીની પ્રસૂતિ કરી હોવાના નિવેદનો થકી ઘટના સાચી હોવાનો રીપોર્ટ કર્યો. વલ્લભભાઈએ આ જોઈને તરત જ વાંધો લીધો કે મામલામાં મુખી પોતે જ સંડોવાયેલા હોવાથી બીજી કોઈ સ્વતંત્ર તપાસ થવી જોઈએ. વળી મૅજિસ્ટ્રેટે હુકમ કરીને એક પોલીસ પ્રોસિક્યુટરને આ તપાસ સોંપી. તેઓ લેડી ડૉક્ટરને લઈને પેલી વિધવાની તપાસ માટે મુખીને ગામ ગયા. વલ્લભભાઈ પણ સાથે જોડાયા. મુખી ખૂબ ગભરાયો. તેણે તપાસનો ઈન્કાર કરીને કોઈને ઘરમાં ઘૂસવા દેવાની ના પાડી દીધી. વલ્લભભાઈએ તરત જ અરજ કરી કે મુખીનો રીપોર્ટ ખોટો છે, અને મામલતદારે પણ તેમાં ગોલમાલ કરી છે. હવે પેલો મુખી, મામલતદાર અને બધા અધિકારીઓ ગભરાયાં. જો સાચી વાત બહાર પડશે તો પોતાની નોકરી જવાનું જોખમ તેમને સમજાયું. સહુ વિઠ્ઠલભાઈ પાસે ગયાં અને તેમને આજીજી કરવા લાગ્યાં કે વલ્લભભાઈને આ બાબતમાં સમાધાન કરીને કેસ પાછો ખેંચે. છેવટે બોરસદના જે અમલદારો વિઠ્ઠલભાઈ માટે રોષ રાખતાં હતાં, તેમણે આવીને વિઠ્ઠલભાઈના પગે પડવું પડયું. આખરે વિઠ્ઠલભાઈના કારણે વલ્લભભાઈ માન્યાં હોવાનો દેખાડો કર્યો.

આમ થવાથી વિઠ્ઠલભાઈ સામેનો અમલદારોનો રોષ ઓછો થયો, પેલા ઠાકોરના ભાઈને પોતાનું સ્ટેટ પાછું મળી ગયાનો સંતોષ થયો અને ખોટા પુરાવા ઉભા કરનાર મુખીને બરાબર પદાર્થપાઠ પણ મળ્યો. આ રીતે વલ્લભભાઈએ એક કાંકરે ત્રણ પક્ષી તાકીને સત્યનો વિજય કરાવ્યો.