Get The App

સંશોધન બન્યું આશીર્વાદ .

Updated: Dec 27th, 2025

GS TEAM

Google News
Google News
સંશોધન બન્યું આશીર્વાદ                                               . 1 - image

- આજકાલ-પ્રીતિ શાહ

- સંશોધન માટે હંમેશા કોઈ મોટી લેબોરેટરીની જરૂર નથી હોતી. ક્યારેક તે કિશોરોના મનમાં સ્ફૂરતો વિચાર, થોડા સાધનો અને તેના પેશનથી શુદ્ધ હવા મળી શકે છે

૨૦ ૧૯ના વર્લ્ડ ઍર ક્વૉલિટીના હેવાલ પ્રમાણે વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત ત્રીસ શહેરોમાં એકવીસ શહેરો ભારતના હતા, એમાં દિલ્હી સૌથી વધુ પ્રદૂષિત છે. આજે ભારતની રાજધાની દિલ્હીના ઍર ક્વૉલિટી ઇન્ડેક્સમાં પ્રદૂષણ અત્યંત વધી રહ્યું છે. દિલ્હીમાં વસતા ક્રિશ ચાવલાને આ સમસ્યાનો સામનો કરવો પડયો હતો. આજે તે પોતાના બાળપણને યાદ કરતા હોય છે કે દિવાળી એટલે દીવા, મીઠાઈ, રંગોળી અને પરિવાર સાથે આનંદ કરવો તેવી સ્મૃતિની સાથે સાથે એ પણ યાદ છે કે દીવાળી આવે એટલે ઇનહેલર, નેબુલાઇઝર, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ પડવી, કારણ કે એ જ્યારે નાનો હતો, ત્યારે એને શ્વાસ લેવામાં ઘણી તકલીફ થતી હતી, તેથી ઘરમાં સતત માસ્ક અને નેબુલાઇઝર રાખવા પડતા. ઘરનાં બારીબારણાં પણ બંધ રાખવાં પડતા અને ઍર પ્યૂરીફાયર સતત ચાલુ રહે. એને આવી રીતે રહેવું અકળાવનારું લાગતું હતું.

એ એવું વિચારીને આશ્વાસન મેળવતો કે દેશમાં કેટલાય લોકોને વાયુ પ્રદૂષણને કારણે ગંભીર બીમારીનો ભોગ બનવું પડે છે, તેની સામે તે એટલો ભાગ્યશાળી છે કે ઘરમાં આટલી સગવડ તો ઉપલબ્ધ કરી શક્યો છે! બાળપણથી ક્રિશ ચાવલાને એવી ટેવ હતી કે ઘરમાં કોઈ પણ મશીન હોય તેને ખોલીને જોવું. એક દિવસ આવી જ જિજ્ઞાસાવૃત્તિથી ઘરમાં પડેલું અર પ્યૂરીફાયર ખોલી નાખ્યું. એણે જોયું તો તેમાં એક પંખો અને એક ફિલ્ટર હતું. તેની રચના સમજતાં એને સહેજે વાર ન લાગી. એને લાગ્યું કે આ બનાવવું તો સાવ સહેલું છે. તે દિવસે તેણે તેના પિતાને ઍર પ્યૂરીફાયરની કિંમત પૂછી તો પિતાએ એને કહ્યું કે અર પ્યૂરીફાયર ત્રીસથી ચાળીસ હજારમાં આવે છે. કિંમત સાંભળીને તે ચોંકી ઊઠયો. તેને થયું કે દિલ્હીમાં રહેનારાઓ માટે તો ઍર પ્યૂરીફાયર જરૂરી બની ગયું છે, તે આટલું મોંઘું કેવી રીતે હોય શકે?

આ જાણ્યા પછી ઓછી કિંમતનું ઍર પ્યૂરીફાયર કેવી રીતે બનાવવું, તે એનું એક સ્વપ્ન બની ગયું. ૨૦૧૬થી એણે ઍર પ્યૂરીફાયર બનાવવાના પ્રયત્નો શરૂ કર્યા. જેમ જેમ તે એમાં ઊંડો ઉતરતો ગયો, તેમ તેમ તેને લાગ્યું કે કોઈ વસ્તુ જોઈને તે બનાવવાનો વિચાર કરવો અને વાસ્તવિક રીતે તેને બનાવવું તે બેમાં ઘણો મોટો તફાવત છે. ડિઝાઈન તો બનાવી, પરંતુ પ્રોટોટાઇપ બનાવતી વખતે ઘણા પડકારોનો સામનો કરવો પડયો. મહિનાઓ સુધી લગાતાર પ્રોટોટાઇપ બનાવતો રહ્યો. દરેક વખતે એને સંતોષ થતો નહીં અને બજારમાં મૂકવા જેવું લાગતું નહીં. મહિનાઓની મહેનત પછી ૩૨૦ પ્રોટોટાઇપ બનાવ્યા અને અંતે તેને સફળતા મળી. એનું નામ આપ્યું 'બ્રીથિફાય'. એણે બજારમાં મળતા અર પ્યોરીફાયરમાંથી બિનજરૂરી ચીજો હટાવી દીધી, જેથી ઓછી કિંમતમાં વેચી શકાય. તેણે પોતાનું ફાઇનલ પ્રોટોટાઇપ દિલ્હીની લેબોરેટરીમાં ચકાસવા આપ્યું. તેના બધા રીપોર્ટ્સ બરાબર આવ્યા પછી કેટલાક લોકોને એ વાપરવા આપ્યું. એ બધાની સકારાત્મક પ્રતિક્રિયા મળ્યા પછી તેને બજારમાં મુકવાનું નક્કી કર્યું.

ક્રિશે આમાં હાઈ એફીસીયન્સી પર્ટીક્યુલેટ ઍર ફિલ્ટરનો ઉપયોગ કર્યો છે, જેનાથી નાનામાં નાના કણ પણ ફિલ્ટર થાય છે. રીવર્સ ઍર ટૅક્નિકનો ઉપયોગ કર્યો હોવાથી ત્રણ બાજુથી હવા અંદર આવે છે અને શુદ્ધ થતી રહે છે. આની પેટન્ટ પણ તેણે કરાવી લીધી છે. દોઢસો સ્ક્વેર ફૂટથી માંડીને સાડા સાતસો સ્ક્વેર ફૂટ જગ્યા માટે જુદા જુદા મૉડલ બનાવ્યાં છે, જેની કિંમત પાંચ હજારથી શરૂ થાય છે. બજારમાં મળતાં બ્રાન્ડેડ ઍર પ્યૂરીફાયર કરતાં પચાસ ટકા ઓછી કિંમતે બ્રીથિફાય વેચાય છે. તેની ખૂબી એ છે કે તે ૯૮ ટકા પ્લાસ્ટિક ફ્રી છે. તેનું બોડી કમ્પ્રેસ્ડ વુડથી બનાવવામાં આવ્યું છે.

અન્ય કંપનીના ફિલ્ટર બહારથી આવતા હોવાથી ઘણી વાર જલ્દી મળતાં નથી. જ્યારે બ્રીથિફાય મૅડ ઇન ઇન્ડિયા હોવાથી ગ્રાહકોને જ્યારે ફિલ્ટર બદલવું હોય ત્યારે તેમને તે તરત જ મળી જાય છે. આ સ્ટાર્ટઅપની શરૂઆત કરી, ત્યારે તેની કિંમત પાંચ હજાર રૂપિયા રાખી હતી, પરંતુ અન્ય ચીજવસ્તુના ભાવ વધવાથી તેની કિંમત વધી છે. તેમ છતાં અન્ય બ્રાંડના ઍર પ્યોરીફાયર પંદર હજારથી સાઠ હજારની કિંમતના હોય છે. તેની સામે બ્રીથિફાય મધ્યમવર્ગ અને નિમ્ન વર્ગને પોષાય તેવી કિંમતે મળે છે. ભારતમાં સત્તરથી વીસ લાખ લોકોના મૃત્યુ વાયુ પ્રદૂષણને કારણે થાય છે. તેવા સમયે અર પ્યોરીફાયર એ કોઈ લક્ઝરી નથી, પરંતુ જરૂરિયાતની વસ્તુ બની ગઈ છે, તેથી તેની કિંમત ઓછી હોવી જોઈએ તેવું તે માને છે. નાની ઉંમરમાં બ્રીથિફાય સ્ટાર્ટઅપ શરૂ કરનાર ક્રિશ ચાવલા સ્ટેનફર્ડ યુનિવસટીમાં કમ્પ્યૂટર સાયન્સ અને આર્ટફિશિયલ ઇન્ટેલિજન્સનો અભ્યાસ કરે છે. તેઓ સારા ફોટોગ્રાફર અને ગોલ્ફર છે. તેની શોધયાત્રા એ દર્શાવે છે કે સંશોધન માટે હંમેશા કોઈ મોટી લેબોરેટરીની જરૂર નથી હોતી. ક્યારેક તે કિશોરોના મનમાં સ્ફૂરતો વિચાર, થોડા સાધનો અને તેના પેશનથી શુદ્ધ હવા મળી શકે છે.

નૃત્ય સદાનો મુક્ત સાથી

શાસ્ત્રીય નૃત્ય વિશે લોકોમાં જાગૃતિ ઓછી થતી જાય છે. ઘણા આર્ટ ફોર્મ જળવાયા નથી, ત્યારે તેમણે આ ધરોહરને - કુચિપુડી નૃત્યને - વિશ્વના ઘણા દેશોમાં ફેલાવ્યું છે

અ રુણિમા કુમાર આજની પેઢીના અગ્રણી કુચિપુડી નૃત્યાંગના છે. દિલ્હીમાં ૧૯૭૮માં જન્મેલા અરુણિમાએ સાત વર્ષની ઉંમરે ગુરુ જયરામ રાવ અને વનશ્રી રાવ પાસે તાલીમ લેવાનું શરૂ કર્યું અને નવ વર્ષની ઉંમરે તેમણે આમ્રપાલી બેલેમાં ભાગ લીધેલો. દિલ્હીની સેન્ટ સ્ટીફન કૉલેજમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં સ્નાતકની ડિગ્રી મેળવી અને ત્યારબાદ તેઓએ માસ્ટર્સ કરવા માટે લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં પ્રવેશ મેળવ્યો, જોકે તે પહેલાં ૧૯૯૫માં કુચિપુડી ડાન્સ એકેડેમી દ્વારા તેમણે દિલ્હીમાં ત્રિવેણી કલા સંગમમાં રંગપ્રવેશમની પ્રસ્તુતિ કરી. લંડનમાં અભ્યાસ કરીને તેઓ ત્યાં જ સ્થાયી થયા. તેઓ કોર્પોરેટ ક્ષેત્રમાં નોકરી કરતા હતા, પરંતુ જીવનમાં કશુંક ખૂટતું હોય તેવું લાગતું હતું. ૨૦૦૮માં તેમને સંગીત નાટક અકાદમી દ્વારા ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન પુરસ્કાર મળેલો, પરંતુ લંડનમાં તો કોઈ કુચિપુડી વિશે જ જાણતું નહોતું. તેમણે લોકો સાથે હળવા મળવાનું શરૂ કર્યું. ત્યાંના કલાકારોને મળ્યા. ભારતીય શાીય નૃત્ય વિશે વાત કરી અને લંડન સાઉથબેંક સેન્ટરમાં પ્રથમ પ્રસ્તુતિ કરી. તે એટલી સફળ રહી કે તેમને અનેક સ્થળોએથી પ્રસ્તુતિ માટે નિમંત્રણો મળવાં લાગ્યાં.

અરુણિમા કહે છે કે તે અર્થશાસ્ત્ર અને નૃત્યને સરખો જ પ્રેમ કરે છે, પરંતુ ભારતીય પરંપરાને નૃત્ય દ્વારા આગળ વધારવાનું તેમનું લક્ષ્ય રહ્યું છે. આ માટે તેમણે લંડનમાં નાના રૂમમાં ચાર બાળકોથી પોતાની ડાન્સ કંપની શરૂ કરી. જેમાં આજે એકસો વિદ્યાર્થીઓ છે. તેના સાત સેન્ટર છે અને પોલેન્ડમાં પણ એક સેન્ટર ચાલે છે. ભારત બહાર સૌથી મોટી કુચિપુડી ઇન્સ્ટિટયૂટ તેમની છે. આજે અરુણિમા દર વર્ષે સમગ્ર વિશ્વમાં અઢીસો જેટલા વિદ્યાર્થીઓને કુચિપુડી શીખવે છે. ભારત, યુ.કે. અને પોલેન્ડના ચાર વર્ષથી માંડીને પંચોતેર વર્ષની ઉંમરની વ્યક્તિઓને કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના કુચિપુડી નૃત્ય શીખવે છે. તેમણે અત્યાર સુધીમાં પાંત્રીસ દેશોમાં દોઢ હજાર વર્કશોપ કરી છે. પચાસથી વધુ દેશોમાં ત્રણ હજાર કરતાં પણ વધુ પરફોર્મન્સ આપ્યા છે અને જેલના કેદીઓ સાથે પણ કાર્યક્રમો કર્યા છે, કારણ તેઓ માને છે કે નૃત્ય ઉપચારનું એક મહત્ત્વનું સાધન છે.

લંડનમાં ટયૂબ ટ્રેનમાં આવતા-જતાં લોકો સંગીત કે અન્ય કલાનો આનંદ લેતા હોય છે તેવું આપણે ત્યાં નથી. તેઓ તિહાર જેલમાં કેદીઓ, કૅન્સરના દર્દીઓ, સિનિયર સીટીજન કે કોઈ પણ પ્રકારની હેરાનગતિનો શિકાર થયેલા લોકો સાથે વર્કશોપ કરે છે. કેદીઓને તેમના ભૂતકાળમાંથી પાછા ફરવા માટે નૃત્ય સેતુ બની શકે. એક વખત ઉચ્ચશિક્ષણ પામેલી મહિલા સાથે વાત કરવાનું બન્યું ત્યારે ખબર પડી કે તેણે તેના પતિનું ખૂન કર્યું છે. અરુણિમાએ તેને પૂછયું કે તેને એક કેદી તરીકે કેવું લાગે છે, ત્યારે તેણે જવાબ આપ્યો કે અહીં તે સ્વતંત્રતા અનુભવે છે, કારણ કે અહીં જેલમાં તેને કોઈ રોજ મારતું નથી કે સવારે ઊઠતાંની સાથે ભય અનુભવાતો નથી.

આ જવાબે અરુણિમા કુમારને વિચારતાં કરી મૂક્યા. ખરેખર કેદી કોણ છે? જેલમાં બંધ મુક્ત છે અને બંદિની બહાર છે, આમ કરાય, આમ ન કરાય. આ ન પહેરી શકાય - આમ ઘણીવાર જીવનમાં જેલની અનુભૂતિ થાય છે. આના પરથી તેમણે 'બંદિની'નું પ્રોડક્શન કર્યું. તેઓ કુચિપુડી દ્વારા ભારતની સંસ્કૃતિને રજૂ કરવા માગે છે, તેથી પૌરાણિક કથાઓ પરથી ઘણા નૃત્ય કર્યા. તેઓ કહે છે કે ભારતીય સંસ્કૃતિ, પુરાણો કે કંઈ પણ લઈએ, તેમાં ખૂબ ઊંડાણ અને ખૂબસૂરતી છે, જેને યોગ્ય રીતે રજૂ કરવાની જરૂર છે. તેઓ સતત નવું નવું કરતા રહે છે. તેમણે બકિંગહામ પેલેસમાં એકતામાં વિવિધતા થીમ પર પ્રસ્તુતિ કરી. સૂફી કવિતા અને જાપાનીઝ ડ્રામા લઈને પણ પ્રસ્તુતિ કરી. તેમણે 'બર્ન્ટ' નામે પ્રસ્તુતિ કરી તેમાં સતી વિશે વાત કરી છે. સતીપ્રથા માત્ર ભારતમાં જ છે તેવું નથી, પરંતુ અન્ય સંસ્કૃતિમાં પણ છે, જ્યાં સ્ત્રીઓને એક સંપત્તિ માનવામાં આવે છે. જે વસ્તુ યોગ્ય નથી લાગતી તેને દર્શકો સુધી નૃત્ય દ્વારા પહોંચાડે છે. સંગીત તથા નૃત્યમાં ખૂબ ઊંડાણ છે તેનો અનુભવ કરવો જોઈએ. તેમણે ચિત્રાંગદા બેલે અને નળ-દમયંતીની કથા પર નૃત્ય કર્યું છે.

શાસ્ત્રીય નૃત્ય વિશે લોકોમાં જાગૃતિ ઓછી થતી જાય છે. તેઓ તેના ઇતિહાસને ઊંડાણથી જાણતા નથી. ઘણા આર્ટ ફોર્મ જળવાયા નથી, ત્યારે તેમણે આ ધરોહરને - કુચિપુડી નૃત્યને - વિશ્વના ઘણા દેશોમાં ફેલાવ્યું છે. એમની સંસ્થા બ્રિટનની સૌથી મોટી કુચિપુડી નૃત્ય સંસ્થા છે જે ભારતીય નૃત્ય, સંગીત અને સંસ્કૃતિને વિશ્વના દર્શકો સુધી લઈ જાય છે. એમના આ પ્રદાન બદલ તેમને બ્રિટિશ એમ્પાયર મેડલ(એમ.બી.ઈ.) મળ્યો છે. આ સન્માન મેળવનાર તેઓ પ્રથમ કુચિપુડી નૃત્યાંગના છે. તેમણે લંડનના નહેરુ સેન્ટરમાં, રોયલ ઓપેરા હાઉસ, ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટમાં દિવાળી સમયે, મહારાણી એલિઝાબેથના જયંતી સમારોહ સમયે, સિડની ઓપેરા હાઉસમાં, ભારતના રાષ્ટ્રપતિ ભવનમાં ખજુરાહો ડાન્સ ફેસ્ટિવલમાં, લંડન ઓલિમ્પિક્સ સમયે પરફોર્મન્સ આપ્યા છે. તેમની સફળતાનો યશ તેઓ તેમના માતા, પિતા અને ગુરુઓને આપે છે.