- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ
- આજે દસેક લાખ જેટલી પશુ-પક્ષીઓની જાતિ નષ્ટ થવાને આરે ઊભી છે અને વાસ્તવિકતા એ છે કે પ્રાણીસૃષ્ટિ એ માનવસૃષ્ટિ વિના રહી શકે છે અને જીવી શકે છે
અ બોલ પ્રાણીઓ પ્રત્યેની માનવીની ક્રૂરતા એક પછી એક હદ વટાવી રહી છે. વિચાર કરો કે પ્રત્યેક વીસ મિનિટે પૃથ્વીના પટ પરથી કોઈ એક પશુ કે પક્ષીની જાતિ વિલુપ્ત થઈ રહી છે. વળી જેમ માનવજાતિના યુગો હોય છે. જેમ આપણે ત્યાં જેમ દ્વાપર, સતયુગ કે કળયુગ છે, એમ આ પૃથ્વી પર પ્રાણીનાશનાં યુગો પણ સર્જાયા છે. અત્યારે છઠ્ઠી વખત વિશાળ પાયા પર પ્રાણીવિનાશનો યુગ ચાલે છે. આજે ડાયનાસોર માત્ર ચિત્રમાં કે ફિલ્મનાં પડદા પર જોવા મળે છે. કેટલાંક નિર્દોષ પ્રાણીઓનો શિકાર કરવો એને પોતાનો શાહીશોખ અને મનોરંજન માને છે, તો કેટલાંક ઘરની દીવાલો શણગારવાને માટે પ્રાણીઓની હત્યા કરીને રાખેલાં શીંગડા કે ચામડાંનું બિભત્સ પ્રદર્શન કરે છે. કેટલીય વ્યક્તિઓ પ્રાણીહત્યામાંથી બનાવેલી ચીજોનો ઉપયોગ કરે છે.
આજે દસેક લાખ જેટલી પશુ-પક્ષીઓની જાતિ નષ્ટ થવાને આરે ઊભી છે અને વાસ્તવિકતા એ છે કે પ્રાણીસૃષ્ટિ એ માનવસૃષ્ટિ વિના રહી શકે છે અને જીવી શકે છે. જ્યારે માનવી માટે પ્રાણીસૃષ્ટિ વગર જીવવું ઘણું કપરું છે. આ સમયે મને મોરેશિયસ ટાપુની નજીકના ઘણા બેટ પર એક સમયે ઘણી મોટી સંખ્યામાં રહેલા ડોડો પક્ષીનું સ્મરણ થાય છે.
આ ડોડો પક્ષી આપણા કબૂતરની જાતનું. એનું કદ મરઘાં અને કૂકડા જેવું. આ ટાપુ પર પોર્ચ્યુગીઝ વસાહતીઓ ઉતર્યા અને એમને આ પક્ષીનું પોચું માંસ આહાર માટે લલચાવનારું લાગ્યું. આ પક્ષીને માનવનાં તામસી સ્વભાવનો ક્યાંથી ખ્યાલ હોય? પરિણામે કોઈ માનવશિકારી આ ડોડોને લાકડી મારીને મારી નાખતું હોય, તો પણ બીજા ડોડો પક્ષી ભાગતા નહીં. આથી એમનો શિકાર સ૨ળ બની ગયો અને જોતજોતામાં આ ટાપુ પરથી સદાને માટે આ પક્ષી નાશ પામ્યું. આજે માત્ર ચિત્રોમાં ડોડો દેખાય છે.
એક પક્ષીની જાતને હણવાનું પરિણામ શું આવે? સાઇડોરેક્સિલોન ગ્રાન્ડિફ્લો૨મ નામના વૃક્ષને 'ડોડો ટ્રી' કહેવામાં આવે છે. એનો અર્થ એ છે કે એક સમયે આ વૃક્ષ પર બેસીને ડોડો એનાં ફૂલો અને ફળ આરોગતાં હતાં અને ડોડોનાં પાચનતંત્રમાંથી પસાર થયા બાદ એ ફળ જમીન પર પડતા અને એમાંથી બીજાં વૃક્ષો ઊગતાં, પરંતુ ડોડોનો નાશ થતાં આ વૃક્ષોનો પણ નાશ થઈ ગયો અને પરિણામે ૧૭મી સદીમાં લુપ્ત થયેલાં ડોડોને કારણે આ ડોડો વૃક્ષો પણ ઘટવા માંડયા, એમ માનવામાં આવે છે. આ થોડાંક ડોડો વૃક્ષોને બચાવવા માટે આજે મરણિયો પ્રયત્ન કરવામાં આવે છે. આમ આ ટાપુ પરથી ડોડો પક્ષી પણ ગયા અને ડોડો વૃક્ષ પણ વિદાય પામ્યાં.
દોઢસો વર્ષ પહેલાં ઉત્તર અમેરિકાના શિકાગો વિસ્તારની આસપાસના એક્ટોપિક્ટસ માઇગ્રેટોરિયસ નામની કબૂતરની જાતનું પક્ષી જોવા મળતું હતું. એ સંદેશવાહક કબૂતર કે નિવાસી કબૂતર તરીકે ઓળખાતું હતું. કાગડા જેવું લાંબું પણ ઊડવામાં ખૂબ ઝડપી હતું અને ઓગણીસમી સદી સુધી તો આ પક્ષીઓ યુદ્ધમાં સંદેશાવ્યવહારની આપ-લે માટે વપરાતાં હતાં. એમને કોઈ પણ જગાએથી છોડવામાં આવે, તો તે પોતાના મૂળ સ્થાને અચૂક આવી જવાની ક્ષમતા ધરાવતાં હતાં. એની યોગ્ય જાળવણી ન થતાં એ ધીરે ધીરે નાશ પામવા લાગ્યાં.
એક સમયે લાખોની સંખ્યામાં આ કબૂતરો ઈલિનોઇસ અને બીજાં રાજ્યોના જંગલવિસ્તારમાં માળા બાંધીને રહેતાં હતાં, પરંતુ સામાન્ય લોકોને એની વિશાળ સંખ્યા જોઈને ગુસ્સો થતો અને એના પર તૂટી પડયાં. આથી કોથળાના કોથળા ભરી આ કબૂતરો મફતના ભાવે વેચાવા લાગ્યાં અને છેલ્લાં પચાસ વર્ષથી અમેરિકાની ભૂમિ પરથી તે નામશેષ બની ગયું. આવું એક પક્ષી ઇંગ્લેન્ડના પ્રાણીબાગમાં સચવાયેલું હતું, તે પણ ૧૯૧૪માં મૃત્યુ પામ્યું. અત્યારે માત્ર એનું હાડપિંજર એ મ્યુઝિયમમાં જોવા મળે છે. એક સમયે આપણા શાહમૃગ કરતા પણ મોટું એવું માઓ પક્ષી ન્યૂઝીલેન્ડમાં જોવા મળતું હતું. એની ઊંચાઈ લગભગ ૧૫ ફૂટ જેટલી હતી. પાંચસો વર્ષ પહેલાં એ આ પૃથ્વી પર હરતુંફરતું હતું. આજે શિકારીઓનો ભોગ બનતાં નામશેષ થઈ ગયું છે.
માનવીએ હિંસક રીતે આ પક્ષીઓનો નાશ કર્યો, પણ એની સાથોસાથ એણે આ પશુ-પક્ષીઓની ચીજવસ્તુઓને પોતાના વેપારનું સાધન બનાવ્યું. છેક ૧૮૯૩માં અમેરિકાના પ્રવાસે ગયેલા શ્રી વીરચંદ રાઘવજી ગાંધીએ એક પ્રવચન આપ્યું હતું અને એ પ્રવચનનો વિષય હતો 'અમેરિકન મહિલાઓએ શા માટે હેટમાં પીંછા ખોસવા જોઈએ નહીં' અને પછી એમણે આ પીંછા માટે થતાં પક્ષીઓનાં નાશની વાત કરી હતી.
વન્યજીવનની ચીજવસ્તુઓના થતા વેપાર વિશે કુદરતની સુરક્ષા માટે કાર્યરત એવી ઇંગ્લેન્ડની 'વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર' (ડબલ્યુડબલ્યુએફ) પાસેથી જાણવા મળ્યું કે એમના કસ્ટમ અધિકારીઓએ એક વર્ષમાં વિદેશથી પરત ફરતા ઇંગ્લેન્ડવાસીઓ પાસેથી આઠ હજારથી વધુ વન્યજીવનની પ્રતિબંધિત વસ્તુઓ સાથે અટકાવ્યા છે અને કેટલાકની ધ૨પકડ પણ કરી છે. એમાં પરવાળાં, મગર, હાથી અને કાચબામાંથી બનેલાં ઉત્પાદનો, જીવંત પક્ષીઓ, સરીસૃપ, શંખ, ઓર્કિડ અને પરંપરાગત દવાઓનો સમાવેશ થાય છે. આજે વિશ્વમાં અસંખ્ય છોડ અને કેટલાંય પ્રાણીઓમાં બનેલી ચીજવસ્તુઓ માટે વાર્ષિક અબજો ડોલરનો વેપાર-વિનિમય થાય છે.
આનો વેપાર કરનારા સ્થાનિક વેપારીઓ કાયદાઓને જાણતા નથી અથવા તો એની અવગણના કરે છે. આનો ગેરકાયદે વેપાર કરનારા તો દાણચોરીની નવી નવી ટેકનિકો અજમાવતા હોય છે. ઘણાં વન્યજીવન ઉત્પાદનો કાયદેસર રીતે પ્રવાસન સ્થળોએ વેચી શકાય છે, પરંતુ વિશેષ પરવાનગી વિના આંતરરાષ્ટ્રીય સરહદો પર પરિવહન કરી શકાતું નથી. ત્રીસ હજાર જેટલાં છોડ અને પ્રાણીઓની વિવિધ જાતિઓને પ્રમાણિત કરવા માટે ટ્રેડ પરમિટ અને પ્રમાણપત્ર આપવામાં આવે છે. ૧૫૦થી વધુ દેશો દ્વારા આ કરાર પર હસ્તાક્ષર થયા છે અને વન્યવનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિની લુપ્તપ્રાય પ્રજાતિમાં આંતરરાષ્ટ્રીય વેપાર અંગેની સંસ્થા સીઆઈટીઈએસ વન્યજીવનના વ્યાપારનું નિયમ કરે છે.
આ વિષયમાં જેમ જેમ ઊંડો ખૂંપતો ગયો, તેમ તેમ ઘણી નવી બાબતો જાણવા મળી. લુપ્ત થતાં છોડ કે પ્રાણીઓનાં રક્ષણ માટે સીઆઈટીઈએસ કરાર અમલમાં મુકાયો છે અને એ સંસ્થા એને ત્રણ સ્તરમાં વિભાજિત કરે છે. સૌ પ્રથમ તો હાથી, દરિયાઈ કાચબા, સ્લીપર ઓર્કિડ, જંગલી બિલાડીઓ વગેરેના વેપાર પર પ્રતિબંધ મૂકે છે. તિબેટિયન કાળિયાર અથવા ચીરુની વસ્તી સો વર્ષ પહેલાં દસ લાખ હતી, તે ઘટીને પંચોતેર હજા૨ની થઈ ગઈ છે. આ પ્રાણીના શરીર પરનું ઊન મૂલ્યવાન ગણાય છે. શ્રીમંતો એના ઊનમાંથી બનતી શાહતુશ શાલ મોંઘી કિંમતે ખરીદે છે. આને 'રિંગ શાલ' પણ કહે છે. થોડા સમય અગાઉ દિલ્હીમાં વન્યજીવન વિભાગે આવા ૨૧૫ કિલો કાચા શાહતુશ જપ્ત કર્યા હતા. આશરે ૩,૦૦૦ જેટલા કાળિયારને મારી નાખવામાં આવ્યા હશે.
બીજો એવો પ્રકાર છે કે જે પ્રજાતિઓને ૨ક્ષણની જરૂ૨ છે, નહીં તો એ પૃથ્વી પરથી નષ્ટ થઈ જશે અને આમાં વિશાળ છીપવાળી ખાદ્ય માછલી, કોકાટુ અને પિયર છોડ મહત્ત્વનાં ગણાય. યુરોપનાં બજારોમાં આઠ હજાર જેટલાં જંતુઓનું વેચાણ થતું હોય છે, એમાંથી અડધાથી વધુ પતંગિયાં અને જંતુઓ પશુપાલન અને ખેતરોમાંથી મેળવવામાં આવ્યાં હોય છે અને દસેક ટકા જંગલમાંથી મેળવવામાં આવ્યાં હોય છે. આ પતંગિયાંઓ પાપુઆ, ન્યૂ ગિની, ઇન્ડોનેશિયા, મલેશિયા અને ઓસ્ટ્રેલિયામાંથી પકડવામાં આવ્યાં હોય છે અને જાપાન, અમેરિકા, ઇંગ્લેન્ડ અને જર્મની જેવા દેશોમાં એનું વેચાણ થાય છે. કેટલાંક ઘરોમાં તો શિંગડાવાળા ભૂંગથી દીવાલો શોભાયમાન કરતા હોય છે. જ્યારે પ્રાણીઓની આયાત અને નિકાસ કરવા માટે આમાં પરિમટની જરૂ૨ હોય છે. ત્રીજા પ્રકારમાં એ દેશો એમની સરહદ પર પ્રાણીઓમાંથી બનાવેલી ચીજવસ્તુઓનું આદાન-પ્રદાનમાં કરે છે અને એના દ્વારા બંને દેશો વચ્ચે વન્યજીવનની ચીજવસ્તુઓનો સ્થાનિક વેપાર ચાલ્યા કરે છે. બીજી બાજુ આભૂષણો, તાવીજ, વિદેશી ખોરાક, પરંપરાગત દવાઓ, પાલતુ પ્રાણીઓ, ઊન, ચામડી તથા કેટલાંક ફૂલ અને છોડ માટે ગ્રાહકોની સતત માગ રહે છે.
મનઝરૂખો
ગ્રીસમાં જૈન્થ્રસ નામનો એક અતિ ધનવાન વેપારી વસતો હતો. જૈન્થ્રસની અઢળક મિલકત જોઈને બહારથી ખુશ દેખાતા મિત્રો ભીતરમાં એના પ્રત્યે પ્રબળ દ્વેષ ધરાવતા હતા અને તેઓ જૈન્થ્રસની અવમાનના ક૨વાની તક સદાય શોધતા જ હતા. ધનવાન જૈન્થ્રસની સૌથી મોટી મર્યાદા એ હતી કે મિત્રો સાથેની ચર્ચામાં એવા અતિ ઉત્સાહમાં કોઈ એવી બડાશભરી વાત કરતા કે જે એમને ખુદને મુશ્કેલીમાં મૂકી દેતી. એક વાર જૈન્થ્રસના મિત્રો એની પ્રસંશા કરતા હતા, ત્યારે જૈન્થ્રસે ગર્વભેર કહ્યું, ''જો હું ઇચ્છું, તો ઊંચાં ઊંચાં મોજાંઓથી ભરેલો આખો સાગર પી જાઉં.'' મિત્રો તો આવી તકની રાહ જોઈને જ બેઠા હતા એટલે તરત એ બધાએ જૈન્થ્રસ સાથે શરત લગાવી અને જૈન્થ્રસે અતિ ઉત્સાહમાં કહી નાખ્યું, ''જો ત્રણ મહિનાની અવિધમાં આખેઆખો સાગર પી જઈશ નહીં, તો હું જાતે અગ્નિસ્નાન કરીશ.'' એના મિત્રોએ તો આ સાંભળીને ખુશખુશાલ ચહેરે વિદાય લીધી; પરંતુ જૈન્થ્રસ એકલો પડયો, ત્યારે એને ખ્યાલ આવ્યો કે એનો બડાશ મારવાનો સ્વભાવ એને જ કેટલું બધું નુકસાન કરે છે! હવે કરવું શું? એ રાત-દિવસ ચિંતામાં ડૂબી ગયો. એણે જાણ્યું કે અહીં ઈસપ નામની બુદ્ધિશાળી વ્યક્તિ સરસ વાર્તાઓ રચે છે. એની પાસેથી પોતાની સમસ્યાનો ઉકેલ મળશે એમ માનીને જૈન્થ્રસ ગયો અને ઈસપે એને એના કાનમાં મુશ્કેલીનો ઉપાય કહ્યો. જૈન્થ્રસ ખુશ થતો થતો પાછો ગયો. ત્રણ મહિના પછી બધા દોસ્ત ભેગા મળ્યા અને ધનવાન જૈસને મળ્યા અને કહ્યું, ''ચાલ, સાગરને પી જઈને બતાવ.'' જૈન્થ્રસે કહ્યું, ''મિત્રો, મેં સાગરનું જળ પીવાનું કહ્યું હતું; પરંતુ જ્યારે હું સાગરનું પાણી પીવા એના કિનારે પહોંચ્યો, ત્યારે ખ્યાલ આવ્યો કે સાગરનું પાણી ક્યાં છે? આમાં તો અનેક નાની-મોટી નદીઓ પોતપોતાનું પાણી નાખે છે. તમે પહેલાં નદીના પાણીને અલગ કરો, તો હું સમુદ્રનું જળ પી જઈશ.'' જૈન્થ્રસના ઉત્તરે મિત્રોને નિરુત્તર કરી નાખ્યા. પણ એ દિવસથી બડાશભરી વાત ક્યારેય નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી.


