Get The App

નિએન્ડરથલ : લુપ્ત થયા છે? કે આપણા DNAમાં જીવીત છે?

Updated: Dec 27th, 2025

GS TEAM

Google News
Google News
નિએન્ડરથલ : લુપ્ત થયા છે? કે આપણા DNAમાં જીવીત  છે? 1 - image

- ફયુચર સાયન્સ-કે.આર.ચૌધરી

આ જથી લગભગ ૪૦,૦૦૦ વર્ષ પહેલાં નિએન્ડરથલ માનવ પ્રજાતિનું અસ્તિત્વ પૃથ્વી પરથી અદ્રશ્ય થઈ ગયું હતું. શું તેઓ ખરેખર લુપ્ત થયા હતા?  વિજ્ઞાન જગતમાં આ પ્રશ્ન દાયકાઓથી ચર્ચાનો વિષય રહ્યો છે. વર્ષો સુધી વિજ્ઞાનીઓએ નિએન્ડરથલોના અદ્રશ્ય થવા પાછળ અનેક નાટકીય કારણો રજૂ કર્યા હતા. કેટલાકે આબોહવામાં આવેલા વિનાશકારી ફેરફારોને જવાબદાર ઠેરવ્યા, તો કેટલાકે હોમોસેપિયન્સ સાથેના હિંસક સંઘર્ષની વાત કરી.  કોઈ કે રોગચાળાથી લઈને સંસાધનો માટેની સ્પર્ધા સુધીના અનેક સિદ્ધાંતો રજૂ થયા. પરંતુ હવે ઇટાલી અને સ્વિટ્ઝર્લેન્ડના સંશોધકોએ એક ક્રાંતિકારી અભૂતપૂર્વ સંશોધન પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક જર્નલ 'સાયન્ટિફિક રિપોર્ટ્સ'માં પ્રકાશિત કર્યું છે. જે અનોખો દ્રષ્ટિકોણ રજૂ કરે છે : પરંપરાગત અર્થમાં નિએન્ડરથલ  માનવ પ્રજાતિ લુપ્ત થઈ નથી, પરંતુ ધીમે ધીમે હોમો સેપિયન્સની વસ્તીમાં સમાઈ  ગઈ છે.  વિજ્ઞાનની ભાષામાં  આ પ્રક્રિયાને 'આનુવંશિક આત્મસાત્કરણ' અથવા 'જીનેટિક એસિમિલેશન' તરીકે  ઓળખવામાં આવે છે. પરંતુ આ આનુવંશિક આત્મસાત્કરણની સંકલ્પના પાછળની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ શું છે? નિએન્ડરથલો કોણ હતા અને તેઓ આપણા પૂર્વજો હોમો સેપિયન્સને ક્યાં અને ક્યારે મળ્યા હતા?

બે માનવ પ્રજાતિઓની મિલનથી શું બન્યું?

પ્રખ્યાત માનવવિજ્ઞાની અને લેખક યુવાલ નોહ હરારી તેમના પુસ્તક 'સેપિયન્સ : અ બ્રીફ હિસ્ટરી આફ હ્યુમનકાઇન્ડ'માં સ્પષ્ટ કહે છે કે 'હોમો સેપિયન્સ અને નિએન્ડરથલ હજારો વર્ષો સુધી સમાન સમયે અસ્તિત્વમાં રહ્યા હતા. બે પ્રજાતિઓએ લગભગ ૭,૦૦૦ વર્ષ સુધી એકબીજા સાથે સંબંધો બાંધ્યા, ત્યારબાદ  તેમનું અસ્તિત્વ મનુષ્ય પ્રજાતિમાં  ઓગળી જવા લાગ્યું હતું. હવે આ પ્રજાતિના લક્ષણો અલગ રીતે ઓળખી શકાય તેવા રહ્યા ન હતા. જે  મનુષ્ય પ્રજાતિનું વૈજ્ઞાનિક નામ હોમો નિએન્ડરથેલેન્સિસ છે, તે  નિએન્ડરથલો યુરોપ અને પશ્ચિમ એશિયામાં લગભગ ૪ લાખ વર્ષ પહેલાંથી તે ૪૦,૦૦૦ વર્ષ પહેલાં  વસવાટ કરતા હતા. જ્યારે આપણા પૂર્વજો હોમોસેપિયન્સ આફ્રિકામાં વિકસિત થઈ રહ્યા હતા. 

નિએન્ડરથલોના અવશેષો સમગ્ર યુરોપ અને એશિયામાં મળી આવ્યા છે. જે દક્ષિણ સાઇબેરિયા સુધી પહોંચે છે. ત્યાં તેમણે ઓછામાં ઓછા ૪ લાખ વર્ષ સુધી એવા વાતાવરણમાં વિકાસ સાધ્યો હતો. આ લાંબા સમયગાળા દરમિયાન તેઓએ ખાસ શારીરિક લક્ષણો વિકસાવ્યાં, જેમકે  મોટા નાક, મજબૂત બે-કમાનવાળી ભમરની પટ્ટીઓ, અને પ્રમાણમાં ટૂંકુ,  પરંતુ  ચુસ્ત શરીર. આ બધી જ લાક્ષણિકતાઓ ઠંડા વાતાવરણમાં ટકી રહેવા માટે ઉપયોગી સાબિત થઈ હતી. બીજી બાજુ, હોમો સેપિયન્સ આફ્રિકામાં વિકસિત થયા.  

આ બે પ્રજાતિઓ પહેલીવાર લગભગ ૨,૫૦,૦૦૦ વર્ષ પહેલાં એકબીજાને મળી હતી. જ્યારે હોમો સેપિયન્સે આફ્રિકાની બહાર પ્રસંગોપાત પ્રવાસ કરવાનું શરૂ કર્યું. પરંતુ આ પ્રારંભિક છૂટાછવાયા સંપર્કોથી આજના આધુનિક માનવોમાં જોવા મળતા નિએન્ડરથલ જીન્સ  આવ્યા નથી. લગભગ ૫૦,૦૦૦થી ૭૦,૦૦૦ વર્ષ પહેલાં, આપણા ડીએનએમાં  નિએન્ડરથલનું ડીએનએ  ઉમેરાવાની શરૂઆત થઈ હતી. પરંતુ આ સિદ્ધાંતને વિકસાવનાર  વિજ્ઞાનીઓ કોણ છે? આ ક્રાંતિકારી ગાણિતિક મોડેલ કોણે બનાવ્યું છે?

લુપ્ત થવું એટલે શું?

આનુવંશિક વિજ્ઞાની અને પુસ્તક 'નિએન્ડરથલ મેન : ઇન સર્ચ ઑફ લોસ્ટ જીનોમ્સ'ના લેખક સ્વાન્તે પાબો આ પ્રકારના સંશોધનના પાયાના પથ્થર રૂપે ગણાય છે. તેમણે સૌ પ્રથમ નિએન્ડરથલ જીનોમ  સિક્વન્સનું  ભગીરથ કાર્ય કર્યું હતું.  તેમણે શોધી કાઢયું હતું કે આધુનિક માનવોમાં નિએન્ડરથલનું  ડીએનએ છે. આ શોધ માટે તેમને ૨૦૨૨માં નોબેલ પુરસ્કાર મળ્યો હતો. ડૉ. અમાદેઈનું સંશોધન પાબોની શોધ પર આધારિત છે. ગાણિતિક મોડેલ સરળ પરંતુ શક્તિશાળી પ્રશ્ન  પૂછે છે : જો બે માનવ પ્રજાતિઓ સતત સંપર્કમાં રહે, અને જો તે બંનેની વસ્તીના કદમાં મોટો તફાવત હોય તો શું થાય?  આ સંશોધનનો આધાર 'ન્યુટ્રલ સ્પીસીઝ ડ્રિફ્ટ' નામની વૈજ્ઞાનિક સંકલ્પના પર છે. જેનો અર્થ એ છે કે 'કોઈ પ્રજાતિને લુપ્ત થવા માટે જરૂરી નથી કે તે નબળી હોય અથવા ઓછી અનુકૂળ બની શકે તેવી ન  હોય. એક પ્રજાતિની વસ્તી બીજી કરતા ઘણી મોટી હોય, તો નાની વસ્તી આપમેળે જ મોટી વસ્તીમાં સમાઈ જાય છે.  તે  સમયે નિએન્ડરથલની વસ્તી માત્ર થોડા હજાર વ્યક્તિઓની હતી, જ્યારે હોમો સેપિયન્સની વસ્તી તેના કરતા અનેક ગણી વધારે હતી. સંશોધકોએ જનજાતિઓના વાસ્તવિક જન્મદરનો ઉપયોગ કરીને ગણતરી કરી કે '૧૦,૦૦૦થી ૩૦,૦૦૦ વર્ષના સમયગાળામાં લગભગ સંપૂર્ણ આનુવંશિક આત્મસાતકરણ શક્ય હતું.'  

બીજી મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે તે સમજાવે છે કે શા માટે સંવનન સફળ હતું કે નહીં તે ચોક્કસ જોડી પર આધાર રાખે છે. અહીં એક વિચિત્રતા પણ સામે જોવા મળી છે કે - મનુષ્યના માઇટોકોન્ડ્રિયલ ડીએનએમાં નિએન્ડરથલોમાંથી આવતા વારસાગત લક્ષણોનો અભાવ જોવા મળે છે.  આ પુરાવા  સૂચવે છે કે - ઐતિહાસિક  સમયકાળમાં બે પ્રજાતિ વચ્ચેના સમાગમમાં ફક્ત નિએન્ડરથલ પુરુષ અને હોમો સેપિયન્સ સ્ત્રી જ સંવનન કરી શકતા હતા. જોકે કેટલાક પુરાવા એવું પણ દર્શાવે છે કે મનુષ્ય નર સંકર માદાઓ કરતા ઓછી ફળદ્રુપતાં ધરાવતા હોઈ શકે છે.  કેટલીક પ્રજાતિઓ ફક્ત અમુક દિશામાં જ સંતાન ઉત્પન્ન કરવા સક્ષમ હોય છે. જેમાં ક્રોસ બ્રિડીગની શક્યતાઓ વનવે ટ્રાફિક જેવી હોય છે.

આનુવંશિક આત્મસાતકરણ 

આ આનુવંશિક આત્મસાતકરણના સિદ્ધાંત પાછળ ત્રણ અસાધારણ વિજ્ઞાનીઓ છે.  આ સંશોધન ટીમની આગેવાની ડૉ. એન્ડ્રીયા અમાદેઈએ કરી હતી. ડૉ. અમાદેઈની યાત્રા ભલે રસાયણશાસ્ત્રમાં શરૂ થઈ હતી, પરંતુ તેમની રુચિ હંમેશા જૈવિક પ્રણાલીઓને ગાણિતિક મોડેલ દ્વારા સમજવામાં રહી છે. તેમનું સંશોધન કાર્ય મુખ્યત્વે જટિલ બાયોલોજિકલ સિસ્ટમ્સને, સરળ ગાણિતિક સમીકરણો દ્વારા સમજાવવા પર કેન્દ્રિત રહ્યું છે. પ્રોટીનોથી લઈને, હવે વિલુપ્ત થયેલી પ્રજાતિઓના ઇતિહાસ સુધી, તેમની વૈજ્ઞાનિક જિજ્ઞાસા વ્યાપક અર્થ શોધી આપે છે. આ સંશોધનમાં બીજી મહત્વપૂર્ણ ભૂમિકા ડૉ. જિયુલિયા લિને ભજવી છે. જેઓ સ્વિસ ફેડરલ ઇન્સ્ટિટયૂટ આફ એક્વાટિક સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં ઇવોલ્યુશનરી જીનેટિસિસ્ટ છે. ડૉ. લિનનું કાર્ય આનુવંશિક વિવિધતા અને પ્રજાતિઓના વિકાસમાં જીન પ્રવાહની ભૂમિકાને સ્પષ્ટ કરે છે. ડૉ. લિન જળચર પ્રજાતિઓમાં વિકાસલક્ષી પ્રક્રિયાઓનો અભ્યાસ કરે છે. ત્રીજા સહયોગી છે. ડૉ. સિમોન ફેટોરિની, જેઓ ઇટાલીની યુનિવર્સિટી ઑફ લ'એક્વિલામાં ઇકોલોજિસ્ટ છે. ડા. ફેટોરિનીની વિશેષતા વસ્તી ગતિશીલતા અને જૈવવિવિધતાનો  અભ્યાસ છે. તેમનું સંશોધન,  કેવી રીતે નાની વસ્તી મોટી વસ્તી સાથે અથડાય છે? અને શું તેનું પરિણામ આવે છે? તેના પરિણામ આપે છે. ભૂમધ્ય પ્રદેશની દ્વીપ જૈવવિવિધતાનો અભ્યાસ કરતા તેમને સમજાયું કે આ જ સિદ્ધાંતો પ્રાચીન માનવ પ્રજાતિઓના સંદર્ભમાં પણ લાગુ પડે છે.

પ્રખ્યાત પુરાતત્વવિદ અને લેખક બ્રાયન ફેગન તેમના પુસ્તક 'ક્રો-મેગ્નોનથ હાઉ ધ આઇસ એજ ગેવ બર્થ ટુ ધ ફર્સ્ટ મોડર્ન હ્યુમન્સ'માં દર્શાવે છે કે 'હોમો સેપિયન્સ અને નિએન્ડરથલ વચ્ચેનો સંબંધ સરળ નહોતો. પરંતુ તે ચોક્કસપણે લાંબો અને સતત હતો.' ડૉ. અમાદેઈ અને તેમની ટીમનું સંશોધન આ ઐતિહાસિક  હકીકતોને ગાણિતિક અને  વૈજ્ઞાનિક આધાર આપે છે. આ સંશોધન ટીમનું કાર્ય ૨૦૨૩માં જાહેર થયું. પરંતુ તેમનું સંશોધન પત્ર,  તાજેતરમાં 'સાયન્ટિફિક રિપોટર્ર્સ' જર્નલમાં પ્રકાશિત થયું છે.  જે નેચર પબ્લિશિંગ ગુ્રપની એક પ્રતિષ્ઠિત જર્નલ છે.

40,000 વર્ષ જૂનાં રહસ્યનું ભવિષ્ય શું છે?

જો બે પ્રજાતિઓ સંવનન કરી શકે અને સ્વસ્થ સંતાન ઉત્પન્ન કરી શકે, તો શું તેઓ ખરેખર અલગ પ્રજાતિઓ હતા? નિએન્ડરથલોના આનુવંશિક આત્મસાત્કરણનું આ સંશોધન માત્ર ભૂતકાળની એક ઘટના સમજાવવા માટે જ મહત્વપૂર્ણ નથી, પરંતુ તે આપણને માનવ વિકાસ, પ્રજાતિઓના અસ્તિત્વ અને આનુવંશિક વિવિધતા વિશે ઘણું શીખવે છે.  આપણે વિચારીએ છીએ કે જ્યારે કોઈ પ્રજાતિ લુપ્ત થાય છે, ત્યારે તે સંપૂર્ણપણે નાશ પામે છે અને પૃથ્વી પરથી અદ્રશ્ય થઈ જાય છે. પરંતુ નિએન્ડરથલોનો કિસ્સો દર્શાવે છે કે 'લુપ્ત થવું' વધુ જટિલ પ્રક્રિયા હોઈ શકે છે. આ સામૂહિક  વિલુપ્તીકરણમાં એક પ્રજાતિ બીજી પ્રજાતિમાં સમાઈ જઈ શકે છે!  સાથે સાથે  તેમનો આનુવંશિક વારસો, અસ્તિત્વ ધરાવતી પ્રજાતિમાં જીવંત રાખી શકે છે. પ્રખ્યાત વિકાસલક્ષી જીવવિજ્ઞાની અને લેખક રિચર્ડ ડોકિન્સ તેમના પુસ્તક 'ધ સેલ્ફિશ જીન'માં સમજાવે છે કે 'જીન્સ પોતાની નકલ બનાવવા માટે 'સ્વાર્થી' રીતે વર્તે છે. નિએન્ડરથલ જીન્સે આ બરાબર કર્યું - તેઓ હોમો સેપિયન્સમાં પ્રવેશ કરીને પોતાની અસ્તિત્વ જાળવી રાખ્યું, ભલે નિએન્ડરથલ એક અલગ પ્રજાતિ તરીકે અદ્રશ્ય થઈ ગયા. આ 'જીન આઇ વ્યૂ' આપણને સમજાવે છે કે વિકાસ વ્યક્તિઓ કે પ્રજાતિઓ માટે નથી, પરંતુ જીન્સ માટે છે.

આપણે લુપ્ત થતી પ્રજાતિઓનું  રક્ષણ કરવા માટે માત્ર તેમના પર્યાવરણને બચાવવું જરૂરી નથી. જો તેમનો અસ્તિત્વ ટકાવી રાખવું હોય તો, મોટી પ્રજાતિઓ સાથે  તેમનો સમાગમ અને સહનિવાસ પણ અટકાવવો પડશે. નહીતર કાળક્રમે એક નાની પ્રજાતિ, વધુ વસ્તી ધરાવતી મોટી પ્રજાતિમાં પોતાનું અસ્તિત્વ સમર્પિત કરી દેશે. આ સંશોધન આપણને એક મહત્વપૂર્ણ સબક શીખવે છે : અસ્તિત્વ માટે હિંસા કે સ્પર્ધા જરૂરી નથી. નિએન્ડરથલો 'હારી' ગયા નહોતા - તેઓ ભળી ગયા હતા. શું આવનારા સમયમાં આધુનિક માનવો, પણ કોઈ અન્ય પ્રજાતિમાં સમાઈ જશે? જો આપણે કૃત્રિમ બુદ્ધિ અથવા આનુવંશિક ઇજનેરી દ્વારા 'નવા માનવો' બનાવીએ, તો શું આજના માનવો તેમનામાં સમાઈ જશે?