- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર
- ગીતાના વ્યાપનો કોઈ પાર નથી. અફસોસ એટલો જ છે કે શ્રીમદ્ ભગવદ્ગીતા વિશેષ જાણીતી થઈ, પરંતુ અન્ય ગીતાઓ જનસમૂહમાં એટલી પ્રચલિત બની નથી
કે વું ભવ્ય છે શ્રીમદ્ ભગવદ્ગીતાનું વિશ્વ સામાન્ય માન્યતા એવી છે કે ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને કહી તે એક જ ગીતા છે, પરંતુ હકીકતમાં બીજી છાસઠ ગીતા મળે છે. વળી આ બધી ગીતા તે શ્રીમદ્ ભગવદ્ગીતાનું પુનરાવર્તન કે તેમાં કરેલું ઉમેરણ નથી, બલ્કે પ્રત્યેક ગીતાને પોતાની આગવી આલેખન શૈલી અને વિશિષ્ટ વિચારસૃષ્ટિ છે. વળી એ બધી ગીતા ભગવાન શ્રીકૃષ્ણના મુખેથી ઉચ્ચારાયેલી નથી, કિંતુ અન્ય વ્યક્તિઓએ ઉચ્ચારેલી છે વળી જુદા જુદા સમય સંદર્ભે એ પ્રગટ થયેલી છે અને ભિન્ન ભિન્ન માનસિક ભૂમિકા ધરાવતી વ્યક્તિઓને ઉદ્દેશીને એ કહેવાઈ છે.
આવી એક અનુપમ ગીતા છે સનત્સુજાતીય ગીતા. આ ગીતા શ્રીકૃષ્ણ દ્વારા ઉચ્ચારાયેલી નથી અને અર્જુન દ્વારા શ્રવણ થયેલી નથી. આ ગીતા તો સનત્સુજાતે કહી છે અને તે યુદ્ધના ભયથી ભાંગી ગયેલા ધૃતરાષ્ટ્રે સાંભળી છે. આ ગીતાની ભાવનાઓ આપણું હૃદય ખીલી ઊઠે એવી છે.
આ ગીતામાં બ્રાહ્મણ કોને કહેવાય એની સુંદર વ્યાખ્યા આપી છે. સનત્સુજાતીય ગીતા કહે છે કે સાચો બ્રાહ્મણ લૌકિક દ્રષ્ટિએ નિર્ધન હોવા છતાં જ્ઞાનરૂપી ધનથી સમૃદ્ધ હોય છે. એ પરિવારની વચ્ચે જીવતો હોવા છતાં એનાથી અલિપ્ત હોય છે. સુખ-દુ:ખ, આદર-અનાદર જેવા ખ્યાલોથી એ પર હોય છે. બ્રાહ્મણની વ્યાખ્યા એ કહી છે કે 'જે બ્રાહ્મણત્વના પ્રદર્શન દ્વારા આજીવિકા મેળવવાનો વિચાર કરનારો ન હોય.'
સનત્સુજાતીય ગીતાની કેટલીક વિશેષતા અન્ય ગ્રંથોમાં તરી આવે તેવી છે. એક તો આ ગીતાના પ્રારંભે ધૃતરાષ્ટ્ર મૃત્યુ વિશે કેટલાંક પ્રશ્ન પૂછે છે અને એ પ્રશ્નોનો સનત્સુજાતે આપેલો ઉત્તર અત્યંત માર્મિક છે. મૃત્યુ એટલે શું? તેના ઉત્તરમાં સનત્સુજાત કહે છે કે પ્રમાદ એટલે મૃત્યુ અને અપ્રમાદ એટલે અમૃત. આ મૃત્યુની પરંપરામાં કોણ સપડાય છે અને કોણ એમાંથી ઉગરી જાય છે એ દર્શાવતા આ ગીતા મૃત્યુ સાથે કર્મનો સંબંધ જોડી આપે છે. એ કહે છે કે તમારું કર્મ જો સકામ હશે તો તમારે જન્મોજન્મના ફેરા ભમવા પડશે. જો તમારું કર્મ નિષ્કામ હશે તો જન્મ- મૃત્યુના બંધનમાંથી તમે મુક્ત થઈ જશો. આ ગીતામાં બીજી એક નોંધપાત્ર બાબત એ કહી છે કે જો કોઈ બ્રાહ્મણ પાપકર્મ કરે તો એને વેદ પણ બચાવી શકે નહીં. તપના બાર દોષો અને દમના અઢાર દોષોની ચર્ચા કરવામાં આવી છે.
આ ગ્રંથમાં સંસારરૂપી અશ્વત્થ વૃક્ષનું વર્ણન મળે છે અને એ દર્શાવે છે કે પૂર્ણ ૫૨મેશ્વરમાંથી પૂર્ણ ચરાચર ઉત્પન્ન થાય છે અને પૂર્ણ બ્રહ્મમાં લીન થાય છે અને પૂર્ણ બ્રહ્મ જ રહે છે. વળી આ ગ્રંથ કહે છે કે બ્રહ્મ એ આત્મા પિતા કે પુત્ર છે. વળી જે છે અને જે નથી તે તે જ છે. એને જ્ઞાન દ્વારા જાણી શકાય અને પામી શકાય છે.
શ્રીમદ્ ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણે પ્રવૃત્તિ, નિવૃત્તિ અને યોગધર્મ વિશે ઉપદેશ આપ્યો છે. જ્યારે કપિલ ગીતામાં એ જ ઉપદેશ ભીષ્મ આપે છે. કપિલ ગીતાની વિશેષતા એ એમાં મળતી યોગધર્મ અને અહિંસા વિશેની વિચારધારા છે. યજ્ઞા અને હિંસા વિશે આ ગીતામાં વિગતવાર છણાવટ મળે છે. મહાભારતના યુદ્ધ સમયે યુધિષ્ઠિરનો આ શોક દૂર કરવા માટે ભિષ્મ આ ગીતા દ્વારા પ્રવૃત્તિ-નિવૃત્તિ-યોગધર્મ-ગૃહસ્થધર્મ વગેરે વિષયોનું જ્ઞાન આપ્યું છે. એમ કહેવાય છે કે પૂર્વ કપિલે આ ગીતા સ્યૂમરશ્મિને કહી હતી અને એને પરિણામે આ ગ્રંથ એ કપિલ ગીતા તરીકે પ્રસિદ્ધ છે. આ ગીતામાં યજ્ઞાોમાં થતી હિંસા વિશે ઘણી ચર્ચા કરવામાં આવી છે. ઋષિ કપિલ કર્મને ચિત્તશુદ્ધિનું માધ્યમ માને છે, પરંતુ એમને પોતાને હિંસાયુક્ત કર્મ માન્ય નથી અને તેને ધાર્મિક દ્રષ્ટિએ પણ સ્વીકારતા નથી.
કપિલ ગીતાની બીજી બાબત એ છે કે ગૃહસ્થને પણ મોક્ષપ્રાપ્તિ થઈ શકે. એણે ગૃહસ્થાશ્રમનો મહિમા કર્યો છે. જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરવાના સમર્થ સાધન તરીકે ગૃહસ્થાશ્રમને દર્શાવે છે. આથી જ ગૃહસ્થાશ્રમીને મોક્ષસિદ્ધિ ન થાય એમ માનવું ભૂલભરેલું છે. બીજી બાજુ જ્ઞાન વિના કરતા કર્મોને સંસારને માટે ઋષિ કપિલ વિનાશક માને છે. દરેક વ્યક્તિએ સ્વપ્રકૃતિ અનુસાર પોતાને માટે બ્રહ્મપ્રાપ્તિનો માર્ગ પસંદ ક૨વો જોઈએ એમ કહે છે.
આ જુદી જુદી ગીતાઓનો કપિલ ગીતા એની અહિંસક વિચારધારાના કારણે વિશેષ ધ્યાન ખેંચે છે. યજ્ઞામાં હિંસક કર્મ કરવાનો એ વિરોધ કરે છે. આથી બ્રાહ્મણની વ્યાખ્યા કરતાં એમ કહ્યું છે કે જગતના જીવમાત્રને આત્મારૂપે જુએ તથા પ્રાણીમાત્રને અભયદાન આપે તે બ્રાહ્મણ. બ્રાહ્મણની આવી વ્યાખ્યા ઉપરાંત આ કપિલ ગીતા કહે છે કે સ્થૂળ સૂક્ષ્મ શરીરની શુદ્ધિ એ કર્મનું પ્રયોજન છે અને મોક્ષપ્રાપ્તિ એ જ્ઞાનનું પ્રયોજન છે. કર્મ કરવાથી અને બ્રહ્મજ્ઞાન મેળવવાથી જે અહંકારરહિત બને એ જ સાચો વેદનો જાણકાર. આ રીતે કપિલ ગીતાએ એક મહત્ત્વની બાબત એ કહી છે કે કર્મમાર્ગ અને મોક્ષમાર્ગ વચ્ચે કોઈ વિરોધ નથી.
ગીતાનું જગત ગજબનું જગત છે. કલ્પના ન આવે તેવો એનો વ્યાપ અને વિચારી ન શકીએ એટલી છણાવટ આ ગીતાઓમાં મળે છે. હકીકતમાં ભારતીય તત્વજ્ઞાનની તમામ ધારાઓનું સમગ્ર દર્શન કરવા માટે ગીતાનું વિશ્વ પર્યાપ્ત છે. સડસઠ જેટલી ગીતામાં કર્મયોગ, યોગધર્મ, બ્રહ્મપ્રાપ્તિ, પુરુષ અને પ્રકૃતિ, તૃષ્ણા અને ત્યાગ, કાળ અને પ્રારબ્ધ, યજ્ઞા અને મોક્ષ, આસક્તિ અને કામના સત્ય અને અસત્ય, જીવનું સ્વરૂપ અને મુક્ત જીવોની ગતિ જેવી અનેક વિચારસરણીની ચર્ચા મળે છે. આ સઘળી ગીતાઓની થોડીક માર્મિક હકીકતોની માત્ર ઝાંખી કરી લઈએ.
અજગરને તમે જોયો છે, પણ અજગરવૃત્તિ વિશે તમે જાણો છો? એ જાણવા માટે 'અજગરગીતા' વાંચવી જોઈએ. માનવી પોતાની આજીવિકા માટે અહીંતહીં દોડધામ કરતો હોય છે. લાલસાથી દોરવાતો અને પરિગ્રહમાં ડૂબતો હોય છે. 'અજગરગીતા' કહે છે કે જો તમારે ઉત્તમ ગતિ પ્રાપ્ત કરવી હોય તો આ જીવન પદ્ધતિ ખોટી છે. ઉત્તમ ગતિ પ્રાપ્ત કરનારે અજગરની જેમ વધારે પડતા ફાંફાં માર્યા વિના કે ઉધમાત કર્યા વિના જે કંઈ પ્રાપ્ત થાય તેનાથી પોતાનું ગુજરાન ચલાવવું જોઈએ. અજગરગીતા કહે છે કે પ્રારબ્ધને સ્વીકારીને પ્રાપ્ત પદાર્થોથી સંતોષ માનવો જોઈએ. બુદ્ધિને આમતેમ યા તો લોભપ્રલોભનમાં ડોલાયમાન થવા દેવી જોઈએ નહીં.
હિતકારી અને અહિતકારી બંનેની સમજણ મેળવીને, દ્વેષ, મોહ વગેરે ત્યાગીને અજગરવ્રત ધારણ કરવું જોઈએ. આવી અજગરવૃત્તિ ધારણ કરવાથી ચિત્તમાંથી તૃષ્ણાનો ત્યાગ થાય છે. તૃષ્ણાને કારણે થતા જાતજાતના વિકારો સમાપ્ત થઈ જાય છે. આવો તૃષ્ણાત્યાગ થાય ત્યારે વ્યક્તિ અનાસક્ત બને છે. એના અંત:કરણને પવિત્ર અને સ્થિર રાખી શકે છે અને જ્ઞાન પ્રાપ્ત કરીને પરમ ગતિ પામે છે. આ અજગરગીતા શ્રી કૃષ્ણએ ગાઈ અને અર્જુને સાંભળી એવું નથી. બલ્કે અહીં તો ભીષ્મ યુધિષ્ઠિરને અજગરગીતા સંભળાવે છે.
પ્રિયજનોનો વિયોગ થતા પ્રાણત્યાગ કરવાનું વિચારનારાઓ માટે 'અશ્મગીતા' મનન યોગ્ય છે. માનવીની મર્યાદા બહારના બનાવો માટે શોક કરવાનો કશો અર્થ નથી એમ કહીને 'અશ્મ ગીતા' દર્શાવે છે કે આવા પ્રસંગોએ પરિસ્થિતિને અનુરૂપ કર્તવ્ય કરવું એ જ માનવ ધર્મ છે. કાળ, પ્રારબ્ધ અને મૃત્યુ વિશે આ ગીતામાં ઘણું ઊંડું ચિંતન મળે છે. બ્રહ્મજ્ઞાનની વાત કરીએ ત્યારે 'યાજ્ઞાવલ્કય ગીતા'નું સ્વભાવિક રીતે જ સ્મરણ થાય. મોક્ષપ્રાપ્તિ માટે આવશ્યક એવા બ્રહ્મજ્ઞાનની ચર્ચા કરતા પૂર્વે પ્રકૃતિ અને તેના વિકારો, અધ્યાત્મ આધિ દૈવત, સત્વાદિ ગુણોની ચર્ચા આપે છે. બ્રહ્મ વિશેનું જ્ઞાન સૂર્ય પાસેથી મળ્યું છે અને આવું જ્ઞાન કોઈ પણ વર્ણના ગુરુ પાસેથી લઈ શકાય એવી ક્રાંતિકારી વાત યાજ્ઞાવલ્કલ્પમાં મળે છે. વળી બ્રહ્મજ્ઞાનથી જ મોક્ષ મળે છે એ વાત પર ઘણો ભાર મૂક્યો છે.
જ્યારે 'જનકગીતા'માં યુધિષ્ઠિર ભીમને વાત કરે છે અને એમાં જીવનમુક્ત વિદેહી જનકે પૂર્વે વ્યક્ત કરેલા મોક્ષ વિષયક વિચારો દર્શાવે છે. 'પરાશર ગીતા'માં આ ગીતા સૌ પ્રથમ જનક રાજાએ પરાશર ઋષિ પાસેથી સાંભળી હતી. બ્રહ્મ પ્રાપ્તિનાં વિવિધ માર્ગો દર્શાવતી આ ગીતામાં જનકના સંવાદરૂપે ભીષ્મ યુધિષ્ઠિરને કહી સંભળાવે છે. 'ભૃગુગીતા'માં ભરદ્વાજ ઋષિએ તેમને પૂછાયેલા પ્રશ્નોની શંકાનું નિવારણ કર્યંુ છે. એ ગીતા ભીષ્મ યુધિષ્ઠિરને સંભળાવે છે. આ ગીતામાં સાંખ્ય દર્શનના વિચારો અને સૂક્ષ્મ શ૨ી૨નો ખ્યાલ દર્શાવાયો છે. જ્યારે ખેતી, વેપાર વગેરે ક૨વા છતાં અર્થપ્રાપ્તિ ન થાય, તો પછી સુખ માટે કેવા કાર્યો કરવા એવો યુધિષ્ઠિરનો પ્રશ્ન મહત્ત્વનો છે. 'યજ્ઞાગીતા' એ મુનિઓ યુધિષ્ઠિરને કહી સંભળાવે છે. એનો મુખ્ય સાર એ છે કે પ્રત્યેક મનુષ્ય, પછી તે સારો હોય કે ખરાબ, એણે દ્વેષ રહિત થઈને શ્રદ્ધાપૂર્વક વિધિ પ્રમાણે તથા શક્તિ અને ઇચ્છા પ્રમાણે યજ્ઞા કરવો જોઈએ. 'વિદુર ગીતા'માં વિદુરગીતા ધૃતરાષ્ટ્રને સંભળાવી છે. ધૃતરાષ્ટ્રની ચિંતાનું કારણ પુત્ર પ્રત્યેનો અંધ પ્રેમ અને અનિર્ણયાત્મકતા છે. પંડિત અને મૂર્ખના લક્ષણ બતાવી સારું શાસન કેવું હોય તેનો ખ્યાલ આપ્યો છે. નૈતિક અને રાજનૈતિક ઉપદેશ આપીને વિદુર ધૃતરાષ્ટ્રને ચિંતા મુક્ત કરે છે. તેથી 'વિદુર ગીતા' કે 'વિદુર નીતિ' એ બંને નામે મળતી આ કૃતિ સાહિત્ય જગતમાં અદકેરુ સ્થાન ધરાવે છે.
આ રીતે ગીતાના વ્યાપનો કોઈ પાર નથી. અફસોસ એટલો જ છે કે શ્રીમદ્ ભગવદ્ગીતા વિશેષ જાણીતી થઈ, પરંતુ અન્ય ગીતાઓ જનસમૂહમાં એટલી પ્રચલિત બની નથી.


